અલગાવથી લગાવ ભણી

પ્રકાશ ન. શાહ
16-01-2022

પેલું કહે છે ને કે let us begin from beginning – બરાબર એમ જ હું પદગ્રહણ વક્તવ્યનો કંઈક ઉલ્લેખ કરી એના અનુસંધાનમાં થોડીએક દિલી વાતો પહાડ, સમુદ્ર અને રણ એમ ત્રિવિધ સાખે કરવા ઇચ્છું છું.

અંબાલાલ સાકરલાલ. ઉદ્યમી જણ. મહાસભાના અધિવેશનમાં સ્વાગતપ્રમુખ તો વળી પરિષદપ્રમુખ પણ ખરા. એ ગયા ત્યારે રામાનંદબાબુના ‘મૉડર્ન રિવ્યૂ’માં અંજલિનોંધમાં આવેલું કે In some respects he anticipated Gandhi. એમણે લખેલી એક વારતા સંભારું, અને એમ અંબાલાલના ‘અ’થી શરૂ કરું.

એ વારતા શાંતિદાસના જોડાની છે. મલયાનિલની ‘ગોવાલણી’ પ્રસિદ્ધ થઈ એનાયે આગલા દસકાની. ગામમાંથી પહેલો છોકરો દૂર, મોટા શહેરની કૉલેજમાં ભણવા ગયો. રજાઓમાં ઘરે આવ્યો, ત્યારે શહેરી છટાને શોભીતા ચમચમતા બૂટમાં આવ્યો. જેમણે બાપગોતરમાં શહેર (ને ઊંચું ભણતર) નહીં દીઠેલ એ છોકરાંવ સારુ એ બૂટ કેમ જાણે ઉપલી પાયરીની ઓળખ બની રહ્યા. પછી તો દર રજાએ શાંતિદાસ આવે ત્યારે દસવીસપચીસ એમ જોડાની જોડ વરદીથી લેતો આવે. હવે ચમચમતા જોડા તો ઠઠાડ્યા, પછી શું. ઇવનિંગ વૉક, ગામને ગોંદરે સ્તો. ત્યાં શું તો કહે કે ઊભો કરો ચાનો ગલ્લો. જુવાનિયાનો કામધંધો હવે શું, સિવાય કે ચમચમતા જોડા, ગોંદરે ગામગપાટા ને ચાનાં ઠીબરાં. જોડાના એકચક્રી સપાટાએ ગામના મોચીનો ધંધો ભાંગ્યો. વિનિમય પર ચાલતી ગામની અર્થવ્યવસ્થા અને પ્રથા આખી લથડી પડી ... પછીની વાત છોડી દઈ એટલું જ કહું માત્ર કે ઔદ્યોગિક ક્રાંતિ અને એક સાંસ્થાનિક મુલકની વિષમ પરિસ્થિતિની એ દાસ્તાં છે.

સામે પલ્લે, એમ તો રા.વિ. પાઠકે – આપણા દ્વિરેફે સ્તો – મુકુન્દરાયની વારતા ક્યાં નથી લખી? શાન્તિદાસના કિસ્સામાં આપણે એક તરેહનો અલગાવ કે વિખૂટાપણું અગર alienation જોયું. અહીં મુકુન્દરાય કૉલેજિયન મિત્રોને લઈને ગામ આવે છે અને એને ગોઠતું નથી. વિધવા બહેન અને બુઢ્ઢા બાપને પણ એના વહેવારથી સોરવાતું નથી. મુકુન્દરાય અને મિત્રો પહેલી તકે પાછા ફરી જાય છે. પિતાના મુખમાં પાઠકસાહેબે વિમળશાહનો પ્રસંગ મૂક્યો છે. વડીલે બંધાવેલી વાવ પર દાપું ઉઘરાવી ખાતા છોકરાને જોયા પછી વિમળશાહ માતાજી પાસે સંતાનને બદલે પોતાનું નખ્ખોદ માગે છે.

પલટાતી વ્યવસ્થાએ અને પેઢીભેદે સરજાતા આ અલગાવનો ઉગાર શો. અંબાલાલ સાકરલાલ અને રા.વિ. પાઠકની વચ્ચે આપણા એકના એક રણજિતરામ સાંભરે છે. એમણે એક સરસ પાત્ર સજ્ર્યું છે, માસ્તર નંદનપ્રસાદ. નિરંજન ભગત રણજિતરામ ચંદ્રક વેળાએ એમનું ભાષણ તૈયાર કરતા હતા તે વખતે જે પણ હાથમાં આવે એને નંદનપ્રસાદની વારતા સંભળાવ્યા વિના છોડતા નહોતા એવી વાયકાનું, ભગતસાહેબ કને એમને જ સાધ્ય એવા અનવદ્ય પઠનથી લાભાન્વિત એવો હું જરૂર સમર્થન કરીશ. આ નંદનપ્રસાદના મોમાં રણજિતરામે એક શબ્દ મૂક્યો છે ennui – એન્યુઈ, ખરેખર ઉચ્ચાર જો કે ઑન્વી. પાંચેક દાયકા પર આપણે સૌ ‘અંબા રમવા આવ તો બતલાવું’ની તરજ પર સાર્ત્ર-કામૂ, સાર્ત્ર-કામૂ કરતા હતા, ત્યારે એન્યુઈ એ ખાસી પ્રચલિત સંજ્ઞા હતી. પણ થાકની, કંટાળાની, બલકે વિરતિની આ વાત એના પણ પાંચ દસકાપૂર્વે રણજિતરામ લઈ આવ્યા હતા.

આ જે વિરતિ અગર અલગાવ, એનું વારણ શું. નંદનપ્રસાદ નાનાવિધ પ્રવૃત્તિઓમાં પરોવાવાના વિકલ્પમાં એનું વારણ જુએ છે. ગુજરાતની વિકાસરેખાના સગડ પકડવા આપણે અંબાલાલ સાકરલાલથી પાછળ જઈએ ત્યાં દલપતરામ સાંભરે છે. ભોળાનાથ સારાભાઈએ, કેમ કે ફૉર્બ્સ કહેતાં ફાર્બસસાહેબને ગુજરાતી શીખવું હતું, દલપતરામને છેક વઢવાણથી તેડાવ્યા. દલપતરામ વઢવાણથી પગપાળા પહોંચ્યા. ફાર્બસ રેનેસાંનો વારસો લઈને આવ્યા હતા. દલપતરામને નવી દુનિયા અને નવા જ્ઞાનનો પરિચય એમના થકી – કહો કે એમણે વઢવાણથી અમદાવાદનું અંતર ગાઉમાં નહીં એટલું સૈકાઓમાં કાપ્યું હતું. ૧૮૪૧થી ૧૮૫૦નો એ આખો દસકો સુરતમાં દુર્ગારામ મહેતાજી અને માનવધર્મ સભાથી માંડી અમદાવાદમાં દલપત-ફાર્બસ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(ગુજરાત વિદ્યાસભા)એ રસકસવંતો છે. નવું જ્ઞાન ને ખૂલતી આવતી દુનિયામાં એવું કશુંક જરૂર હોઈ શકે છે, જેમાં પેલી વિરતિનો મોક્ષ થાય અને અલગાવને સ્થાને સારી સરખી સોબતે લગાવ પણ થતો આવે.

આ જ દસકો, ૧૮૪૧થી ૧૮૫૦નો, તમે જુઓ – પણે પશ્ચિમમાં માક્‌ર્સ અને એન્ગલ્સનો છે. ૧૮૪૪ની માક્‌ર્સની હસ્તપ્રતો (મળી તો એ જો કે મોડેથી, માકર્સવાદ ચિત્રમાં આવ્યો તે પછી) અલગાવની સમસ્યાથી પરિચાલિત હતી. અલગાવમાંથી લગાવ એ યુવા માક્‌ર્સની (એક અર્થમાં માક્‌ર્સવાદપૂર્વ માક્‌ર્સની) તહેદિલ ખોજ હતી. એક પા આ થિયરીની છટપટાહટ અને બીજી પા વાસ્તવદર્શનઃ એન્ગલ્સે લંડન સ્લમ્સમાં બસર થતી જિંદગીઓનો, ઘોલકાતાં જીવતરનો અભ્યાસ કરી જે મનઃસ્થિતિ તારવી હતી તે હતી unfeeling isolationની, લાગણીશૂન્ય એકલતાની. માક્‌ર્સ-એન્ગલ્સનું મળવું એક વૈચારિક ભૂમિકા અને વાસ્તવદર્શનનું મળવું હતું. વિચાર અને વાસ્તવ વચ્ચે સાર્થક આપલેની જે એક આખી સંઘર્ષગર્ભા એટલી જ સર્જનાત્મક પ્રક્રિયા છે, એમાં પણ તમે અલગાવનો ઉગાર જોઈ તો શકો.

અલગાવ અને લગાવનું આ દ્વંદ્વ ક્યાંથી ક્યાં લઈ જાય છે, આપણને? જયંત ખત્રીની વાર્તા ‘અમે બુદ્ધિમાનો’ યાદ આવે છે. સ્વાતંત્ર્યસંગ્રામનું વાતાવરણ છે, એટલે યુવાન હૈયાં અનુભવી શકે એવી લગાવગુંજાશ હાજરાહજૂર છે. પણ એ જે એક સામાજિક સંદર્ભ છે તેમ વૈયક્તિક પ્રશ્નો પણ છે, જેમ કે વયસહજ યૌનખેંચાણ. બુદ્ધિમાનો પૈકી એકની આત્મહત્યા વાચક સમક્ષ આવે છે, ત્યારે સમજાય છે કે અલગાવથી લગાવનું અંતર કાપવું જેટલું સુકર લાગે છે, એટલું સરળ નથી.

આ જે આરત અને અનુવસન, આ જે longing અને belonging – ઉમાશંકરે જે શબ્દ ક્યાંથી ક્યાં અને ક્યાં-ક્યાં લઈ ગયો એનું કવિકૌતુક કીધું છે, એનું સ્મરણ કરતે કરતે બીજા એક કચ્છીમાડુને સંભારવાની છૂટ લઉં? યુસૂફ મહેરઅલી. કચ્છનું સંતાન. ઓગણચાલીસમે વરસે તો મુંબઈના મેયર થયેલા. આપણા બદલતા સંગ્રામકારણનાં બે વળાંકસૂત્રો એમને નામે જમે બોલે છે – ‘સાઇમન ગો બૅક’ અને સવિશેષ તો ‘ક્વિટ ઇન્ડિયા’ (‘હિંદ છોડો’). કશીક મોહની હતી આ સૂત્રોમાં, આ શબ્દોમાં જે યુવાનોને અલગાવની એકાંત કેદ અગર અલગાવના ઐશ્વર્યમાંથી લગાવે લાંગરી આપતી હતી. આ જે લગાવ, અલગાવનું આ જે વારણ, એ ક્યાં-ક્યાં, કેવે રૂપે પ્રગટ થતું હશે? આશક ને માશૂકનું તો જાણે કે સમજ્યા ... પણ આપણા આ મહેરઅલી બંધુનો એક અફલાતૂન કિસ્સો બટ્ર્રામ વુલ્ફે ‘ધ સ્ટ્રેન્જ કૉમ્યુનિસ્ટ્‌સ આઇ હેવ મેટ’ કે એવા જ શીર્ષકની કિતાબમાં નોંધ્યો છે. માંદગીની સારવારના એક ગાળામાં યુસૂફ અમેરિકા હતા. ક્યાંક જતા હશે ને દરિયો દીઠો તો કારમાંથી ઊતરી દોડી ગયા ને મહીંથી અંજલિ ભરી – અમ હિંદીવાનોને સારુ તીર્થોદકનો જે મહિમા છે તે તમને અમેરિકનોને ક્યાંથી સમજાય, વારુ. તો, અલગાવને લાંઘી જતા લગાવનું આ પણ એક રૂપ છે સ્તો.

આ વતનપ્રીતિ, આર્થિક-સામાજિક ન્યાય સારુ સંઘર્ષ અને ગતિ, વ્યાપક વિશ્વ-માનવતાનું ખેંચાણ, સ્વતંત્રતા અને સમતાની લહે, અલગાવથી લગાવ ભણીની મથામણ કહો, અસ્તિત્વને અર્થ આપતાં વાનાં છે. કોઈ પણ સમયમાં આ બધી મથામણોએ ‘સત્તા’ સાથે ટકરાવાના પ્રસંગો તો આવતા જ રહેવાના. મનુષ્યજાતિની એ ઇતિહાસનિયતિ છે, આપણા સમયમાં સવિશેષ.

મુદ્દાની વાત એ છે કે સાહિત્ય જો સહૃદયતાને સંવારતુંસંકોરતું મનાતું હોય તો આપણા સમયમાં સહૃદયતાની વ્યાખ્યામાં એક તરેહનું નાગરિક પરિમાણ પણ લગભગ અવિનાભાવ જેવું છે. હિમાંશી શેલતનો કદાચ કંઈક વંચાયેલો પણ ચોક્કસ નહીં ચર્ચાયેલો વાર્તાસંગ્રહ ‘ધારો કે આ વાર્તા નથી –’ અહીં સાંભરે છે. એની તમામ કૃતિઓમાં રાજકીય અને સામાજિક પરિબળોનું દબાણ વરતાય છે. લેખિકાએ કહ્યું છે કે જે કાળખંડમાં જીવવાનું આવ્યું છે એની ભીંસ અનુભવું છું. બૌદ્ધિક નિષ્ઠાની કટોકટીના કાળમાં જે કહેવાનો તરફડાટ જાગતો રહે છે એ જ આ વાતો લખાવે છે એમ પણ એમણે કહ્યાનું સાંભરે છે.

ચોક્કસ સંજોગોમાં નાગર નરસિંહે પોતાને વિશે હળવાં કરમનો હું નરસૈંયો એમ સાભિપ્રાય કહ્યું હતું. આપણો સમય સૌને સારુ, સવિશેષ અક્ષરકર્મી માત્રને વાસ્તે હળવાં કર્મનો હું નાગરિક એમ પ્રીછવાનો છે. ઉચ્ચવર્ણી એવું જે સામાજિક સત્તા-પ્રતિષ્ઠાન, એની વચ્ચે નરસિંહને આ ભૂમિકામાં પોતાની અનન્ય ઈશનિષ્ઠાવશ ધર્મ સમજાયો હતો. જીવ ને શિવના એકાત્મ એકરૂપ થવાનો ધોરી રસ્તો હરિજનવાસની સંગતિમાંયે એને અનુભવાતો હશે. ‘વૈષ્ણવજન’ એ ગાંધીકૃપાએ અતિવ્યાપક રચનામાં ‘પીડ પરાઈ’ની જે જિકર છે તે શત્રુવત્‌ અગર તિરસ્કારપાત્ર ‘ધ અધર’ની અનવસ્થાના સંદર્ભમાં નવઘટન માગે છે એમ પણ હું તો કહું.

વળી દલપતરામને સંભારું જરી ? ૧૮૯૮ પહોંચતે આંખ ગયેલી છે અને અંતર કદાચ વધુ ઊઘડ્યું છે ત્યારે પરમ આસ્તિક દલપતરામે સંકેલાતી સદીએ આવતી સદી જોગ આપેલી ખો એ છે કે મનુષ્યથી થઈ શકે તે કામ પ્રભુને ભળાવવાં નહીં. ને નર્મદ? ન હાલે મસ્ત, ન માલે મસ્ત, પણ ખયાલે મસ્ત. સભાની, મંડળીની, ‘ટેબલ ટાક’ની હિમાયત કરતો નર્મદ. એણે બુદ્ધિવર્ધક સભા છોડેલી; કેમ કે ત્યાં રાજકારભારની ચર્ચા નિષિદ્ધ હતી. સંસાર સંબંધી સર્વ સુખોમાં સૌથી મોટું સુખ તે રાજ્ય સંબંધી સુખનું હોવું છે એવી સાફ સમજ સાથે નર્મદની ફરિયાદ હતી કે આપણે ગુજરાતીઓ એની ચર્ચામાં લગારે મોં ઘાલતાં નથી. તો, દલપતરામે વઢવાણથી અમદાવાદ પહોંચતાં સૈકાઓમાં કાપેલ અંતર અને થંભેલાં મનજળ ઝટ્‌ટ ડહોળી નાખવાના નર્મદબોલને સહારે આપણે જ્યાં આવીને ઊભા છીએ તે પાપપુણ્યની બારી આ છે.

સત્રમાં સ્વાભાવિક જ પારુલ ખખ્ખરનો ઉલ્લેખ થયો. આ પ્રકરણના સંદર્ભમાં અકાદમીના અધ્યક્ષે અને ‘શબ્દસૃષ્ટિ’ના તંત્રીએ લગભગ વ્યાસપીઠ પરથી, જે કહ્યું હતું તે સંભારું? એમણે કહ્યું કે અમે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલા હતા, છીએ અને રહીશું. આનો માયનો સમયજાય છે તમને ? પાયાનો મુદ્દો પારુલકૃતિ કાવ્ય છે કે અકાવ્ય એ નથી – અમારી (સરકારી, સત્તાપક્ષી, સત્તાવાર) રાજકીય વિચારધારા છે.

હમણાં મેં જે પાપપુણ્યની બારીની વાત કરી એનું આ તાજું (પણ એથી ગંધાતું નહીં એવું નહીં) ઉદાહરણ છે. એ જો તમને ને મને સમસમાટ ન જગવે તો આપણે અક્ષરકર્મી છીએ કે અક્કરમી. છેલ્લાં દસબાર વરસમાં આપણે ત્યાં આવેલાં ને કદાચ કોઈક વણલખી સમજૂતીથી ચર્ચાબાહ્ય રહેલાં પુસ્તકો તે ‘ઉમાશંકર જોશીની વિચારયાત્રા’ (શતાબ્દી ગ્રંથનો અદ્યાપિ અગ્રનમૂનો) અને હમણાં ઉલ્લેખ્યો તે હિમાંશીબહેનનો વાર્તાસંગ્રહ છે. આ પુસ્તકોમાં ખાટલે મોટી ખોડ કદાચ એ છે કે એમાં રાજકીય અભિજ્ઞતા પર ખાસો ભાર છે. ટેનિસનની ‘લૅન્ડ ઑફ લોટસ ઈટર્સ’ વાળી કવિતા અહીં સાંભરે છે. પ્રજા કમલજીવી બનીને ખોવાઈ ન જાય એની ચિંતાવશ કવિએ ‘ટુ સ્ટ્રાઈક, ટુ સીક - ઍન્ડ નૉટ ટુ યીલ્ડ’ તરેહના ઉદ્‌ગારો કાઢ્યા છે તે પણ સાથેલગા સાંભરે છે. આ અભિજ્ઞતા હશે તો પેલી ‘ઑન્વી’ જે ઘરનું ઘર શોધે છે એનો રાજપથ ને જનપથ જડવો દુઃસાધ્ય નથી એમ મને એક અદના અક્ષરકર્મીને નાતે લાગે છે.

જાન્યુઆરી ૮, ૨૦૨૨

(તા. ૨૪-૨૫-૨૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના ભુજ જ્ઞાનસત્રમાં પ્રમુખસ્થાનેથી તેમ જ સત્રમાં દરમિયાન થતાં બોલાયેલું ને બોલવા ધારેલું.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 08-09

Category :- Opinion / Literature