વીંધાતી વાંસળી ..

દેવીકા ધ્રુવ
25-01-2022

કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર વીંધાઈ હશે!


બોર મીઠાં ચૂંટવાને શબરીની આંગળી, કાંટે તો કેવી ટીચાઈ હશે!વેદના, સંવેદના, વ્યથા ને ચિંતા,
આફત,અડચણ તકલીફ ને પીડા,
લાગણીની સઘળી આ ફૂંક ને ચૂંક

રૂપાળા વિશ્વમાં વિષમતા આવી, સર્વત્ર શાને લીંપાઈ હશે ?!!!


કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર એ વીંધાઈ હશે!


પથરો, કોલસો, હીરો કે કાંકરો
તાંબું, સોનું, રૂપું કે રત્નો
ઘસાય, તપાય, કેવાં તે કષ્ટો,

અત્તર થઈ મહેકવા, જાતને જાળવતી પાંદડી પણ કેટલી પીસાઈ હશે!


કાનાના હોઠ સુધી પહોંચવાને વાંસળી, કેટલીયે વાર વીંધાઈ હશે!

e.mail : [email protected]

Category :- Opinion / Opinion