મારી અગાશીએ ઘટેલી એક આકાશી ઘટના -

યોગેશ ભટ્ટ
10-01-2022

મારી અગાશીએ
ચન્દ્ર
આખી રાત ટહેલતો રહ્યો હતો -
(મારી ઊડી ગયેલી ઊંઘે મને જતાં જતાં આ કહ્યું!)
- મારી રાહ જોતો -
તેના પ્રકાશની પૂંછડીને છેડે મને બાંધી લઇને
આ આકાશેથી તે આકાશે તેના સરકવામાં મને સમાવી લેવા ......
રાતની નિસરણીને છેક છેડે ચડીને ઉપર ગયો અગાશીએ, તો -
સવારસવારના ખીલેલાં ફૂલ જેવા તાજાતાજા ઊગેલા પરોઢી તારલાએ ટમટમ મહેક્તું સ્મિત કર્યું!
પૂછતાં તેને,
તેણે કહ્યું :
ચન્દ્ર?
- એ તો ગયો!
એક મસમોટ્ટા પક્ષીની પાંખે ચડીને,
દિશા ચીંધતો દીવો બનીને .....
- એ તો ગયો! ને,
અંતે
એ જ પક્ષી પોતાની વિશાળ પાંખોમાં
ચન્દ્રને જ બીડી લઇને
ઊતરી ગયું ...
ક્યાં’ક -!
આમતેમઆકૂળવ્યાકૂળચોગરદમવિહ્વળવિહ્વળ
ઉપરની યે ઉપર
નીચેની યે નીચે
જોઇ વળું હું - ચન્દ્રે મૂકી દીધેલું પાછળ
આખું
રેઢૂં
આકાશ -
- ને
ચળકચળક ચડી આવે સૂરજ
મારી રેઢી પડેલી
આંખે -!

Category :- Poetry / Poetry