Morbidity -

યોગેશ ભટ્ટ
07-01-2022

ઝલમલ ઝૂલતા આકાશને પડદે બહાર નીકળી સવારે
ઢોળાતો સૂર્ય
નીચે -
'મ્યાંઉં'માંથી બનેલી બીલાડી ઉપર .....
બીલાડીના પગ નીચે બંધાયેલ
હરતો, ફરતો, થંભતો પડછાયો તેનો ...
બીલાડીના હરતા ફરતા પડછાયા
નીચે
ઊભેલા એક ઘર માથે ઢેઢગરોળી શી
ચોંટી રહેલી છત -
ઘર ઉપરની છતની નીચે
દબાયેલી ચંપાયેલી રહેતી ઘરની ભોં ઉપર


ઊલટી
ઝળૂંબી રહેલી છત -
- ઢેઢગરોળીના પેટ જેવી -
(સૂર્યના 'ન'-કાર જેવી!)
ઘરમાં હરતાં ફરતાં શ્વાસોચ્છવાસોના વાદળો .....
કોઇ સૂક્કાં, કોઇ ભેજિયાળાં
બારીઓની કેદમાં બંધાયેલ સળિયા
બારણાઓ વચ્ચેના અવકાશ નીચે ચંપાયેલો રહેતો ઉંબર :
એ ઉંબરે -
સમી સાંજે સંકેલાતો સૂર્યના પ્રકાશનો પડછાયો
- સંકેલાય
વળી બીલાડીના’મ્યાંઉં’માં :
ઉંબરની અંદરના સંબંધો બહાર
ઉંબરની બહારના સંબંધો અંદર ....
આ -
લખાયેલા અક્ષરોની નીચે કાગળ કોરો :
આંખની નીચે અક્ષરો,
કાગળની ઉપર વંચાતા
ને
એ લખનાર :
અક્ષરોમાં થઇ,
            કાગળની બહાર! .....

Category :- Poetry / Poetry