ઓળખ

ફારૂક શાહ
01-01-2022

૧.  

રમતાં ભમતાં આથડીએ
ભમ્મર અજવાળે 
અમારી કાયા લોકને મન થીગડાં
આ થીગડાં કોણે ચોંટાડ્યાં ?
ખૂટી જાય
સમજણની બધી ય હદ
તો ય જવાબ મળે નહીં

અમે ય ભરીએ છીએ શ્વાસ
ધબક્યા કરે છે
અમારી નસોમાં ય પળેપળ
પ્રાણના વેગ
ઊછળ્યા કરે છે અંદર અને બહાર
મનના અપરંપાર સમંદર

આ પાર ઊભા રહીને
જોતા રહ્યા દૂરથી જ
દુનિયાની મોજ
મોજમાંથી દુનિયા માથું ઉઠાવી
આ બાજુ જોયા કરતી
કરડી આંખે
એ આંખોને મૂળમાંથી ખેંચી કાઢીને
હવે જાણવું છે કે,
એની અંદર એણે
અમારી કેવી ઓળખ સંઘરી છે ?

૨.  

કેટલાક લોકો
બાળકો યુવાનો વૃદ્ધો
સ્ત્રીઓ અને પુરુષો
શોધે છે
શેરીઓ ગલીઓમાં
ઉકરડે પડેલા કચરા અને ચાટમાં
દાનમાં મળતી વસ્તુઓની કતારોમાં
ઘરમાં બહાર
આજુબાજુ ઘૂરકિયાં કરતાં સમયમાં
સામે મળતા એટીકેટ લોકોની તુચ્છ નજરોમાં
ટીવી પર ટોળે વળીને દિવ્ય બની બેઠેલા
ભક્તોનાં દૃશ્યોમાં
છાપામાં સામયિકોમાં
સાહિત્ય અને જ્ઞાનના
વરણાગી સમારંભોમાં
અધ્યાપકોના શંકાસ્પદ પરિસંવાદોમાં
પોતાના કહેવાતાં રાજકારણી ભાઈઓ અને બહેનોનાં
બેધારાં લપસતાં ડહોળાં વચનોમાં
કર્મશીલોના ખિસ્સાઓ અને
ભેદભરેલી વર્તણૂકોમાં
શિક્ષણ અને માનવતાવાદની બજારોમાં
વગેરે વગેરે જેવી કંઈ કેટલી ય ચીજોમાં
કેટલાક લોકો શોધે છે
પોતે ડગલે ને પગલે
ગુમાવતા રહ્યા છે
તે જીવનને
પહેલેથી માંડીને છેક સુધી
તેઓની આંખોમાં
હોય છે એક જ પ્રશ્ન
તમે કહો છો એવા અમે નથી
પણ આખરે છીએ તો છીએ શું ?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 15

Category :- Poetry / Poetry