પૈસા ડબલ થાય તો સુખ પણ ડબલ થાય?

રાજ ગોસ્વામી
26-01-2022

અમેરિકામાં ૧૦માંથી ૯ માણસો એવું માને છે કે તેમનો દેશ માનસિક સ્વાસ્થ્યના સંકટમાંથી પસાર થઇ રહ્યો છે. બોસ્ટન સ્થિત સફોલ્ક યુનિવર્સિટી અને પ્રતિષ્ઠિત યુ.એસ. ટુડે સમાચારપત્રએ મળીને કરેલા લેટેસ્ટ સર્વેમાં આ જાણવા મળ્યું છે. અનેક સામાજિક કે રાજકીય મુદ્દાઓ પર કર્કશ રીતે વિભાજીત દેશમાં, ૯૦ ટકા લોકો એકમત વ્યક્ત કરે કે અમેરિકનો ડિપ્રેશન, એન્ગ્ઝાઈટી, સ્ટ્રેસ, એડિકશન અને અન્ય માનસિક બીમારીઓનો શિકાર છે, તો એનો અર્થ એ થયો કે દુનિયાના સૌથી સમૃદ્ધ અને વિકસિત દેશમાં કંઇક ગડબડ છે.

આ સર્વે મર્યાદિત લોકો વચ્ચે હતો, પણ તેનાં તારણો નવાં નથી. ગયા મહિને, અમેરિકાના સર્જન જનરલ વિવેક મૂર્તિએ, 'સંકટ' શબ્દનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે કોરોનાની મહામારી આવી તે પહેલાંથી, દેશનાં બાળકો, કિશોરો અને વયસ્ક યુવાનોમાં હતાશા, ઉદાસી અને આત્મઘાતી વિચારોનો ચિંતાજનક વધારો થયો છે. "છેલ્લા એક દાયકામાં તેમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે અને તેના માટે ઝડપી અને સહિયારા પ્રયાસની જરૂર છે," એમ તેમણે કહ્યું હતું.

વિશ્વ આરોગ્ય સંગઠનનો એક અભ્યાસ પણ કહે છે કે દાયકાઓથી સૌથી સમૃદ્ધ દેશ હોવાનું ગૌરવ ભોગવતો અમેરિકા સૌથી વધુ ડિપ્રેશનવાળો દેશ પણ છે. એમાં ભારત પહેલા નંબરે છે, ચીન બીજા નંબરે છે અને ત્રીજા નંબરે અમેરિકા છે. જો કે, એમાં યાદ રાખવા જેવી બાબત એ છે કે સમૃદ્ધિના મામલે અમેરિકા બંને કરતાં આગળ છે. ભારત અને ચીનમાં તો આર્થિક સિવાયની બીજી સામાજિક-પારિવારિક સમસ્યાઓ ડિપ્રેશનમાં યોગદાન આપે છે, પણ અમેરિકા એક અલગ જ પ્રશ્ન ઊભો કરે છે : આર્થિક સમૃદ્ધિ માનસિક સ્વાસ્થ્યની ગેરંટી છે?

આ પ્રશ્ન આપણા માટે વધુ પ્રાસંગિક છે, કારણ કે આપણે આર્થિક વિકાસનું અમેરિકન મોડેલ અનુસરી રહ્યા છીએ. આપણે એવું માની લીધું છે કે દેશ ત્યારે જ સુખી થાય જ્યારે તેની પાસે આર્થિક તાકાત હોય. એ વાત સાચી કે દેશની પ્રગતિનો મજબૂત સંકેત તેનું જી.ડી.પી. છે, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે એક સીમાથી આગળ, વધુ સમૃદ્ધિ વધુ સુખ ન લાવે.

અમેરિકાની જ પ્રિન્સટન યુનિવર્સિટીનો એક અભ્યાસ કહે છે કે લોકોના રોજીંદા સુખમાં ત્યાં સુધી જ વધારો થતો રહે છે, જ્યાં સુધી તેની આવક ૭૫ હજાર ડોલર સુધી પહોંચે, તે પછી તેની વૃદ્ધિ અટકી જાય છે. આ અભ્યાસ મુજબ, ૧ લાખ ડોલર કમાતી વ્યક્તિનું સુખ ૭૫ હજાર ડોલર કમાતી વ્યક્તિ કરતાં વધુ નથી હોતું.

પૈસો સુખ જરૂર લાવે છે, પણ એક સીમા સુધી જ. વધુ પૈસો વધુ સુખ ના આપે. તમે એક ચોક્કસ પ્રકારની લાઈફ સ્ટાઇલ જીવવા સક્ષમ થઈ જાવ અને તમારી બુનિયાદી જરૂરિયાતો સંતોષાતી હોય, તે પછી વધારાના પૈસા તે સુખમાં વધારો ના કરે. સુખનો અહેસાસ જરૂરિયાતો સંતોષવા પૂરતો જ હોય છે. એટલા માટે લખપતિમાંથી કરોડપતિ બનેલા માણસનું સુખ 50,000ની નોકરીમાં જીવતા માણસ કરતાં બેવડાઈ ના જાય.

તમે અમેરિકન પોપ સ્ટાર માઈકલ જેક્શનનું નામ સાંભળ્યું હશે. માઈકલ જેક્શન અમેરિકન સમૃદ્ધિ અને સંસ્કૃતિનું પ્રતીક છે. ૨૦૦૯માં તેનું અવસાન થયું ત્યારે તેની નેટ વર્થ ૫૦ કરોડ અમેરિકન ડોલરની હતી. ૧૯૫૮માં, તે એક મજદૂર અશ્વેત પરિવારમાં જન્મ્યો હતો, પરંતુ વિટિલિગો નામની ચામડીની બીમારીના કારણે તે શ્વેત થઇ ગયો હતો. એ ચામડીને તડકાથી બચાવવા માટે તે મેક-અપ અને સ્કીન-ક્રીમ લગાવતો હતો.

તેના માથામાં અને પીઠમાં ઈજા થઇ હોવાથી તે આજીવન પેઈનકિલર દવા પર રહેતો હતો. માઈકલને મૃત્યુનો ડર લાગતો હતો. તેને ૧૫૦ વર્ષ જીવવું હતું. તે પોતાને જે.એમ. બેરીના કાલ્પનિક પાત્ર પીટર પાન જેવો ગણતો હતો, જે ક્યારે ય મોટો થતો ન હતો. મોત અને રોગને હાથતાળી આપવા માટે તેણે શક્ય હોય તેટલી ગોઠવણ કરી રાખી હતી. તે કોઈને હાથ મિલાવતી વખતે પણ ગ્લોવ્સ પહેરતો હતો.

પગના નખથી લઈને માથાના વાળ સુધી શરીરનું રોજે રોજ ધ્યાન રાખવા માટે તેણે એકાદ ડઝન ડોકટરોની એક ફૌજ રાખી હતી. તેનો ખોરાક લેબોરેટરીમાં ટેસ્ટ થઈને તેના ટેબલ પર આવતો હતો.

શરીરને ચુસ્ત રાખવા માટે તેની આસપાસ ૧૫ ટ્રેઈનરો રહેતા હતા. તે રોજ રાતે ઓક્સિજન-બેડ પર સુઈ જતો હતો. બેડની ટેકનોલોજી આખી રાત તેના ઓક્સિજન સ્તરને સતત નિયંત્રિત કરતી હતી. તે નિયમિતપણે એવા લોકોને પૈસા દાનમાં આપતો હતો, જેઓ તેને કોઈ ઈમરજન્સી આવી પડે તો કીડની, ફેફસાં, આંખો વગેરે દાનમાં આપી શકે.

તેણે તેના નાક પર વે વખત સર્જરી કરાવી હતી. તેની આત્મકથા ‘મૂનવોક’માં જેક્શને લખ્યું છે કે તેણે ગાલમાં નકલી ખંજન પડાવ્યાં હતાં. એ સિવાય, કપાળ, ગાલનાં હાડકાં અને હોઠ પર પણ તેણે સર્જરી કરાવી હતી. મૃત્યુના સમયે, ડોકટરોએ તેની ચામડીને યુવાન રાખવા માટે બુટોક્સનાં ઈન્જેકશન આપેલાં હતાં.

જે માણસ સાથે ડોકટર ન હોય તો ઘરની બહાર પગ મુકતો ન હતો, તેનું હૃદય ૨૫મી જૂન ૨૦૦૯ના રોજ અટકી ગયું. તે વખતે તેની ઉમર માત્ર ૫૦ વર્ષની હતી. આજુબાજુમાં ડઝન ડોકટરો હતા, પણ તેના કાર્ડિયાક એરેસ્ટને રોકી ન શક્યા. ૨૫ લાખ લોકોએ માઈકલ જેક્શનની અંતિમ વિદાય ટી.વી. પર જોઈ હતી.

છેલ્લાં ૨૫ વર્ષમાં તેણે ડોકટરોને પૂછ્યા વગર કશું ખાધું ન હતું, પણ એના મોત પછી તેના લોહીમાંથી પ્રોપોફોલ અને બેન્ઝોડાયેઝેપાઈન નામની દવાનો હેવી ડોઝ મળી આવ્યો હતો. એ છેલ્લા ૬૦ દિવસથી ઊંઘ્યો ન હતો, અને તેના ડોકટર કોર્નાડ મૂરીએ તેને પ્રોપોફોલનાં ઇન્જેક્શન આપ્યાં હતાં, જે ચેતના અને સ્મૃતિને મંદ કરી નાખવાની દવા છે. બેન્ઝોડાયેઝેપાઈન એન્ટી-ડિપ્રેશન્ટ દવા હતી, જે ઊંઘ લાવી દે. એ ઉપરાંત, તેના શરીરમાં એન્ગ્ઝીઓલીટિક, મિડાઝોલમ, ડાઈઝેપામ, લિડોકેઈન અને ઇફીડ્રીન નામની દવાઓના અંશ પણ હતા. માઈકલ જેક્શન કદાચ પહેલો માણસ હતો જે બે મહિના સુધી સૂતો ન હતો.

તેની ઓટોપ્સી વખતે, તેનું શરીર હાડપીંજર બની ગયું હતું, માથામાં વાળ ઉતરી ગયા હતા, હાંસડીનાં હાડકાં તૂટેલાં હતાં અને આખા શરીરમાં ૨૦ જેટલાં ઈન્જેકશનનાં કાણા હતાં.

પ્રશ્ન એ છે કે એક વ્યક્તિ કે એક દેશ, સમૃદ્ધિથી કેટલો સુખી થઇ શકે?

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 23 જાન્યુઆરી 2022

સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Category :- Opinion / Opinion