સંસ્થાનવાદનો ઇતિહાસઃ સત્તાઓનો પ્રભાવ ગુલામ દેશોની સંસ્કૃતિ જ નહીં પણ પૃથ્વીના પર્યાવરણ પર પડ્યો

ચિરંતના ભટ્ટ
05-12-2021

સવલતો આપીને પણ સંસ્થાનવાદી રાષ્ટ્રો દમન કરવાનું તો ચાલુ રાખતા જ, ભારતીય સ્વાતંત્ર સંગ્રામનો ઇતિહાસ આ તમામનું વાસ્તવિક ચિત્રણ છે

બાર્બાડોસ એક એવો દેશ જેનું નામ તમે સાંભળ્યું તો હશે જ પણ બહુ ધ્યાન નહીં આપ્યું હોય. અંગ્રેજોની ગુલામીમાંથી આપણને આઝાદી મળી એને હજી સો વર્ષ નથી થયા, પણ છતાં ય જાણે આપણને એ ઇતિહાસને ઉછાળીને વિવાદો ખડા કરવાની મજા આવે છે. આ બન્ને વાતો વચ્ચે શું સંબંધ એવો વિચાર તમે કરો તે પહેલાં એ સ્પષ્ટતા કરવાની કે બાર્બાડોસ જે કેરેબિયન દેશ છે તેને હમણાં, એટલે કે સાવ હમણાં ગયા અઠવાડિયે, અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી છે. અંગ્રેજોના સંસ્થાનવાદનો શિકાર રહેલા બાર્બાડોસમાં પહેલું અંગ્રેજ જહાજ ૪૦૦ વર્ષ પહેલાં પ્રવેશ્યું હતું અને ત્યારથી જે તેઓ અંગ્રેજોને તાબે હતા. આમ તો બાર્બાડોસને ૧૯૬૬ના નવેમ્બરમાં યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી હતી, પણ ત્યાં હજી સુધી અંગ્રેજોની સંપ્રભુતા યથાવત હતી. આઝાદી મેળવવાના રસ્તે તેમણે ધીમે પગલે અંગ્રેજોના પ્રભુત્વને ઘટાડવા તરફ આગળ વધવાનું શરૂ કર્યું હતું. જેમ કે બ્રિટિશ વહીવટી તંત્રની વ્યવસ્થાઓને બદલે તેમણે પોતાની વ્યવસ્થાઓ વાપરવાનું શરૂ કર્યું. ૨૦૦૫માં ન્યાય તંત્ર માટે લંડનની પ્રિવી કાઉન્સિલને બદલે ટ્રિનિદાદની કેરેબિયન કોર્ટ ઑફ જસ્ટિસમાં બાર્બાડોસની ન્યાયિક કામગીરી થવા માંડી. ૨૦૦૮માં પ્રજાસત્તાક દેશ બનવા માટેની હલચલ શરૂ કરાઇ પણ આખરે ગયા વર્ષે બંધારણિય રાજાશાહીનો અંત લાવવાની દેખતી હલચલ શરૂ થઇ જેમ કે નેશનલ હીરોઝ સ્ક્વેરમાંથી અંગ્રેજ વાઇસરોય એડમિરલ હોરેશિયો નેલ્સનની પ્રતિમા હટાવવાની જાહેરાત કરાઇ. હવે બાર્બાડોસમાં  રોયલ કે ક્રાઉન જેવા શબ્દો કોઇ સત્તાવાર જાહેરાતમાં નહીં વપરાય. રોયલ બાર્બાડોસ પોલીસ સર્વીસ અને ક્રાઉન લેન્ડ્ઝમાંથી રોયલ અને ક્રાઉન શબ્દો વાપરવાનું બંધ થશે. ગણતંત્ર દેશ બનેલા બાર્બાડોસને પ્રિન્સ ચાર્લ્સે પણ ભવ્ય સમારંભમાં શુભેચ્છાઓ પાઠવી અને બ્રિટનના રાજવી પરિવાર સાથેના સંબંધો ગાઢ રહેશે તેમ પણ કહ્યું.

સ્વતંત્રતા જેટલો મહત્ત્વનો શબ્દ છે તેટલો જ અગત્યનો શબ્દ છે સંસ્થાનવાદ, જેને અંગ્રેજીમાં કોલોનિયાલિઝમ કહેવાય છે. અંગ્રેજોના ઇતિહાસમાં સંસ્થાનવાદે સૌથી મોટો ફાળો આપ્યો છે. કોલોનિયાલિઝમના ઇતિહાસમાં આર્થિક ગણતરીઓ જ રહેલી હોય છે, રાજવી શાસન તો આર્થિક લેવડ-લેવડ(દેવડ – હોતી જ નથી કારણ કે જે દેશ બીજા દેશને પોતાની કૉલોની બનાવે તે ત્યાંથી માત્ર લે જ છે આપતો કંઇ નથી)ને સરળ બનાવવાનું કામ કરે છે. સંસ્થાનવાદની વ્યાખ્યા કંઇક આવી છે – કોઇ એક સત્તા દ્વારા અન્ય વિસ્તાર-પ્રદેશ કે લોકો જે તે સત્તા પર આધારિત છે તેનો કાબૂ હોવો. એક રાષ્ટ્ર બીજાને તાબે થાય ત્યારે સંસ્થાનવાદ કહેવાય અને આ માત્ર વહીવટી સ્તરે નહીં પણ સંસ્કૃતિ, રહેણીકરણી, ભાષા અને અન્ય તમામ રીતે થતું હોય છે જેમાં જે ગુલામ દેશ હોય તેનું મોટે ભાગે શોષણ જ થાય.  ૧૯૧૪ સુધીમાં વિશ્વના મોટાભાગના દેશો યુરોપિયન્સની કૉલોની હતા. કોલોનિયાલિઝમ એ ઇમ્પિરિયાલિઝમ એટલે કે સામ્રાજ્યવાદ પછીનું બીજું પગલું છે એમ કહી શકાય. સામ્રાજ્યવાદમાં સત્તાનો ઉપયોગ કરીને બીજા રાષ્ટ્ર કે લોકોને તાબામાં લઇ લેવા અને પછી તો સંસ્થાનવાદની જાળ ત્યાં સ્વાભાવિક રીતે પથરાય કારણ કે જે તે ગુલામ દેશમાંથી ફાયદા વ્યાપાર વગેરે મળે તે ઝડપીને પોતાની ગાદી મજબૂત કરવાની હોય.

પ્રાચીન કાળમાં ગ્રીસ, રોમ ઇજીપ્ત અને ફનિશ્યા જેવી સત્તા દ્વારા સંસ્થાનવાદ અનુસરાતો. આ સંસ્કૃતિઓએ ૧૫૦૦ બી.સી.થી પોતાની સરહદો વિસ્તારીને આસપાસના પ્રદેશોમાં ઘુસણખોરી કરી હતી. તેમણે એવી કૉલોનીઝ સ્થાપી જેને પગલે ગુલામ દેશના લોકો અને સ્થાવર સીમાઓને પગલે તેમની સત્તાકીય શક્તિ વધી. આધુનિક સંસ્થાનવાદની શરૂઆત ૧૫મી સદીની સાથે થઇ જ્યારે પોર્ટુગલે યુરોપની બહાર વ્યાપારના નવા માર્ગો અને નવી સંસ્કૃતિઓ શોધવાની પહેલ કરી. ૧૪૧૫માં પોર્ટુગિઝે નોર્થ આફ્રિકામાં સ્વેટા(Ceuta)ને કાબૂમાં લીધું અને ૧૯૯૯ સુધી ત્યાં રાજ ચલાવ્યું.  મેડેરિયા, કેપ વેર્ડે જેવા ટાપુઓ પર કાબૂ મેળવનારા પોર્ટુગીઝને જોઇને સ્પેઇનને પણ આવું કંઇ કરવાની ઇચ્છા થઇ અને ૧૪૯૨માં ક્રિસ્ટોફર કોલંબસે ભારત અને ચીન પહોંચવાના રસ્તા શોધવાનું શરૂ કર્યું. જો કે એમાં તે પહોંચ્યો બહામાઝ અને સ્પેનિશ સંસ્થાનવાદની શરૂઆત થઇ. સ્પેઇન અને પોર્ટુગલ વચ્ચે વધુ વધુ પ્રદેશોને તાબામાં લેવાની સ્પર્ધા ચાલી અને અમેરિકા, ભારત, આફ્રિકા અને એશિયામાં તેમણે અલગ અલગ પ્રદેશો - રાષ્ટ્રોમાં પગપેસારો કર્યો. ઇંગ્લેન્ડ, નેધરલેન્ડ્ઝ, ફ્રાંસ અને જર્મનીએ જલદી જ પોતાની સત્તાનો ફેલાવો કરવાનું શરૂ કર્યું. પોર્ટુગલ અને સ્પેઇને જે પ્રદેશો કાબૂમાં કરેલા હતા તેને જીતવા માટે આ યુરોપિયન દેશોએ તેમની સાથે લડાઇઓ આદરી. યુરોપિયનોનો સંસ્થાનવાદ વિસ્તરતો ચાલ્યો પણ ૧૭૭૬માં અમેરિકન ક્રાંતિની શરૂઆતની સમાંતર ૧૮મી-૧૯મી સદીની શરૂઆતમાં ઘણાં રાષ્ટ્રોએ આઝાદી મેળવી લીધી હતી. ૧૮૮૦ના દાયકામાં યુરોપિયન રાષ્ટ્રોએ આફ્રિકા તરફ નજર દોડાવી જ્યાં ભરપૂર કુદરતી સ્રોત હતા. યુરોપિયન રાષ્ટ્રોએ ૧૯૧૪ સુધી આફ્રિકી જમીનો પર સત્તા ભોગવી કારણ કે ત્યાર પછી ૧૯૭૫ સુધીમાં અલગ અલગ આફ્રીકી સંસ્થાનોએ યુરોપિય સત્તા સામે લડત શરૂ કરી દીધી.

ગુલામ રાષ્ટ્રોએ સંસ્થાનવાદી સત્તાઓની બર્બરતાની આકરી ટીકા કરી. સંસ્થાનવાદી સરકારોએ ગુલામ રાષ્ટ્રોની માળખાકીય સુવિધાઓ, વેપાર વાણિજ્ય, સ્વાસ્થ્યની સવલતો, તકનિકી આવડતો વગેરેને બહેતર બનાવ્યા. અમુક રાષ્ટ્રોમાં પોતાની શિક્ષણ પદ્ધતિઓ પણ લાગુ કરી. તેમનો દાવો હતો કે તેઓ પોતાના ગુલામ બનેલા રાષ્ટ્રોની સ્થિતિ સુધારે છે તો ગુલામ રાષ્ટ્રોની દલીલ હતી કે ફાયદો ભલે કરાવતા હોય પણ અંતે તે તેમના પોતાના સ્વાર્થ માટે છે જેથી તેમની તિજોરીઓ ભરેલી રહે. વળી સવલતો આપીને પણ દમન કરવાનું તો સંસ્થાનવાદી રાષ્ટ્રો નહોતા જ અટકાવતા. ભારતીય સ્વાતંત્ર સંગ્રામનો ઇતિહાસ આ તમામનું વાસ્તવિક ચિત્રણ છે.

બાય ધી વેઃ

સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદને આપણે એક રાષ્ટ્ર તરીકે સારી પેઠે સમજીએ છીએ. આ કારણે પણ સ્વતંત્રતાને લગતી બેફામ ટિપ્પણીઓ પર ખુશી કે રોષથી ઉગ્ર થઇ જવું આપણને શોભે નહીં. મજાની વાત એ છે કે સંસ્થાનવાદને પગલે માત્ર સંસ્કૃતિઓ જ નહીં પણ પૃથ્વીના પર્યાવરણમાં ય ફેરફાર આવ્યો છે. યુ.એસ.માં જોવા મળતા અળસિયાઓ યુરોપિયન મૂળનાં છે કારણ કે તેમને યુરોપિયન્સ ૧૬મી સદીમાં નોર્થ અમેરિકા લાવવામાં આવ્યા હતા. અમેરિકા શોધાયો તેના દાયકાઓમાં યુરોપિયન્સ ત્યાંના બટેટા અને ટમેટાં ખાતા હતા તો ચીન અને ભારત તેના બૅલ પૅપર્સ એટલે કે જેને આપણે લાલ લીલા પીળાં ભોલર મરચા કહીએ છીએ તે ખાવા માંડ્યા હતા. સંસ્થાનવાદ રાજકીય, સત્તાકીય, વહીવટી, પર્યાવરણીય, સંસ્કૃતિ, જીવ જંતુઓથી માંડીને પશુઓ સુધીની લેવડ-દેવડ છે. સંસ્થાનવાદી દેશોના જહાજોનાં ઉંદરડાઓ અને જીવાતો ગુલામ દેશોમાં વસતા શીખી ગયા. એન્થ્રોપ્રોસિન એટલે કે ભૌગોલિક વય પર માણસના વહેવારની સૌથી વધુ અસર પડે અને સંસ્થાનવાદને પગલે પૃથ્વીની ભૌગોલિક વય પર કેવી અસર પડી છે તે અંગે જાણવું હોય તો એક બીજા લેખની જરૂર પડશે એ ચોક્કસ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  05 ડિસેમ્બર 2021

Category :- Opinion / Opinion