કોરોનાવાઇરસ સિઝન 3: આકરા નિયમો ચાલશે પણ સંપૂર્ણ લૉકડાઉન નહીં પોસાય

ચિરંતના ભટ્ટ
23-01-2022

વિશ્વભરની સરકારોએ રોગચાળાનું સૌથી ખરાબ રૂપ જોઇ લીધું છે, તેમને પોતાની ક્ષમતાઓ ખબર છે અને માટે જ અમુક-તમુક છૂટછાટ સાથે કેલક્યુલેટિવ રિસ્ક લઇને ન્યૂ નોર્મલ સાથે જન-જીવન સામાન્ય રખાઇ રહ્યું છે


ગયા અઠવાડિયાના મધ્યે મુંબઇના BMCના કમિશનરે એવી જાહેરાત કરી કે કેસિઝમાં જંગી ઊછાળો નહીં વર્તાય તો શક્યતા છે કે ૨૬મી જાન્યુઆરી પછી સ્કૂલો ચાલુ કરવાનો વિચાર કરાશે. આ અંગે હજી કોઇ સ્પષ્ટતા નથી. પણ વાઇરસને જે આપણને પજવવાનું કોઠે પડી ગયું છે એ રીતે આપણને પણ હવે આ શરદી-સળેખમના પિતરાઇ ભાઇ જેવો આડોડાઇથી ભરેલો વાઇરસ કોઠે પડી ગયો છે. શરૂ શરૂમાં સજ્જડ બંધ પાળીને આખી દુનિયા ઘરે બેઠી હતી. લોકોએ સ્વજનો ખોયાં, વહીવટી તંત્રએ કામ કરવાની ક્ષમતાઓ કોઇ તબ્બકે ખોઇ દીધી કારણ કે આ અણધાર્યું હતું. ન ગમતા મહેમાનની પણ એક હદ પછી ટેવ પડી જાય, એવું કંઇક આ વાઇરસ સાથે થયું છે કારણ કે આપણે બધા ધીરજથી, માસ્ક પહેરવાની ટેવ પાડીને, હાથ ધોવાની ટેવ પાડીને, બહાર જવાનું બને તો ટાળીને બધું એડજેસ્ટ કરી રહ્યા છીએ. મુંબઇમાં સ્કૂલ શરૂ થશે કે કેમ એ તો જ્યારે સ્પષ્ટ થવાનું હશે ત્યારે થશે, પણ એક બીજા રિપોર્ટ અનુસાર યુરોપિયન દેશોમાં જ્યાં ઓમિક્રોનના કેસિઝ સતત વધી રહ્યા છે, ત્યાં સરકારોએ સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાનું ટાળ્યું છે. ફ્રાન્સમાં શિક્ષકોએ સ્કૂલ બંધ કરવાનો વિરોધ કર્યો અને સરકારે સ્કૂલો ચાલુ રાખી. અહીં રોજના એક લાખ કેસિઝ હોય છે છતાં ય વેક્સિનના સુરક્ષા કવચ પર અહીં લોકોને પૂરો વિશ્વાસ છે. સ્પેનમાં કશું બંધ નથી, ૮૦ ટકા લોકોએ રસી લઇ લીધી છે અને લોકો પોતાની ઘટમાળમાં ગોઠવાયેલા છે. ફ્રાન્સમાં હેલ્થ પાસ હોય તો વ્યક્તિઓ ગમે ત્યાં હરી ફરી શકે છે, તો બ્રિટનમાં તો હેલ્થ પાસ આપવાની તસ્દી પણ સરકારને નથી લેવી. ડેનમાર્ક, રશિયા, ફિનલેન્ડ, થાઇલેન્ડ, ઑસ્ટ્રેલિયા, પોર્ટુગલ, જર્મની, હોલેન્ડ વગેરે દેશોમાં રોજે રોજ આવતા કેસિઝની સંખ્યા નાની નથી ક્યાંક ૨૦ હજારથી વધુ છે તો ક્યાંક આંકડો લાખની આસપાસ છે, પણ કોઇ પણ દેશની સરકારે સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત નથી કરી. નાના – મોટા પ્રતિબંધો લાગુ કરાય છે અને લોકો તેને અનુસરે છે.

વાઇરસે ૨૦૨૦ના વર્ષથી આપણી જિંદગીઓ પર તાળાં માંર્યા પણ આપણે એ તાળાની બંધી કેટલી પાળી? વાઇરસની ત્રીજી લહેરમાં શું દુનિયાના બધા દેશોએ મોતના ડરને નેવે મૂક્યો છે? વાઇરસના નવા વેરિયન્ટની શક્તિ અને અસરકારકતા પર પણ જુદાં જુદાં અભિગમ આવે છે. શા માટે વિશ્વ લૉકડાઉનના વિકલ્પને પસંદ નથી કરી રહ્યું અને તેમ ન કરીને શું કોઇ મોટી ભૂલ થઇ રહી છે કે પછી ‘હર્ડ ઇમ્યુનિટી’ માટે ‘જોઇ લઇશું’-વાળો અભિગમ બરાબર છે? જેમ કે નેધરલેન્ડઝની વાત કરીએ તો ત્યાં ડિસેમ્બરની ૧૯મી તારીખથી કડક લૉકડાઉન હતું પણ ૨૫મી જાન્યુઆરી સુધી જ આ સ્થિતિ રહેશે અને પછી જીમ, દુકાનો, સલૂન્સને અમુક નિયમો સાથેની છૂટ અપાશે, પણ બાર અને રેસ્ટોરાંઝ ખુલ્લાં નહીં મુકાય. યુનાઇટેડ કિંગ્ડમના પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન જેની આજકાલ ભારે ટીકા થઇ રહી છે, કારણ કે દેશને લૉકડાઉનમાં નાખીને પોતે પાર્ટી કરી હતી, તેમણે પણ એવું વિધાન કર્યું હતું કે ઓમિક્રોનના વેવ પર સવાર થઇને કોઇ પણ આકરાં પગલાં લીધાં વિના આપણે તેમાંથી પસાર થઇ જશું. જર્મનીમાં વેક્સિન ન લેનારાને દંડ કરાશેની જાહેરાત કરાઇ તો રોમાનિયામાં પણ માસ્ક ન પહેરનારાઓને આકરો દંડ કરાશેની જાહેરાત કરાઇ. જાહેર સ્થળો ૩૦થી ૫૦ ટકાની ક્ષમતાએ જ લોકોને હાજરી આપી શકશે. આ તરફ ટર્કીમાં પણ કેસિઝનો આંકડો મોટો હોવા છતાં સરકાર લૉકડાઉન કે બંધનોને બદલે માસ્ક અને વેક્સિનેશન પર ભાર મૂકી રહી છે. આપણે ત્યાં મુંબઇ, દિલ્હી, ગુજરાત એમ દરેક રાજ્યમાં અલગ અલગ નિયમો લાગુ કરાયેલા છે પણ ક્યાં ય પણ સંપૂર્ણ લૉકડાઉનની વાત નથી થઇ રહી.

યુરોપના દેશોથી સાવ જુદો અભિગમ છે ચીનમાં જ્યાં જરા સરખી ઢીલ નથી અપાતી – ત્યાં ત્રણ મુખ્ય શહેરો સજ્જડ લૉકડાઉનમાં છે, ત્યાં ઝિરો કૉવિડ પોલિસી છે, જે શહેરમાં થોડા ઘણા કેસ પણ આવે તે શહેર ક્વોરેન્ટાઇનમાં જ જતું રહે છે. જો કે લાન્સેટના એક રિપોર્ટ અનુસાર માસ્ક અને વેક્સિનેશન પર ગમે તેટલું જોર મુકાશે છતાં ય ઓમિક્રોનમાંથી આસાની છટકી નહીં શકાય. માર્ચ ૨૦૨૨ સુધીમાં વિશ્વના મોટા ભાગના દેશોમાં ઓમિક્રોનનું મોજું ફરી વળ્યું હશે, મોટા ભાગની વિશ્વની વસ્તીને ઓમિક્રોનનું સંક્રમણ લાગ્યુ હશે. રોગચાળા ફાટી નીકળવાના એક વિષ ચક્રમાં ફસાયેલી દુનિયા હવે બંધ થવા નથી માગતી. અર્થતંત્રનાં હાડકાં નબળાં પડી જાય તો રાષ્ટ્ર માટે ખડા રહેવું જ શક્ય નથી અને માટે જ આકરા નિયમો પોસાય છે પણ લૉકડાઉન નહીં. આપણે રોગચાળાનાં ત્રીજા વર્ષમાં છીએ, કોવિડ-૧૯ને કારણે વિશ્વના ૮૧ દેશોએ ૨૦.૫ મિલિયન વર્ષની જિંદગીઓ ગુમાવી છે. વળી જે રીતે વાઇરસે સપાટો બોલાવ્યો છે એ જોતાં વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્યની જાળવણીની ક્ષમતાના માર્ગે આપણી સામે હાલમાં એક ડેડ એન્ડ જેવી સ્થિતિ છે. રિસર્ચ થઇ રહ્યા છે, કામ થઇ રહ્યું છે પણ દરેક બાબતની ગતિ એક સમય પછી ધીમી પડે છે. નવા રસ્તા રાતોરાત ખડા નથી થઇ જવાના અને આ સત્યથી વાકેફ દુનિયાના બધા જ દેશો જિંદગી અટકાવી દેવા નથી માગતા. જ્યાં સુધી પાણી માથાની ઉપરથી ન વહે ત્યાં સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ નહીં કરીને, અર્થતંત્રને ભલેને બીજા-ત્રીજા ગિયરમાં તો એમ, પણ દોડતું રાખવામાં જ સાર છે તેમ વૈશ્વિક સ્તરે સરકારો માનતી હશે. આપણે ત્યાં વસ્તીની ગીચતા જ માણસોને લાંબો સમય સુધી લૉકડાઉનમાં રાખવામાં નડી જાય તેવી સમસ્યા છે. બીજા દેશોમાં જગ્યાની મોકળાશ હોય છે આપણે ત્યાં એનું સપનું ય ન જોઇ શકાય. પણ જીવનની, રોકડા કલદારની, માનસિક સ્વસ્થતાની વગેરેની ગાડી દોડતી રાખવી હશે તો લૉકડાઉનના ફાટકને હાલમાં તો ઉપર જ રાખવું પડશે.

બાય ધી વેઃ

સંતુલન જાળવીને બધું સમું-સૂતરું ચલાવી શકાય તેવો અભિગમ વૈશ્વિક સ્તરે અનુસરાઇ રહ્યો છે. વાઇરસે શરૂઆતમાં દેખા દીધી ત્યારે આપણે સૌ – સામાન્ય લોકો, નીતિ લાગુ કરનારા, ડૉક્ટર્સ બધાં જ તેનાથી અજાણ હતા. આ હવે જાણીતો દુશ્મન છે અને તેની સામે લડવાનાં શસ્ત્રોથી આપણે સદંતર અપરિચિત નથી. મોટા ભાગનાં લોકો માને છે કે સજ્જડ પ્રતિબંધ લાગુ કરવાનો વિકલ્પ ટાળવો જ જોઇએ,  હજી પણ એન્ટરટેઇનમેન્ટ, સ્પોર્ટ્સ, હેલ્થ ક્લબ જેવી સવલતોના માલિકોને પોતાનું ભવિષ્ય ધૂંધળું લાગે છે. વિશ્વભરની સરકારોએ રોગચાળાનું સૌથી ખરાબ રૂપ જોઇ લીધું છે, તેમને પોતાની ક્ષમતાઓ ખબર છે અને માટે જ અમુક-તમુક છૂટછાટ સાથે કેલક્યુલેટિવ રિસ્ક લઇને ન્યૂ નોર્મલ સાથે જન-જીવન સામાન્ય રખાઇ રહ્યું છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  23 જાન્યુઆરી 2022

Category :- Opinion / Opinion