રાજ્ય સંસ્થા દીનાનાથ બને

આચાર્ય વિનોબા
20-11-2021

(છેલ્લાં કેટલાંક વર્ષોથી, મોટા ભાગના દેશોમાં, લોકશાહી શાસન પદ્ધતિ લોકના ભલા માટે કામ કરતી જોવા નથી મળતી. લોકશાહી નિષ્ફ્ળ થતી ભાસે છે. પોતાના દેશની જનતાના હિતમાં પ્રજાને કેન્દ્રમાં રાખીને સાફ, પ્રામાણિક અને કલ્યાણકારી વહીવટ પૂરો પાડવાની સરકારની નેમ હોવી જોઈએ, તે વિસરાઈ ગયું છે. તેવે સમયે વિનોબાજીએ આપેલું આ ભાષણ વાંચવામાં આવ્યું તેનો અનુવાદ પ્રસ્તુત છે. — આશા બૂચ)

આંધ્ર વિધાન સભામાં વિનોબાજીનું ઐતિહાસિક ભાષણ :

સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ સહુથી પ્રથમ એવી દૃષ્ટિ કેળવવી જોઈએ કે સહુથી વધુ નિર્ધન, સહુથી વધુ નિમ્ન સ્તરના લોકોને સહાય મળી રહી છે? જેમ પાણી જ્યાં પણ વહે છે તો એ સમુદ્ર તરફ જ વહે છે - સમુદ્રને ભરવા માટે જ તે દોડે છે. એ જ રીતે તમામ સરકારી અને સામાજિક સંસ્થાઓ દુઃખી જનોના દુઃખ નિવારણ માટે કામ કરી રહી છે એવું પ્રતીત થવું જોઈએ.

મેં રાજ્યકર્તાઓ સામે એક સહજ પ્રશ્ન મુકેલો કે જે કઇં ઉમદા કામ કરવામાં આવી રહ્યું છે તેમાંનું કેટલા ભાગનું કામ ગરીબો પાસે જાય છે? ભગવાનને ‘વિશ્વનાથ’ અને ‘જગન્નાથ’ કહે છે કેમ કે તે સહુનો સંરક્ષક છે. આમ છતાં તેનું એક વિશેષ નામ છે, ‘દીનાનાથ’, દીન-દુઃખીઓનો રક્ષણકર્તા.

આપણી રાજ્ય સંસ્થા દીનાનાથ હોવી જોઈએ, પરંતુ બને છે તેથી ઊલટું. ગામમાં વીજળી આવે છે તે સામાન્ય લોકો માટે સુલભ નથી હોતી. કેટલાક લોકોને એવો ખ્યાલ છે કે બાબા ગાંધીજીના ચેલા છે, ગ્રામોદ્યોગ વગેરે તેમને પસંદ છે, તેમને વીજળી નથી ગમતી.

હું એવા લોકોને કહું છું, મારે તો એટોમિક ઉર્જા પણ જોઈએ. પરંતુ એ વિચારો કે તેનાથી પેદા થયેલ વીજળી પહેલાં કોની પાસે પહોંચી. પહેલાં મોટા શહેરોમાં પહોંચે છે, ત્યાર બાદ નાનાં ગામોમાં જાય છે. અને ગામમાં પણ જેની પાસે પૈસા હોય છે તેને પહેલાં મળે છે. પરિણામે એ થોડા લોકોનો ધંધો બની ગઈ છે. દૂર દૂરનાં ગામડાંઓમાં તો એ વીજળી પહોંચતી નથી. ગરીબો સુધી એ વીજળી પહોંચશે તો એ નિરુપદ્રવી પ્રકાશના રૂપમાં અને ઉત્પાદન હેતુ નહીં જાય.

વધુમાં વિનોબાજીએ કહ્યું, સૂર્યનારાયણ તેનાથી બિલકુલ ઊલટું કામ કરે છે. એ ઊગે છે તો તેના પ્રકાશનું પહેલું કિરણ એ ઝૂંપડીમાં જાય છે જેને બારણું પણ નથી. ત્યાર પછી સૂર્ય પ્રકાશ શહેરોમાં પ્રવેશે છે અને છેલ્લે મોટા મોટા મહેલોમાં જાય છે. જ્યાં લોકો પોતાના ભવન વગેરે છોડીને ખુલ્લાં ખેતરોમાં આવે છે ત્યાં સૂર્યનારાયણ તેમની મદદે સત્વરે દોડે છે.

સૂર્યનારાયણ નગ્ન લોકોની જેટલી સેવા કરે છે, તેટલી વસ્ત્ર પહેરેલાની નથી કરતા. એ તેની ખૂબી છે કે જેને સહુથી પહેલી પ્રકાશની જરૂર છે તેને તે મદદ કરે છે. આપણને વીજળી પણ આ રીતે મળે તેમ ઇચ્છીએ છીએ. પરંતુ સવાલ એ છે કે શું વીજળી એવા લોકો પાસે પહોંચે છે?

શિક્ષણના પણ આ જ હાલ છે. જેમને સેંકડો વર્ષોથી આપણે અજ્ઞાનમાં જકડી રાખેલા, શું તેમના સુધી શિક્ષણ આપવા આપણે પહોંચ્યા છીએ? પહેલાં આપણી પાસે વિચાર પ્રચારની કેવી વ્યવસ્થા હતી? પુરાતન સમયમાં પરિવ્રજક વર્ગ સમાજમાં ફરતા અને જ્ઞાન વહેંચતા રહેતા. નાનાં નાનાં ગામડાંઓમાં અને ઝૂંપડીઓમાં જ્ઞાન  આપતા. સર્વોત્તમ જ્ઞાની લોકો પાસે જઈને તેમને જ્ઞાન પીવડાવતા - ખવડાવતા હતા. પરંતુ આજની યોજના કેવી છે? જે ઉત્તમ જ્ઞાની હોય તે ફલાણો પ્રોફેસર છે, અને તેની પાસે ભણવા માટે તેને જ પ્રવેશ મળે જે લક્ષ્મીવાન હોય. એટલે કે જ્ઞાન પણ ગરીબોને પહેલાં નથી મળતું. આવા અનેક ઉદાહરણો હું આપી શકું તેમ છું.

‘પાંચ વર્ષીય યોજના’ની નકલ મારી પાસે આવી છે. મને કહેવામાં આવ્યું કે હું તેના વિષે મારો અભિપ્રાય જણાવું. મેં કહ્યું, ‘મને તેની ભાષા સમજમાં નથી આવતી. હું સમજી શકું તેવી તેની ભાષા હોય તો ઠીક છે.’ આમ કહ્યું તેથી તેઓએ પૂછ્યું, “કઈ ભાષા?” મેં કહ્યું, ‘બાપુએ કહેલું કે કસ્તૂરબા ટ્રસ્ટનું કામ એવાં ગામોમાં થવું જોઈએ જ્યાં જન  સંખ્યા બે હજારથી નીચે હોય.’

શું શહેરી લોકો પ્રત્યે બાપુને દ્વેષ હતો? જે સહુથી વધુ દુઃખી અવયવ હોય તેની પાસે પહેલાં મદદ પહોંચવી જોઈએ. એટલે મેં કહ્યું કે, પંચવર્ષીય યોજનામાં એ વાત નિહિત હોત કે અમુક નિશ્ચિત કરેલી રકમ આવાં નાનાં નાનાં ગામો માટે ખર્ચ કરવામાં આવશે, તો હું એ ભાષા સમજી શક્યો હોત.

એક પ્રસિદ્ધ વાર્તા છે : પૂછવામાં આવ્યું કે નદીમાં પાણી કેટલું છે? ચાર ફૂટ કે ત્રણ ફૂટ? કોઈ નિર્ણય નહોતો લઇ શકાતો. એમાં કોઈ જોખમ છે કે નહીં તે કોઈ કહી નહોતું શકતું.

હવે એક બીજી વાત. અમે જેલમાં હતા. રાજનૈતિક કેદીઓનું વજન બહુ ઘટ્યું. ઘણી હો હા થઇ ગઈ. ઉપરથી પૂછવામાં આવ્યું કે વજન આમ શાથી ઘટી ગયું? ત્યાર બાદ જેલરના કહેવાથી બધાનું વજન માપવામાં આવ્યું. ધ્યાનમાં આવ્યું કે સરેરાશ એક રતલ વજન વધ્યું હતું. જાહેર હતું કે સરેરાશ એક રતલ વજન વધ્યું, પણ પચાસેક કેદીઓના વજન ઘટ્યા. એ રીતે સરેરાશ આંક ઉપરથી જોખમ છે કે નહીં તે નક્કી ન થઇ શકે.

સારાંશ એ છે કે દુઃખી લોકોને કઈ રીતે સહાય પહોંચાડવામાં આવી રહી છે, એ લક્ષ્યમાં આવશે ત્યારે જ બધું યોગ્ય થશે. એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી જનતામાં અભયની લાગણી પેદા નહીં થાય. આપણી જનતામાં એકતા નથી. એનાં અનેક કારણો છે. આ દેશ અનેક માનવ વંશોનો બનેલો છે. તેથી તેની એટલી એકતા હજુ આવી ન શકે.

રાજ્યકર્તાઓને એની ચિંતા હોવી ઘટે કે આ છિન્ન ભિન્ન સમાજને એક કેવી રીતે બનાવી શકાય. એનો ઉપાય એ જ છે કે દેશની શિક્ષણ વ્યવસ્થા બદલવામાં આવે. મને એ વાતનું આશ્ચર્ય થાય છે કે આપણા દેશમાં રાજ્ય શાસન બદલ્યું, પણ શિક્ષણ ન બદલ્યું. મેં તો તે જ દિવસે કહેલું કે જૂનું રાજ્ય ગયું, તો જૂનો ઝંડો એક ક્ષણ માટે પણ ન ટકી શકે તે રીતે પુરાણી તાલીમ પણ એકદમ બંધ થવી જોઈએ. પરંતુ એ જૂની તાલીમ પદ્ધતિ હજુ પણ ચાલે છે. એ જાણીતું છે કે અંગ્રેજોને રાજ્ય ચલાવવા માટે થોડા લોકો નોકરની હૈસિયતવાળા હોય તેવી જરૂર હતી. એ કારણે એ લોકોએ પોતાનું શિક્ષણ અહીં આપ્યું. પરિણામ સ્વરૂપ જે લોકોએ એ શિક્ષણ મેળવ્યું તેઓ જનતાથી બિલકુલ દૂર થઇ ગયા અને જનતા તથા તેમની વચ્ચે એક દીવાલ ઊભી થઇ ગઈ. આજ પણ એ વિદ્યા આપવાની રસમ ચાલુ છે, તો સમાજમાં એકરસતા ક્યાંથી આવે?

સારાંશ એ છે કે આજ આપણી વ્યવસ્થામાં જેઓ અત્યંત દુઃખી છે એમને પ્રથમ મદદ મળવી જોઈએ, બધા પ્રકારના ઊંચ-નીચના ભેદ દૂર કરવાની કોશિશ કરવી જોઈએ, શરીર-પરિશ્રમ પર ચાલવાની તાલીમ મેળવવી જોઈએ.

(નિર્મળા દેશપાંડેના ‘ભૂદાન-ગંગા’ના ચતુર્થ ખંડમાંથી ઉદ્ધૃત — સ્રોત : રાજેન્દ્ર દેશપાંડે)

અનુવાદક : આશા બૂચ

e.mail : [email protected]

Category :- Gandhiana