ચલ મન મુંબઈ નગરી—121

દીપક મહેતા
27-11-2021

જ્યારે દૂધ આવતું તબેલામાંથી સીધું તપેલામાં

૧૯૦૨માં શરૂ થયું પહેલું ગુજરાતી ઇવનિંગર ‘સાંજ વર્તમાન’

ટપાલીઓનું સમૂહગીત : નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક

વહેલી સવારે બારણાંની બહાર દૂધના પાઉચ મૂકી જાય છે તે માણસ દિવસ દરમ્યાન મળે તો તેને ઓળખો ખરા? રોજે રોજ તાજા સમાચાર આપતાં છાપાં જે છોકરો તમને ઘેર બેઠા પહોંચાડે છે તેનું નામ તમે જાણો છો? છેલ્લાં ૭૫-૮૦ વરસમાં ઘણું બદલાયું છે મુંબઈમાં. પણ દૂધ અને છાપાંની હોમ ડિલિવરી બદલાઈ નથી. પરદેશ જઈને વસેલા મુંબઈગરાઓને આ બે બાબતમાં તો આપણી ઈર્ષા આવતી હશે. અને હા, પાંચ-છ માળનું મકાન હોય તો મુંબઈના દૂધવાળા, છાપાંવાળા લિફ્ટ પણ નથી વાપરતા. દાદર ચડી-ઉતરી જાય છે. કારણ? કારણ લિફ્ટ વાપરે તો ઘણો વધુ ટાઈમ જાય. વળી, આ બંને કામ કરનારા ઘણુંખરું બીજાં કામ પણ કરતા હોય કે નાની-મોટી નોકરી કરતા હોય, કે ભણવા જતા હોય. ત્યાં જતાં મોડું થાય એ પાલવે નહિ. એના કરતાં ધડ ધડ ધડ દાદર ચડી-ઊતરી જવા એ બહેતર.

દૂધ આવતું તબેલામાંથી તપેલામાં

પહેલાં પાઉચમાં નહિ, પિત્તળના ચકચકતા હાંડામાં દૂધ આવતું, તાજું તબેલામાંથી સીધું તપેલામાં. હાંડાનાં મોઢા પર સૂકા ઘાસની ઇંઢોણી મૂકી હોય. હાંડાની બે બાજુ બે હેન્ડલ હોય તેના પર અડધો શેર, પા શેર, છટાંકનાં માપ લટકતાં હોય. તમે માગો તેટલું દૂધ માપીને તમારી તપેલીમાં ધાર થાય એ રીતે રેડે. પછી લટકામાં આપે થોડું ઉમેરણ! આ લખનારને એ દિવસો બરાબર યાદ છે. દૂધવાળો આવે ત્યારે નાનકડી પ્યાલી લઈને ઊભા રહી જવાનું. દૂધવાળો બાબાભાઈની પ્યાલી ભરી દે અને બાબાભાઈ એ તરત ગટગટાવી જાય. એ વખતે જે દૂધ આવતું એ રો – કાચું દૂધ આવતું. થોડી વારમાં ગરમ ન કરી લો તો બગડી જાય. પણ એવું કાચું દૂધ પીવાથી બાબાભાઈ ક્યારે ય માંદા પડ્યા હોય એવું યાદ નથી. અને આ રોજનો લાગો હોં! એના પૈસા લેવાનું ન ભૈયાજીને સૂઝે, ન આપવાનું અમને સૂઝે. રોજ તો નહિ, પણ થોડો ટાઈમ હોય તે દી’ બે-ચાર વાતો પણ કરી લે ભૈયાજી. ગાય વિયાઈ હોય તે દિવસે ‘બળી’ના કટકા કેળના પાનમાં બાંધીને લેતા આવે. દર વરસે એકાદ મહિનો ભૈયાજી ‘દેશ’માં જાય. જતાં પહેલાં બે-ત્રણ દિવસ ‘બદલી’ ભૈયાજીને સાથે ફેરવે. દરેક ઘરની જરૂરિયાત સમજાવે. મહિના પછી પાછા આવે ત્યારે મીઠાઈનું નાનું પડીકું લેતા આવે, દરેક ઘરાક માટે. પણ પછી આરે કોલોની આવી. દૂધની બાટલીઓ આવી. શરૂઆતમાં તો સવારના પહોરમાં ‘મિલ્ક કાર્ડ’ સાથે લઈને સેન્ટર પર લેવા જવું પડતું. પણ પછી તો બાટલીની હોમ ડિલીવરી પણ શરૂ થઈ અને પછી પાઉચની. પણ પેલું ‘ઉમેરણ’ ગયું, પ્યાલીમાં રેડાતું તાજું દૂધ ગયું.

૧૯૨૦ના અખબારનું એક પાનું

છેલ્લા સાતેક દાયકામાં છાપાવાળો તો ખાસ બદલાયો નથી, પણ છાપાં ખાસ્સાં બદલાયાં છે. એ વખતે આઠ પાનાનું છાપું. આખું બ્લેક એન્ડ વ્હાઈટ. ફોટા કે ચિત્રો બહુ ઓછાં છપાય. ભલભલા અંગ્રેજ હાકેમનો ફોટો રોજેરોજ છપાતો જોવા ન જ મળે. સૌથી વધુ સમાચાર મુંબઈના. પછી દિલ્હી, કલકત્તા, મદ્રાસ જેવાં મોટાં શહેરોના. પછી ‘દેશાવર’ના. અને આ દેશાવર એટલે મોટે ભાગે ગ્રેટ બ્રિટન. જાહેર ખબરો ત્યારે પણ છપાતી. નાટક-સિનેમાની પણ છપાતી. પણ બધી જાહેર ખબરો ડાહી-ડમરી. કામની વાત સીધી ને સટ કરનારી. કોઈ વર્ગ કે જાતિની ‘લાગણી દુભાઈ જાય’ એવી જાહેર ખબરો હજી જન્મી નહોતી. અડધું પાનું ભરીને મુંબઈના બંદરે આવતી-જતી સ્ટિમરોની માહિતી છપાતી, દરેક કંપનીના ‘લોગો’ સાથે. મોટા સરકારી કે લશ્કરી અમલદારોની બદલીના સમાચાર અચૂક છપાય. વાચકને આકર્ષવા માટે મુખ્ય સાધન જાહેર ખબરોની ભાષા, ચિત્ર-ફોટા નહિ. પૂર્તિઓ લગભગ નહિ. બહુ બહુ તો રવિવારે કે કોઈ મોટા તહેવારના દિવસે ચાર પાનાં વધારે મળે. ઘણું બદલાયું, પણ એક વસ્તુ નથી બદલાઈ – રોજેરોજ અડધું કે આખું પાનું રોકતી ‘મૃત્યુ નોંધ.’

અરદેશર બેહરામજી પટેલ
‘સાંજ વર્તમાન’ના સ્થાપક-તંત્રી

ટાંચાં સાધનોના એ જમાનામાં ‘ઇવનિંગર’ – સાંજનાં છાપાં ફૂલ્યાંફાલ્યાં હતાં. ગુજરાતીનું પહેલું ઇવનિંગર શરૂ થયેલું ૧૯૦૨ના ઓગસ્ટની ૧૬મી તારીખે. એનું નામ ‘સાંજ વર્તમાન.’ કોટ વિસ્તારમાં આવેલા પોતાના છાપખાનામાં તે છપાતું. તંત્રી હતા અરદેશર બેહરામજી પટેલ. એવણનો જન્મ ૧૮૫૪માં. આ છાપું શરૂ કર્યા પછી ત્રણેક મહિનામાં જ અરદેશરજી બેહસ્તનશીન થયા, પણ સાંજ વર્તમાન ચાલુ રહ્યું. ક્રિકેટના ભારે રસિયા. પારસીઓ અને અંગ્રેજો વચ્ચેની પહેલી ક્રિકેટ મેચ એવણે ગોઠવેલી. એ માટે ગ્રેટ બ્રિટનની મુસાફરી પણ કરેલી. પારસી બોલીમાં નાટકો અને નવલકથા પણ લખેલાં. એ વખતે એક બીજો પણ ચાલ. દિવસ દરમ્યાન કોઈ બહુ મોટો બનાવ બને તો સવારનાં છાપાં ‘વધારો’ બહાર પાડતાં. પહેલે પાને સમાચાર બદલાય. અંદરનાં પાનાં સવારવાળાં જ રહે.  

માનશો? આઝાદી પછી કેટલાંક વરસ તો કાગળની એટલી અછત હતી ૧૯૬૨ અને ૨૦૦૪માં સરકારે ‘ન્યૂઝ પ્રિન્ટ કંટ્રોલ ઓર્ડર’ બહાર પાડેલો. દરેક છાપું રોજ કેટલાં પાનાં, કેટલી નકલ છાપી શકે એ આ ઓર્ડર નીચે નક્કી થાય. સરકાર માબાપ જે સારી કે ખરાબ ક્વોલિટીનો કાગળ બાંધે ભાવે આપે તે મૂંગે મોઢે લઈ લેવાનો. રોજે રોજ કેટલો કાગળ વપરાયો, કેટલી નકલ છાપી, કેટલી વેચી, કેટલી વેચ્યા વગરની રહી – વગેરે માહિતી સરકારને આપવી પડતી. પણ પછી મોટા મોટા સ્લોગન્સ વગર, યોજનાઓ ઘડ્યા વગર, ધીમે ધીમે દેશ ન્યૂઝ પ્રિન્ટની બાબતમાં સ્વાવલંબી બન્યો. પાનાં વધ્યાં, ફેલાવો વધ્યો. ચિત્રો-ફોટા વધ્યાં. ન્યૂઝ ઉપરાંત વ્યૂઝનું મહત્ત્વ વધતું ગયું. અને કલર પ્રિન્ટિંગે તો છાપાનો ચહેરોમહોરો, રૂપરંગ, જાહેર ખબરો, બધું જ બદલી નાખ્યું. પહેલાં છાપાંમાં જાહેર ખબરો આવતી. હવે જાહેર ખબરોમાં છાપાં આવતાં થયાં.

સવારે નવેક વાગે છાપાંના સમાચાર વંચાઈ રહે ત્યાં સગાંવહાલાં, મિત્રો-અમિત્રોના સમાચાર લઈને આવી પહોંચે ટપાલી. અને પાછો દિવસમાં ત્રણ વાર આવે – સવાર, બપોર, સાંજ. એ પણ દૂધવાળાની જેમ ઘડી-બે ઘડી રોકાઈ થોડી સુખદુઃખની વાતો કરે. એ વખતે પોસ્ટ કાર્ડ સૌથી વધુ વપરાય. સસ્તું અને સહેલું. પછી ઇન્‌લેન્ડ-લેટર અને પછી પરબીડિયું. એ વખતે ટપાલનો ઉપયોગ ફક્ત બિલ મોકલવા કે જાહેર ખબર માટે નહોતો થતો. ટપાલી આવે એની રીતસર રાહ જોવાતી. કોઈ પત્ર વાંચીને હરખ થાય, કોઈ વાંચીને ચિંતા કે શોક. પત્રો કેમ લખવા એ સ્કૂલોમાં શીખવાતું. ઝાઝું ભણ્યા ન હોય તે પણ પરંપરાગત રીતે વાંકાચૂકા અક્ષરોમાં પેન્સિલથી કાગળ લખતાં : ‘સ્વસ્તિ શ્રી મુંબઈ ગામ, ને સર્વે શુભોપમાયોગ્ય પરમ પૂજ્ય રમેશભાઈ વિશ્રામ. નવસારી નગરીએથી છોરું છગનનાં પાયલાગણ. આપ સૌની સુખાકારીની પ્રાર્થના સાથે જત જણાવવાનું કે આપ સૌના આશીર્વાદથી ચિ. મગન બીજી ટ્રાયલે મેટ્રિકની પરીક્ષામાં પાસ થઈ ગયો છે. અને તેને હિરાલાલ શેઠની પેઢીમાં નોકરી પણ મળી ગઈ છે. લલ્લુકાકા, કમળામાસી અને બીજાં કુટુંબીઓને આ સારા સમાચાર પહોચાડવા વિનંતી. અમારે લાયક કામકાજ લખતા રહેશો અને આજ સુધી રાખી છે તેવી મીઠી નજર રાખશો.’

આવો હતો મુંબઈનો ટપાલી

અંગ્રેજીમાં લેખકને ‘મેન ઓફ લેટર્સ’ પણ કહે છે. પણ આપણા ઘણા અત્યંત પ્રતિષ્ઠિત લેખો ‘મેન ઓફ પોસ્ટ કાર્ડ’ હતા. એક, આપણા મુંબઈના ગુલાબદાસ બ્રોકર અને બીજા અમદાવાદના ઉમાશંકર જોશી. બંને કાગળ નહિ, પોસ્ટ કાર્ડ જ લખે. પણ બંને વચ્ચે એક મોટો ફેર. ગમે તેવા અજાણ્યાને પણ પોસ્ટ કાર્ડ લખીને જવાબ આપ્યા વગર ગુલાબદાસભાઈ રહે નહિ. અને ગમે એટલા નિકટનાને પણ ઉમાશંકરભાઈ જવાબમાં પોસ્ટ કાર્ડમાં બે-પાંચ વાક્યો લખે તો ય પેલો આઠમી અજાયબીની જેમ એ પોસ્ટ કાર્ડ સામે તાકી રહે, અને પોતાને બડભાગી માને. બંને પાછા મિત્રો. આ પોસ્ટ કાર્ડ લખવા અંગે એક વાર વાત નીકળી. ઉમાશંકરભાઈ કહે : તમારી જેમ દરેકને જવાબ તો મારે પણ લખવો હોય છે, પણ એટલો સમય મળતો નથી. ગુલાબદાસભાઈ હળવેકથી કહે : પરદેશની યુનિવર્સિટીમાં ભાષણ માટેનું આમંત્રણ મળે ત્યારે તો એટલો સમય કાઢવો પડતો હશે, નહિ? તો સુરતના અત્યંત પ્રતિષ્ઠિત વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પોતાની વાત પૂરી ન થાય ત્યાં સુધી ૧-૨-૩ પોસ્ટ કાર્ડ લખે અને એક સાથે પોસ્ટ કરે!

લોકોમાં પોસ્ટ કાર્ડનો વાપર ઘટ્યો ત્યારે જાહેર ખબરવાળાનું ધ્યાન પોસ્ટ કાર્ડ તરફ ગયું. આ તો સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા. થોડો વખત તો જાહેર ખબરનાં પોસ્ટ કાર્ડ ફૂલ્યાંફાલ્યાં. સરકાર ગમે તે હોય, એની એક ટેવ કાયમની હોય છે : ઘોડા ભાગી જાય પછી ઘોડારને તાળાં મારવાનો દેખાવ કરવો. પણ કયું પોસ્ટ કાર્ડ જાહેર ખબરનું એ નક્કી કોણ કરે, કેવી રીતે કરે. એટલે જાહેર કર્યું કે છાપેલા પોસ્ટ કાર્ડ પર કવરના જેટલી જ ટિકિટ ચોડવી પડશે. પહેલાં રિપ્લાય પોસ્ટ કાર્ડ પણ આવતાં. આજે ય કદાચ આવતાં હોય. પણ હવે તો પોસ્ટ કાર્ડ, કવર, ટપાલ ટિકિટ લેવા પોસ્ટ ઓફિસ જાય છે જ કોણ? એ બધાની જરૂર જ ક્યાં પડે છે? પહેલાં ‘તાર-ટપાલ’ એમ સાથે બોલાતું. એમાંથી ‘તાર’ તો હાર માનીને ભાગ્યો. હવે જતે દહાડે સરકાર ટપાલ સેવા બંધ કરી દે કે તેનું ‘મોનિટાઈઝેશન’ કરી નાખે તો નવાઈ નહિ. 

અને ત્યારે બધા ટપાલીઓ સમૂહગાનમાં કવિ નર્મદની જેમ ગાશે :

નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક.
યથાશક્તિ ખતપાન કરાવ્યું, ડિલીવરી કીધી બનતી. 
જગત નીમ છે જનમ મરણનો, દૃઢ રહેજો હિંમતથી.
મને વિસારી નેટ સમરજો, સુખી થાશો એ લતથી.

e.mail : [email protected]

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 27 નવેમ્બર 2021

Category :- Opinion / Opinion