સ્ત્રી અને પુરુષ, માનવ અને માનવતા …

સોનલ પરીખ
21-01-2022

ગયેલા નવેમ્બર મહિનામાં બે ‘ડે’ આવ્યા - ‘ઈન્ટરનેશનલ મેન્સ ડે’ અને ‘ઈન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઑફ વાયૉલન્સ અગેન્સ્ટ વિમેન’ – પુરુષને પ્રોત્સાહિત કરવાનો દિવસ અને મહિલાઓ પર થતી હિંસાને ખતમ કરવાનો દિવસ. કોઈને એવો પ્રશ્ન થઈ શકે કે આ બન્ને દિવસ કેવી રીતે ઊજવાય, કેમ કે મહિલાઓ પર થતી હિંસા મોટેભાગે પુરુષો દ્વારા થતી હોય છે.

આવું વિચારવું એ પુરુષને અન્યાય કરવા જેવું છે ... શું કહે છે ‘અ મેન એન્ડ અ વુમન’ અને ‘આદમી ઔર ઔરત?’

આ લખાય છે ત્યારે નવેમ્બર મહિનો અંતિમ તબક્કે છે. આ મહિનામાં બે ‘ડે’ આવ્યા - ‘ઈન્ટરનેશનલ મેન્સ ડે’ અને ‘ઈન્ટરનેશનલ ડે ફોર ધ એલિમિનેશન ઑફ વાયૉલન્સ અગેન્સ્ટ વિમેન’ – પુરુષને પ્રોત્સાહિત કરવાનો દિવસ અને મહિલાઓ પર થતી હિંસાને ખતમ કરવાનો દિવસ. કોઈને એવો પ્રશ્ન થઈ શકે કે આ બન્ને દિવસ કેવી રીતે ઊજવાય, કેમ કે મહિલાઓ પર થતી હિંસા મોટે ભાગે પુરુષો દ્વારા થતી હોય છે. આવું વિચારવું એ પુરુષને અન્યાય કરવા જેવું છે. થોડા હિંસક, અપરાધી માનસના અને વિચારહીન-સંવેદનહીન પુરુષોને બાદ કરતાં મિત્ર અને સાથી તરીકે પુરુષ એક વરદાન સમો છે. થયું છે એવું કે એને વ્યક્ત થતા ઓછું ફાવે છે અને એને સમજવાની આપણે બહુ પરવા નથી કરી. જો કે હવે સમય ફર્યો છે. અખબારોમાં પુરુષ પૂર્તિ નીકળે, સામયિકોમાં પુરુષ અંક નીકળે અને પુરુષ પર પુસ્તકો લખનારી લેખિકાઓ પણ નીકળે એ આનંદની વાત છે - અને સ્ત્રીપુરુષ સંબંધોનાં તો કદી પૂરાં ન થાય એટલાં પરિમાણો છે! 

વાત કરીએ બે ફિલ્મોની. એક ફિલ્મ વિદેશી છે, એક ભારતની. એકમાં અંગત સંબંધોની ગરિમા છે, બીજીમાં માનવીય સંવેદનોની.

1966માં એક ફ્રેન્ચ ફિલ્મ બની હતી, ‘અ મેન એન્ડ અ વુમન’. વાર્તા એવી હતી કે પોતપોતાનાં સંતાનોને બૉર્ડિંગ સ્કૂલમાં મૂકવા આવેલાં બે પાત્રો એની અને જિન સ્કૂલના પાર્કમાં મળે છે. બન્ને યુવાન છે, એકલાં છે. ઓટો-રેસિંગ ડ્રાઈવર જિનની પત્નીએ આત્મહત્યા કરી છે અને એ એના દીકરાને મૂકવા આવ્યો છે. કૅલિગ્રાફી-નિષ્ણાત એનીનો પતિ એક અકસ્માતમાં માર્યો ગયો છે અને એ એની દીકરીને મૂકવા આવી છે. બન્ને હજી ભૂતકાળની પકડમાંથી છૂટ્યાં નથી, બહુ હતાશ છે, ખૂબ એકલતા અનુભવે છે અને સંતાનોના પ્રશ્ને ચિંતિત છે. સમદુ:ખિયા હોવાથી બન્ને વચ્ચે મૈત્રી થાય છે અને મનમેળ થતાં પણ વાર નથી લાગતી. પાછા ફરતાં બન્ને સાથે જ નીકળે છે અને એક હૉટેલમાં રોકાય છે. જિન શારીરિક નિકટતા ઈચ્છે છે. એની સંમત પણ થાય છે, પણ અધવચ્ચે તેને મૃત પતિની સ્મૃતિઓ ઘેરી વળે છે અને એ કહે છે, ‘બસ. અહીંથી હું એકલી જ જઈશ.’ જિનને થાય છે, તો પછી અત્યાર સુધીનું બધું અર્થહીન હતું ? પણ એનીને તો જવું છે, અત્યારે જ જવું છે. અડધી રાતે જિન એને રેલવે સ્ટેશને મૂકવા જાય છે. ટ્રેનમાં બેઠેલી એનીને આખો વખત જિનના જ વિચાર આવતા રહે છે. સવારે એ પોતાના સ્ટેશને ઊતરે છે ત્યારે જિનને પ્લૅટફોર્મ પર ઊભેલો જોઈ નવાઈ પામે છે. પોતાનાથી જુદા પડ્યા પછી જિનની જે સ્થિતિ થઈ હશે એની એને કલ્પના આવી જાય છે. બન્નેનાં સ્વસ્થ આલિંગન સાથે ફિલ્મ પૂરી થાય છે.

ફ્રાન્સના સુંદર લોકેશનો અને પેરિસ શહેરમાં ફિલ્માવેલી આ વાર્તામાં અત્યારની દૃષ્ટિએ ખાસ નવીનતા ન લાગે અને જે બનતું જાય છે એની પૂર્વધારણા પણ કરી શકાય તેમ છે. મઝા લાગણીઓની માવજતની છે. એ માવજત એટલી સુંદર હતી કે તેને ઈન્ટરનેશનલ ફેસ્ટિવલોમાં સ્થાન મળ્યું, અવૉર્ડ મળ્યા અને બેસ્ટ ફોરેન ફિલ્મ તરીકેનો ઑસ્કાર પણ મળ્યો.

દિગ્દર્શક ક્લાઉડ લેલોકને આ વાર્તા અજાણતા જ મળી આવી હતી. એની એક ફિલ્મની ડિસ્ટ્રીબ્યૂશન ડીલ નિષ્ફળ ગઈ હતી. મનનો ધૂંધવાટ ઓછો કરવા એ આખી રાત સડકો પર કાર ફેરવતો રહ્યો ને પછી દરિયાકિનારે પહોંચી કારમાં જ ઊંઘી ગયો. વહેલી સવારે આંખ ખૂલી તો ઝાંખા ઉજાસમાં એક યુવતી એની દીકરી અને કૂતરાને લઈ ફરતી દેખાઈ અને એને વાર્તા સૂઝી આવી. એક મહિનામાં સ્ક્રીપ્ટ તૈયાર હતી અને છ મહિનામાં બની પણ ગઈ પોણાબે કલાકની ફિલ્મ. જે હોટેલમાં પ્રેમદૃશ્યો શૂટ થયા હતા ત્યાં એક સૂટ પર તકતી મારેલી છે, ‘અ મેન એન્ડ અ વુમન’. આ જ નામની ને આવી જ શરૂઆતવાળી એક સાઉથ કોરિઅન ફિલ્મ 2016માં બની હતી, પણ પછીની વાર્તા સાવ જુદી હતી.

સ્ત્રી અને પુરુષ વચ્ચે સંબંધ સ્થાપિત થવો ખૂબ સરળ અને સહજ છે, પણ પછી પોતપોતાની માનસિકતાઓ સાથે અને પોતપોતાના ભૂતકાળ-વર્તમાનકાળના બેગેજ સાથે એ સંબંધનું ટકાઉ બની રહેવું એટલું જ જટિલ છે.

અને 1984ની ટેલિફિલ્મ ‘આદમી ઔર ઔરત’નો તો મિજાજ જ જુદો હતો. 55 મિનિટની આ ફિલ્મ દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઈ હતી અને 2007ના ઈન્ટરનેશનલ તેને નરગિસ દત્ત અવૉર્ડ મળ્યો હતો. વાર્તા જુઓ - બંસી નામનો એક ચલતાપૂર્જા જેવો શિકારી (અમોલ પાલેકર) જમીનદાર માટે પક્ષીઓ મારવા જંગલમાં નીકળ્યો છે, રસ્તામાં તેને એક એકલી ઓરત (મધુ રૉયચૌધરી) પથ્થરને ટેકે ઊભેલી દેખાય છે. એનામાંનો બીજો શિકારી સળવળે છે, એ એની નજીક જાય છે પણ ઓરતનું ખૂબ મોટું પેટ જોઈ ઠરી જાય છે. એ ખૂબ થાકેલી છે. વિનંતી કરે છે કે ‘ભલા આદમી, મને અસ્પતાલ પહોંચાડ. ત્રણેય બસ ગઈ, હું ચડી ન શકી.’ ‘તે તારો આદમી ક્યાં છે ? તને એકલી ધકેલી દીધી, આવી હાલતમાં ?’ ‘બસભાડાના ચાલીસ રૂપિયા ઉછીના લાવ્યો હતો. હવે જમીનદારને ત્યાં અઠવાડિયું મજૂરી કરશે.’

એને આમ મૂકીને જતા શિકારી બંસીનો જીવ ચાલતો નથી. થોડા માઈલનો રસ્તો સાથે ચાલી, ચાલવું મુશ્કેલ થતાં ટેકો આપી, તૂટેલી લારીમાં સુવાડી ખેંચતાં, વરસાદથી ભરાયેલું નાળું પાર કરાવતાં એમ મહામુસીબતે કાપી એ એને અસ્પતાલે પહોંચાડે છે અને ચાલ્યો જાય છે. સવારે એને જોવા જાય છે. ડૉક્ટર ખખડાવે છે, ‘કેવો માણસ છો, પત્નીને આમ મૂકીને ચાલ્યો ગયો ?’ ‘એ મારી પત્ની નથી. રસ્તામાં મળી ગઈ.’ એ ક્ષણે ડૉક્ટરના ચહેરા પર આવતું સ્મિત ઘણું વ્યક્ત કરે છે.

રૂમમાં સૂતેલી શ્રમિત ઓરત હસીને આવકારે છે, આંખોથી પારણું ચીંધે છે. નવજાત બાળકને જોઈ બંસી અને ઓરત બન્ને પરસ્પરને જોતાં સાર્થકતાભર્યું હસી રહે છે. બંસી કહે છે, ‘તારા પતિનું નામ શું ? એને ખબર આપીશ.’ ઓરત કહે છે, ‘અનવર હુસેન.’ મુસ્લિમ નામ સાંભળી હિંદુ બંસી એક ક્ષણ થંભી જાય છે. ઓરત કહે છે, ‘મસ્જિદની પાછળ તળાવ છે ત્યાં અમારું ઝૂંપડું છે. એટલે દૂર જઈશ ?’ ‘હા, જઈશ.’ અને એ જવા માટે પીઠ ફેરવે છે. ઓરત રડી પડે છે, ‘એ આદમી, હું મારા અલ્લાહ પાસે તારા માટે દુઆ માગીશ.’ બંસીના ચહેરા પર એવી તૃપ્તિ છે જાણે એ દુનિયાનો સૌથી ધનવાન માણસ હોય.

કેટલી કેટલી સુંદર માનવતાભરી ક્ષણો છે આ ફિલ્મમાં! વરસાદી નદી માંડ પાર કરીને બન્ને કાંઠાના પથ્થરો પર ફસડાઈ પડે છે. ઓરત બેહોશ જેવી એની છાતી પર ઢળી પડે છે ત્યારે એનું માથું પસવારતાં પુરુષ શિકારી શું કહે છે ? એ કહે છે, ‘તું ભારે હિંમતવાળી છે. તું ન હોત તો હું કાંઠે પહોંચ્યો ન હોત.’ આ શબ્દો ફિલ્મનું બ્યૂટીસ્પૉટ છે. આમ જુઓ તો વાર્તા એટલી જ છે કે એક મુસ્લિમ સગર્ભા ઓરતને એક હિંદુ પુરુષ હૉસ્પિટલ પહોંચવામાં મદદ કરે છે. ઓછામાં ઓછા સંવાદો છે ફિલ્મમાં. માનવ જાગે છે ત્યારે એણે સર્જેલા બધા જ ભેદો આપોઆપ ખરી પડે છે અને સનાતન જનની અને સનાતન રક્ષક તરીકેની આદમી અને ઓરતની સનાતન ભૂમિકાઓ જ સર્વ કાંઈ બની જાય છે એ વાત આટલી સુંદર રીતે ભાગ્યે જ કહેવાઈ હશે.

પુરુષ અને સ્ત્રી બન્ને માટે ‘દિવસ’ મનાવવાના દિવસો ક્યારના આવી ગયા છે. આનો અર્થ એ કે બન્નેએ તાળાં ખોલવાનાં છે. પોતાના નર-અસ્તિત્વ અને નારી-અસ્તિત્વથી ઉપર ઊઠી માનવ-અસ્તિત્વ સુધી જવાનું છે.

e.mail : [email protected]

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 28 નવેમ્બર 2021

Category :- Opinion / Opinion