મારો પોતાનો ચહેરો, બીજાનો નહિ

વિકાસ પ્રકાશ જોષી [અનુવાદ : જીત ચૌહાણ]
06-01-2022

પ્રેક્ષકો એકીશ્વાસે જોઈ રહ્યાં હતાં, તેમના હૈયા ધબકી રહ્યાં હતાં. તેઓ ગભરાટમાં પોતાના હાથ ઘસી રહ્યાં હતાં. આ એ ક્ષણ હતી જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં.

પૂનામાં સપ્ટેમ્બર માસની સોનેરી સવાર હતી અને ખડકી ફૂટબૉલ ગ્રાઉન્ડ “ગો DIS!” અને “કમ ઑન રોયલ!”ની ઘેરી ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યું હતું. પૂના અંડર-13 સ્કૂલ ફૂટબૉલ ચેમ્પિયનશીપની ફાઇનલ મૅચ ચાલી રહી હતી. ડાયમંડ ઇન્ટરનેશનલ સ્કૂલના રોશન પરાંજપેએ પોતાના ગોલકીપર ગ્લોવ્ઝ, લીલી ફૂટબૉલ જર્સી સરખા કર્યા અને પોતાના નખ કરડ્યા. તેને ખબર હતી કે આ પેનલ્ટી કીક રોકવી કેટલી જરૂરી હતી.

સ્કોરબોર્ડ DISની તરફેણમાં 2:1નો સ્કોર બતાવતું હતું. દસ વર્ષમાં પહેલીવાર, DIS પાસે ડીફેંડીંગ ચેમ્પિયન્સ, રોયલ નેશનલ ઍકેડેમીને (RNA) હરાવીને ચેમ્પિયનશીપ જીતવાની તક હતી. DISનો અર્થ હતો ડાયમંડ ઇન્ટરનેશનલ સ્કૂલ - ધ ચેલેન્જર્સ - અને રોયલ એટલે રોયલ નેશનલ ઍકેડેમી - RNA, ધ ડિફેંડીંગ ચેમ્પિયન્સ. પોતાના ટ્રેડમાર્ક મરુન શર્ટ્સ, મોજાં અને ચડ્ડીમાં સજ્જ એવી RNA ટીમ મેદાનની ડાબી બાજુ ગોઠવાયેલી હતી. બીજી બાજુ, છઠ્ઠા ધોરણની DIS ટીમ પોતાના સ્ટાઈલીશ ઘાટા લીલા પહેરવેશમાં સજ્જ હતી. રોશને પોતાની જમણી તરફ મોં ફેરવ્યું અને પોતાની ટીમના સપોર્ટર્સ એવા કિકિયારીઓ કરી રહેલાં માતા-પિતાઓ અને મિત્રો તરફ એક નજર કરી. તેમની પાસે એ બધું જ હતું જેની યુવા રમતવીરોને જરૂર હતી - પાણીની બૉટલ્સ, કેળાં, ગેટોરેઇડ અને ઇલેક્ટ્રોલાઇટ્સ.

તેણે પોતાના બાબાને લીલા પોલો ટી-શર્ટ અને જીન્સમાં બેઠેલા જોયા, તેઓ પોતાના આઇપૅડ પર રેકોર્ડીંગ કરી રહ્યાં હતાં. તેમની બાજુમાં સફેદ કમીઝ અને લીલું સલવાર પહેરીને તેની મા બેઠી હતી જે ક્યારેક ઉત્સાહભેર “ગો રોશન!”, “કમ ઑન રોશન” એવી બૂમો પાડતી હતી, તો ક્યારેક મોંમા આંગળીઓ નાખીને સીટી મારતી હતી. અને બાબાની બરાબર બાજુમાં બેઠેલી તેની બેસ્ટ ફ્રેન્ડ પલ્લવી વારંવાર “ઇસ્ટ ઓર વેસ્ટ, DIS ધી બેસ્ટ” લખેલું પ્લેકાર્ડ હવામાં લહેરાવતી હતી.

તેણે સામેની તરફ જોયું. મેદાન પર તેના રમતવીર મિત્રો ઊભા હતા : કેપ્ટન હરપ્રિત, છોટા સિધુ, તેમનો બેસ્ટ ડિફેંડર ઓનમ કુટ્ટી અને બાકીની DIS ફૂટબૉલ ટીમ. કોચ શેટ્ટી સર તેમના નખ કરડતા ઊભા હતા. રોશનને તે બધાના ચહેરા તણાવગ્રસ્ત લાગ્યા. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી.

RNA ટીમનો શ્રેષ્ઠ સ્ટ્રાઇકર ખેલાડી રિષભ કેશવાણી ડિફેંડીંગ ચેમ્પિયન્સ માટે પેનલ્ટી કોર્નર લેવા માટે તૈયાર ઊભો હતો. રિષભે સમગ્ર ટૂર્નામેન્ટમાં અન્ય કો ઈપણ ખેલાડી કરતાં વધુ ગોલ્સ કર્યા હતા. “ગો રિષભ”,”કમ ઑન રિષભ” એવી ચિચિયારીઓ પાડીને તેની ટીમના સભ્યો તેનો ઉત્સાહ વધારી રહ્યા હતા. રિષભના માથામાંથી પરસેવો નીતરી રહ્યો હતો. તેણે પોતાના વાળને પાછળની તરફ ઝાટક્યા અને બૉલ તરફ દોડ મૂકી.

કોચ શેટ્ટીના શબ્દો રોશનના કાનમાં ગૂંજવા લાગ્યા. “યાદ રાખજે, રિષભ, તેના મોટા ભાગના ગોલ્સ ટોપ કે બોટમ લેફ્ટ-હેન્ડ કોર્નરમાં કરે છે. તે સાઇડ તારી જમણી બાજુ આવશે.”

રોશને ઊંડો શ્વાસ લીધો અને સહેજ નીચો નમ્યો. તેના નખ તેની જાંઘ ખોતરી રહ્યા હતા. પ્રેક્ષકો આશાભરી નજરે પગભેર ઊભા થઈ ગયા હતા.

ધમ્મ!

તેણે પોતાની જાતને જમણી તરફ ચપળતાપૂર્વક અને વિશ્વાસભેર પડતી મૂકી અને ગોલના સફેદ બાર્સની નજીક તે પછડાયો. એક ક્ષણ માટે સમય થંભી ગયો.

તેણે ઊભા થઈને રિષભના ચહેરા સામે જોયું અને તેને બધું સમજાઈ ગયું.

રિષભની જોરદાર કીક અને જમીન પર પછડાવાને કારણે તેના હાથ અને શરીરમાં સખત વેદના થતી હતી, પરંતુ તેને તેની કંઈ પડી ન હતી, કારણ કે સ્કૂલ કેપ્ટન હરપ્રિત દોડીને તેની તરફ આવી રહ્યો હતો. “કોન્ગ્રેટ્સ, લંબુ દાસ!” હરપ્રિત જોશભેર બોલી ઊઠ્યો અને તેને ભેટી પડ્યો.

“કોન્ગ્રેટ્સ, રોશન.”

“ગોલકીપર કૈસા હો? રોશન જેસા હો!”

આ સૂત્ર સંગીત બનીને તેના કાનમાં ભમી રહ્યું હતું. દસ વર્ષ પછી, DIS-એ ફૂટબૉલ ચેમ્પિયનશીપ જીતી હતી. કોચ શેટ્ટીએ પછી રોશનને તેમના ખભા પર ઊંચકી લીધો હતો અને તેમણે સમગ્ર ટીમ સાથે વિજય કૂચ કરી હતી.

તે બધા ફોટો પડાવવા માટે ભેગા થઈ ગયા, દરેકના ગળામાં કમર સુધી લટકતાં મેડલ્સ હતા અને વચ્ચે વિશાળ ગોલ્ડન રોયલ ટ્રોફી હતી. રિષભને “હાઈએસ્ટ ગોલ સ્કોરર ઍવોર્ડ”થી નવાજવામાં આવ્યો, જ્યારે રોશનને “બેસ્ટ ગોલ કીપર ઍવોર્ડ” પ્રદાન કરવામાં આવ્યો. બધાનાં માતા-પિતાએ આવીને તેમની સાથે ફરજિયાત પોસ્ટ-મૅચ સેલ્ફી પડાવી.

તેઓ બધા બસમાં બેઠા અને ઘરે જવા રવાના થયા, રસ્તામાં ઇકબાલનું “આશાયેં” ગીત ઉત્સાહભેર ગાતા જતા હતાં. રોશનને લાગ્યું કે તે તેની જિંદગીનો શ્રેષ્ઠ દિવસ હતો.

બસમાંથી ઊતરીને ઘર તરફ ડગ માંડતી વખતે તેનું હૈયું સોસાયટીના પાર્કિંગમાં પાર્ક થયેલી લાલ સ્કૉડા ઑક્ટેવિયાને જોવા માટે થનગની રહ્યું હતું. મા સાંજે 7 વાગ્યા પહેલાં જ ઘરે આવી ગઈ હતી.

બાબા અને મા બાબાની હોમ ઑફિસમાં બેઠા હતાં. મા એક લાલ રંગનો દળદાર ગ્રંથ વાંચી રહી હતી તે બાજુમાં મૂકીને તેને જોશભેર ભેટી પડી.

“અભિનંદન!” બાબાએ ક્હ્યું અને તેને વધામણી આપીને તેની પીઠ થાબડી. સાંજે તેઓ બધા સાથે મળીને રસ, પૂરી અને બટાકાની સૂકી ભાજી જમ્યાં.

રમતનું વર્ણન કરતાં તેની આંખોમાં અનોખી ચમક છલકાઈ રહી હતી. “અમને ખબર હતી કે રિષભને કાબૂમાં રાખવો જરૂરી છે, જેથી અમારી ટીમે તેની પર બરાબર નજર રાખી હતી. પ્રથમ ચરણ પહેલાં હરપ્રિતે બે ગોલ્સ કર્યાં હતા. અને પછી રિષભે એક ગોલ કર્યો. છેક સુધી મારો જીવ અદ્ધર હતો. પેનલ્ટી કીક વખતે ખરેખર મજા આવી.”

“હરપ્રિતે બે ગોલ્સ કર્યા પણ તેં ઘણા ગોલ્સ બચાવ્યા. સરદાર અને અસરદાર. વિજયી જોડી,” બાબાએ કટાક્ષ કર્યો.

“સ્કૂલમાં હું રમતગમતમાં ખૂબ આગળ હતી, રોશન. આખરે તું મારો દીકરો છે,” મા તેના માથે હાથ ફેરવતાં બોલી ઊઠી.

“વસુંધરા ઘોષાલ પરાંજપે, તમે સ્કૂલમાં હતાં ત્યારે બધા વિષયમાં પહેલાં આવતાં. તમે સ્પોર્ટ્સ ચેમ્પિયન પણ હતાં. તમે કઈ સ્કૂલમાં હતાં?”

માએ બાબાની વાત ટાળી નાખી અને પૂરી વડે કેરીનો રસ કાઢવામાં ધ્યાન પરોવવા લાગી. પરંતુ બાબાનો ચહેરો કહી આપતો હતો કે મા અને બાબાના પગ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હતું.

રોશને બાબા અને માના ચહેરા સામું જોયું. અચાનક તેના મનમાં વિચાર આવ્યો.

“મા, મારો ચહેરો કોના જેવો છે? તારા જેવો કે બાબા જેવો?”

માએ કાળજીપૂર્વક પોતાના કાળા ઘેરા વાળનો સ્પર્શ કર્યો, ચાંદી રંગમાં રંગેલા તેના વાળ કપાળ સુધી પ્રસરતા હતા - એ તેની લેટેસ્ટ હેરસ્ટાઇલ હતી. તે કદમાં થોડી નીચી હતી અને તેની ત્વચા તૈલી અને શ્યામવર્ણી હતી.

બાબા મૂછમાં હસ્યા અને તેમણે તેમના પાતળા ગૌરવર્ણા પગ લંબાવ્યા. તેમની ભૂખરી આંખોમાં પાતળી રેખા ખેંચાઈ આવી. “અમારા જેવું લાગવાની તારે શું જરૂર છે? તું જેવો છે તેવો જ સરસ છે.”

સૂતા પહેલાં તેણે અરીસામાં જોયું. બેફિકરાઈપૂર્વક તે હસ્યો. આ એ જ ચહેરો હતો જે તે દરરોજ સવારે અરીસામાં જોતો હતો, પરંતુ હમણાંથી તે વારંવાર પોતાનો ચહેરો જોવા લાગ્યો હતો.

કુતૂહલપ્રેરક, શરારતી દેખાવ સર્જતા ગાલના તીણાં હાડકાં, ઘેરી ત્વચા, પાતળા વાળ અને ચોકલેટી આંખો તેની તરફ પાછા વળીને તાકી રહેતા. હા, તે, રોશન, જેને અધિકૃત રીતે રોશન ઋષિકેશ પરાંજપે નામ આપવામાં આવ્યું હતું, તેના માતા-પિતા કરતાં ખરેખર અલગ લાગતો હતો - ખાસ કરીને તેના પિતા કરતાં. આ વાત તેણે ઘણી વખત સાંભળી હતી, વિવિધ સૂરમાં : કુતૂહલપ્રેરક, શંકાસ્પદ, દુર્ભાવનાપૂર્ણ અને કેટલીક વાર વાક્ય તરીકે.

“તું અલગ લાગે છે”.

પથારીમાં ટૂંટિયું વાળીને સૂતા સૂતા તે વિચારવા લાગ્યો : સાચી વાત છે. મારો ચહેરો મારા પિતા જેવો પણ નથી કે મારી માતા જેવો પણ નથી. મારે મારો પોતાનો ચહેરો છે, તેણે વિચાર્યું. અને એ જ મારા માટે મહત્ત્વનું છે.

તેને નિંદ્રા આવી ગઈ અને સપનામાં તેણે જોયું કે પોતે બ્રાઝિલ સામેની ફાઇનલ વર્લ્ડ કપ ફૂટબૉલ મૅચમાં ભારતીય ટીમનો ગોલ કીપર છે. મૅચ મુંબઈમાં રમાઈ રહી હતી અને તેમાં પ્રધાન મંત્રી ઉપરાંત અન્ય ખ્યાતનામ હસ્તીઓ, બૉલિવૂડનાં કલાકારો, બાબા અને મા હાજર હતાં, અને અલબત્ત પલ્લવી ઉર્ફે પલ્લી પણ હતી, જે આખી મૅચ દરમિયાન જોશપૂર્વક ભારતનો ધ્વજ હવામાં લહેરાવી રહી હતી. દર્શકોની ભીડ જોરશોરથી મોટા મોટા ભોંપું બજાવી રહી હતી. અંતે, બ્રાઝિલની ટીમ હારી ગઈ હતી, કારણ કે રોશન ગોલ કીપર હોવાથી તેઓ એક પણ ગોલ કરી શક્યા ન હતા.

બધા ખેલાડીઓને સુવર્ણ ચંદ્રકો, ટ્રોફી અને કદાવર ચેક્સ મળ્યા. પરંતુ રોશન માટે એક ખાસ ઇનામ આરક્ષિત હતું. વડા પ્રધાને રોશનને ગ્રાન્ડ ‘પ્લેયર ઑફ ધ મૅચ’ ઇનામ અર્પણ કર્યું હતું. તેઓએ રોશનને કદાવર તૂલામાં તોળ્યો અને પછી તેના વજન અને કદ જેટલી વિશાળ મોટી, સિલ્કી ફ્રૂટ નટ ચોકલેટ બાર આપી. આ ચોકલેટને ઘરે લઈ જવા માટે કાર ભાડે કરવી પડી હતી.

એક સુપર ડુપર સ્વાદિષ્ટ સપનું.

e.mail : [email protected]

[મૂળ અંગ્રેજી વાર્તા પરથી અનુદિત]

Category :- Opinion / Short Stories