માત્ર વિશ્વાસના આધારે પૈસો કેવી રીતે પરમેશ્વર બની ગયો

રાજ ગોસ્વામી
06-12-2021

માણસે તેના પૂરા ઇતિહાસમાં સૌથી મોટી બે કલ્પનાઓ કરી છે; ધર્મ અને પૈસો. બંનેના પાયામાં વિશ્વાસ છે. પૈસાનો જન્મ આપસી વિશ્વાસને નક્કર સ્વરૂપ આપવામાંથી થયો હતો. માણસો એકબીજા સાથે સહકાર અને વિનિમય સાધતા થયા, એટલે વિશ્વાસ કેળવવા માટે પરસ્પર સમજૂતીથી વસ્તુઓનું મૂલ્ય નિશ્ચિત કર્યું. આપણે એ વિશ્વાસના માધ્યમ તરીકે શરૂઆતમાં કોડીઓ વાપરતા હતા અને હવે ક્રિપ્ટો કરન્સી સુધી પહોંચી ગયા છીએ.

ક્રિપ્ટો કરન્સી પૈસાનું ભાવિ સ્વરૂપ છે. એક રીતે એ પૈસા વગરની દુનિયા કહેવાય. પૈસાને અંગ્રેજીમાં કરન્સી કહે છે. ક્રિપ્ટો વર્તમાન કરન્સીનું જ કોમ્પ્યુટરાઈઝડ સ્વરૂપ છે. તેમાં કરન્સી ડિજિટ એટલે કે કોડ સ્વરૂપે ઓનલાઈન રહે છે. તેની પર કોઈ દેશ કે સરકારની નિયંત્રણ નથી. ટૂંકમાં, ક્રિપ્ટો કરન્સી એક પ્રાઇવેટ કરન્સી છે અને તે પરંપરાગત કરન્સી સામે ચેલેન્જ છે. એટલા માટે બહુ બધા દેશો તેની વિરુદ્ધમાં છે અને અમુક દેશો ખુદની જ ક્રિપ્ટો કરન્સી બનાવવાના પક્ષમાં છે.

ભારત સરકાર તેની વધતા ચલણને જોતાં અમુક પ્રકારની છૂટછાટો સાથે ખાનગી ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ મુકવા જઈ રહી છે. એ સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પોતાની ક્રિપ્ટો કરન્સી લાવવાનું ફ્રેમવર્ક તૈયાર કરી રહી છે. કોડીથી શરૂ થયલા પૈસા ક્રિપ્ટો સુધી કેવી રીતે આવ્યા તેનો ઇતિહાસ રસપ્રદ છે.

પૈસા માટે અંગ્રેજીમાં ‘મની’ શબ્દ લેટિન ‘મોનેટા’ પરથી આવે છે. પ્રાચીન રોમમાં રાજ્યની સંરક્ષક અને સલાહકાર મનાતી દેવી જૂનો મોનેટાના મંદિર પાસે રોમની ટંકશાળ આવેલી હતી, જેથી જૂનો મોનેટોને પૈસાની દેવી તરીકે ઓળખવામાં આવી. મોનેટો પરથી લેટિન (અને પછી અંગ્રેજીમાં) બે શબ્દો આવ્યા; મની અને મિન્ટ (ટંકશાળ).

પૈસા સંપૂર્ણપણે માનસિક ધારણા છે, કારણ કે વિશ્વાસ સંપૂર્ણપણે માનસિક ભાવ છે. વિચાર કરો કે એક માણસ દરિયા કાંઠે મફતમાં મળતી કોડીઓના બદલામાં, પરસેવો પાડીને ઊગાડેલાં સફરજનથી ભરેલો કોથળો શા માટે આપી દે? કારણ કે બંનેએ તેમની સહિયારી કલ્પનામાં કોડીનાં મૂલ્યમાં વિશ્વાસ મુક્યો હતો. કોડીના બદલામાં સફરજન લેનારા માણસને એ વિશ્વાસ હતો કે તે તેના કબીલામાં જઈને કોઈને સફરજન આપશે, તો તેને બદલામાં બે કોડી વધુ મળશે.

સંયુક્ત રાષ્ટ્રસંધે આપેલી માન્યતા અનુસાર વર્તમાનમાં દુનિયામાં ૧૮૦ ચલણો છે. ૪૦,૦૦૦ વર્ષોના ઇતિહાસમાં માણસે એટલા પ્રકારનાં ચલણોનો ઉપયોગ કર્યો છે, તેનો કોઈ હિસાબ રાખવાનું સંભવ રહ્યું નથી. આફ્રિકા, દક્ષિણ એશિયા, પૂર્વ એશિયા અને (ઓસ્ટ્રેલિયાને સમાવતા સેન્ટ્રલ અને સાઉથ પેસિફિક મહાસાગરના અનેક ટાપુઓના બનેલા) ઓશેનિયામાં ૪,૦૦૦ વર્ષ સુધી ચલણના રૂપમાં કોડીઓનો ઉપયોગ થતો હતો. ભારતમાં ૧૮૦૫ સુધી કોડીનું ચલણ હતું, પણ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેને નાબૂદ કરીને રૂપિયાનું ચલણ દાખલ કર્યું હતું.

ઇ.સ. પૂર્વે ૩૦૦૦માં, મેસોપોટેમિયાની પ્રાચીન સભ્યતા સુમેરમાં આર્થિક વ્યવહારો માટે જવના પૈસાનો ઉદ્દભવ થયો હતો. ત્યારે જવ ખાવા માટેનું અનાજ પણ હતા, અને પૈસા પણ. ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમત આંકવા માટે એક લિટર સમાન કોઠીનું માપ વાપરવામાં આવતું હતું.

જવ જગ્યા બહુ રોકતા હતા અને તેની હેરફેર બહુ મહેનત માગી લેતી હતી. બે સમસ્યાઓના સમાધાન રૂપે જ સિક્કાનો જન્મ થયો. આ પ્રકારના પૈસા ઇ.સ. પૂર્વે ત્રીજી સહસ્ત્રાબ્દીના મધ્યમાં પ્રાચીન મેસોપોટેમિયામાં ઉદ્દભવ્યા. એ ચાંદીના શેકલ હતા, અને તેમાં ચાંદીના વજન પ્રમાણે સિક્કાનું મૂલ્ય નક્કી થતું હતું.

આજે આપણે જે સિક્કાઓ વાપરીએ છીએ તે કોપર, નિકલ અને ઝિંકના બનેલા હોય છે, અને તેની કિંમત રિઝર્વ બેંકના ગવર્નર જે ઠરાવે તે હોય છે, નહીં કે ધાતુનું વજન. એટલે આ સિક્કાઓને તોળવા પડતા નથી. આ પ્રકારના સિક્કાઓ પહેલીવાર ઇ.સ. પૂવે આશરે ૬૪૦માં, પશ્ચિમ એનાટોલિયા એટલે કે આજના તુર્કીમાં લીડિયાના રાજા અલિયાટીસે ગાળ્યા હતા.

સિક્કાના સ્થાને કાગળના પૈસા આવ્યા તેનું કારણ કિંમતી ધાતુઓની અછત હતી. રાજા-રજવાડાં પાસે તેના એક સમાન ભંડાર ન હતા. જે પ્રદેશમાં કિંમતી ધાતુનું ઉત્પાદન ઓછું હોય તેમણે તેની અછત સહન કરવી પડે અને જેની પાસે મબલખ ભંડાર હોય તે ખૂબ સિક્કા પાડે. આ પ્રાકૃતિક અસંતુલનના સમાધાન રૂપે કાગળના પૈસા આવ્યા.

પૂર્વ એશિયામાં મોંગોલિયામાં ચંગીશ ખાને ૧૨૨૭માં કાગળના પૈસા પ્રચલિત કર્યા હતા. તેનીની પ્રેરણા તેણે ચીનમાં સૌ પ્રથમ છપાવામાં આવેલી બેંકનોટમાંથી લીધી હતી. ૧૨૫૩માં, આ મોંગોલ સેનાપતિએ એક આગવો નાણાંકીય વિભાગ સ્થાપ્યો હતો, જેનું કામ, આજની રિઝર્વ બેંકની જેમ, પૈસાના ચલણનું સંચાલન કરવાનો હતો. ભારતમાં મુગલોના સમયમાં સોના-ચાંદીના સિક્કાઓ પ્રચલિત થયા હતા.

૧૭૬૦ના દાયકામાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળમાં પગ જમાવ્યા, ત્યારે સોના-ચાંદીની અછતને લઈને તેમ જ ઉત્તર ભારતમાં આર્થિક અંધાધૂંધીમાંથી રસ્તો કાઢવા તેમણે કાગળના પૈસા જારી કરવાનો વિચાર કર્યો હતો. ટીપુ સુલતાન સામે જંગે ચઢવાની તૈયારી કરી રહેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ ભંડોળ ઊભું કરવા માટે બેંક ઓફ કલકત્તા(જે પછીથી બેંક ઓફ બેંગાલ બની)ની સ્થાપના કરી. આ બેંકને કંપનીએ કાગળના પૈસા છાપવા માટે પરવાનગી આપી હતી.

તમને અમિતાભ બચ્ચનની ‘દીવાર’ ફિલ્મનું એ દૃશ્ય યાદ હશે, જેમાં તે ફાટેલી નોટનો ટુકડો આપીને દાણચોરીના સોનાની ડિલીવરી લે છે. બેંક ઓફ કલકત્તાએ શરૂઆતમાં જે નોટો છાપી હતી, તે આવી રીતે બે ટુકડાઓમાં વપરાતી હતી. એક ટુકડો પોસ્ટમાં મોકલવામાં આવતો અને તે મળી ગયાની ખાતરી મળે, પછી બીજો ટુકડો મોકલવામાં આવતો. બંને ટુકડા મળી જાય પછી તે નોટને જોડીને ચાંદીના સિક્કાના બદલામાં જમા કરવામાં આવતી. લેવડદેવડ થઇ જાય, પછી નોટને ‘કેન્સલ’ કરવા માટે તેનો હસ્તાક્ષરવાળો હિસ્સો ફાડી નાખવામાં આવતો, જેથી નોટ ફરીથી ઉપયોગમાં ન લેવાય.

તે પછી બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસે ચલણી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. ૧૮૬૨માં, ભારત સરકારે ત્રણે બેંકોને સરકારી બેન્કરનો દરજ્જો આપીને નોટો છાપવાની કામગીરી પોતાના હાથમાં લીધી. આ નવી વ્યવસ્થા હેઠળ સરકારે ૧૮૬૪માં રૂપિયા ૧૦, ૧૮૭૨માં રૂપિયા ૫, ૧૮૯૯માં રૂપિયા ૧૦,૦૦૦, ૧૯૦૦માં રૂપિયા ૧૦૦, ૧૯૦૫માં રૂપિયા ૫૦, ૧૯૦૭માં રૂપિયા ૫૦૦, અને ૧૯૦૯માં રૂપિયા ૧૦૦૦ની નોટ જારી કરી હતી.

હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ક્રિપ્ટો કરન્સી લાવવાની તૈયારી કરી રહી છે, જેમાં પૈસાનું ભૌતિક સ્વરૂપ ગાયબ થઇ જશે અને તે માત્ર અલગોરિધમનો કોડ બનીને રહી જશે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 05 ડિસેમ્બર 2021

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Category :- Opinion / Opinion