લૂઝ કનેક્શન શ્રેણી (21)

સુમન શાહ
26-01-2022

આ શ્રેણીમાં મેં અસ્તિત્વવાદની ભૂમિકાએ માનવસમ્બન્ધો વિશે, સવિશેષે જાતીય સમ્બન્ધ વિશે - સૅક્સ્યુઅલ રીલેશનશિપ વિશે - એક વિસ્તૃત ચર્ચા શરૂ કરી છે.

આ એમાં બીજો લેખ છે : નૉસિયા :

સાર્ત્રનો અસ્તિત્વવાદ તો મને એમની નવલકથા ‘નૉસિયા’-થી સમજાતો થયેલો.

એના નાયક ઍન્તવઁ રૉકિન્તવાઁની સૅક્સ-લાઇફમાં લવ નથી. પ્રેમ વગરની જાતીયતાએ એને એક વસ્તુમાં - ઑબ્જેક્ટમાં - ફેરવી નાખ્યો છે. એને થાય છે કે - મારું કે માણસમાત્રનું જીવન ઍબ્સર્ડ છે, અસંગત. અને સૅક્સ અસંગતની એ લાગણીને ભૂલવા માટેની એક રીતમાત્ર છે. એ થાકી જાય છે. એને કંટાળાનો - બોરડમનો - અનુભવ થાય છે.

રૉકિન્તવાઁ અનુભવે છે કે પોતે એક ન-કામી ચીજ છે; દુનિયાને એની કોઇ જરૂર નથી. પોતે એવી દુનિયામાં જીવે છે, જેમાં ‘ઉબક’ તો પહેલેથી ભરી પડી છે. એ પોતાની ઉબકનું એક કારણ બતાવે છે, કન્ટિન્જેન્સિ. એટલે કે, અકળ ભવિતવ્ય. એનાથી એના જીવનના એકપણ સંભવિતની આગાહી કરી શકાતી નથી. એને થાય છે, લોકો પોતાનાં અસ્તિત્વને બરાબર દેખાડવા માટે જાતજાતના વાઘા ઓઢાળે છે, પણ આ અકળ ભવિતવ્ય એમ જ રહે છે. રૉકિન્તવાઁને પોતાનું અસ્તિત્વ કારણ વગરનું અનુભવાય છે.

લગભગ હરેક મનુષ્યજીવને ઓછામાં ઓછું એક વાર તો આવા ઉબકની લાગણી થાય જ છે. યાદ કરીએ તો આજુબાજુનાંઓએ આપણને ચીતરી ચડે એવો વ્યાવહારિક ગંદવાડ સરજ્યો હોય, આપણને ઉબકા આવે એવાં માનવીય હાલાકી અને દુર્દશાનાં દૃશ્યો સરજ્યાં હોય, એક પછી એક એવા ઘણા પ્રસંગો યાદ આવતા હોય.

જો કે ‘ઉબક’ અહીં ઘણી ઊંડી આધ્યાત્મિક લાગણીનું નામ પણ છે - જીવનમાં સંતાયેલું કુત્સિત, જુગુપ્સક …

જાતીય-જીવનમાં શું પુરુષે કે શું સ્ત્રીએ વસ્તુ બનીને જીવવાનું થાય એ સ્થતિ ગૂંગળાવનારી છે. એથી જીવન અકારું થઈ પડે, ઉબક થાય. નવલકથા સૂચવે છે કે એમાં ચૈતન્યનો હ્રાસ છે. ચેતનાએ નિરન્તર ચેતતા રહેવાનું કે પોતાનું વસ્તુમાં રૂપાન્તર તો નથી થઈ રહ્યું ને … આ મોટી કરુણતા છે.

એ કરુણતાનું કારણ બૅડફેઇથ છે - વંચના - આત્મવંચના - આત્મપ્રતારણા.

એ વિશે વિસ્તારથી વાત કરું એ પહેલાં સાર્ત્રે પ્રયોજેલાં કેટલાંક પદને કે વિભાવનોને સમજી લઈએ :

૧ :

બીઇન્ગ :

બીઇન્ગ એટલે ટુ / બી / ઇન્ગ - હોવું / હોવાપણું. જે હોય છે, તે. સત. ચેતના. આ ચેતના પોતે જે નથી તે સૂચવે છે તેથી તેનું હોવું એક પ્રશ્ન છે. તેને તે છે, એમ કરવી પડે છે, અર્થવતી કરવી પડે છે.

૨:

બીઇન્ગ ફૉર-ઇટસૅલ્ફ :

બીઇન્ગ-ફૉર-ઇટસૅલ્ફ, pour-soi. એ સભાન છે, એને જાણ છે કે પોતાને શેની જાણ છે, એ ચેતનાને વિશેની ચેતના છે. એ ખરું, પણ એની મુસીબત એ છે કે એ જાણ કે એ જ્ઞાન નક્કી નથી કેમ કે વ્યાખ્યાયિત નથી; સમ્પૂર્ણ નથી, અપૂર્ણ છે; અન્તિમ નથી, અવિરત છે. એ પોતાને જાણે છે પણ નથી પણ જાણતું.

સરળતા ખાતર બીઈન્ગ-ફૉર-ઇટસેલ્ફને કહી શકાય, ‘આત્મ’ કે ‘subject’, એટલે કે ‘હું’.

૩ :

બીઇન્ગ ઇન-ઇટસૅલ્ફ :

સાર્ત્રે બીઇન્ગના, સતના, સ્વરૂપને સરસ વાચા આપી છે. એમણે કહ્યું કે એ છે અભાન સત, en-soi, બીઇન્ગ-ઇન-ઇટસૅલ્ફ. એ નક્કર છે, મૂર્ત છે, સ્પર્શ્ય છે. એ બદલાતું નથી કેમ કે એનામાં બદલાવાની કોઇ તાકાત કે ક્ષમતા જ નથી. કજા કે મજા એ છે કે આ હકીકતની એને જાણ નથી ! પોતે પોતામાં છે, બસ !

સરળતા ખાતર ‘બીઈન્ગ-ઇન-ઇટસેલ્ફ’-ને કહી શકાય, ‘વસ્તુ’ કે ‘object’ એટલે કે ‘તે’.

૪ :

નથિન્ગનેસ :

પ્રશ્ન તો એ છે કે બીઇન્ગ અને નથિન્ગનેસ વચ્ચે શી ભાંજગડ છે.

નથિન્ગનેસ એટલે અસ્તિની અનુપસ્થિતિ, એનું અન્ત તરફનું ગમન, એનું શૂન્યત્વપ્રયાણ. નથિન્ગનેસ એક દાર્શનિક સમજ છે.

ભારતીય તેમ જ બીજી સંસ્કૃતિઓમાં કહેવાયું છે કે ઈશ્વરે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું - ધ યુનિવર્સ ઍક્સ નિહિલો. કશાયનું અસ્તિત્વ ન હોય એવી એક સામાન્ય અવસ્થા તે શૂન્ય અને તેમાં યે, શૂન્યત્વ. કહેવાયું છે કે શૂન્યત્વનો રંગ કાળો છે. એ એક એવું પરિમાણ છે જેમાં થઈને વસ્તુઓ આવે છે, જાય છે; ન-અસ્તિત્વ અને પુન:અસ્તિત્વનું સહિયારું ક્ષેત્ર.

સાર્ત્ર અનુસાર, શૂન્યત્વ એક એવો નકાર છે જે આપણા ખરા અસ્તિત્વને અને આપણી ઓળખને છૂટાં પાડી દે છે. અને તદનુસાર પછી આપણે જીવવા માંડીએ છીએ.

શૂન્યત્વ ફૉર-ઇટસૅલ્ફની વ્યાખ્યા કરી આપે છે. એક વૃક્ષ વૃક્ષ જ હોય છે, રહે છે પણ વૃક્ષ, કેમ કે એની પાસે પોતાને બદલવા માટેનું સામર્થ્ય નથી હોતું. જ્યારે મનુષ્ય આ દુનિયામાં પોતાનાં કાર્યો વડે જાતને બદલી શકે છે. વ્યક્તિ શિક્ષક પ્રોફેસર પ્રધાન વકીલ કે પછી ચોર ડાકુ કે દાણચોર બની શકે છે.

હવે પછી, બૅડ ફેઇથ વિશે. કેમ કે એ જ લૂઝ કનેક્શન્સનું મહત્ કારણ છે …

= = =

(January 25, 2022:  Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Category :- Opinion / Opinion