વિવેક ટીકા માટે જરૂરી છે એટલો જ પ્રશંસા માટે પણ જરૂરી છે ...

રવીન્દ્ર પારેખ
21-01-2022

એક ટપોરીએ જમીન દલાલને માર મારીને ધમકી આપી કે 48 કલાકમાં તને પૂરો કરી નાખીશ. હું વોન્ટેડ છું, છતાં તારી સામે બેઠો છું. જામીન પર છૂટેલ ટપોરી સામે ફરિયાદ તો નોંધાઈ છે ને કાયદો કાયદાની રીતે કામ પણ કરશે, પણ કાયદાની જરા પણ શરમ ન હોય એ રીતે, ગુનેગાર હોવા છતાં આ માણસમાં બીજો ગુનો કરવાની હિંમત ક્યાંથી આવી હશે તે નથી સમજાતું. જાનથી મારી નાખવાની હિંમત સજા ભોગવી રહેલા ગુનેગારમાં આવે એ જ સૂચવે છે કે કાયદા કે સજાનો કોઈ ખોફ આ માણસમાં નથી. તે જાણે છે કે પૈસા વેરીને ય ગમે તેવા ગુનામાંથી છૂટી શકાય છે. કેટલો વિશ્વાસ હશે આ માણસને પોતાનામાં કે તે માની શકે કે કોઈ કૈં બગાડી શકે એમ નથી ! પોતાને કોઈ પૂછનાર નથી એવો અહંકાર એકાદ માણસમાં જ હોય એવું નથી. એવા લોકોથી આખો દેશ ખદબદે છે. કોઈ પણ લવારો કરવાનો સંકોચ આજકાલ ઘણાંને રહ્યો નથી તે હકીકત છે.

એમાં પણ લવારા કરવામાં રાજકારણીઓ મોખરે છે. જેમ કે, પત્રકાર પરિષદમાં જાણીતા ક્રિકેટર સિધ્ધુને ગાળ બોલાઈ જવાનો કોઈ અફસોસ નથી થયો. બીજી એક ઘટનામાં, એક વીડિયોમાં મહારાષ્ટ્રના કાઁગ્રેસ અધ્યક્ષ નાના પટોલે મરાઠીમાં કહે છે કે હું પી.એમ. મોદીને મારી શકું છું ને એમને ગાળ પણ આપી શકું છું. આ લવારો છે ને તે અક્ષમ્ય છે. પટોલેએ પોતે 30 વર્ષથી લોકસેવા કરે છે એવું કહેતાં કહેતાં મોદીને મારવાની ને ગાળ દેવાની વાત કરી છે. પોતાની વાત કરતાં મોદીની વાત પર ચડી જવાનું કોઈ જ કારણ ન હતું, પણ કાઁગ્રેસ પ્રદેશ અધ્યક્ષે મોદીને મારવાની વાત કરી છે તે નકારી શકાય એમ નથી. એમણે પાછળથી ફેરવી તોળ્યું છે કે પોતે એક સ્થાનિક ગુંડા-મોદી માટે બોલ્યા છે, વડા પ્રધાન માટે નહીં ! એ ગુંડો કોણ છે તે વાત તો બહાર આવી નથી. એકાદ ગુંડો પોલીસે પકડ્યો છે એવું પણ એમણે કહ્યું છે, પણ એ મોદી નામધારી જ છે એ અંગે કશી સ્પષ્ટતા નથી. માની લઇએ કે એવો કોઈ મોદી નામક ગુંડો ખરેખર જ છે, તો પણ મોદી વિષે બોલતી વખતે એવી સ્પષ્ટતા એમણે કરી નથી. બીજું, કે પોતાના બોલવાનો સંદર્ભ તરત જ વડા પ્રધાન સાથે જોડાઈ શકે એમ છે, તો એવું જાણવા છતાં આવો લવારો પટોલેએ કરવો જ ન જોઈએ ને ! એ ખરેખર કોઈ ગુંડા માટે બોલ્યા હોય તો પણ, પોતે કાઁગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તો એ પદ પરથી પણ આમ કોઈને મારવાની કે ગાળ દેવાની વાત કરવાનું એમને શોભતું નથી. આમ પણ કાઁગ્રેસના શીર્ષસ્થ નેતાઓને વડા પ્રધાન માટે ‘મોતના સોદાગર’ કે ‘ચા વાળા’ જેવી ટિપ્પણીઓ કરવાનો સંકોચ નડ્યો નથી, તો કાઁગ્રેસના બીજા નેતાઓ વધુ અભદ્ર ટિપ્પણીઓ કરે તેમાં નવાઈ નથી. દેખીતું છે કે ભા.જ.પ.માં આ મામલે ભડકો થાય જ ને થયો જ ! ભા.જ.પ.ના કાર્યકરોએ 100 જગ્યાએથી પટોલે વિરુદ્ધ એફ.આઇ.આર. નોંધાવી છે. એટલું થાય તે તો સમજાય, પણ જાલનાના ભા.જ.પ. યુવા મોરચાના પ્રમુખ સુજિત જોગસે તો ત્યાં સુધીનું એલાન કર્યું કે જે કોઈ પટોલેની જીભ કાપશે તેને એક લાખનું ઈનામ મળશે. આ પટોલેના વિધાન કરતાં વધુ શરમજનક છે. એ ખરું કે પટોલેનું વિધાન કોઈ પણ રીતે ક્ષમ્ય નથી, પણ તેથી કૈં ભા.જ.પ.ને તેનો ન્યાય, જીભ કાપવામાં દેખાય તે બરાબર નથી. બહુ થાય તો પટોલે વિરુદ્ધ ફરિયાદ થઈ શકે, જે 100ની સંખ્યામાં થઈ પણ છે, પછી પણ લાખની લહાણી કરવામાં તો યુવા મોરચાના પ્રમુખની આછકલાઇ ને તુમાખી જ પ્રગટ થાય છે. કેવી રીતે આ નેતાઓ લાખ રૂપિયા ફેંકવા તૈયાર થઈ જાય છે તે નથી સમજાતું. એટલું જરૂર સમજાય છે કે રાજકીય પક્ષો પાસે વેડફવા માટે અઢળક નાણું છે ને એમ વેડફવાનો કોઈને સંકોચ પણ નથી થતો એ જ બતાવે છે કે પક્ષ કોઈ પણ હોય, વિવેક ભાગ્યે જ કોઈમાં જોવા મળે છે.

લોકશાહીમાં વિરોધને અવકાશ ન હોય તો એ લોકશાહી જ નથી. એનો અર્થ એવો પણ નહીં કે શાસકોની ગમે તેવી નિંદા માટે દરવાજા મોકળા છે. વડા પ્રધાનનો વિરોધ ભલે હોય, પણ તેની ગરિમા જોખમાય એ રીતે વર્તવાનો કોઈને અધિકાર નથી. ઝી તમિલ પરથી પ્રસારિત એક રિયાલિટી શોમાં બાળકોએ નોટબંધી પર કટાક્ષ કર્યો અને વડા પ્રધાનની તેમ જ તેમના પોષાકની મજાક ઉડાવવામાં આવી, તો કેન્દ્ર સરકારે ઝી તમિલને નોટિસ મોકલી ને અઠવાડિયામાં તેનો જવાબ માંગ્યો છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની આપત્તિજનક તસ્વીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ 17 વર્ષના એક કિશોરની ધરપકડ કરવામાં આવી ને આરોપીને કિશોર ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યો ને ત્યાંથી તેને બાલ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો. આ બંને ઘટનામાં ભાગ લેનાર બાળકો છે. એવું બને કે બાળકોએ કોઈના કહેવાથી વડા પ્રધાનની મજાક ઉડાવી હોય કે મુખ્ય મંત્રીની છબી આપત્તિજનક જ હોય, પણ બાળકોની હરકતને થોડી ઉદારતાથી જોઈ શકાય, પણ તંત્રો બાળકો કરતાં ઓછા સહનશીલ પુરવાર થાય છે તે ઠીક નથી. એમ પણ લાગે છે કે શાસકો વિરુદ્ધ કોઈ બોલે નહીં એ રીતે તંત્રો સક્રિય થયાં છે. પ્રજાએ વિવેક જાળવવાનો જ છે, તે એવું કોઈ કામ ન કરી શકે જેથી શાસકોનું અપમાન થાય, એ સાથે જ શાસકોએ પણ એ ભૂલવાનું નથી કે તેનું પગલું વિરોધની ધાર બુઠ્ઠી કરી નાખે એવું ન જ હોવું જોઈએ. પ્રજાને એવું લાગવા માંડે કે તે સરમુખત્યારશાહીમાં જીવે છે તો તેવું શાસન લોકશાહીને નામે કોણ સ્વીકારશે તે પ્રશ્ન જ છે.

ઉપરના બધા જ કિસ્સાઓમાં ક્યાંક ને ક્યાંક વિવેક ચુકાયો છે. ક્યાંક વિપક્ષ કે શાસક પક્ષ વિવેક ચૂક્યો છે તો ક્યાંક પ્રજા વિવેક જાળવી શકી નથી. વારુ, આ વિવેક ટીકા કરવામાં નથી દાખવાયો તે સ્પષ્ટ છે, પણ વિવેક ટીકા કરવામાં જ ન દાખવાય એવું નથી, વિવેક પ્રશંસા કરવામાં પણ ન રહે એવું પણ બને. મધ્ય પ્રદેશના કૃષિ મંત્રી ને ભા.જ.પ.ના નેતા કમલ પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાનનો અવતાર ગણાવ્યા. એમણે સોમવારે પત્રકારોને કહ્યું કે કાઁગ્રેસનો અત્યાચાર, ભ્રષ્ટાચાર, જાતિવાદ વધ્યો ને ચારે તરફ નિરાશા વ્યાપી ગઈ ત્યારે તેને ખતમ કરવા નરેન્દ્ર મોદીએ અવતાર ધારણ કર્યો. આ અગાઉ પણ હિમાચલ પ્રદેશના શહેરી વિકાસ મંત્રી સુરેશ ભારદ્વાજે મોદીને શિવનો અવતાર ગણાવ્યા હતા. રાજકોટના રમેશચંદ્ર ફેફરેએ તો પોતે જ પત્ર લખીને તેનાં સંબંધિત સચિવને જણાવ્યું હતું કે તે પોતે કલ્કિ અવતાર છે અને કોરોના તેનું જ સુદર્શન ચક્ર છે. મઝાની વાત એ છે કે આવો દાવો કરનાર રાજ્ય સરકારના ક્લાસ વન અધિકારી રહી ચૂક્યા છે. એક તરફ મોદીને ભગવાન કહેવાય છે તો બીજી તરફ રમેશચંદ્ર પોતે જ ભગવાન બની બેસે છે. જો રમેશચંદ્ર આપણને સ્વીકાર્ય ન હોય તો મોદી પણ અવતાર તરીકે ગળે ન જ ઊતરે તે દેખીતું છે. વડા પ્રધાનને પોતાનાં અવતાર કૃત્યની ખબર ન હોય તો જુદી વાત છે, પણ જો તેઓ જાણતા હોય કે ભા.જ.પ.ના જ મંત્રીઓ પોતાને અવતાર જાહેર કરી રહ્યા છે તો તેમણે આનો સખત વિરોધ કરવો જોઈએ. એમનું મૌન સંમતિમાં ન ખપવું જોઈએ. વડા પ્રધાન બરાબર જાણે છે કે પોતે કોણ છે ને કેટલાં સંઘર્ષ પછી આટલે સુધી આવ્યા છે તો તેમણે જ જાહેર કરવું જોઈએ કે પોતે અવતાર નથી અને પક્ષના નેતાઓને પણ કહેવું જોઈએ કે આ પ્રકારની વાતોનો તેઓ ફેલાવો ન કરે. એનાથી એમની માણસ તરીકેની ગરિમા જોખમાય છે.

ભા.જ.પ.ના નેતાઓએ પણ એટલું સમજી લેવું જોઈએ કે જે અવતારો થયા તેમણે પોતે અવતાર હોવાની જાહેરાત કરી નથી. કૃષ્ણે વિરાટ રૂપ લીધું ત્યારે અવતાર ધરું છું એમ કહ્યું છે, પણ પોતાને અવતારનું સર્ટિફિકેટ આપ્યું નથી. રામે કદી કહ્યું નથી કે પોતે ભગવાન છે. એ તો સમય જતાં ખબર પડે છે જગતને કે અવતાર કૃત્ય કોનું હતું ને કોણ અવતારી પુરુષ તરીકે અવતર્યો ધરતી પર! ભા.જ.પ.ના નેતાઓ એટલા મહાપુરુષો છે કે મોદીને તેમના ચાલુ કાર્યકાળમાં અવતાર હોવાનું પ્રમાણપત્ર ફાડી આપે? પોતાનાથી મોટી ને ઉચ્ચ પદે બિરાજતી વ્યક્તિ માટે માન હોય તે સમજાય, પણ નેતાઓ એટલા મહાન નથી જ કે અવતારના પ્રમાણપત્રો ફાડી આપે. આમાં ખુશામત સિવાય બીજું કૈં નથી. વડા પ્રધાને આવા મહાત્માઓથી ચેતવા જેવું છે. ઈશ્વર તો થવાય કે નયે થવાય, માણસ થવાય તો ય ઘણું છે ને જ્યાં માણસાઈ જ ખૂટતી હોય ત્યાં ભગવાન થઈને કરવાનું ય શું? આજકાલ સાધારણ થવાનું જ અસાધારણ થઈ ગયું છે એવું નથી લાગતું?

000

e.mail : [email protected]

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 જાન્યુઆરી 2022

Category :- Opinion / Opinion