લોક-આંદોલનનો કોઈ વિકલ્પ નથી : મેધા પાટકર

સંજય શ્રીપાદ ભાવે
15-01-2022

તા. ૩૦ સપ્ટેમ્બરથી ૨૦ ડિસેમ્બરના દિવસોમાં સ્વાસ્થ્યવશ મોટા ભાગનાં જાહેર રોકાણો છોડવાં પડ્યાં, એ પૈકી એક આ અવસર પણ હતો. ચુનીકાકાના સહયોગીને નાતે થોડી દિલી આપ-લે કરવાનું બેલાશક ગમ્યું હોત. મેધાબહેનને અભય આપવાની કામગીરીમાં હુંયે કંઈક સામેલ હતો એની વાત તો ઠીક, પણ સવિશેષ તો જાહેર જીવનની રીતે અમારી વચ્ચે સતત જે એક ‘કમ્પેરિંગ નોટ્‌સ’નો નાતો ૧૯૭૪થી જીવનભર રહ્યો, તે વિશે પણ મારે ક્યારેક વિગતે લખવું જોઈશે. થોડુંક એમના સ્મૃતિગ્રંથમાં પ્રાસ્તાવિકરૂપે જરૂર લખ્યું છે, પણ એથી મને ધરવ નથી તે નથી. ક્યારેક પરસ્પર ટીકાનોયે પ્રસંગ આવ્યો, જેમ કે નર્મદા બંધના વિરોધમાં હિંસા ને અસહિષ્ણુતા સંદર્ભે મારે થોડુંક લખવાનું થયું તે બંધવિરોધી સિદ્ધરાજ ઢઢ્ઢાએ હિંદીમાંથી ઉતાર્યું હતું. પણ લાંબી સહયાત્રાને છેડે ખાટું પણ કેરીના મરવા પેઠે મધુર થઈ જતું હોય છે એટલું જ આ ક્ષણે તો કહું.

— પ્ર.ન.શા.

[“નિરીક્ષક” તંત્રી]

°°°°°

ગુજરાત લોક સમિતિએ ચુનીભાઈ વૈદ્યને તેમના સ્મૃતિ દિન ૧૯ ડિસેમ્બરે કર્મશીલ મેધા પાટકરના વ્યાખ્યાન થકી ખૂબ બંધબેસતી અંજલિ આપી. ‘જમીની સંઘર્ષ ઔર ચુનૌતિયાં’ વિષય પર મેધાબહેને એમની લાક્ષણિક પ્રજ્ઞા અને ઊર્જા સાથે સવા કલાક એકધારું તેમ જ રાબેતા મુજબ અસ્વસ્થ કરનારું વ્યાખ્યાન આપ્યું. નર્મદા યોજના ઉપરાંત પણ અનેક સાંપ્રત લડતો અને પડકારોને તેમણે ઠીક સ્પષ્ટતા સાથે આવરી લીધાં. જો કે દરેક બાબતે એમ જ લાગ્યું કે વક્તા માત્ર એ લડતોને સ્પર્શી જ રહ્યા છે અને એના વિશે તેમણે હજુ ઘણું કહેવાનું છે.

પીઢ આંદોલનકારી, સેવાનિષ્ઠ તબીબ અને ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)ના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયાના અધ્યક્ષપદે યોજાયેલ ચુનીભાઈ વૈદ્ય સ્મૃતિ વ્યાખ્યાન એ મેધાબહેનનું અમદાવાદમાં સંભવતઃ પહેલું જાહેર વ્યાખ્યાન હતું. પૂર્ણપણે મેધાતાઈનું આ પ્રકારનું વ્યાખ્યાન  આ પહેલાં યોજાયું ન હોય તે તાજ્જુબની વાત છે. કેમ કે, અમદાવાદમાં વીતતાં વર્ષો સાથે ભલે ઘટતા દરે પણ જાહેર વ્યાખ્યાનો યોજાતાં રહ્યાં છે. મેધાબહેનનાં સમકાલીન અને તેમના પુરોગામી એવાં જાહેરજીવનના અનેક  અગ્રણીઓનાં પ્રવચનો આ શહેરમાં યોજાઈ  ચૂક્યાં છે.

સંઘર્ષરત મેધાબહેનનું અમદાવાદના નાગરિક સમાજના એક હિસ્સા સાથે ગયાં ચાળીસેક વર્ષથી લાગણીનું જોડાણ રહ્યું છે. ગુજરાતમાં તેમના માટે ઉપજાવી કાઢવામાં આવેલા તિરસ્કારના માહોલ વચ્ચે પણ અહીં તેમના અનેક ટેકેદારો, હિતચિંતકો અને ચાહકો છે. આમ છતાં, અમદાવાદમાં હજુ સુધી તેમનું વ્યાખ્યાન યોજાયું હોવાનું જાણમાં નથી. તેની પાછળનું સીધું કારણ તો એ છે કે નર્મદાબંધ મુદ્દે હંમેશના વિવાદ અને અસહિષ્ણુતાના માહોલમાં નર્મદા બચાઓ આંદોલનનાં નેત્રીનું અમદાવાદમાં આવવું હંમેશાં જોખમકારક રહ્યું છે. ગોધરા કાંડને પગલે ગુજરાતમાં થયેલાં રમખાણો દરમિયાન ૭ માર્ચ, ૨૦૦૨ના દિવસે શાંતિ, રાહત અને પુનર્વસન અંગે નાગરિકસમાજની સાબરમતી આશ્રમમાં મળેલી બેઠકમાં મેધાબહેન પર ભીષણ હુમલો થયો હતો. હિંસક ફાસીવાદી યુવાનોનાં ટોળાંની પકડમાંથી મેધાબહેનને ૮૫ વર્ષના નર્મદા તરફી ગાંધીવાદી ચુનીકાકાએ અપૂર્વ શૌર્ય અને ઔદાર્યથી બચાવ્યા હતા. તેનાં દસેક વર્ષ પહેલાં પણ શ્રેયસ ફાઉન્ડેશનના પરિસરમાં મેધાબહેન અને તેમના સાથીઓ પર હુમલો થયો હતો. ગુજરાતમાં આયોજકો મેધાબહેનને વ્યાખ્યાન માટે બોલાવવાનું જોખમ લેતા ન હતા. નજીકના ભૂતકાળમાં ઘણું કરીને બે કાર્યક્રમોમાં તેઓ જોડાયાં હતાં, પણ મુખ્ય વક્તા તરીકે નહીં જ. પણ આખરે ગુજરાત લોક સમિતિએ પહેલ કરી. ચુનીકાકાના કાર્યને આગળ ધપાવવા મથનાર નીતાબહેન, મુદિતા અને મહાદેવભાઈએ દહેશતને બાજુ પર મૂકીને ર્નિભયપણે મેધાબહેનને નિમંત્ર્યાં. અલબત્ત, જોખમની સંભાવના ઘટાડવા માટે સ્મૃતિ વ્યાખ્યાનની સોશ્યલ મીડિયા થકી કરવામાં આવેલી જાહેરાતના પહેલા બે તબક્કામાં મેધા પાટકરનું નામ મૂકવામાં આવ્યું ન હતું. એમનું નામ વ્યાખ્યાનના આગળના દિવસે સોશિયલ મીડિયામાં વહેતું કરવામાં આવ્યું. મેધાબહેનના આ સંભવતઃ પહેલા જાહેર વ્યાખ્યાન અંગે બીજી એક ધાસ્તીપૂર્ણ હકીકત એ હતી કે અમદાવાદમાં ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)ના અત્યારના પ્રમુખ અને પૂર્વ મેયર અમિત શાહ છે. તેઓ મેધાબહેન પર સાબરમતી આશ્રમમાં થયેલા હુમલામાં એક આરોપી પણ હતા.

ચુનીકાકાના સાતમા સ્મૃતિદિને અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના સભાગૃહમાં યોજાયેલ વ્યાખ્યાનમાં શ્રોતાઓની સંખ્યા ઘણી ઓછી હતી. જાડી રીતે કહેવું હોય તો આશરે સવાસો મિનિટના કાર્યક્રમમાં લગભગ તેટલી જ સંખ્યામાં શ્રોતાઓ હતા. આ શહેરમાં મહામારી પૂર્વેના ભૂતકાળમાં જુદા જુદા કાર્યક્રમો/ઉપક્રમો હેઠળ જાહેર વ્યાખ્યાનો આપનાર વ્યક્તિઓમાં સહજ રીતે યાદ આવતાં નામોમાંથી કેટલાંક છે : કપિલ સિબ્બલ, રામચન્દ્ર ગુહા, પી. સાઇનાથ, ગણેશ દેવી, અશોક વાજપેયી, મૃણાલ પાંડે, આનંદ તેલતુંબડે, રવીશ કુમાર, હરીશ ખરે, અઝીમ પ્રેમજી, ડૉ. પ્રકાશ આમટે, સુનીતા નારાયણ, રાણી બંગ, વિનાયક સેન, કુમાર પ્રશાન્ત. આમાંથી ઘણાં વ્યાખ્યાનોમાં શ્રોતાઓની જે ઉપસ્થિતિ હતી, તેની સરખામણીમાં મેધાબહેન જેવાં વિરલ કર્મશીલનાં વ્યાખ્યાનમાં ઘણાં ઓછા શ્રોતાઓ હતા. આવું શા માટે બન્યું હશે, તે અંગે વિચારતાં નાગરિક સમાજ અંગે મંથન કરવાનું  થાય.

મેધાબહેનના વ્યાખ્યાનનું વૃત્તાન્ત-નિવેદન ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સિવાય ભાગ્યે જ કોઈ છાપાએ કર્યું. ‘નવગુજરાત સમય’ અખબારે વ્યાખ્યાન પ્રસંગની તસવીર ચુનીકાકાને અંજલિ રૂપે  મૂકી. બી.બી.સી. પર તેજસ વૈદ્યે મેધાબહેનની વીસેક મિનિટની મુલાકાત લીધી, જે ૨૨  ડિસેમ્બરે પ્રસારિત થઈ. ‘ધ વાઇબ્સ ઑફ ઇન્ડિયા’ અને ‘ઇન્ડિયા ટુમૉરો’ નામનાં પૉર્ટલ્સ પર વરિષ્ઠ પત્રકાર અનુક્રમે દર્શન દેસાઈ અને નયીમ કાદરીએ કાર્યક્રમનું નોંધપાત્ર વૃત્તાન્ત-નિવેદન કર્યું હતું. તે વૃત્તાન્તોને આધારે મેધાબહેનના વ્યાખ્યાનના મહત્ત્વના મુદ્દા અહીં નોંધ્યા છે.

જનઆંદોલનોના આગેવાનોનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આંદોલનજીવી’ કહીને ઉપહાસ કર્યો હતો. તેને યાદ કરીને મેધાબહેને એ મતલબનું કહ્યું કે ‘હા, અમે આંદોલનજીવી છીએ.’ અત્યારની સરકારે તેની કેન્દ્રીકૃત નીતિઓથી હાંસિયાની વધુ ને વધુ બહાર ધકેલાઈ રહેલાં લોકો માટે શેરીમાં ઊતરવા સિવાય કોઈ વિકલ્પ જ રહેવા દીધો નથી. નર્મદાનાં પાણીની અસંતુલિત અને શહેર તરફી વહેંચણીને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારો હજુ પણ પાણીની તંગી અનુભવી રહ્યા છે. 

જે આંદોલનને કારણે ભા.જ.પ.ની સરકારને કૃષિકાયદા પાછા ખેંચવાની ફરજ પાડનાર ખેડૂત-આંદોલનનો ઉલ્લેખ કરીને મેધાબહેને કહ્યું કે જબરદસ્ત લોકસંઘર્ષને કારણે આ જીત શક્ય બની. શાહીન બાગ આંદોલનને પણ મેધાબહેને બહુ ભાવપૂર્વક યાદ કર્યું.

કેટલાક ન્યાયાધીશો એક હદ સુધી રાજકીય દબાણની સામે ટકી રહે છે, પણ ત્યાર બાદ બાંધછોડ સ્વીકારે છે. આપણે અયોધ્યાથી લઈને કાશ્મીર સુધીના ચુકાદાઓમાં આ જોયું છે. આપણે રાજ્ય સભામાં નિયુક્તિ સ્વીકારનાર ન્યાયાધીશો પણ જોયા છે.

આપણે જે પ્રશ્નો માટે લડીએ છીએ, કેટલાક માટે આપણે કોર્ટમાં જઈએ, આપણને ટેકો આપનાર જૂજ નોકરશાહો કે ન્યાયાધીશો પણ મળી જાય, પણ બદલાવ તો જમીની સંઘર્ષથી જ આવે.

અત્યારે આપણે રાજકીય પક્ષની બહાર રહીને રાજકીય લડત ઉપાડવાની જરૂર છે. આ લડત એ વર્ગો સૌથી વધુ જુસ્સાથી ચલાવી શકે કે જેઓ એમના નામે રાજકીય પક્ષોએ ઘડેલી કહેવાતી ક્લ્યાણનીતિઓનો ભોગ બન્યા હોય.

યુનાઇટેડ નેશન્સ, વર્લ્ડ બૅન્ક અને એશિયન ડેવલપમેન્ટ બૅન્ક જેવી નાણાં પૂરાં પાડનારી  આંતરાષ્ટ્રીય એજન્સીઓ સામે પણ આપણે અત્યારે જાગવાની જરૂર છે. આ એજન્સીઓ આદિવાસી અને દલિતવર્ગો માટે સંવેદન ધરાવે છે, પણ સાથે આ સમુદાયોના હિતની વિરુદ્ધની નીતિઓ અમલમાં મૂકનાર સરકારને પૈસો પૂરો પાડે છે.

વળી, સરકારો અમારા પર એવો આરોપ લગાવે છે કે અમે વિદેશી નાણાંથી આંદોલનો ચલાવીએ છીએ, પણ હકીકતમાં તો સરકાર ખુદ જ પી.પી.પી.(પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ)ના નામે વિદેશી એજન્સીઓ પાસેથી પુષ્કળ પૈસો મેળવે છે. મેધાબહેને પોતે ઍવૉર્ડનાં રાશિનો અસ્વીકાર કર્યો હોવાની વાત જણાવી હતી. તેમણે એવો સવાલ પણ કર્યો કે ‘ પી.એમ. કૅઅર્સ ફન્ડ અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ માટે કેટલો વિદેશી પૈસો આવે છે? એ ક્યાં છે ?’ વળી, આદિવાસીઓ, ભૂમિહીનો, ગરીબો અને ખેડૂતો માટે પૈસો નથી એમ કહેતી સરકાર પાસે સેન્ટ્રલ વિસ્ટા, સરદાર પટેલની પ્રતિમા માટે પૈસો છે અને તેની પાસે કૉર્પોરેટ્‌સની હજ્જારો કરોડ રૂપિયાની એન.પી.એ.(નૉન-પરફૉર્મિન્ગ ઍસેટ્‌સ) માફ કરવા માટે પૈસો છે.

વિકાસની મૂળભૂત અવધારણાની સામે સવાલ ઉઠાવતા વિશાળ મૅક્રો-લેવલ આંદોલનના પાયામાં અનેક માઇક્રો-લેવલ ચળવળો હોય છે. ચુનીકાકાનો નારો હતો : ‘ગાઁવ કી જમીન ગાઁવ કી’ પણ એવું ક્યાં થઈ રહ્યું છે ? જળ-જંગલ-જમીન જેમની માલિકી ગામના લોકોની હોય તે હવે કૉર્પોરેટ સેક્ટર અને ખાણમાફિયાઓને સોંપાઈ રહ્યાં છે. કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે લોકઆંદોલન સિવાય વિકલ્પ નથી. જનઆંદોલન ભારતીય લોકશાહીના આધારસ્તંભોને લાગેલી ઊઘઈને દૂર કરી શકશે.

ખેડૂતોનાં જળ-જમીન માટે સૌરાષ્ટ્રમાં નિરમા અને અલ્ટ્રાટેક કંપનીઓની સામે આંદોલન ચલાવનાર કનુભાઈએ ટૂંકા અધ્યક્ષીય વક્તવ્યમાં કહ્યું કે અત્યારે ભલે ચુનીકાકા સદેહે આપણી સાથે નથી, પણ તેમનો વારસો આપણને શક્તિ આપી રહ્યો છે. કનુભાઈએ સપ્ટેમ્બર, ૨૦૧૦ની એ સાંજને યાદ કરી કે જ્યારે કાકાએ ધોધમાર વરસાદમાં ટ્રૅક્ટરમાં ઊભા રહીને ખેડૂતોની રેલીને સંબોધી હતી.

કાર્યક્રમનું સુચારુ સંચાલન મુદિતાએ કર્યું હતું. મહાદેવભાઈએ માનેલા આભારપૂર્વે એક રસપ્રદ ઉપક્રમ હતો. તેમાં સભાગૃહમાં ઉપસ્થિત બહેનોને મંચ પર બોલાવીને તેમને હસ્તે મેધાબહેનને એક સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં તેમના વિશે તેમના જ એક સાથીએ લખેલી સુંદર હિન્દી કવિતા અંકિત કરવામાં આવી હતી, જે મુદિતાએ વાંચી હતી.

આયોજકોએ સૂઝપૂર્વક સભાગૃહની બહાર મૂલ્યવાન પુસ્તકો વેચાણ માટે મૂક્યાં હતાં. તેમાં ચુનીકાકાએ વર્ષો પહેલાં લખેલી અને ગાંધીવિચારખંડન તેમ જ ગોડસે વિચારમંડનના અત્યારના સમયમાં વિશેષ પ્રસ્તુત બે પુસ્તિકાઓ ‘સૂરજ સામે ધૂળ’ : ગાંધીનું બલિદાન અને સાચું શું ખોટું શું’ (તેમ જ તેનો અંગ્રેજી અનુવાદ ‘સ્પિટિન્ગ એટ ધ સન’) અને ‘જૂઠાણું જલદી પકડાય : ગોડસેની સફાઈ અંગે સાફ સાફ’ પણ ઉપલબ્ધ હતી. ચુનીકાકાને લગતી સામગ્રીમાં કેતન રૂપેરાએ મનોયોગપૂર્વક સંપાદકીય કાર્યબોજ ઉઠાવી તૈયાર કરેલ સ્મૃતિગ્રંથના ઉત્તમ નમૂના જેવો ગ્રંથ ‘અગ્નિપુષ્પ’ ઉપરાંત મુકુંદ પંડ્યા લિખિત, કાકાનું ટૂંકું મહત્ત્વનું ચરિત્ર ‘સંઘર્ષ અભી જારી હૈ...’, અને ‘લોકસ્વરાજ’ માસિકના કાકા પરના બે વિશેષાંકો હતા. વળી, ગુજરાત લોક સમિતિએ તાજેતરમાં બહાર પાડેલું હેમંતકુમાર શાહનું ખૂબ મહત્ત્વનું પુસ્તક ‘આમુખ’ પણ અહીં વેચાણ માટે હતું. ખુદ મેધાબહેને કેટલીક સૂતરાઉ સાડીઓ વેચાણ માટે મૂકી હતી. આ સાડીઓ મધ્ય પ્રદેશમાં એક મિલના માલિકોની સામે લાંબા સમયથી લડત આપી રહેલા કામદારોના પરિવારોએ બનાવી હતી.

કાર્યક્રમમાં ગીત રજૂ કરનાર ગાયક કલાકાર નરેન્દ્ર શાસ્ત્રીએ કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી ચુનીકાકાના ગાંધી આશ્રમ સામેના ઘરના પરિસરમાં આમંત્રિતો માટે ગીતોનો એક આહ્લાદક કાર્યક્રમ રજૂ કર્યો. તેમને તબલા પર સંગત તેમના ભાઈ જિતેન્દ્રએ કરી હતી. નાની જગ્યા અને સાવ થોડાક શ્રોતાઓ વચ્ચે પણ કલાકારોએ દિલથી મહેફિલ જમાવી. તેમાં કાકાને ગમતાં કે.એલ. સહેગલનાં ગીતો ઉપરાંત ઝવેરચંદ મેઘાણીની કેટલીક રચનાઓ વૈવિધ્યપૂર્ણ રીતે રજૂ કરી. સર્વોદય કાર્યકર્તાઓ દ્વારા ગવાતાં ‘જીવન કા હર પલ મંગલ’ ગીતની ભૈરવીથી કાર્યક્રમ રાત્રે દસેક વાગ્યે પૂરો થયો. આખો દિવસ ચુનીકાકામય હતો. મનને સારું લાગ્યું. પણ કાકા અને મેધાબહેનના પરિચયમાં વાંચવામાં આવેલી મેધાબહેન વિશેની હેરમ્બ કુલકર્ણીએ લખેલી  મરાઠી કવિતાની પંક્તિઓ યાદ આવતી રહી :

‘કહેને મેધા
અમારા જેવા આત્મમગ્ન, સુરક્ષિત ટાપુઓ ડૂબમાં કેમ નથી જતા રહેતા ?’ 

૧૦ જાન્યુઆરી ૨૦૨૧

e.mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 10-11

Category :- Opinion / Opinion