પોલીસિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ : પોલીસની કામગીરીનું આકલન

કિરણ કાપુરે
27-11-2021

હાલમાં ભારતમાં પોલીસિંગની સ્થિતિ અંગે એક અહેવાલ પ્રકાશિત થયો છે. આ અહેવાલ રિસર્ચ ક્ષેત્રે પ્રતિષ્ઠિત કહેવાતી સંસ્થાઓ દ્વારા થયું છે. તેમાં એક નામ ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલોપિંગ સોસાયટીઝ’નું છે. આ સિવાય ‘કોમન કોઝ’, ‘લોકનીતિ’, ‘ટાટા ટ્રસ્ટ્સ’ અને ‘લાલ ફેમિલિ ફાઉન્ડેશન’ રિસર્ચ સાથે જોડાયેલાં છે. પોલીસિંગને લઈને આવેલો લેટેસ્ટ રિપોર્ટ 2020-21નો છે અને તેમાં મુખ્ય ચર્ચા પોલીસ કોન્ફ્લિક્ટ ઝોનમાં કેવી રીતે કાર્ય કરે છે તે છે. આ જ રિપોર્ટનો બીજો ભાગ છે જેમાં પોલીસે મહામારી દરમિયાન કરેલાં કાર્યનું વિસ્તૃત આલેખન છે. જો કે આ બંને રિપોર્ટ પર નજર કરતાં અગાઉ 2019નો ‘સ્ટેટ્સ ઓફ પોલિસિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ - 2019’ છે તે વિશેષ જોઈ જવા જેવો છે. આ રિપોર્ટમાં પોલીસ કેવી સ્થિતિમાં કાર્ય કરે છે તેનું વિવરણ છે.

2019ના વર્ષના રિપોર્ટમાં આઠ પ્રકરણ છે પણ તેમાં પ્રજા તરીકે આપણે પોલીસને જાણવા માટે જે સૌથી અગત્યનું પ્રકરણ લાગે છે તે ‘ઇન્ડિયન પોલીસ, ઑલ્વેઝ ઑન ડ્યૂટી’નું છે. નામ પરથી જ ખ્યાલ આવી જાય કે પોલીસના રોજ બ રોજનાં કામના બોજ વિશે આ રિપોર્ટમાં ચર્ચા છે. આ માટે સંશોધન કરનારી સંસ્થાઓએ 21 રાજ્યોમાંથી માહિતી એકઠી કરી છે. અને તેમાં તમામ રેન્કના પોલીસ અધિકારીઓ પાસેથી ફિડબેક લેવામાં આવ્યા છે. આ પ્રકરણમાં જે ફાઇન્ડિગ આવ્યાં છે તેમાં મુખ્ય છે કે પોલીસ સરેરાશ દિવસના 14 કલાક કામ કરે છે. અને પોલીસમાં એંસી ટકા સ્ટાફ 8 કલાકથી વધુ ડ્યૂટી પર હાજર રહે છે. પોલીસ પર લાંબા સમય સુધી કામ કરવાનું ભારણ માત્ર નાગાલેન્ડ રાજ્યમાં નથી, તેવું અભ્યાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત દર બે પોલીસ અધિકારીમાંથી એક પોલીસ અધિકારીને રેગ્યુલર ઓવરટાઇમ કરવો પડે છે. આનું એક કારણ ભારતની પોલીસ તેની ક્ષમતાના 77 ટકા સ્ટાફ સાથે જ કામ કરી રહી છે. ભારતભરમાં થયેલાં આ અભ્યાસમાં ચોંકાવનારી વિગત એ છે કે દેશમાં હજુ પણ 70 પોલીસ સ્ટેશન એવાં છે જેમની પાસે વાઇરલેસ ડિવાઇઝ નથી અને 214 પોલીસ સ્ટેશન હજુ પણ ટેલિફોન મેળવી શક્યા નથી. આ કારણે ઓવરટાઇમ કરનારાં દસ પોલીસકર્મીઓમાંથી આઠ પોલીસકર્મીઓ ઓવરટાઇમ માટે કોઈ જ વળતર મેળવતાં નથી તેવું પણ અભ્યાસમાં પ્રકાશિત થયું છે.

આ સ્કેલ પર જ્યારે અભ્યાસ થાય છે ત્યારે તેની વિગતોને નકારી શકાતી નથી, કારણ કે અભ્યાસ કરનાર કોઈ પણ વિગત માટે ઢીલાશ રાખતો નથી અને તે જ કારણે આવાં રિપોર્ટ વિશ્વાસપાત્ર બને છે. પોલીસના આ રિપોર્ટ વિશે પણ એમ કહી શકાય. પોલીસકર્મીઓને સરકાર હાઉસિંગ ક્વાર્ટસ આપે છે, પરંતુ અભ્યાસમાં એ પણ તારણ પ્રકાશમાં આવ્યું છે કે પાંચમાંથી ત્રણ પરિવારોને હાઉસિંગ ક્વાર્ટર્સથી સંતોષ નથી. ગુજરાતના પોલીસ આંદોલનમાં પણ મહદંશે આ જ મુદ્દાઓને લઈને માગણીઓ થઈ રહી છે.

જો કે સરકારમાં ફરજ બજાવતાં અનેક વિભાગોમાં આ રીતે કર્મચારીઓ કામ કરે છે. પોલીસ તેમાં અપવાદ નથી. પરંતુ પોલીસનું કામ રોજ બ રોજ પ્રજા સાથેનું છે અને સુરક્ષા ઉપરાંત કાયદો વ્યવસ્થા તેમની જવાબદારી છે, ત્યારે તેમનું આ રીતે કાર્ય કરવું જોખમી બની શકે છે. આ જોખમ કામના કલાકો વધવાથી તો વધે જ છે પણ સામાન્ય સંજોગોમાં તેઓ રજા પણ મેળવી શકતા નથી. અભ્યાસમાં આવેલા તારણ મુજબ દર બે પોલીસકર્મીઓમાંથી માત્ર એક જ પોલીસકર્મી અઠવાડિયામાં એક રજા મેળવે છે. અને મહદંશે પોલીસકર્મીઓ એવું સ્વીકારે છે કે તેમના પર રહેલા કામના બોજના કારણે તેઓની શારીરિક સ્થિતિ તો બગડે જ છે, પણ માનસિક સ્વસ્થતાને પણ તે અસર કરે છે.

કામ કરવાના કલાકો, વીકલી ઓફ અને અન્ય સગવડો મામલે તો પોલીસ પાછળ દેખાય છે, પરંતુ તે સાથે પોલીસ વર્તુળની કેટલીક બદીઓ એવી છે જેની જાણ પોલીસ બહારના લોકોને ભાગ્યે જ હોય છે. જેમ કે પોલીસનું સ્ટ્રક્ચર મજબૂત છે. તેમાં ઉપરીના હૂકમને ટાળી શકાતો નથી. અને આ સ્ટ્ર્ક્ચરના કારણે અભ્યાસમાં એ પણ પ્રકાશમાં આવ્યું છે કે ચારમાંથી ત્રણ પોલીસકર્મીઓને એમ સ્વીકારે છે કે તેમના સિનિયર અધિકારીઓ તેમને ઘરકામ કે અંગત કામ સોંપે છે. આવાં કામ કરવાની તેમની કોઈ જવાબદારી હોતી નથી, તેમ છતાં તે સોંપાય છે અને જુનિયરે તે કરવા પડે છે. અભ્યાસમાં આ કિસ્સામાં જાતિગત ભેદ પણ સામે આવ્યા છે. આવાં કામોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓ.બી.સી. વર્ગના પોલીસકર્મીઓને વધુ જોતરવામાં આવે છે. સિનિયર ઓફિસર તેના કરતાં જુનિયર ઓફિસર સાથેનો ભેદભાવ માત્ર અન્ય કામ સોંપવાને લઈને જ નથી, બલકે દસમાંથી પાંચ જુનિયર પોલીસકર્મીઓ તેમના સિનિયરો ખરાબ ભાષામાં વાત કરે છે તેમ પણ કહ્યું છે. પોલીસકર્મીઓ આ બધી મર્યાદા સાથે કામ કરે છે પણ જ્યારે તેમને એવો પ્રશ્ન કરવામાં આવ્યો કે જો તેમને હાલમાં મળતી સગવડ અને વળતર અન્ય કોઈ ક્ષેત્રમાં આપવામાં આવે તો તેઓ પોલીસીંગ છોડી દે કે નહીં? આ પ્રશ્નના ઉત્તરમાં 37 ટકા પોલીસ અધિકારીઓએ નોકરી છોડી દેવાનો વિકલ્પ સ્વિકાર્યો છે.

પોલીસની આ સ્થિતિ એ કારણે પણ છે કે આઝાદી પછી પણ ઘડાયેલાં ઇન્ડિયન પોલીસ લૉઝમાં જે મૂળિયાં દેખાય છે તે અંગ્રેજો વખતે તૈયાર થયેલાં ઇન્ડિયન પોલીસ એક્ટ – 1861 મુજબના છે. 1861ના પોલીસ ઍક્ટમાં 22માં સેક્શનમાં થયેલી એક જોગવાઈ પ્રમાણે એમ કહેવામાં આવ્યું છે કે, દરેક પોલીસ અધિકારી દર્શાવેલા ઉદ્દેશ મુજબ હંમેશાં તેને ડ્યૂટી પર હોય તેમ ગણવામાં આવશે. અને તેને કોઈ પણ સમયે પોલીસ ડ્યૂટી નિભાવવાની રહેશે. હવે હાલમાં પોલીસનું માળખું જેને આધારે કાર્યરત છે તે જૂનો કહેવાય તેવો 1861નો સેન્ટ્રલ પોલીસ એક્ટ છે અથવા તો 2006ના વર્ષનો મોડલ પોલીસ એક્ટ. 2006ના આ નવાસવા એક્ટમાં પણ પોલીસના કાર્ય કરવા વિશે સેક્શન 18મા જે કહેવામાં આવ્યું છે તે આ પ્રમાણે છે : “પોલીસકર્મીઓના કામના કલાકો આઠ કલાકથી વધુ ન જ થાય તે માટે રાજ્ય સરકારોએ અસરકાર પગલાં લેવા જોઈએ, કેટલીક ‘અપવાદરૂપ સ્થિતિ’માં પોલીસ ઓફિસરના કાર્ય કલાક 12 કલાક સુધી વધારી શકાય કે તેથી પણ વધુ કલાક” હવે અહીં જે ‘અપવાદરૂપ સ્થિતિ’ અંગે કહેવામાં આવ્યું છે તે ખરેખર તો કાયમની છે. પોલીસ આઠ કલાક કામ કરીને વધુ કાર્યદક્ષ કેવી રીતે થઈ શકે તે માટે મુંબઈ પોલીસના કોન્સ્ટેબલ રવીન્દ્ર પાટીલે ‘8 અવર્સ ડ્રીમ પોલીસ’ નામનો એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં તેણે શિફ્ટ બેઝ્ડ સિસ્ટમ પર પોલીસની ક્ષમતા વધારવા પર ભાર મૂક્યો છે. જોકે રવીન્દ્ર પાટીલનો રિપોર્ટ અમલ ક્યારે થશે તે હજુ પણ સવાલ છે.

પોલીસ અતિશય ખરાબ સ્થિતિ આવે તેમ છતાં આંદોલન કરવા સુધી જતી નથી અને જાય ત્યારે તેમના પર આકરાં પગલાં લેવાય છે. 2018માં આવી ઘટના પટનામાં હતી જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલ બીમાર હોવા છતાં તેને રજા આપવામાં આવી નહોતી અને જે કારણે તેનું અવસાન થયું હતું. આ ઘટનાના વિરોધમાં 400 પોલીસ કોન્સ્ટેબલ વિરોધમાં ઊતરી આવ્યા. આ ઘટનાના પરિણામે 167 પોલીસ કોન્સેબલને ડિસમિસ્ડ કરવામાં આવ્યા. આવી જ ઘટના કર્ણાટકમાં 2016માં 6 જૂનના રોજ બની હતી જ્યારે પચાસ હજાર પોલીસ ફોર્સ સામૂહિક રજા પર ઉતરી ગઈ હતી. તેઓનો વિરોધ પણ લાંબા વર્કિંગ અવર્સ, રેન્ક મુજબ પગારમાં અસામનતા અને નિયમોને આધીન રહેવા માટે જે કટક ડિસિપ્લનરી એક્શનનો સામનો કરવામાં આવે તે હતો. જો કે આ વિરોધ છતાં તેઓના વર્કિંગ અવર્સ કે અન્ય બાબતોમાં ઝાઝો ફરક ન આવ્યો. વર્કીંગ અવર્સને લઈને ગુજરાતની સ્થિતિ આ રિપોર્ટમાં અન્ય રાજ્યો કરતાં સારી છે. ઓડિસ્સા, પંજાબ, આંધ્ર પ્રદેશ, બિહાર, તેલંગાણામાં પોલીસની સરેરાશ ડ્યૂટી 18થી 16 કલાકની થાય છે, જ્યારે ગુજરાતમાં આ કલાકો 12 છે. જો કે અન્ય રાજ્ય કરતાં સ્થિતિ સારી કહેવાનો અર્થ એ નથી કે આઠ કલાકના આદર્શે ન પહોંચવું. પોલીસ પાસે યોગ્ય કાર્ય લેવું હશે તો તેમની સ્થિતિ સમજીને નિર્ણય લેવાવો જોઈએ, જે સામાન્ય સંજોગોમાં આપણે ત્યાં બનતું નથી.

e.mail : [email protected]

Category :- Opinion / Opinion