અકાદમીની સ્વાયત્તતા પરિષદની જવાબદારી કઈ રીતે છે?

રવીન્દ્ર પારેખ
24-01-2022

ગુજરાતી સાહિત્ય પરિષદ રણજિતરામ વાવાભાઈએ 1905માં સ્થાપી. એ વાતને 116 વર્ષ થયાં. ત્યારે સંસ્થાનું પોતાનું મકાન ન હતું, આજે નદી કિનારે તેનું પોતીકું મકાન છે. ગોવર્ધનરામથી ગાંધીજી, મુનશીથી ઉમાશંકર અને રઘુવીરથી સિતાંશુ સુધીના અનેક સર્જકો, તેનું પ્રમુખપદ શોભાવી ચૂક્યા છે ને હાલ પ્રકાશ ન. શાહ તેના પ્રમુખ છે. બીજી તરફ 1981માં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ ને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જેવી ભાષાના સંવર્ધનનું કામ કરતી થઈ. દર્શક, ભોળાભાઈ પટેલ જેવા અકાદમીના પ્રમુખ રહી ચૂક્યા હતા, એટલું જ નહીં, તેઓ પરિષદના પ્રમુખ તરીકે પણ કાર્યભાર સંભાળી ચૂક્યા હતા. એ પરથી ખ્યાલ આવશે કે પરિષદ અને અકાદમી સાથે મળીને ગુજરાતી ભાષા માટે કામ કરી રહી હતી. પછી કૈંક એવું થયું કે આ બંને સાહિત્યિક સંસ્થાઓ વચ્ચે ખટરાગ ઊભો થયો.

અકાદમીની, વિકિપીડિયામાં એવી નોંધ છે કે અકાદમી સ્વાયત્ત સંસ્થા છે, જે તેનાં બંધારણ અનુસાર સામાન્ય સભાના 41 સભ્યોની મતદાન પ્રક્રિયા દ્વારા પોતાનો અધ્યક્ષ ચૂંટી શકે છે, પણ 2003થી 2015 દરમિયાન ચૂંટણી પ્રક્રિયા સરકાર દ્વારા થવી જોઈતી હતી તે ન થઈ, એટલે અકાદમીનું અધ્યક્ષનું પદ ખાલી રહ્યું. બાર વર્ષ અકાદમી અધ્યક્ષ વગર ચાલી. એ દરમિયાન પરિષદ પોતાની રીતે કામ કરતી રહી, પણ અકાદમીની સ્વાયત્તતા અંગે તે ચિંતિત ઓછી જ રહી. આ પરિષદ પ્રમુખને આભારી હતું. કોઈ પ્રમુખની અકાદમી તરફ નજર જતી તો સ્વાયત્તતાની યાદ આવતી ને નહીં તો વાત વિસારે પણ પડતી. આ ગાળામાં અકાદમીનો કારભાર પ્રભારી મહામાત્ર તેમ જ મંત્રાલય દ્વારા ચાલતો હતો, પણ એપ્રિલ 2015માં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ચૂંટણી પ્રક્રિયા વગર જ નિવૃત્ત સનદી અધિકારી તથા લેખક ભાગ્યેશ ઝાને અકાદમીના અધ્યક્ષ તરીકે મૂકી દેવામાં આવ્યા. આ ખોટું થયું. જો વિધાનસભાની, કોર્પોરેશનની, પંચાયતની ચૂંટણી લોકશાહીમાં અનિવાર્ય હોય, અરે, ખાનગી સંસ્થાઓના પ્રમુખ-મંત્રીઓ પણ ચૂંટાઈને આવતા હોય તો, સરકાર અકાદમીનો પ્રમુખ ઉપરથી ઠોકી બેસાડે તે તો ચાલે જ કેમ? આ વાતે ગુજરાતી સાહિત્ય પરિષદને વાંધો પડ્યો. પરિષદ અને બીજા લેખકો વડે આંદોલન ચલાવવામાં આવ્યું. અકાદમીની પ્રવૃત્તિઓનો બહિષ્કાર કરાયો. કેટલાક લેખકોએ અકાદમીના પુરસ્કાર પરત કર્યા, ધીરુ પરીખ અને અન્ય લેખકોએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી, પણ સરકારનું રૂંવાડું ફરક્યું નહીં ને ઝાનો કાર્યકાળ પૂરો થતાં નવા પ્રમુખ વિષ્ણુ પંડયા ધરાર મૂકાયા. અત્યારે 2022 ચાલે છે, પણ અકાદમીના પ્રમુખ 2003થી નથી એ બાબતનું ધ્યાન નારાયણ દેસાઇએ 2007ની આસપાસ, ગાંધીનગર અધિવેશનમાં, પરિષદના અધ્યક્ષ તરીકે ખેંચ્યું હતું. એ પછી ભગવતીકુમાર શર્મા પરિષદના અધ્યક્ષ થયા ને એમના કાર્યકાળ દરમિયાન ભગવતીભાઈ, રઘુવીર ચૌધરી, વિનોદ ભટ્ટ, રવીન્દ્ર પારેખ, જનક નાયક તે વખતના મુખ્ય મંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે રૂબરૂ મળ્યા. તેમણે આશ્વાસન આપ્યું, પણ પરિણામ આવ્યું નહીં. પરિષદનું અધિવેશન ગાંધીનગરમાં યોજાયું ત્યારે મોદી મુખ્ય મંત્રી હતા ને એમને એ વાતે ઓછું આવ્યું હતું કે મુખ્ય મંત્રી તરીકે તો ઠીક, સામાન્ય નાગરિક તરીકે પણ નિમંત્રણ આપવાનો પરિષદે વિવેક દાખવ્યો ન હતો. પરિષદ તેનાં કાર્યક્રમમાં રાજકારણીઓને મંચ આપતી નથી, એ તેની પરંપરા છે, પણ મોદી, મુખ્ય મંત્રી જ ન હતા, કવિ પણ હતા, એટલે આમંત્રણ આપ્યું હોત તો પરિષદ ઝાંખી પડી ન હોત, પણ, આ વાત પરિષદ ભૂલી ગઈ અને મોદીને યાદ રહી એટલે મુખ્ય મંત્રી રહ્યા ત્યાં સુધી તો અકાદમી સ્વાયત્ત ન થાય એ નક્કી હતું. એ પછીના મુખ્ય મંત્રીઓ પણ પરિષદના વ્યવહારથી રાજી ન હતા ને નથી, છતાં અકાદમીની સવાયત્તતા માટે ધીરુ પરીખ, ચંદ્રકાંત ટોપીવાળા, નિરંજન ભગત, સિતાંશુ મહેતા, પ્રકાશ ન. શાહ જેવા પ્રમુખોએ ભરસક પ્રયત્નો કર્યાં, પણ આજ સુધી અકાદમીની સ્વાયત્તતાનું કોકડું ઉકેલાયું નથી.

અકાદમીની સ્વાયત્તતા માટે હાલના પ્રમુખ પ્રકાશ ન. શાહના પ્રયત્નથી અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડયા સાથે એક બેઠક થઈ જેમાં અકાદમીના અધ્યક્ષનો સૂર સ્વાયત્તતા સંદર્ભે એવો હતો કે પરિષદ તરફથી થતાં વિધાનોથી સરકાર નારાજ છે. પરિષદ એ બધું બંધ કરે તો અકાદમી અધ્યક્ષ, મુખ્ય મંત્રીની મુલાકાત માટે સરકારને મનાવી શકે. એ બેઠક પરિષદ માટે હાથકાંડા કાપી આપવા જેવી જ પુરવાર થઈ હોત, પણ તેવું શરતી સમાધાન વાજબી રીતે જ પરિષદને મંજૂર ન હતું. એટલે પ્રશ્ન તો હતો ત્યાં જ છે. એટલું છે કે પરિષદના સ્વાયત્તતાને મુદ્દે થયેલા પ્રયત્નોથી અકાદમીને તો બહુ અસર નથી થઈ, પણ પરિષદે પોતાને ઘણી હાનિ પહોંચાડી છે. અકાદમીનો વિરોધ કરવા જે રીતો અપનાવાઈ તે બૂમરેંગ સાબિત થઈ છે. અકાદમીનો તો કાંગરો ય નથી ખર્યો, પણ પરિષદમાં મતભેદો વધ્યા ને તેની શાંતિ ડહોળાઈ. અકાદમીના અસહકાર માટે તેનાં દ્વારા યોજાતા કાર્યક્રમોનો બહિષ્કાર, તેનાં દ્વારા અપાતા પુરસ્કારોનો અસ્વીકાર, તેનાં મુખપત્રનો નકાર જેવા ઘણા વિરોધ પરિષદે કર્યા, પણ અકાદમીને તેથી કોઈ ફેર પડ્યો નહીં, હા, પરિષદનું વાતાવરણ જરૂર ડહોળાયું.

પરિષદના હોદ્દેદારો ને સભ્યો પરિષદના પગારદાર નોકરો નથી, તેમાંના ઘણાં સાહિત્યિક કે શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે ને એ સંસ્થાઓમાંની ઘણી સંસ્થાઓ અકાદમીની સહાયથી સાહિત્યિક પ્રવૃત્તિઓ ચલાવતી આવી છે. હવે એ સંસ્થાના સભ્યો પરિષદ સાથે સંકળાયા હોય ને પરિષદ અકાદમીનો બહિષ્કાર કરવાનું નક્કી કરે તો પેલી સંસ્થાઓની ગ્રાન્ટ કે અન્ય મદદ અકાદમી અટકાવે એમ બને ને એ સ્થિતિમાં પેલી સાહિત્યિક કે શૈક્ષણિક સંસ્થાએ પોતાનાં કોઈ વાંક વગર દંડાવાનું આવે. વારુ, પરિષદની પોતાની  આર્થિક ક્ષમતા એટલી નહીં જ કે તે પેલી સંસ્થાઓને સહાય કરવાની તૈયારી બતાવી શકે. અરે, અકાદમીની ઘણી મદદ પરિષદે પોતે સ્વીકારી છે. કેટલાં ય જ્ઞાનસત્રો, અધિવેશનોમાં અકાદમીએ મોટી રકમ પરિષદને ફાળવી છે. હવે પરિષદ સાથે સંકળાયેલા એવા સભ્યોની સ્થિતિ ન પરિષદમાં રહી શકે, ન અકાદમીમાં જોડાઈ શકે એવી થઈ. પરિષદે પોતે અનુદાન મેળવ્યું હોય તો સભ્યોને, તે જે સંસ્થામાં હોય તેને અકાદમીનું દાન લેવા તો ના ન પાડી શકે. પરિષદે એ વખતે પોતાનું વલણ બદલવું જોઈતું હતું પણ, તેમ ન થયું. પરિષદના જે સભ્યો અકાદમીના કાર્યક્રમોમાં ગયા કે અકાદમીને તેમણે પોતાને ત્યાં નોતરી તેમને પરિષદ છોડવાનો વારો આવ્યો, કારણ પરિષદનો આગ્રહ રહ્યો કે અકાદમીની સ્વાયત્તતાને મુદ્દે અકાદમીનો ને તેની સહાયનો વિરોધ કરવો. એ જેમને મંજૂર ન હતું, તેમણે પરિષદ છોડવાનો વારો આવ્યો. કેટલાકે પરિષદ સ્વેચ્છાએ છોડી તો કેટલાકને પરાણે પરિષદ છોડાવાઈ. એમાં કેટલાક સારા સર્જકો ને કાર્યકરો પણ હતા.  એને કારણે પરિષદનું તંત્ર ઝાંખું પડ્યું ને પ્રભાવ અકાદમી પર પાડવાનો હતો તેને બદલે પ્રભાવ, પરિષદ પર પડ્યો. પરિષદનાં મક્કમ વલણથી પરિષદમાં મતભેદો વધ્યા.

જાણીતા સર્જક ચિનુ મોદીનાં અવસાન નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠે અન્ય સંસ્થાઓને સાથે લઈને એક જાહેર શોકસભાનું આયોજન કર્યું, તેમાં પરિષદે ન જોડાવાનું નક્કી કર્યું. કેમ? તો કે શોકસભામાં અકાદમીને પણ જોડવામાં આવી છે. આ ઠીક ન હતું. એક વખત અકાદમીએ જ શોકસભાનું આયોજન કેમ ન કર્યું હોય, પરિષદે બધું ભૂલીને શોકસભામાં જોડાઈને મૃત્યુનો મલાજો જાળવવાની જરૂર હતી, જ્યારે આયોજન વિદ્યાપીઠે કર્યું હતું ને બીજી સંસ્થાઓની જેમ પરિષદે એમાં સહજ રીતે જોડાવાનું હતું, પણ એ વિવેક પરિષદ ન દાખવી શકી ને એ મુદ્દે જાહેરમાં ઠીક ઠીક ચર્ચા રહી. આ લખનારે આ વલણમાં સુધારો આવે એ હેતુથી પરિષદની મીટિંગ બોલાવવી પડેલી ને એ વલણમાં સુધારો આવેલો.

પરિષદનું વલણ સામેથી પ્રયત્ન કરીને પ્રશ્ન ઉકેલવાનું ઓછું જ રહ્યું છે. તેની અપેક્ષા એવી છે કે સ્વાયત્તતાને મુદ્દે ચર્ચા માટે સરકાર નિમંત્રણ આપે. ખરેખર તો પરિષદે સરકાર સુધી પહોંચવાનું રહે, સરકારને સમજાવવાની રહે, પણ તેવું ઓછું જ બને છે. સરકાર અહમ્‌ રાખીને ચર્ચા ન કરે તો પરિષદે ચર્ચા માટેનો સમય માંગી સરકાર સાથે મંત્રણા કરવી જોઈએ, પણ તેવું બનતું નથી. સામેથી પ્રયત્ન કર્યા પછી પણ સરકાર ન ગાંઠે તો પરિષદે જાહેરમાં આવીને રાજ્યવ્યાપી આંદોલન ઉપાડવું જોઈએ ને પ્રજાને સાથે લઈને સરકારને અકાદમીની સ્વાયત્તતા માટે ફરજ પાડવી જોઈએ, એને બદલે કોઈ પ્રયત્ન કરે તો તેને અટકાવવામાં આવે છે.

આ લખનારને તે વખતના એક મંત્રી નાનુ વાનાણીનો પરિચય હતો. તેમની સાથે વાત કરીને મુખ્ય મંત્રી સાથેની મુલાકાત ગોઠવી આપવાનું કહ્યું. આ લખનાર અને બીજા ઉપ-પ્રમુખ રાજેન્દ્ર પટેલ એ વાત કરવા ગાંધીનગર નાનુભાઈને મળવા પહોંચ્યા ને મુખ્ય મંત્રી સાથે મુલાકાત ગોઠવી આપવા સંમત કર્યા. આ વાતની ખબર પડી તો તે વખતના પરિષદ પ્રમુખ ચંદ્રકાંત ટોપીવાળાએ રાજેન્દ્ર પટેલને કહ્યું કે આમ મંત્રીને મળવાની જરૂર ન હતી. જરૂર કેમ ન હતી એ આજ સુધી આ લખનારને સમજાયું નથી. સાચી વાત એ છે કે પરિષદ પાસે અકાદમીની સ્વાયત્તતા માટેની કદાચ સ્પષ્ટતાઓ જ ઓછી છે. એને કારણે નથી અકાદમીની સ્વાયત્તતા આવતી કે નથી તો પરિષદના પ્રજાકીય કામોમાં વેગ આવતો. આજે હાલત એ છે કે પરિષદમાં અંદર અંદર મતમતાંતરોનું વાતાવરણ બદલાતું નથી. સંસ્થાની અન્ય શહેરોમાં શાખાઓ ખોલવી, પુસ્તક પ્રકાશન, વ્યાખ્યાનો, ભાષા પ્રચાર-પ્રસાર, લાઇબ્રેરી વિકાસ જેવાં ઘણાં કામો ખોરંભે પડ્યા છે. છ કરોડની ગુજરાતની વસતિ છતાં, પરિષદના સક્રિય આજીવન સભ્યોની સંખ્યા છ હજારની પણ નથી તેનો પરિષદને સંકોચ પણ નથી. અકાદમીનો વિરોધ કરવા આટલી સંખ્યા અપૂરતી છે. અકાદમીની સ્વાયત્તતા લેવા જતાં પરિષદની સ્વાયત્તતા દાવ પર લાગી હોય તેવી સ્થિતિ છે. પરિષદની આર્થિક સ્થિતિ સુધારવા પણ ઘણું કરવાની જરૂર છે. વધુ અનુદાન માટેના પ્રયત્નો કરવાના રહે જ છે. છેલ્લા કેટલા ય સમયથી અકાદમીના એક જ મુદ્દાના કાર્યક્રમ પર પરિષદ અટકી ગઈ છે, એને લીધે પરિષદનો વિકાસ પણ અટક્યો છે. એમાં વેગ આવે એ દિશામાં વિચારાવું જોઈએ. જે ગતિએ અત્યારે કામ ચાલે છે એ પરિષદના ભવિષ્ય સંદર્ભે ચિંતા ઉપજાવનારું છે.

એનો અર્થ એવો નથી કે આ લખનારને અકાદમીની સ્વાયત્તતા અપેક્ષિત નથી. એ 100 ટકા અપેક્ષિત છે.  ઈચ્છીએ કે સરકાર અકાદમીને સ્વાયત્ત કરવાની દિશામાં ગંભીરતાથી વિચારે ને પરિષદ પણ ઘર બાળીને તીરથ કરવાથી બચે ને સાહિત્યિક વિકાસની દિશામાં અગ્રેસર થાય. અસ્તુ !

000

e.mail : [email protected]

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જાન્યુઆરી 2022

Category :- Samantar Gujarat / Samantar