ઝીણાં ઝીણાં સંવેદનોનો આંસુ ભીનો આસ્વાદ : ‘21મું ટિફિન’

રવીન્દ્ર પારેખ
17-12-2021

‘21મું ટિફિન’, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ‘હેલ્લારો’ પછીની બીજી કલાત્મક ફિલ્મ છે. કલાત્મક કહીએ એટલે ફિલ્મ અઘરી લાગવા માંડે અને પ્રેક્ષકો ઘટવા માંડે, પણ એવો ભય આ ફિલ્મ માટે રાખવાની જરૂર નથી. આ એકદમ સરળ અને સંવેદન સભર ફિલ્મ છે. તેના દિગ્દર્શક વિજયગિરિ બાવાએ કલાત્મક અને કમર્શિયલ ફિલ્મ વચ્ચેની ભેદ રેખા ભૂંસી નાખી છે. હા, થોડી કાળજીથી ફિલ્મ જુઓ તો આનંદ બેવડાય એ ખરું. જેમ કે, ટાઈટલમાં ‘ટિફિન’નું લેટરિંગ એવું કર્યું છે કે એમાં તમને ટિફિનનો આકાર અનુભવાય. એવું કોઈ પકડે તો તેને વધારે આનંદ થાય. બીજી મજા એ છે કે ફિલ્મની નાયિકા મા, દીકરી, પત્ની, બહેન, મિત્ર વગેરે છે, પણ તેને ફિલ્મમાં નામ જ નથી આપ્યું, તે એટલે કે સ્ત્રીની જે તે ભૂમિકા જ તેનું નામ થઈ જતું હોય છે. એ તો છેલ્લે ફિલ્મનો નાયક ધ્રુવ, જેને માટે ગિફ્ટ લાવ્યો છે, તેનું નામ જાણતો નથી એટલે લખતો નથી ત્યારે પ્રેક્ષકોને પણ ખબર પડે છે કે આ આધેડ મહિલાને નામ જ નથી.

ફિલ્મ શરૂ થાય છે ત્યારે ધ્રુવ છ મહિનાની ઇન્ટર્નશિપમાં ભાવનગરથી અમદાવાદ આવે છે ને એક રૂમમાં ચારેક જણાની સાથે રહે છે. ધ્રુવની માતાનો આગ્રહ છે કે બહારનું ખાવું નહીં. મિત્રો પેલી ‘ન-નામી’ બાઈ પાસેથી ટિફિન મંગાવીને જમતા હોય છે ને એમનું ટિફિન ધ્રુવ ચાખે છે. એને એવો ચટકો લાગે છે કે ટિફિન લાવતાં વડીલને પોતાનું ટિફિન બંધાવવાનું કહે છે, પણ નાયિકા ‘નહીં ફાવે’ એવું કહીને ટાઢું પાણી રેડી દે છે. ધ્રુવ ફરી કહેવડાવે છે, પણ વીસ ટિફિન ભરતી નાયિકા 21મું ટિફિન ભરવા તૈયાર નથી. ના પાડવાનાં તેની પાસે પૂરતાં કારણો પણ છે. ઘરમાં ભણતી દીકરી છે. તે એ મુદ્દે ઝઘડતી રહે છે કે ટિફિન બનાવવાની કોઈ લાચારી નથી, છતાં મા પ્રેશરની તકલીફ સાથે ઉદાસ ચહેરે બધું કરતી રહે છે. વેકેશનને ભોગે દીકરી નીતુ, ટિફિન સર્વિસમાં માને મદદ કરવા રાજી નથી. ઘરમાં નાયિકાનો પતિ છે, પણ તે પોતાનામાં જ વ્યસ્ત છે. નાયિકાને ટિફિનની એવી ટેવ પડી છે કે ઊંઘમાં પણ તેને મિક્સરનો અવાજ સંભળાયા કરે છે. તે અજંપ છે. નાયિકાને તેની બા પણ છે ને તેને તીવ્ર ડાયાબિટીસ અને અલ્ઝાઇમર છે. તેને મધ જેવી સુખડી ખાવી છે, પણ ભારે ડાયાબિટીસને કારણે તેનાં દીકરા-વહુ તેને ગળ્યું ખાવાં દેતાં નથી. નાયક ધ્રુવ ટિફિનની ના આવતાં પોતે નાયિકા સુધી પહોંચે છે ને તેની રસોઈનાં મન મૂકીને વખાણ કરે છે. નાયિકા માટે આ નવું છે. આજ સુધી કોઈએ તેને બે સારા શબ્દ કહ્યા નથી ત્યાં ધ્રુવની પ્રશંસા તેને તેની ઓળખ આપે છે. ઠીંગરાઈ ગયેલી નાયિકાનો જાણે જીર્ણોદ્ધાર થાય છે ! આમ તો તે ચેતનવંતી છે જ. રસોઈમાંથી ઊઠતી વરાળને બે હથેળીમાં ભરી લેવાનું તે માણે છે, પણ કોઈને તેની ખબર પડતી નથી એટલે તેનાં વ્યક્તિત્વ પર ઉદાસીની પરત ચડી ગઈ છે. ધ્રુવની પ્રશંસા એ પરત તોડે છે ને મૂર્તિમાંથી નાયિકા જાણે માનવીય રૂપે પ્રગટ થાય છે. તેને સારા દેખાવાનું ગમવા લાગે છે. ધ્રુવને ગમશે એમ માનીને તે રસોડામાં ઊંચેથી બરણી ઉતારી ટિફિનમાં અથાણું મોકલે છે. ધ્રુવને તે એટલું ભાવે છે કે એટલું જ ખાઈને પેટ ભરી લે છે. કોઈક નિમિત્તે ધ્રુવ ઘરે આવતો જતો રહે છે ને નાયિકા તેને માટે જુદાં જ આકર્ષણે તૈયાર થતી રહે છે. ધ્રુવની સહાનુભૂતિ પણ વધતી રહે છે, ખાસ તો એ પ્રસંગે જ્યારે નાયિકા સુખડી બનાવે છે ને ડાયાબિટીસ વધશે એની ચિંતા વગર બાને ખવડાવી આવે છે ને પછી અપરાધભાવે પીડાય છે. મમ્મીમાં આવેલો મહેક્તો ફેરફાર દીકરી નીતુ નોંધે છે. તેને નથી ગમતું, પણ મમ્મીને એ ખીલતાં રોકી શકતી નથી. તેની સાથે સમસંવેદન પણ અનુભવે છે. નીતુના પપ્પા તેને કહે પણ છે કે તું તારી મમ્મી જેવી જ થતી જાય છે, તો નીતુ કહે છે કે મમ્મી જેવી જ નહીં, મમ્મી જ થઈ ગઈ છું. એટલે જ તો મા દીકરીના વાળ ઓળે છે. દીકરી જાણે મા થઈ ગઈ છે ને મા દીકરી થઈ ઊઠે છે ! નાયિકાને આશા ભોંસલેના ગીતો સાંભળવાનું ગમવા માંડે છે, કારણ ધ્રુવને એ ગમે છે. ઘરમાં એ ચંપાનાં ફૂલો સજાવે છે, કારણ એ ફૂલો પહેલીવાર ધ્રુવ ઘરમાં સજાવી ગયો છે. પણ જે ચંપાની નિયતિ છે તે જ નાયિકાની થાય છે. ચંપામાં રૂપ, રંગ ને ગંધ છે, પણ ભ્રમર તેની પાસે આવતો નથી. ધ્રુવ ઇન્ટર્નશિપ પૂરી થતાં વિદાય લે છે ને નાયિકાને એવો આઘાત લાગે છે કે રોજની જેમ બીજા ટિફિનની જેમ 21મું ટિફિન ભરવા બરણી ઉતારે છે ને દીકરી યાદ અપાવે છે કે હવે 21મું ટિફિન ભરવાનું નથી ...

ફિલ્મ અહીં પૂરી થાય છે.

‘નવનીત- સમર્પણ’માં આવેલી રામ મોરીની એ જ શીર્ષકની વાર્તા પરથી વિજયગિરિ બાવાએ ‘21મું ટિફિન’ ફિલ્મ દિગ્દર્શિત કરી છે. રામ મોરીની જ વાર્તા ‘મહોતું’ પરથી વિજયગિરિ બાવાએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પહેલી શોર્ટ ફિલ્મ બનાવેલી. ‘21મું ટિફિન’ પણ શોર્ટ ફિલ્મ જ બનવાની હતી. રામે એની સ્ક્રિપ્ટ પણ લખી લીધેલી. કાસ્ટિંગ પણ થઈ ગયેલું, પછી લાગ્યું કે એની ફીચર ફિલ્મ થઈ શકે એમ છે ને પછી એ દિશામાં ગતિ થઈ ને તે ફીચર ફિલ્મ તરીકે 10 ડિસેમ્બરે થિયેટરોમાં રજૂ થઈ. નાયિકાની ભૂમિકા નીલમ પંચાલે ભજવી છે ને કહેવું જોઈએ કે ઝીણાં ઝીણાં સંવેદનો, સ્ત્રી સહજ ભાવો ને ભાવોમાં આવતું પરિવર્તન તેણે સુપેરે પ્રગટ કર્યાં છે. નીતુની ભૂમિકા નેત્રીએ કરી છે ને આજના સમયની છોકરીને તેણે આબેહૂબ રજૂ કરી છે. દીકરી તરીકે તે ઝઘડે ય છે ને મમ્મીને ચાહે પણ છે. તો, ધ્રુવ તરીકે રોનક કામદારે પણ સજીવ અભિનય આપ્યો છે.

ફિલ્મ વાર્તા પરથી બને ત્યારે માધ્યમને અનુરૂપ ફેરફારો કરવા પડે એ સાચું, પણ ફેરફાર મૂળ વાતને અનુરૂપ હોવા ઘટે. નાયિકાનો ભાઈ, બાને લઈ જવાની ગણતરીએ તેને બોલાવે ને પછી બાને બદલે બાનો સામાન લઈ જવાનું કહે ને નાયિકા પણ સામાનને બદલે સાડી અને પતંગિયાનું ભરત ભરેલો થેલો જ લઈ આવે ત્યારે એ યુક્તિ પકડાઈ જાય કે થેલામાં ટિફિન ભરવા માટે જ નાયિકાનું પિયર ઊભું કરવું પડ્યું છે. ધ્રુવનું પાત્રાલેખન પણ થોડું વિચિત્ર એ રીતે છે કે તે સહાનુભૂતિ બતાવે ત્યાં સુધી તો ઠીક છે, પણ તે ય આકર્ષાતો હોય તેવું જે બતાવાયું છે તે પ્રતીતિકર નથી લાગતું. આમ તો આ એવો સંબંધ છે જે કોઈ સામાજિક માળખામાં ગોઠવાઈ શકે એમ જ નથી. આ કેવળ સંવેદન છે ને તેનો માત્ર અનુભવ જ થઈ શકે છે. કેટલી ય એવી લાગણીઓ છે જે જીવાઈ જ નથી, બાકી રહી ગઈ છે ને તેને ધ્રુવ જેવો આવીને અંકુરિત કરી આપે છે. બુદ્ધિ તો કહે જ છે કે આ લાગણીઓ સામાજિક નથી, પણ મન એને અસામાજિક નથી માનતું ને થોડું જુદું જીવાઈ પણ જાય છે ને એક આઘાત સાથે પરત આવી જવાનું થાય છે, જ્યાં ચંપો નથી, વરસતા વરસાદમાં, પલળેલા ઘાસમાં ઊછળીને જળમોતીઓ ટકરાવવાના નથી. ત્યાં તો 20 ટિફિનોની ઘરેડ જ છે. એમાં જીવવાનું તો છે, પણ જીવન નથી !

આ ફિલ્મ 52માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામીને રજૂ થઈ ચૂકી છે. તે સાથે જ તેને  આઇ.સી.એફ.ટી. યુનેસ્કો ગાંધી ચંદ્રક પણ મળી ચૂક્યો છે ને બીજા ઘણાં પુરસ્કારો તેને મળે તેવી તેની ક્ષમતા છે. જો કે, ‘21મું ટિફિન’ને હજી સુધી તો ગુજરાતી પ્રેક્ષકો જોઈએ એટલા મળ્યા નથી. કોણ જાણે કેમ પણ ગુજરાતીઓએ ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મોને જેટલો અન્યાય કર્યો છે એટલો બીજા કોઈએ કર્યો નથી. એ જ કારણે ગુજરાતી ફિલ્મો ઓછી અને ઓછી ગુણવત્તાની ઊતરી છે. હવે જ્યારે કોઈ પણ ભાષાની ફિલ્મોને ટક્કર મારે તેવી ગુજરાતી ફિલ્મો આવી રહી છે, ત્યારે ગુજરાતી પ્રેક્ષકોએ તેને મન મૂકીને વધાવવી જોઈએ. બીજી ભાષાના પ્રેક્ષકોએ આ ફિલ્મને વધાવી હોય ને ગુજરાતમાં તેને પ્રેક્ષકો ન મળે એ કોઈ રીતે આવકારદાયક નથી. ટેક્નિકલી પણ આ ફિલ્મ સમૃદ્ધ છે. તેની ફોટોગ્રાફી પાર્થ ચૌહાણની છે. ફિલ્મ શરૂ થાય છે ત્યારે સ્ક્રીન પર કેમેરા ડાબેથી જમણે સરકે છે - એમાં ક્રેડિટ ટાઈટલ્સની સાથે એક પછી એક રસોઈની સામગ્રી અને સાધનો દેખાતાં આવે છે ને એ રસોઈ જેમાં ભરાવાની છે તે 20 ટિફિનો એક સાથે બતાવાય છે ને છેલ્લે બતાવાય છે ચંપાફૂલોની સાથે અલગ ચમકતું 21મું ટિફિન ! એ સાથે જ રણકતી રહે છે સિતારની શાસ્ત્રીય ધૂન ! સંગીત અને પાર્શ્વસંગીત મેહુલ સૂરતીનું છે. પાર્થ તારપરાનું એક જ ગીત ફિલ્મમાં છે, ‘રાહ જુએ શણગાર અધૂરો ..’ તેને ગાયું છે, મહાલક્ષ્મી ઐયરે. હૃદયસ્પર્શી રીતે તે ગવાયું છે ને મેહુલે જે તે શબ્દો પર સ્ટ્રેસ મુકાવીને, સ્ટુડિયોમાં, બહુ સમજ સાથે સિતાર અને વાંસળીના સૂરો વચ્ચે ગવડાવ્યું પણ છે. ગીતમાં એક પંક્તિ છે, ’કાન ઉપર નથ, નાકમાં બાલી …’ ગાયિકા ગુજરાતી ભાષી નહીં, એટલે ‘કાન ઉપર નથના ... કમાં ...’ ગાતી હતી. મેહુલે એને સમજાવ્યું કે ‘નથના’ નહીં, ‘નથ, નાકમાં ...’ એમ ગાવાનું છે, ‘નથ’ સાથે ‘ના’ જોડવાનું નથી. ગાયિકાને એ સમજાયું ને પછી તો પૂરા ભાવથી અભિસારિકાના અધૂરા શણગારને પૂરો કર્યો.

આ ફિલ્મમાં મારધાડ ને બંદૂકબાજી નથી. બહારથી નંખાયેલાં સસ્તાં ગીતો નથી. વિદેશી દૃશ્યો નથી. પણ, ધરતીમાંથી બહાર આવતી લીલાશનો ભીનો રવ છે. ન પ્રગટ થઈ શકતા ભાવોનું દૃશ્યરૂપ છે. આંખેથી નહીં, પણ હૈયેથી વહેતાં આંસુની ભીનાશ છે. જેમને કશુંક સંવેદનાને સ્તરે અનુભવાય છે, પણ શબ્દો નથી બનતા એવા પ્રેક્ષકોને આ ફિલ્મ ગમશે. એ જરૂર ‘21મું ટિફિન’ ખોલશે ને એના સ્વાદને જરૂર માણશે. અસ્તુ !

000

e.mail : [email protected]

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ડિસેમ્બર 2021

Category :- Samantar Gujarat / Samantar