સાંસ્કૃતિક સ્મૃતિમાં અનુભવોનો ઉમેરો અને શબ્દની નવી અર્થચ્છાયા

નીલેશ રૂપાપરા
03-01-2022

ભગવદ્‌ગોમંડળમાં અપાયેલા હિંદુ શબ્દના ‘ખરાબ’ અર્થો વિશે ડૉ. ધીમંત પુરોહિતે લખેલો અને કવિશ્રી અનિલ જોશીએ ફેસબુક પર શેર કરેલો લેખ વાંચતાં એવી લાગણી થઈ કે હિંદુ શબ્દના ગુલામ / ચોર / લૂંટારો જેવા અર્થને કારણે ધીમંતભાઈને એટલું ખરાબ નથી લાગ્યું, જેટલું નવા અર્થો ‘ખોટા’ હોવાનું ખરાબ લાગ્યું છે.

મુદ્દો એ છે કે ભગવદ્‌ગોમંડળે હિંદુ શબ્દની એક વ્યુત્પત્તિ ‘ફારસી’ દર્શાવીને એના ગુલામ/ચોર/લૂંટારો જેવા અર્થ આપ્યા છે. આનો મતલબ એ થયો કે ફારસી ભાષા બોલનારા વિદેશી મુસ્લિમ આક્રમણકારોએ હિંદુઓને આવી અપમાનજનક ઓળખ આપી હતી. હકીકતમાં, દરેક પ્રજાની એક સિવિલાઇઝેશનલ મેમરી / સાંસ્કૃતિક સ્મૃતિ હોય છે, જેમાં એણે પોતાની મિત્રપ્રજાને આપેલી સન્માનજનક અને શત્રુપ્રજાને આપેલી અપમાનજનક ઓળખો સચવાઈ રહે છે.

રહી વાત ભગવદ્‌ગોમંડળની, તો એ એક શબ્દકોશ અને જ્ઞાનકોશ છે, જેણે ઉપર્યુક્ત ઓળખ યથાતથ મૂકી આપી. એટલું જ નહીં, ભગવદ્‌ગોમંડળે તો મ્લેચ્છ, યવન, વિલાયતી, વલંદા, ફિરંગી અને મુસલમાન જેવી જાતિઓની ઓળખ પણ મૂકી છે, જે હકીકતમાં હિંદુ પ્રજાએ વિદેશી આક્રમણકારોને આપેલી અપમાનજનક ઓળખ છે. વિશ્વાસ ન આવતો હોય, તો આ શબ્દોના અર્થો ભગવદ્‌ગોમંડળની ઑનલાઇન આવૃત્તિમાં જોઈ લેવા.

દાખલા તરીકે વિલાયતી શબ્દનો અર્થ ‘અંગ્રેજ સંબંધી’ તો થાય જ છે, સાથે-સાથે ‘તોછડું’ અને ‘મૂર્ખ’ પણ થાય છે. મુસલમાન શબ્દનો અર્થ ઇસ્લામનો અનુયાયી છે તો સાથે-સાથે ઉદ્ધત/તોફાની/ટીખળી પણ છે. વલંદો એટલે ‘ડચ’ તો ખરો જ, પણ ‘લુચ્ચો’ ય ખરો. એના સામે છેડે જુઓ તો યહૂદીને ‘પૅલેસ્ટાઇનનો વતની’ કહેવાયો છે, પણ અપમાનજનક ઓળખ નથી અપાઈ, કેમ કે હિંદુઓને યહૂદી અને પારસી જેવી પ્રજા સાથે વાંધા નથી પડ્યા.

આવી ઓળખો દુનિયાની દરેક જાતિએ બીજી જાતિને આપી હશે. જો કે પ્રજાની સાંસ્કૃતિક સ્મૃતિમાં જેમજેમ નવા અનુભવોનો ઉમેરો થતો જાય તેમતેમ આવી પરિચયાત્મક સંજ્ઞાઓ પર નવી અર્થચ્છાયાઓનાં પડ ચડતાં રહે છે. જેમ કે હિંદુ શબ્દનો અર્થ હવે હિંદુઓ તો ઠીક, મુસ્લિમો પણ ‘ગુલામ’ જેવો નથી કરતા. સામે પક્ષે મુસલમાન શબ્દનો અર્થ હિંદુઓ પણ ઉદ્ધત / તોફાની / ટીખળી જેવો નથી કરતા.

આટલી તાત્ત્વિક વાત પછી એટલી નુક્તેચીની જરૂર કરવી છે કે કેટલાક હિંદુઓ હિંદુ હોવા વિશે પ્રચંડ ગર્વ અનુભવે છે અને કેટલાક ધરતી મારગ આપે તો એમાં સમાઈ જવા જેટલી ભીષણ લજ્જા પણ અનુભવે છે. ગર્વ અનુભવતા લોકો પાસે શો-ઑફ કરવા માટે આશરે પાંચ હજાર વર્ષ જૂની હિંદુ સંસ્કૃતિ ભાથું છે. બીજી તરફ, શરમ અનુભવતા લોકો પાસે સાતસો-આઠસો વર્ષની ગુલામીના પરિણામે જન્મેલો સ્ટૉકહોમ સિન્ડ્રોમ છે. આ બે ય માનસિક સ્થિતિ સ્વાભાવિક તો છે, પણ તંદુરસ્ત નથી.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 09-10

Category :- Opinion / Literature