થોડુંક, માર્લો બ્રાન્ડોના શબ્દોમાં

અનિલ જોષી
15-01-2022

નિઃશેષ

હેપ્પી ન્યુ યર વિશે બોલતાં, મને આશ્ચર્ય થાય છે કે શું કોઈ પણ વર્ષમાં ખુશ રહેવાની ઓછી તક હતી ? એવું લાગે છે કે આખી જાતિ એક પ્રકારની પ્રજાતિના અંતર્મુખમાં વ્યસ્ત છે - જેમ કે આપણે આપણા ન્યુરોસિસ પર અંદરની તરફ જોયું. અને જે વસ્તુ આપણે જોઈએ છીએ તે ખૂબ સુંદર નથી. તેથી આપણે આ નવા વર્ષમાં જઈએ છીએ, એ જાણીને કે આપણી પ્રજાતિઓ કંઈ શીખી નથી, એક જાતિ તરીકે, કંઈ શીખી શકતી નથી - કે દસ હજાર વર્ષના અનુભવે તેના પર કોઈ અસર કરી નથી. અગાઉના મિલિયન વર્ષોની વૃત્તિ ... એવું નથી કે મેં કોઈ આશા ગુમાવી દીધી છે. બધી ભલાઈ અને વીરતા ફરી ઊભી થશે, એવું નથી કે દુષ્ટ વસ્તુ જીતે છે, પણ હજી જીવે છે.

એવોર્ડોની મોસમ બેસી ગઈ છે. ગુણસંકીર્તન થાય એ આવકારલાયક છે. જેને જેને એવોર્ડ મળ્યા છે તે સહુ મિત્રોને અભિનંદન. પરંતુ આજે મારે વિખ્યાત અભિનેતા - કલાકાર ‘ગૉડ ફાધર’ માર્લો બ્રાંડો વિષે થોડીક વાતો આપ સહુ વાચક મિત્રો સાથે શેર કરવી છે. ૩૦ માર્ચ, ૧૯૭૩માં ઓસ્કાર એવોર્ડ માર્લો બ્રાંડોને અર્પણ કરવાની જાહેરાત થઇ હતી. એ એવોર્ડના જાહેર સમારંભમાં માર્લો બ્રાંડો ગયા નહિ અને ઓસ્કાર એવોર્ડનો અસ્વીકાર કર્યો. એ સમારંભમાં  પોતે શા માટે ઓસ્કાર એવોર્ડ ના સ્વીકાર્યો એનાં કારણો દર્શાવતું માર્લોનું વક્તવ્ય ઓસ્કારના ભવ્ય સમારંભમાં વાંચવામાં આવ્યું. માર્લો બ્રાંડોના એ વક્તવ્યનો અંશ માર્લોનાં જ શબ્દોમાં અહીં મૂકું છું :

“અમેરિકાના મૂળ નિવાસી આપણા રેડ ઇન્ડિયનો પાછલાં બસ્સો વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે. આ સંઘર્ષ પોતાની જિંદગી અને પરિવાર માટે તેમ જ આઝાદ રહેવા અને પોતાના હક્કને માટે કરી રહ્યા છે. આપણે ઇન્ડિયનોને કહ્યું હતું કે ‘હથિયાર ફેંકી દો’. મૂળ નિવાસી ઇન્ડિયનોએ આપણી વાત માનીને, આપણા પર વિશ્વાસ મૂકીને હથિયારો નીચે મૂકી દીધાં. આપણે એમને કેવાં વચનો આપ્યાં હતાં ? આપણે બધાં હળીમળીને રહીશું, દેશની વાતો કરીશું વગેરે વગેરે ..

“પણ આપણે શું કર્યું ? મોકો ગોતીને એમની હત્યાઓ કરી નાખી અને એ બધાને પોતાની જમીનથી કાઢી મૂક્યા. દગો કરીને સમજૂતી ઉપર હસ્તાક્ષર કરાવી કીધા. એ મૂળ નિવાસી રેડ ઇન્ડિયનોને ભિખારી બનાવીને જીવવા માટે છોડી દીધા. આપણે આ ઇતિહાસની મનમાની વ્યાખ્યાઓ કરી શકીએ છીએ. સત્યને તોડી અને મરોડીને પેશ કરીએ છીએ. પણ સત્ય સંતાઈ જતું નથી. આ બધું આપણે તાકાતના ઘમંડ પર કર્યું હતું. આપણે માની લીધું હતું કે બીજાઓના અધિકારો આંચકી લેવા એ આપણો અધિકાર છે. એ લોકોનું જીવન છીનવી લેવાનો પણ અધિકાર આપણી તાકાત પાસે છે. મૂળ નિવાસી રેડ ઇન્ડિયનોની નૈતિકતાને આપણે અપરાધ માની બેઠા આ બધા સ્વયં ઘોષિત અધિકારો છે. એવું લાગે છે કે આપણો દેશ સિદ્ધાન્તોનું સન્માન કરવાનું ભૂલી ગયો છે.

“મારી આવી બધી વાતોથી તમને એવું લાગશે કે આ બધી વાતોનો ઓસ્કાર એવોર્ડ સાથે શું સંબંધ છે ? ફિલ્મી દુનિયા સાથે હું જોડાયેલો છું એ નાતે અને અમેરિકાના એક નાગરિકની હેસિયતથી મને એવું લાગે છે મારે ઓસ્કાર એવોર્ડ નહિ લેવો જોઈએ. મને એવું લાગી રહ્યું છે કે જ્યાં સુધી અમેરિકન રેડ ઇન્ડિયનોની હાલતમાં પૂરેપૂરો બદલાવ નથી આવતો ત્યારે આવા એવોર્ડો આપવા અનુચિત છે અને એ એવોર્ડ સ્વીકારવો એ પણ અનુચિત છે. જો આપણે આપણા  જ ભાઈઓના રક્ષક નથી બની શકતા તો કમ સે કમ એમને માટે જલ્લાદ તો ન બનવું જોઈએ. હું એવી આશા રાખું છું કે મને સમજનારા મારી આ હરકતને અનુચિત નહિ માને. એક બીજી વાત ઉપર હું આપનું ધ્યાન દોરવા માંગુ છું કે જે એવું નક્કી કરશે અમેરિકાના બધા જ નાગરિકોને સ્વતંત્ર રહેવાના અધિકારમાં શ્રદ્ધા રાખે છે કે નથી રાખતા.”

આ બધા શબ્દો વિશ્વવિખ્યાત અભિનેતા માર્લો બ્રાંડોના છે. ઓસ્કાર એવોર્ડ સમારંભમાં માર્લોનું આ વક્તવ્ય વંચાયું ત્યારે શ્રોતાઓમાં સન્નાટો પ્રસરી ગયો. આ ચૂપકીદી અને સન્નાટાની ગુંજ આખી દુનિયામાં ગૂંજી. આ એક કલાકારનો હસ્તક્ષેપ હતો.

લેખકની ફેસબુક વૉલ પરથી, સાભાર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2022; પૃ. 16

Category :- Opinion / Opinion