કદી સાંભળી-વાંચી છે આ વિવેકાનંદવાણી ?

ચંદુ મહેરિયા
25-01-2022

માત્ર ઓગણચાળીસ વરસની આવરદા ધરાવતા સ્વામી વિવેકાનંદ(૧૮૬૩-૧૯૦૨)ના જન્મને લગભગ એકસો સાઠ અને દેહવિલયને એકસો વીસ વરસો થયાં, છતાં તેઓના ઘણા વિચારો આજે ય પ્રસ્તુત છે. ત્રીસ વરસની ઉંમરે અમેરિકાના શિકાગોમાં યોજાયેલા વિશ્વ ધર્મ સંમેલનમાં આપેલા વ્યાખ્યાનથી તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચ્યું હતું. વિવેકાનંદની ઓળખ એક એવા ભારતીય આધ્યાત્મિક ગુરુની રહી છે, જેમણે દુનિયાને વેદાંત અને હિંદુ દર્શનનો પરિચય કરાવ્યો હતો. જો કે રાજકીય હિંદુત્વને વરેલા દેશના જમણેરી બળો તેમની પસંદગીના વિવેકાનંદને રજૂ કરીને પ્રખર સામાજિક ચેતના ધરાવતા સમાજવિજ્ઞાની સન્યાસી વિવેકાનંદને ઢાંકી રાખે છે.

વિવેકાનંદ દેશદેશાવરના યુવાનોના ઓલટાઈમ ફેવરિટ હીરો છે. યુવાનોને તેમણે કરેલું આહ્વાન ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ પોપટપાઠની જેમ રટવામાં આવે છે, પણ વિવેકાનંદે યુવાનોને ક્યા ધ્યેય માટે મંડ્યા રહેવાનું કહ્યું હતું તે સગવડપૂર્વક ભૂલાવી દેવાયું છે. અનેક મહાપુરુષોની એ નિયતિ રહી છે કે તેમનાં પૂતળાં પૂજાય છે, પણ તેમનાં પુસ્તકો વંચાતાં નથી ! વિવેકાનંદનાં વ્યાખ્યાનો, વિમર્શ અને લેખન નવ ખંડોમાં પ્રકાશિત થયા છે. ઉપરાંત લઘુ પુસ્તિકાઓના રૂપમાં પણ વિવેકાનંદના વિચારો ઉપલબ્ધ છે. ગુજરાતી સહિત ઘણી ભારતીય ભાષાઓમાં તેમની ’કાસ્ટ, કલ્ચર અને સોશ્યાલિઝમ’ પુસ્તિકા પ્રકાશિત છે. તેમાં વ્યક્ત વિચારોથી જમણેરી વિચારપરંપરાના પૂર્વજ તરીકે ચિતરાયેલા કરતાં જુદા વિવેકાનંદ આપણી સમક્ષ ખડા થાય છે.

હિંદુ ધર્મની ખૂબીઓ અને ખામીઓથી વિવેકાનંદ બરાબર પરિચિત હતા અને તેને દુનિયા સમક્ષ રજૂ પણ કરતા હતા. પાખંડ અને કર્મકાંડ વિરોધી હિંદુત્વમાં તેઓ માનતા હતા. જન્મ નહીં પણ કર્મ આધારિત વર્ણવ્યવસ્થાના તેઓ સમર્થક હતા .જ્ઞાતિપ્રથાના વિરોધી નહોતા, પણ તેના દૂષણો પર નિર્મમતાથી પ્રહારો કરતા હતા. ‘હું એ ઈશ્વરનો ઉપાસક છું જેને અજ્ઞાની લોકો મનુષ્ય કહે છે’, એમ કહેનાર આ મહાપુરુષ પુરોહિતવાદના પ્રખર વિરોધી હતા.

કુલીન બંગાળી કાયસ્થ પરિવારના આ યુવાને માંડ ચોવીસ વરસની વયે સંન્યસ્ત ગ્રહ્યો ત્યારે સમાજસુધારાને વરેલા એક બંગ સામયિકમાં શૂદ્રને સન્યાસી થવાનો અધિકાર ન હોવાનું લખવામાં આવ્યું હતું. ‘જ્ઞાતિ, સંસ્કૃતિ અને સમાજવાદ’માં તેનો જવાબ આપતાં વિવેકાનંદે પોતાને શૂદ્ર કહ્યા તેથી જરા ય માઠું નહીં લાગ્યાનું જણાવીને તેમની આવી ઓળખને, ‘તેમના પૂર્વજોએ ગરીબો પર આચરેલા જુલમનું આંશિક પ્રાયશ્ચિત’ ગણાવી હતી. શૂદ્ર જ નહીં પોતે જો જ્ઞાતિવ્યવસ્થાના તળિયે મનાતા સફાઈ કામદાર હોત તો વધુ રાજી થાત એમ જણાવીને તેમણે પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસનો એક પ્રસંગ ટાંક્યો છે. બ્રાહ્મણ શ્રેષ્ઠ રામકૃષ્ણ પરમહંસ સફાઈ કામદારના ઘરે સફાઈ કરવા તૈયાર થયા હતા. સફાઈ કામદાર તે માટે રાજી નહોતો એટલે પરમહંસ અડધી રાત્રે ઊઠીને સફાઈ કામદારના ભાગની મળ સફાઈ કરી આવ્યા હતા. આ પ્રસંગના અંતે સ્વામીજી લખે છે, ‘આચરણની કિંમત સિદ્ધાંતોના મણના મણ કરતાં વધુ છે.’ અહીં આપણને ગાંધીજીની માફક સમાજના આઘામાં આઘા અને પાછામાં પાછામાં પોતાની ગણતરી થાય તેની અને અધોળ આચરણની ખેવના રાખતા વિવેકાનંદના દર્શન થાય છે.

જ્ઞાતિપ્રથાને તેમણે ‘વેદાંત ધર્મની વિરોધી’ અને ‘ભારતની રાજકીય સંસ્થાઓના બહાર નીકળેલા ફણગા’ જેવી ગણાવીને આ બાબતે પ્રવર્તતા પાખંડ અંગે લખ્યું છે કે, ‘ચોર, દારૂડિયા અને ગુનેગારો આપણા જ્ઞાતિબંધુ હોઈ શકે છે. પરંતુ જો એક ભલો અને ખાનદાન માણસ પોતાના કરતાં કથિત હલકી જ્ઞાતિની પણ પોતાના જેટલી જ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે ભોજન લે તો તેને હંમેશને માટે જ્ઞાતિ બહાર મૂકવામાં આવે છે’. આ સ્થિતિમાં જ્ઞાતિ તૂટે ખરી? વિવેકાનંદનો જવાબ છે કે, ‘કોઈ પણ પ્રકારના ઉપદેશ કરતાં યુરોપ સાથેના વેપારની સ્પર્ધાએ જ્ઞાતિપ્રથાને વધારે તોડી છે.’

રાજનીતિથી વિરક્ત રહેલા વિવેકાનંદ તત્કાલીન સમાજના સવાલોથી જરા ય આઘા રહ્યા નહોતા. એટલે એ જ્યારે લખે કે, ‘ખેડે એક જણ, રક્ષણ કરે બીજો, એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય ત્રીજો અને ખરીદે ચોથો. આમાં ખેડનારાના ભાગે લગભગ કાંઈ જ ન રહેતું. રક્ષણ કરનારો રાજા અને માલ પહોંચાડનાર વેપારી કાંઈ જ પેદા ન કરવા છતાં વધુમાં વધુ અને સારામાં સારો હિસ્સો પડાવી જતા અને કિસાનની કાળી મજૂરીનાં ફળ ખાઈ જઈને તાજામાજા થઈ જતા’. ત્યારે તેમાં હાલમાં સમાપ્ત થયેલા કિસાન આંદોલનનું દર્દ દેખાય છે.

ધર્મ પરિવર્તન વિરોધી કાયદા અને ધર્માંતરિતોની ઘરવાપસીના વર્તમાન માહોલમાં વિવેકાનંદના વિચારો આજે આકરા લાગે તેવા છે. તેઓ કહે છે, ‘એમ વિચારવું એ નર્યું ગાંડપણ છે કે તલવાર અને જોર જુલમથી હિંદુઓને ઈસ્લામ કબૂલાવ્યો છે. સત્ય તો એ છે કે જે લોકોએ ઈસ્લામ અપનાવ્યો તેઓ વાસ્તવમા જમીનદારો અને પુરોહિતોની ગુલામીમાંથી મુક્ત થવા માંગતા હતા. ભારતમાં મુસ્લિમ વિજયે શોષિત, દમિત અને ગરીબ લોકોને આઝાદીનો અહેસાસ કરાવ્યો હતો. એટલે દેશની વસ્તીનો પાંચમો ભાગ ધર્મ બદલીને મુસલમાન થઈ ગયો હતો.’

દેશભક્તિની આજકાલ બહુ દુહાઈ દેવાય છે અને તે જ જાણે કે ભારતીય નાગરિકની કસોટી બની રહી છે. પણ વિવેકાનંદને મન દેશભક્તિ એટલે ‘હ્રદયની ભાવના’. તેઓ આપણને સવાલ કરે છે કે ‘એ જોઈને તમારા હ્રદયમાં ક્યો ભાવ જન્મે છે કે ન જાણે કેટલા સમયથી દેવો અને ઋષિઓના વંશજો પશુઓ જેવું જીવન કેમ જીવે છે? દેશ પર છવાયેલા અજ્ઞાનનો અંધકાર ખરેખર તમને બેચેન કરે છે?’ અને વાતનો બંધ વાળતાં કહે છે : ‘આવી બેચેની જ તમારી દેશભક્તિનું પ્રથમ અને ખરું પ્રમાણ છે.’

માનવસેવા, પ્રેમ અને કરુણાને વરેલા હિંદુ ધર્મના વિવેકાનંદ ઉપાસક હતા. પાડોશી ભૂખે મરતો હોય ત્યારે મંદિરોમાં ચઢાવાતા ભોગને તે પુણ્ય નહીં પાપ ગણતા હતા. મનુષ્ય શરીરે દુર્બળ અને ક્ષીણ હોય તો હવનમાં હોમાતા ઘીને તેઓ અમાનવીય લેખતા હતા. મંદિરોમાં વિરાજમાન દેવીદેવતાઓની પ્રતિમાઓના સ્થાને દેશના ૩૩ કરોડ ભૂખ્યા, દરિદ્ર અને કુપોષિતોને સ્થાપવાની વાત કરનાર વિવેકાનંદ ખરા સમાજવાદી હતા. સ્વપ્નદૃષ્ટા અને આર્ષદૃષ્ટા વિવેકાનંદના દિલોદિમાગમાં પોતાનાં સપનાંના ભારતની સ્પષ્ટ રૂપરેખા હતી. તેમણે લખ્યું છે, ‘અરાજકતા અને કલહ વચ્ચે મારા મનમાં સંપૂર્ણ સાબૂત ભારતની એક એવી તસવીર ઉભરે છે જે શાનદાર અને અદ્વિતીય છે. તેમાં વૈદિક દિમાગ અને ઈસ્લામિક શરીર હશે.’ અહીં વિવેકાનંદને મન ઈસ્લામિક શરીર અર્થાત્‌ ધર્મ, સંપ્રદાય અને જ્ઞાતિમુક્ત સમાજ હશે?

વિવેકાનંદની આ વિરલ વાણી દેશના અબાલવૃદ્ધ સૌએ ન માત્ર વાંચવા-સાંભળવા જેવી, કાળજે ધરવા જેવી છે.

(તા.૧૨.૦૧.૨૦૨૨)

e.mail : [email protected]

Category :- Opinion / Opinion