‘જય ભીમ’ ફિલ્મના મૂળ પાત્ર જસ્ટિસ કે. ચંદ્રુના કાયદા સંદર્ભે વિચારો …

કિરણ કાપુરે
06-12-2021

જસ્ટિસ કે. ચંદ્રુનું નામ આજકાલ ચર્ચામાં છે; કારણ છે તેમના જીવનમાં આવેલાં એક કેસ સંદર્ભે બનેલી તમિલ ફિલ્મ જય ભીમ. મદ્રાસ હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ કે. ચંદ્રુએ ન્યાયાધિશના પદેથી ટૂંકા ગાળામાં નેવું હજારથી વધુ કેસોના ચૂકાદા આપ્યા છે. તેઓ જાતિગત ભેદભાવના વિરોધી ને વંચિતોના પડખે રહ્યા છે. આજીવન વંચિત વર્ગ માટે લડતા રહ્યા અને આ લડતની શરૂઆત વિદ્યાર્થીકાળથી થઈ ચૂકી હતી. તે વધુ સઘન બની મદ્રાસ હાઇકોર્ટમાં એડવોકેટની પ્રેક્ટિસ દરમિયાન. એડવોકેટ તરીકે પણ તેઓ તમિલનાડુના શોષિત-પીડિત વર્ગ માટે સતત લડતા રહ્યા. ન્યાયાધિશ બન્યા બાદ તેમની ભૂમિકા બદલાઈ, પણ તેમનું હૃદય તે વર્ગ સાથે જ રહ્યું. જય ભીમ ફિલ્મ સમાજની ક્રૂર વાસ્તવિકતા આપણી સમક્ષ મૂકી આપે છે અને તદ્દુપરાંત વ્યવસ્થામાં સામે લડવાનો જુસ્સો પણ પૂરો પાડે છે. આ ફિલ્મ, તેમાં દર્શાવેલા કેસ અને અન્ય કાયદા સંબંધિત બાબતો અંગે જસ્ટિસ કે. ચંદ્રુએ ‘લાઇવલૉ’ નામના એક લિગલ ન્યૂઝ પોર્ટલને ઇન્ટરવ્યૂ આપ્યો છે. આ ઇન્ટરવ્યૂના કેટલાંક અંશો જાગ્રત નાગરિક તરીકે જાણવા-સમજવા જેવા છે. ઓવર ટુ જસ્ટિસ કે. ચંદ્રુસ ઇન્ટરવ્યૂ ....

‘લાઇવલૉ’ના પ્રતિનિધિ જસ્ટિસ કે. ચંદ્રુને પૂછે છે કે, જય ભીમ ફિલ્મ તમારા દ્વારા લડવામાં આવેલાં રાજકન્નુ-પાર્વતીના કેસ પર આધારિત છે, જેમાં ઇરુલર આદિવાસીનું પોલીસ કસ્ટડીમાં મોત થાય છે. આ કેસ લડીને તમે ન્યાય ઝંખતી રાજકન્નુની પત્નીને ન્યાય અપાવ્યો, પરંતુ દેશમાં આજે પણ પોલીસ કસ્ટોડિયલ મોતનો સિલસિલો ચાલુ જ છે. ગત્ વર્ષે પણ તમિલનાડુમાં જયરાજ અને બેનીક્સ નામની બે વ્યક્તિઓના પોલીસ કસ્ટડીમાં મોત થયા. પોલીસ સામે આવી રીતે અસંખ્ય ચૂકાદાઓ આવ્યા છતાં પોલીસના અત્યાચાર કેમ થંભતા નથી? પોલીસ કેમ અમાનવીય રીતે વર્તે છે? પોલીસ વ્યવસ્થામાં કશુંક મૂળભૂત રીતે ખોટું થઈ રહ્યું છે?

આ વિશે જસ્ટિસ ચંદ્રુ કહે છે કે, “ફિલ્મમાં દર્શાવ્યા મુજબ રાજકન્નુનું પોલીસ કસ્ટડીમાં મોત થાય છે તે ઇરુલર આદિવાસી નથી; બલકે તે કુરવા જાતિનો હતો, જે જાતિને આજે પણ આદિજાતિ તરીકે જાહેર કરવામાં આવી નથી. ફિલ્મના ડિરેક્ટરે ક્રિએટિવ લિબર્ટીના અધિકાર તળે ઇરુલર આદિવાસી કથાવસ્તુમાં લીધા છે, જેઓ પણ આ પ્રકારના જ પોલીસ અત્યાચારના ભોગ બનતા આવ્યા છે. અને આ કારણે ફિલ્મમાં ઇરુલર લોકોની જીવનશૈલીને પણ દર્શાવવામાં આવી છે. પ્રિ-ટ્રાયલ આરોપી માટે સુપ્રિમ કોર્ટ દ્વારા 11 ગાઇડલાઇન નિર્દેશિત કરી આપવામાં આવી છે. ડિ. કે. બસુ વર્સીસ સ્ટેટ ઑફ વેસ્ટ બંગાળના એક કેસમાં પ્રિ-ટ્રાયલમાં આરોપીના અધિકાર દર્શાવવામાં આવ્યા છે. તે કેસ સંદર્ભે સુપ્રિમ કોર્ટે પોલીસ અધિકારી કે મેજિસ્ટ્રેટ સુદ્ધા આ ગાઇડલાઇનને ન અનુસરે તો કન્ટેમ્પ ઑફ કોર્ટ કાર્યવાહી કરવાનો હુકમ આપ્યો છે.

“પોલીસ આ રીતે વર્તે છે તેનું એક કારણ તેમાં રહેલાં અંગ્રેજ કાળનાં મૂળિયાં છે. તમિલનાડુમાં હાલમાં સુધ્ધા ‘મદ્રાસ પોલીસ એક્ટ 1888’ અમલમાં છે. કાયદો વ્યવસ્થા જાળવવામાં અને ગુનાની તપાસ અર્થે હજુ તેઓ સાયન્ટિફિક ઢબ અમલમાં લાવી શક્યા નથી. બ્રિટિશ કાળમાં જુદા જુદા વિસ્તારો મુજબ કાયદો વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમ કે, આદિજાતિઓ અર્થે ‘ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ’ અમલમાં હતો. આ કાયદા મુજબ કોઈ તપાસ કરવાની જરૂર નહોતી. જો આદિજાતિ ક્ષેત્રમાં કોઈ ગુનો બને અને જે વ્યક્તિ શંકાસ્પદ હોય તે વ્યક્તિ જો ચોવીસ કલાકમાં પોલીસ સ્ટેશનમાં હાજર ન થાય તો તેને ગુનેગાર ગણી લેવામાં આવતો. આ કાયદાને દૂર કરવા લાંબી લડત થઈ, પરંતુ આઝાદી મળ્યા પછી તે કાયદો નાબૂદ થયો. જો કે ‘ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ’ નાબૂદ કરવા છતાં આદિજાતિઓને અત્યાચારથી મુક્તિ મળી નથી. આજે પણ ડિનોટિફાઈડ ટ્રાઈબ્સને તેમની આસપાસ થતાં ગુનાઓમાં શંકાની નજરથી જોવામાં આવે છે. જૂજ એવી આદિજાતિ છે જેઓએ ઉન્નતિ કરી અને તેઓ આમાંથી બાકાત થયા છે. બાકી મહદંશે આદિજાતિના લોકોને આજે પણ તે જ પીડાથી પસાર થવું પડે છે.

“આદિજાતિઓ પાસે ન જમીન છે, ન કોઈ નાગરિક હોવાનો પુરાવો કે ન તો તેઓ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન સિસ્ટમની યાદીમાં તેમનું નામ છે. આ રીતે તેમની કોઈ ઓળખ ન હોવાના કારણે તેમનાં બાળકો શાળાએ પણ જતાં નથી. રોજગારી પણ તેમની પાસે નથી. આ બધું જ ફિલ્મમાં સમાવવામાં આવ્યું છે. ફિલ્મના પ્રથમ દૃશ્યમાં એ જ દર્શાવાયું છે કે કેવી રીતે આ જાતિના લોકોને જે કેસ સોલ્વ ન થયા હોય તેના માટે આરોપી બનાવીને લઈ જવામાં આવે છે. આ કારણે પોલીસે પોતાનું વલણ બદલવાની જરૂર છે અને સાથે સાથે ગુનાની તપાસ કરવાની ટેકનિક પણ અત્યાધુનિક બનાવવાની આવશ્યકતા છે.”

‘લાઇવલૉ’ના પ્રતિનિધિ બીજો પ્રશ્ન જસ્ટિસ ચંદ્રુને પૂછે છે કે, સામાન્ય રીતે ફિલ્મોમાં પોલીસની બહાદુરી દાખવવામાં આવે છે. હૈદરાબાદ એન્કાઉન્ટરમાં આપણે જોયું કે પોલીસે જે કર્યું તે વિશે લોકોએ આનંદ વ્યક્ત કર્યો. જય ભીમમાં પોલીસની ક્રૂરતા સાથે પીડિતની મજબૂરી પણ દર્શાવવામાં આવી છે. શું તમે માનો છો કે આ જય ભીમ ફિલ્મ સામાન્ય લોકોના માનસ પર પોલીસનું વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે અને પોલીસનું હિરોઇઝ્મ ઉજવવા કરતાં તેમને વધુ જવાબદેહ બનાવે છે.

આ પ્રશ્નના સંદર્ભમાં જસ્ટિસ ચંદ્રુ ઉત્તર વાળતા કહે છે કે, “જય ભીમ જેવી ફિલ્મ સંભવત્ પોલીસ અને ન્યાયિક વ્યવસ્થા સમજણને સ્પષ્ટ કરવામાં ભાગ ભજવે છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારીઓના કાર્યને બિરદાવવાનું કારણ મહદંશે ન્યાય મેળવવામાં થતો વિલંબ છે. જો ગુનેગારને સમયસર સજા થાય તો નિશ્ચિત ન્યાયિક વ્યવસ્થામાં લોકોનો ભરોસો વધશે.

તે પછીનો જસ્ટિસ ચંદ્રુને સવાલ છે કે, તમે ઘણા પોલિટિકલ એક્ટિવિઝમમાં રહ્યા અને લિગલ પ્રેક્ટિસ સાથે ડાબેરી વિચારધારા સાથે સંકળાયેલા રહ્યા. તો તમે શું એમ માનો છો કે પોલિટિકલ એક્ટિવિઝમમાં રહેવાના કારણે એડવોકેટ તરીકે અને પછી એક ન્યાયાધિશ તરીકે પ્રજા પ્રશ્નો વધુ સારી રીતે સમજી શક્યા? એડવોકેટ પોલિટિકલ હોવો જોઈએ? ન્યાયાધિશ માટે રાજકીય જાગ્રતતા અગત્યની છે?

જસ્ટિસ ચંદ્રુનો જવાબ : “ડાબેરી આંદોલન સાથે હું વીસ વર્ષ સુધી જોડાયેલો રહ્યો. વિદ્યાર્થીકાળમાં પણ હું એક્ટિવિઝમમાં હતો, અને તે પછી પણ મજદૂર યુનિયન એક્ટિવિઝમ અને પક્ષની કામગીરી સાથે રહ્યો. હા, આ કારણે જ વ્યવસ્થાને વધુ સારી રીતે સમજી શક્યો. લોકશાહી અર્થે રાજકીય સમજ વધુ સઘન હોવી જોઈએ. જો એક એડવોકેટ પોલિટિક્સને સારી રીતે સમજે તો તેને માટે કાયદા સાથે કામ પાર પાડવું વધુ સરળ બને છે. એવી જ રીતે ન્યાયાધિશ રાજકીય સ્થિતિને યોગ્ય રીતે ન જાણતા હોય તો ઘણાં કિસ્સામાં તેઓ ગેરમાર્ગે દોરવાઈ શકે છે.”

ફિલ્મમાં દર્શાવાયેલા એક દૃશ્યના સંદર્ભમાં કે. ચંદ્રુને સવાલ પૂછાયો છે કે, ફિલ્મના દૃશ્યમાં એક શાળાના કાર્યક્રમમાં તમારું પાત્ર એવી કોમેન્ટ કરે છે કે, અહીં ગાંધી અને નેહરુ છે પણ આંબેકર નથી. આપણી શાળાઓમાં અને લૉ કોલેજ સુધ્ધામાં આંબેડકરના વિચારોને જૂજ મહત્ત્વ આપવામાં આવે છે તેનો અફસોસ એ દૃશ્યમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. શું તમે એવું માનો છો કે બાળકોને ડો. આંબેડકરનો પરિચય વહેલો કરાવવો જોઈએ જે તેઓને સારા નાગરિક બનાવે, સામાજિક નિસબત અને પ્રગતિવાદી વિચારધારા સાથે જોડી શકે?

જસ્ટિસ ચંદ્રુ આ વિશે ઉત્તર વાળતાં કહે છે : “હું એવું દૃઢપણે માનું છું કે લોકોને આંબેડકરનો પરિચય જેટલો થવો જોઈએ તેટલો થયો નથી, વિશેષ કરીને વિદ્યાર્થીઓને. આંબેડકરને મહદંશે પાઠ્યપુસ્તકોમાં એ રીતે રજૂ કરવામાં આવ્યા છે જેથી તેમની છબિ અનુસૂચિત જનજાતિના આગેવાન તરીકેની ઉપસે છે, નહીં કે બંધારણ ઘડનાર તરીકે. વિદ્યાર્થીઓને તટસ્થ રીતે તેમની ઓળખ કરાવવી જોઈએ. મારા કિસ્સામાં જ્યારે પણ ધર્મ કે જાતિ બાબતે કોઈ કેસ આવ્યા ત્યારે આંબેડકરનું લખાણ વાંચીને મને નવા વિચારો સ્ફૂર્યા છે. મારી નિવૃત્તિ પછી મેં આવા કેસોની વિગત એકઠી કરીને ‘માય જજમેન્ટ ઇન ધ લાઇટ ઑફ આંબેડકર’ નામનું પુસ્તક પણ લખ્યું છે. એ ખૂબ દુઃખદ બાબત છે કે લૉ કોલેજમાં સુધ્ધા આંબેડકરનાં લખાણો સંદર્ભ મટિરિયલ તરીકે અપાતા નથી.”

જસ્ટિસ કે. ચંદ્રુએ આ સિવાય પણ ન્યાય, સમાજ અને કાયદા સંદર્ભે અનેક વાતો કરી છે. તે માટે મૂળ ઇન્ટરવ્યૂ વાંચવો રહ્યો, જે WWW. LIVELAW. IN પર ઉપલબ્ધ છે.

e.mail : [email protected]

Category :- Opinion / Opinion