જાગીને જોઉં તો ….

આશા વીરેન્દ્ર
13-11-2021

ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને લાગે કે, આજનો દિવસ આપણે માટે સુખદ આશ્ચર્યો લઈને આવ્યો છે. જુઓને, આજની જ વાત કરું તો ઘરેથી નીકળીને હું ચાર રસ્તે પહોંચ્યો ત્યારે મેં જોયું કે બાઈક પર સવાર એક યુવાન સિગ્નલ તોડીને આગળ વધી ગયો. ડ્યુટી પર ઊભેલા પોલિસે જોરથી સિટી મારી કે તરત પેલો યુવાન થોભી ગયો. હાથના ઈશારાથી પોલિસે એને પોતાની પાસે બોલાવ્યો.

‘કેમ ભાઈ, એટલી બધી ઉતાવળ આવી ગઈ છે કે સિગ્નલ પણ દેખાતો નથી? આટલી ઝડપ કેટલી જોખમી છે એ ખબર છે?’

મને થયું કે યુવાન પાસેથી લીલી નોટ પડાવવાની આ તરકીબ છે; પણ જોઉં તો ખરો, આગળ શું થાય છે તે!

અત્યંત નમ્રતાપૂર્વક પેલા યુવાને કહ્યું, ‘આઈ એમ રિયલી વેરી સૉરી. ઑફિસના કામના વિચારોમાં એવો તો ખોવાઈ ગયો હતો કે લાલ લાઈટ પર મારું ધ્યાન જ ન ગયું.’

કોઈ મોટોભાઈ પોતાના નાનાભાઈને પ્રેમથી સમજાવતો હોય એમ એના ખભા પર હાથ મૂકીને પોલિસે કહ્યું, ‘જો, આજની તારી ભૂલ માફ કરું છું; પણ ફરીથી આવું ન બનવું જોઈએ. ને એ પણ સમજ કે ઑફિસનાં કામ કરતાં તારા જીવની કિમત વધુ છે, ભાઈ! આ રીતે સિગ્નલ તોડવો બહુ ખતરનાક છે. હવેથી ધ્યાન રાખજે, હં! હવે જા, તારે ઑફિસનું મોડું થતું હશે.’

‘થેન્ક યુ વેરી મચ. હવેથી હું ટ્રાફિકના નિયમોનું બરાબર પાલન કરીશ, આય પ્રોમીસ.’

બન્નેએ હસીને હાથ મિલાવ્યા. હું તો જોતો જ રહી ગયો! શું આપણા દેશમાં આવી ઘટના શક્ય છે? પણ આ તો માત્ર શરૂઆત જ હતી.

થોડું આગળ ચાલ્યો ત્યાં જોયું કે લાઈનબંધ ઊભેલી ટ્રકોનું ચેકીંગ ચાલતું હતું. એક ટ્રક ડ્રાઈવરને એનું લાયસન્સ રિન્યુ ન કરાવવા બદલ પોલિસે પકડ્યો. આદતસે મજબૂર એવા ટ્રક ડ્રાઈવરે લુચ્ચું હસતાં સો રૂપિયાની નોટ પોલિસના હાથમાં મુકવાની કોશિશ કરી.

‘તારા મનમાં તું સમજે છે શું? તું લાંચ આપીશ ને હું પીગળી જઈશ, એમ? મારે માટે મારી ડ્યુટી જ મારો ધર્મ છે. મને લાલચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો તો મારો જેવો ભૂંડો કોઈ નથી સમજ્યો?’

‘માફ કરો સાહેબ, ભૂલ થઈ,’ ડ્રાઈવરે કરગરતાં કહ્યું.

‘લાંચ લેનાર અને લાંચ આપનાર બંને સરખા ગુનેગાર છે એ તને નથી ખબર? હું સમજું છું કે તારે પત્ની અને બાળકો હશે; કદાચ વૃદ્ધ મા–બાપ પણ હોય. આ બધાની જવાબદારી તારા પર છે માટે જ તને જવા દઉં છું.’

મને મારા કાન પર ભરોસો નહોતો બેસતો. શું આ એ જ પોલિસદાદા છે જે આળસુ, લાંચિયા, ભ્રષ્ટ અને બેજવાબદાર તરીકે પંકાયેલા છે?

એકાએક મારી નજર 60-65 વરસની વૃદ્ધા પર ગઈ, જેને ઘૂંટણની તકલીફ હોવાને કારણે રસ્તો ઓળંગતાં બહુ મુશ્કેલી પડતી હતી અને ચારેબાજુથી આવતાં ધસમસતાં વાહનોને કારણે એ ગભરાઈ પણ ગઈ હતી. હજી હું એની મદદે જવાનો વિચાર કરું, ત્યાં એક પોલિસ દોડતો આવ્યો અને કહેવા લાગ્યો :

‘મા, ગભરાવ નહીં. મારો હાથ પકડી લો. હું રસ્તો ક્રોસ કરાવી દઉં.’ માજીએ ‘ઈશ્વર તારું ભલું કરે, ભાઈ!’ એમ કહેતાં એનો હાથ પકડી લીધો. સામી બાજુએ એક બાંકડો હતો તેના પર માજીને બેસાડતાં એણે કહ્યું, ‘મા, તમે થાકી પણ ગયાં છો અને ગરમી પણ બહુ છે. તમે અહીં ઘડીક બેસો ત્યાં હું તમારે માટે પાણી લઈ આવું.’

આ હૃદયદ્રાવક દૃશ્ય જોઈને મારી આંખમાં પાણી આવી ગયાં. મને થયું, ક્યારે ઘરે જાઉં ને ક્યારે પત્નીને આ પ્રેરક પ્રસંગોની હારમાળાની વાત કરું. સાંજે ઘરે પહોંચીને સૌથી પહેલાં પત્નીને આજની અજાયબ ઘટનાઓ વિશે કહ્યું. પણ એ તો નવાઈ પામવાને બદલે નવાઈ પમાડવાનું નક્કી કર્યું હોય એમ બોલી,

‘તમારા અનુભવોથી ય ચડિયાતો અનુભવ આજે મને ઘરે બેઠાં થયો. તમે ઘરેથી નીકળ્યા પછી થોડીવારમાં અહીં પોલિસની વાન આવી. પોલિસો ત્રણ ટુકડીમાં વહેંચાઈ ગયા. શું ચાલી રહ્યું છે એ મહોલ્લાવાસીઓ સમજે એ પહેલાં તો તેઓ સલિમ સ્મગ્લર, બીરજુ બુટલેગર અને ગોપીનાથ ગેમ્બલરને બાવડેથી ઝાલીને ચોકની વચ્ચોવચ લઈ આવ્યા.’

‘શું વાત કરે છે? મારા તો માનવામાં નથી આવતું!’

‘અરે, આટલું જ નહીં, એમના વડાએ સૌને કહ્યું – જરા પણ ગભરાયા વિના આવાં ગૂંડાંતત્ત્વોની અમને જાણ કરો. અમે ચોવીસ કલાક તમારી સેવામાં હાજર છીએ.’

‘બસ, બસ. હવે આગળ વધુ સાંભળીશ તો હું ગાંડો થઈ જઈશ.’

‘ગાંડા થવાની કંઈ જરૂર નથી. હવે પોલિસખાતામાં ધરમૂળથી ફેરફાર થઈ જવાના છે. ક્રાંતિ થશે ક્રાંતિ!’

સાચે જ આને ક્રાંતિ કહેવાય. જે સલિમ સ્મગ્લર, બીરજુ બુટલેગર અને ગોપીનાથ ગેમ્બલર આખા મહોલ્લાનાં માથાંનો દુ:ખાવો થઈ ગયા હતા, જેમના રંજાડની બીકે સૌ થરથર કાંપતા હતા એ જોતજોતાંમાં જેલના સળિયા પાછળ! આજના બનાવોથી મારું મગજ એવું તો ચકરાવે ચઢ્યું હતું કે, હવે મને ચા પીવાની સખત તલપ લાગી હતી. જાણે મારા વિચારનો પડઘો પાડતી હોય એમ પત્નીએ કહ્યું,

‘ચાલો, ગરમાગરમ ચા પીવડાવીને તમને ખાતરી કરાવું કે આજે બનેલી બધી વાત સાચી છે અને હવે આપણે ગર્વથી ‘મેરા ભારત મહાન’ના નારા લગાવી શકીશું.’

પત્ની ટ્રેમાં ચા લઈને આવી. મને ચા પીવાની એટલી તો ઉતાવળ આવી ગઈ હતી કે તરાપ મારીને ટ્રેમાંથી કપ લેવા ગયો, ત્યાં કપ છટક્યો ને ધગધગતી ચા મારા પર પડી. પણ આશ્ચર્ય! મને જરા ય ગરમ કેમ ન લાગ્યું?

ફટાક કરતી મારી આંખ ખૂલી ગઈ. ઘડિયાળમાં જોયું, રાતના બે વાગ્યા હતા. સુંદર મજાનું સ્વપ્ન ભંગ થવાના અફસોસ સાથે હું ગાઈ ઊઠ્યો, ‘જાગીને જોઉં તો, જગત દીસે નહીં …’

(‘એ.સી. તુલી’ની ‘અંગ્રેજી’ વાર્તાને આધારે)

ભૂમિપુત્ર’ પાક્ષિકના છેલ્લે પાનેથી સાભાર ... (હાશ! નવા વરસમાં ઉપરનું સપનું સાચું પડે તો!)

સર્જક–સમ્પર્ક : B–401, દેવદર્શન, હાલર, વલસાડ– 396 001

eMail : [email protected]

@@@

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ નવમું – અંકઃ 285 –December 15, 2013

Category :- Opinion / Short Stories