ચલ મન મુંબઈ નગરી—128

દીપક મહેતા
15-01-2022

મોટરમાં બેઠેલા બે જણાએ એક રાહદારીને કહ્યું : મોટરમાં બેસી જાવ!

ચંદ્રવદન એક ચીજ ગુજરાતે ના જડવી સ્હેલ

ચંદ્રવદન મહેતાનું એકચક્રી રાજ રેડિયો નાટકમાં

ચંદ્રવદન એક ચીજ
ગુજરાતે ના જડવી સ્હેલ.
જ્યાં પેઠા, ત્યાં ઊઘડે મહેફિલ.
એક અલકમલકની ચીજ
ચંદ્રવદન તે ચંદ્રવદન તે ચંદ્રવદન ...

આપણા અગ્રણી કવિ ઉમાશંકર જોશીના આ શબ્દો ચંદ્રવદન મહેતાનો ટૂંકમાં પણ સાચો પરિચય આપે છે. કોઈ સી.સી. કહે, કોઈ ચં.ચી.. કોઈના વળી ચાંદામામા. નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશનના ઘડતર અને ચણતરમાં જનાબ બુખારી સાહેબનો જેવો ફળો, તેવો તેના ગુજરાતી કાર્યક્રમોના આયોજન અને રજૂઆતમાં ચંદ્રવદનભાઈનો ફાળો. પણ રેડિયોને ચંદ્રવદનભાઈ મળ્યા કેવી રીતે? અરજી કરેલી? ઇન્ટરવ્યૂ આપેલા? અવાજની પરીક્ષા આપેલી? ના. એ વખતે જેનું નામ લેમિંગ્ટન રોડ હતું તેના પર સી.સી. ચાલતા જતા હતા. બેકાર હતા એટલું જ નહિ, થોડીઘણી મૂડી હતી તે પણ શેર બજારના સટ્ટામાં ગુમાવેલી. એક મોટર હળવેકથી સી.સી.ની બાજુમાં ઊભી રહી. બારણું ખોલીને જનાબ બુખારી કહે : ‘બેસી જાવ.’ અગાઉ બે-ત્રણ વાર સી.સી. રેડિયો પર પ્રોગ્રામ માટે ગયેલા એટલે આંખની ઓળખાણ. સાથે હતા લિયોનાલ્ડ ફિલ્ડિંગ, દેશના પહેલા કંટ્રોલર ઓફ બ્રોડકાસ્ટિંગ. સીધી ને સટ વાત : ‘કાલથી રેડિયોની નોકરીમાં જોડાઈ જાવ.’ ખાદીની કફની અને ખાદીનું ધોતિયું. ૧૯૩૮ના ફેબ્રુઆરીની ૨૫મી તારીખે ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશનની નોકરીમાં જોડાયા.

બુખારી અને ફિલ્ડન

આ રીતે સામે ચાલીને કોઈને રેડિયોમાં લઈ આવવા એ જનાબ બુખારીની લાક્ષણિકતા.  અગાઉ પ્રગટ થયેલા જનાબ બુખારી વિશેના લેખના અનુસંધાનમાં દિલ્હીથી દેવકુમાર ત્રિવેદીએ બુખારીનો એક પ્રસંગ લખી મોકલ્યો છે. દેવકુમારના પિતા પિનાકિન ત્રિવેદી (પિનુભાઈ) જાણીતા કવિ, સંગીતકાર, ગાયક. શાંતિનિકેતનમાં ગુરુદેવ ટાગોર પાસે ભણેલા. ટાગોરનાં ઘણાં ગીતોના સમગેય અનુવાદ કરેલા. તેમાંના થોડાક તેમના એક માત્ર કાવ્યસંગ્રહ ‘પ્રસાદ’માં સમાવ્યા છે. વર્ષો સુધી ન્યૂ ઇરા સ્કૂલમાં ગુજરાતી અને સંગીતના શિક્ષક રહ્યા. (આ લખનારને દસ વરસ સુધી તેમની પાસે ભણવાનો લાભ મળેલો.) એક દિવસ અચાનક બુખારી પહોંચી ગયા પિનુભાઈના તારદેવના ઘરે. કહે કે મને ખબર છે કે તમે બહુ સારા ગાયક છો. અમારા રેડિયો સ્ટેશન પર ગાવા આવો. ૧૯૩૪માં રેડિયો સાથેનો પિનુભાઈનો સંબંધ શરૂ થયો તે છેક ૧૯૮૮ સુધી ચાલુ રહ્યો. પછી તો સંગીત ઉપરાંત વાર્તાલાપ, મુલાકાત, કાવ્યપઠન, એમ જાતજાતના કાર્યક્રમો આપ્યા. ૧૯૭૨ના ઓક્ટોબરની બીજી તારીખે દૂરદર્શનના મુંબઈ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું તે જ દિવસે પિનુભાઈએ ગુજરાતી ભજનો રજૂ કર્યાં હતાં. આમ, દૂરદર્શનના તેઓ પ્રથમ ગાયક બન્યા.

પિનાકિન ત્રિવેદી

પણ પાછા જઈએ ચં.ચી. પાસે. એ વખતે રેડિયો પર બે મુખ્ય વિભાગ તે સ્પોકન વર્ડ અને સંગીત. ત્રીજો વિભાગ તે સમાચારોનો, પણ એ તો દિલ્હીમાં. ચંદ્રવદન સ્પોકન વર્ડના ખેરખાં. વાર્તાલાપો, નાટકો વગેરે તો ખરાં જ. પણ નવા નવા અખતરા કરે, સફળતાથી. ચતુરનો ચોતરો, બુદ્ધિ ધાનશાક મંડળ. ક્રિકેટની રનિંગ કોમેન્ટરીની જેમ મકર સંક્રાંતની સવારે સુરતથી પતંગની કોમેન્ટ્રી. સાથે જોડાય આપણા અનન્ય હાસ્યકાર જ્યોતીન્દ્ર દવે. આ બંને અંગે સાચો બનેલો એક પ્રસંગ. સુરતની કોઈ સાહિત્યિક સંસ્થાનો કાર્યક્રમ. તેના એક હોદ્દેદારે અતિથિવિશેષ તરીકે ચંદ્રવદનભાઈને આમંત્રણ આપ્યું, તો બીજાએ જ્યોતીન્દ્રભાઈને. બંને કાર્યક્રમ માટે પહોંચ્યા ત્યારે ભૂલનો ખ્યાલ આવ્યો. હવે શું કરવું? બંને કહે : વાંધો નહિ. તમે બાજુ બાજુમાં બે માઈક મૂકો. અમે વારાફરતી બોલશું. એક વાક્ય સી.સી. બોલે, એક જ્યોતીન્દ્રભાઈ. બંને ખાસ્સું અડધો કલાક બોલ્યા!

ઓલ ઇન્ડિયા રેડિયોનું મુંબઈ સ્ટેશન જ્યાં હતું તે ક્વીન્સ રોડ પરનું મકાન

પણ સી.સી.નું એકચક્રી રાજ તે તો રેડિયો નાટકમાં. મૂળ રંગભૂમિનો જીવ. કેટલાંયે નાટકો લખ્યાં, ભજવ્યાં. ૯૦ વરસની જિન્દગીમાં ૧૦૧ પુસ્તકો લખ્યાં, જેમાંનાં સાત અંગ્રેજીમાં. પણ એ વખતે રંગભૂમિની પહોંચ મર્યાદિત. રેડિયો નાટકમાં ચં.ચી.ને મોકળું મેદાન મળ્યું. દરેક નાટકમાં કૈંક નવું નોખું. પણ લખ્યું તેટલું સાચવ્યું નહિ. રેડિયો પર એ વખતે ‘લાઈવ’ કાર્યક્રમોનો જમાનો. એટલે રેકોર્ડિંગ પણ નહિ. એક બાજુ ‘અત્ર લુપ્તા સરસ્વતી’ જેવું છંદોબદ્ધ નાટક તો બીજી બાજુ ‘આઈ.એન.એસ. બેન્ગાલ’ જેવું દસ્તાવેજી રૂપક. ગાંધીજી અને સરદાર પટેલ વિશેની બે નાટ્યશ્રેણીઓ, તો ‘અમરફળ’ જેવું પૌરાણિક નાટક. એક બાજુ ખૂન નામનું નાટક તો બીજી બાજુ ‘પ્રીત ભઈ’. ચં.ચી. મુઝફ્ફરશાહ વિષે પણ નાટક લખે અને શાંતિનિકેતન વિષે પણ લખે. વીર, શૃંગાર, હાસ્ય, વગેરે રસોના કુશળ કસબી, પણ છેવટે ઠરે તે તો શાંત રસમાં.

ચંદ્રવદન મહેતા

પણ આ લખનારને આજે પણ લગભગ આખેઆખું મોઢે છે તે તો સી.સી.નું ‘કન્યાવિદાય’. ‘અભિજ્ઞાન શાકુન્તલ’ પર આધારિત આ સંગીત રૂપક જેટલું કાલિદાસનું છે તેટલું જ ચંદ્રવદનભાઈનું છે. અનુવાદ નહિ, અનુસર્જન. આખેઆખું સંસ્કૃત છંદોમાં લખાયેલું. એ જમાનામાં એટલું પોપ્યુલર, કે દર બે-ચાર વરસે રેડિયો પર ફરી-ફરી ભજવાય. રેડિયોના સંગીત વિભાગમાં કામ કરતા અને આપણા જાણીતા કવિ, સંગીતકાર, ગાયક નિનુભાઈ મઝુમદારે સંગીતબદ્ધ કરેલું. અને કેવા કેવા કલાકારો : નિનુભાઈ પોતે, પિનુભાઈ, ગિજુભાઈ વ્યાસ, સુષમાબહેન દિવેટિયા, વીણા મહેતા, અંજની મહેતા, કૌમુદી મુનશી. સી.સી. પોતે શરૂઆતમાં ભૂમિકા બાંધે. રેડિયો પર તો સાંભળેલું જ, પણ આ લખનાર ભણતો તે ન્યૂ ઈરા સ્કૂલમાં પણ દર બે-ત્રણ વરસે આખા કાફલાને લઈને સી.સી. આવે. શનિવારની સવારે સ્કૂલના એસેમ્બલી હોલમાં કન્યાવિદાય રજૂ કરે. આ જ કન્યાવિદાય અમદાવાદમાં સંગીતરૂપક તરીકે સ્ટેજ પરથી રજૂ થયેલું ત્યારે તેને સંગીતબદ્ધ કરેલું આપણા અગ્રણી સંગીતકાર ક્ષેમુભાઈ દિવેટિયાએ. અને તેમાં શકુન્તાલાનું પાત્ર ભજવેલું આજનાં જાણીતાં અભિનેત્રી રૂપા દિવેટિયાએ.

આ લખનારને ચંદ્રવદનભાઈનો અંગત પરિચય થયો તે પહેલાં એમને જોયેલા, અને જોયા તે પહેલાં સાંભળેલા રેડિયો પર. જોયેલા ન્યૂ ઈરા સ્કૂલમાં. ક્લાસમાં બેઠો હોઉં. બહાર લોબીમાંથી પસાર થતા દેખાય. ખાદીનાં કફની ધોતિયું. વકીલો પહેરે છે તેવી બે સફેદ પટ્ટી કફનીની વચમાં લટકતી હોય. ત્યારે તો સમજાતું નહિ કે આવી પટ્ટી કેમ? પછી જાણવા મળ્યું કે સી.સી. એકલ જીવ. કફનીનાં બટન તૂટી જાય તો કોણ ટાંકી આપે? એટલે બટન તૂટેલાં હોય તો ય દેખાય નહિ માટે પેલી પટ્ટી. બેફીકર ચિત્તા જેવી ચાલ. મોઢા પર કુમાશ અને કરડાકીનું અજબ મિશ્રણ. જો છંછેડાય તો તેમનામાં ગૂંચળું વળીને બેઠેલ નાગ જે ફૂંફાડો મારે!

અંગત પરિચય થયો તે પહેલાં એમનો થોડો ડર લાગતો. પણ પછી તો કેટલીક વાર એમની આંખોમાં માતાની મમતા જોવા મળી. ૧૯૫૨માં રેડિયો પરથી નિવૃત્ત થયા પછી સી.સી. વડોદરાવાસી બન્યા. ત્યાંની યુનિવર્સિટીમાં નાટ્ય શિક્ષણનો વિભાગ શરૂ કર્યો અને વીસ વરસ નાટકનું શિક્ષણ આપ્યું. યુનિવર્સિટીની હોસ્ટેલના એક રૂમમાં રહેવાનું. સ્વયમપાકી. બીજા કોઈને તકલીફ ન પડે એટલા ખાતર પોતાના અંતિમ સંસ્કાર માટેનો બધો સામાન જાતે લાવીને એ રૂમના એક ખૂણામાં મૂકી રાખેલો. સરનામું ભલે યુનિવર્સિટીની હોસ્ટેલનું, પણ ફરતા હોય આખી દુનિયામાં. સી.સી.એ જેટલી દુનિયા જોઈ એટલી બીજા કોઈ ગુજરાતી લેખકે જોઈ નહિ હોય.

વડોદરાથી મુંબઈ આવવાના હોય તે પહેલાં પોસ્ટકાર્ડ આવે. સંબોધન વગેરેની કડાકૂટ નહિ. ‘ફલાણી તારીખે બપોરે બે. ફાર્બસ પર મળો.’ વર્ષો સુધી મુંબઈ આવે ત્યારે ફાર્બસ ગુજરાતી સભાના લેમિંગ્ટન રોડ પરના મકાનના એક રૂમમાં રહે. પાછલાં વર્ષોમાં ભાણેજ અરુણ શ્રોફના અંધેરીના ઘરમાં ઊતરે. ત્યારે પોસ્ટ કાર્ડમાં લખે : ‘ફલાણી તારીખથી ફલાણી સુધી અરુણને ઘરે છું.’ અગાઉથી ફોન કરીને જવાનું. સમયપાલનના ચુસ્ત આગ્રહી. જાતજાતની વાતોનો ખજાનો ખૂલતો જાય. છેલ્લી મુલાકાત કાયમ માટે યાદ રહી ગઈ છે. ૧૯૯૧ના એપ્રિલ મહિનાનો એક શનિવાર. અગાઉથી ફોન કરીને સવારે અગિયાર વાગે મળવા ગયો. તબિયત જરા નરમ લાગતી હતી, પણ વાતોનો ધોધ તો હંમેશ જેવો જ. બે-એક કલાક એ ધોધમાં સ્નાન કર્યા પછી જવા નીકળ્યો. વળાવવા માટે લિફ્ટ સુધી આવ્યા. મેં વિવેક કર્યો : ‘નાહક તકલીફ શા માટે લો છો?’ તરત બંદૂકમાંથી ગોળી છૂટી : ‘કેમ? મને બુઢ્ઢો માનો છો?’ બીજા શનિવારે ફરી મળવાનું નક્કી કરેલું, પણ બે-ત્રણ દિવસ પછી અરુણભાઈનો ફોન : ‘મામાની તબિયત સારી નથી. તમે ન આવો તો સારું. આ રીતે ના પાડું તે તેમને તો ગમશે નહિ. એટલે કહીશ કે તમારો ફોન હતો કે નહિ આવી શકું.’ બે પાંચ દિવસ પછી ફરી અરુણભાઈને ફોન કર્યો ત્યારે કહે કે મામા તો એકાએક વડોદરા પાછા ગયા!’ જે હોસ્ટેલની રૂમમાં વર્ષો સુધી રહ્યા એ જ રૂમમાં ૧૯૯૧ના મે મહિનાની ચોથી તારીખે ચંદ્રવદનભાઈના જીવનનાટકનો છેલ્લો અંક પૂરો થયો.

ચંદ્રવદનભાઈ નાના હતા ત્યારે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની બે દીકરીઓ મેનાંબાઈ અને ઇન્દિરા રાજે સાથે રમતા. એક વાર એ બંને બહેનોએ લાકડાના ખોખા પર બેસાડીને ચંદ્રવદનભાઈનો રાજ્યાભિષેક કરેલો. ઇન્દિરાબાઈએ પોતાની ફૂમતાવાળી ટોપી પહેરાવી. મેનાંબાઈએ રાજતિલક કર્યું. જાંબુડાની સૂકી ડાળખીની તલવાર બનાવીને હાથમાં આપી. પણ પછી તો ફૂમતાંવાળી ટોપીને બદલે ચંદ્રવદનભાઈને માથે મૂકાયો ઓલ ઇન્ડિયા રેડિયોમાંની કામગીરીનાં ૧૪ વર્ષોનાં ૧૪ રત્નોવાળો તાજ.

*

વિશેષ નોંધ : જનાબ જુલ્ફિકાર અલી બુખારી પરનું લખાણ વાંચ્યા પછી ઘણા વાચકોએ પૂછ્યું કે તેમનો અવાજ સાંભળવા મળે? હા. યુટ્યૂબ પર તેમના નામથી સર્ચ કરશો તો તેમના કાવ્યપઠનનાં ૧૯૪૭ પછીનાં પાંચેક રેકોર્ડિંગ જોવા-સાંભળવા મળશે.

e.mail : [email protected]

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 15 જાન્યુઆરી 2022

Category :- Opinion / Opinion