આરોગ્ય સેવાઓનું આરોગ્ય સુધારા માંગે છે

ચંદુ મહેરિયા
24-11-2021

કોરોના મહામારીએ દુનિયાભરની આરોગ્ય સેવાઓની નિષ્ફળતા છતી કરી દીધી છે. સામાન્ય દિવસોમાં અને સામાન્ય બીમારીઓમાં પણ ભારતનું આરોગ્ય તંત્ર હાંફી જતું હોય છે. તે મહામારીમાં તો સાવ ઘૂંટણિયે પડી ગયું હતું. તેને કારણે લોકોને પારાવાર તકલીફો પડી હતી. ઓક્સિજનની અછત અને હોસ્પિટલમાં બેડના અભાવે બીજા તબક્કામાં ઘણાં લોકોના મોત થયા હતાં. પણ સંસદમાં કેન્દ્રના સત્તા પક્ષ બી.જે.પી.એ ઓક્સિજનના અભાવે કોઈના મોત થયાનો ઈન્કાર કર્યો હતો ! કેન્દ્ર સરકારનો આ જવાબ રાજ્ય સરકારો પાસેથી મેળવેલી માહિતી પર આધારિત હતો. રાજ્યોમાં શાસન કરતી બી.જે.પી. ઉપરાંત કાઁગ્રેસ સહિતના વિપક્ષોની સરકારોએ પણ આ જ જવાબ આપ્યો હતો. કેન્દ્રે એમ કહીને હાથ અધ્ધર કરી દીધા હતા કે બંધારણ મુજબ આરોગ્ય રાજ્યનો વિષય છે અને અમે રાજ્યોની માહિતી પરથી જવાબ આપ્યો છે.

‘ભારત વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા છે, ભારત વિશ્વગુરુ  છે અને દુનિયામાં આપણો દેશ મેડિકલ ટુરિઝમના ક્ષેત્રે અગ્રેસર છે.’ ..આવી અનેક બડાઈઓ હાંકતા આપણા શાસકો એ હકીકત ભૂલી જાય છે કે ૧૯૬૦માં દેશની વસ્તી આશરે ૪૫ કરોડ હતી ત્યારે દર એક હજાર વ્યક્તિએ દેશમાં ૦.૪ હોસ્પિટલ બેડ ઉપલબ્ધ હતા. આજે વસ્તી વધીને સવા સો કરોડની છે ત્યારે હોસ્પિટલ બેડ વધીને ૦.૫ થયા છે ! એક હજાર ભારતીયે દવાખાનામાં અડધી પથારી કે અઢી હજારે એક પથારી મળી શકે છે. વૈશ્વિક માપદંડ હજારે ૨.૯ પથારીનો છે. એશિયા ખંડના દેશ જપાનમાં હજારે ૧૩, આફ્રિકી દેશ કેન્યામાં ૧.૪, પાડોશી ગરીબ દેશ શ્રીલંકામાં ૪.૨, અરે ! પાકિસ્તાનમાં ૦.૬ હોસ્પિટલ બેડ છે. વિશ્વગુરુ ભારત સરહદો સુરક્ષિત રાખવામાં કાબેલ છે પણ નાગરિકોને સ્વસ્થ રાખવામાં પછાત છે.

દેશમાં સરકારીને બદલે ખાનગી આરોગ્ય સેવાઓ વધુ વિકસી છે કે સરકારે તેને જ વિકસાવી છે. ‘મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ની માહિતી મુજબ ૨૦૧૭માં નોંધાયેલા ૧૦.૪૧ લાખ ડોકટર્સમાંથી માત્ર સવા લાખ જ સરકારી હોસ્પિટલોમાં કામ કરે છે. એક હજારની વસ્તીએ એક ડોકટરના વૈશ્વિક માપદંડ સામે ભારતમાં અગિયાર હજારે એક અને બિહારમાં તો અઠ્ઠાવીસ હજારે એક ડોકટર છે. મોટા ભાગના ડોકટરો શહેરોમાં ખાનગી હોસ્પિટલો ચલાવે છે. તેથી ગામડાંના લોકો અને ગરીબોની બૂરી વલે થાય છે. કેમ કે સરકારી આરોગ્ય સેવાઓ ખાડે ગયેલી અને ગુણવત્તામાં ઉતરતી મનાતી હોઈ ગરીબોને પણ મજબૂરીવશ ખાનગી દવાખાનાઓનો જ સહારો લેવો પડે છે.

‘ઓક્સફામ’ના ૨૦૨૧ના અસમાનતા રિપોર્ટ અંતર્ગતની ‘ઇન્ડિયાઝ ઈનઈકવલ હેલ્થકેર સ્ટોરીઝ’ અનુસાર ૨૦૦૪થી ૨૦૧૭ના વરસો દરમિયાન ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવાને કારણે ગરીબો અને ગ્રામીણોનો ખર્ચ ત્રણ ગણો વધ્યો છે. ખાનગી હોસ્પિટલોના વધતા આરોગ્ય ખર્ચને કારણે વરસે ૬.૩ કરોડ લોકો ગરીબીની ગર્તામાં ધકેલાય છે. દર છ રૂપિયે એક રૂપિયો દેવું કરીને ગરીબો  હોસ્પિટલના બિલ ચૂકવે છે.

નાના શહેરો અને ગામડાંઓમાં સરકારી આરોગ્ય સેવાઓ નામ માત્રની છે. ૭૦ ટકા શહેરી અને ૬૩ ટકા ગ્રામીણ વસ્તી ખાનગી દવાખાના પર નિર્ભર છે. ‘નેશનલ હેલ્થ પ્રોફાઈલ ૨૦૧૯’ મુજબ દેશમાં તમામ પ્રકારની સરકારી હોસ્પિટલોની સંખ્યા ૨૬,૦૦૦ જ છે. ગુજરાતમાં દર એક લાખની વસ્તીને આવરી લેતા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રો ૩૪૮ છે.સમગ્ર દેશમાં સરકારી દવાખાના, ડોકટરો અને નર્સોની તીવ્ર અછત જોવા મળે છે. સંસદના વર્ષા સત્રમાં લોકસભા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે ૨૦૧૯ની સ્થિતિએ મેડિકલ અને પેરા મેડિકલની નેવું હજાર જગ્યાઓ ખાલી હોવાનું સ્વીકાર્યું છે. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં ૨૯ ટકા સામાન્ય અને ૯૦ ટકા નિષ્ણાત ડોકટરોની અછત છે. રાજ્યના ૧,૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી માત્ર ૨૧ ટકા જ દિનરાત ખુલ્લાં હોય  છે.અને ઓપરેશન થિયેટરની સુવિધા ધરાવતાં સરકારી દવાખાનાં ૨૩ ટકા જ છે.

ભલે નોબેલ પુરસ્કૃત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન સરકારોને શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પોતાના હસ્તક રાખવાની શીખ આપે, ભારતમાં આ બંને ક્ષેત્રોનું મોટા પાયે ખાનગીકરણ થયું છે. ૨૦૧૭ની નવી આરોગ્યનીતિમાં ખાનગીક્ષેત્રની ભાગીદારી અનિવાર્ય ગણી છે. આરોગ્ય પાછળનો સરકારી ખર્ચ બહુ નજીવો છે. આરોગ્ય ખર્ચની બાબતમાં ભારત દુનિયાના દેશોમાં ૧૫૪મા ક્રમે છે. બાંગ્લાદેશ, બ્રાઝિલ, ભૂતાન, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને રશિયા ભારત કરતાં વધુ ખર્ચ કરે છે. ૨૦૦૮-૯માં જી.ડી.પી.નો ૧.૨ ટકા ખર્ચ આરોગ્ય માટે થતો હતો તે ૨૦૧૯-૨૦માં વધીને ૧.૮ ટકા થયો છે. મહામારી પછી પણ દેશના આરોગ્યના બજેટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો નથી. ૨૦૨૦-૨૧નો આરોગ્ય માટેનો અનુમાનિત ખર્ચ રૂ. ૮૨,૯૨૮ કરોડ સામે આ વરસની જોગવાઈ રૂ. ૭૩,૯૩૧ કરોડ જ છે. એટલે કે ગત વરસના ખર્ચ કરતાં ૧૦.૮૪ ટકા ઓછી બજેટ જોગવાઈ કરી છે. મહામારીનો માર ઝેલતા જર્જર આરોગ્ય તંત્ર માટે આ જોગવાઈ બહુ અપૂરતી છે.

વિશ્વના લોકો સ્વાસ્થ્ય માટે પોતાના ખિસ્સામાંથી માત્ર ૧૮.૨ ટકા જ નાણાં ખર્ચ કરે છે, પરંતુ સરકારી આરોગ્ય સેવાઓના અભાવે ભારતના લોકોને આરોગ્ય ખર્ચ પેટે ખિસ્સાના ૬૪.૨ ટકા જેટલો મોટો બોજ વહન કરવો પડે છે. મોડેલ સ્ટેટ ગણાતા ગુજરાતમાં પણ સરકાર આરોગ્ય સેવાઓ માટે ખાસ ખર્ચ કરતી નથી. ગયા વરસનું આરોગ્યનું બજેટ રૂ. ૧૧,૨૪૩ કરોડનું હતું. આ વરસે તેમાં માત્ર ૮૦ કરોડનો જ વધારો કરીને રૂ. ૧૧,૩૨૩ કરોડની જોગવાઈ કરી છે. ગુજરાત સરકાર માથા દીઠ માત્ર રૂ. ૨૭૦ જ આરોગ્ય માટે ખર્ચે છે અન્ય બી.જે.પી. શાસિત રાજ્યો ગુજરાત કરતાં વધુ ખર્ચ કરે છે. ઉત્તર પ્રદેશનો માથા દીઠ આરોગ્ય ખર્ચ રૂ.૨૯૩, અસમનો રૂ. ૪૭૧, હિમાચલ પ્રદેશનો  રૂ. ૮૮૪ અને ગોવાનો રૂ. ૧૧૪૯ છે.

કોરોનાકાળમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ આરોગ્ય સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી થઈ હતી. સ્વાભાવિક જ અદાલત આ બાબતે કોઈ આદેશ આપી શકે તેમ નહોતી. પરંતુ સર્વોચ્ચ અદાલતે ખાનગી હોસ્પિટલોની બેફામ લૂંટને કારણે તેની તુલના રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે કરી હતી. ગુજરાતની વડી અદાલતે અમદાવાદની સિવિલ હોસ્પિટલને કાળ કોટડી ગણાવી હતી. આ બંને અદાલતી નિરીક્ષણો ખાનગી અને સરકારી હોસ્પિટલો અંગે ચિંતિત કરવા પર્યાપ્ત છે. ગુણવત્તામાં ચડિયાતી મનાતી ખાનગી આરોગ્ય સેવાઓ લોકોને આર્થિક દૃષ્ટિએ ખતમ કરી નાંખે છે તો સરકારી આરોગ્ય સેવાઓની હાલત લોકોના જીવ બચાવવાને બદલે જીવ લઈ લેવા જેટલી બદતર છે. એ સ્થિતિમાં આરોગ્ય સેવાઓ ધરમૂળથી સુધારા માંગે છે.

e.mail : [email protected]

Category :- Opinion / Opinion