મંદિર સર્જાયું અને ઘંટારવ વાગ્યો :

મેધા જોશી
20-10-2021

તમે સહેજ જમણી બાજુ નજર કરી જુઓ, ભીમસેન જોશી, લત્તા મંગેશકર, પંડિત જસરાજજી, વગેરે ચહેરા દેખાય છે ? હવે ડાબી બાજુ જુઓ, પંડિત હરિપ્રસાદ ચોરસિયા, પંડિત શિવકુમાર શર્મા, ઝાકીર હુસેન દેખાય છે ? હવે સહેજ ઊંધા ફરો, બિરજુ મહારાજ, વૈજંતી માલા, મૃણાલિની સારાભાઈ, જેવાં નૃત્યકાર દેખાય છે ? હવે દરેક દિવાલથી નજીક જઈને સહેજ કાન ધરો, તમને સારંગીના સૂર, પૂર્વા ધનાશ્રી રાગ, જપ તાલ કે યમન કલ્યાણના આલાપ સંભળાય છે? હવે તમે એકદમ સામે નજર કરો, કલાત્મક ચિત્ર ઉપર કશું વંચાય છે? યસ, બૈજુ બાવરા તાના રીરી હોલ. આમ તો એ મોટા ખંડને હોલ કહેવું ગમે નહિ, એમાં સ્વર, શબ્દ, રંગ, લય અને સાથે વિચારોની સાધના થાય, આ સ્થળને કોઈ પણ કલાકાર માટેનું યાત્રાધામ કહેવું હોય તો પણ કહી શકાય. કમરાના ખૂણે ખૂણે, દરેક કણ ને તમે જુઓ અને સંવેદો પછી સ્વગત જે બોલો તે વાહ, આફ્રિન, અદ્દભુત જેવા દરેક ઉદ્દગાર થાય. તમને સંસ્કૃતિના જતનમાં એક ક્ષણ માટે પણ કૈક યોગદાન આપવાનું મન થાય, તમને સાહિત્ય, સંગીત અને નૃત્યના ભવ્ય વારસા વિષે વધુ જાણવાની ઇચ્છા થાય અને જો પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવો તો તમને એમના ‘જય સચ્ચિદાનંદ’.

મૂળ કરમસદના વતની રમેશ પટેલ, કવિ ‘પ્રેમોર્મિ’નાં સર્જનમાં સેંકડો કાવ્યો, કેટલાક ગદ્ય ખન્ડ અને શબ્દ-સૂરનો સાધના ખંડ "બૈજુ બાવરા તાનારીરી હોલ" ઉપરાંત માપી ના શકાય એટલી ચાહ અને સન્માન છે. કરમસદમાં નવકલા સંસ્થાના સ્થાપક રમેશભાઈ પટેલની દશેરાના દિવસે દેહ વિદાય થઇ છે.

દરેક કલા સાધકમાં પ્રભુ નિહાળતા રમેશ પટેલ ખરેખર બાવરા હતા. જીવન પર્યન્ત એમની પાસે એક અમૂલ્ય વસ્તુ હતી, જીદ. બર્મામાં જન્મેલા આ ચરોતરી પટેલને આમ તો ગુજરાતી ભાષા સાથે સીધો શૈક્ષણિક સંબંધ ના હતો, પરંતુ નાનપણથી જ કવિતા પ્રત્યે અનુરાગ હતો. રંગુનથી કરમસદ આવેલા રમેશભાઈને ગુજરાતી ભાષા માટેની પ્રીતિ એટલી વધુ હતી કે તમને માતૃભાષામાં જ પૂર્ણ શિક્ષણ મેળવવાની ઇચ્છા હતી, પરંતુ પારિવારિક કારણોને લીધે ત્યાર બાદ તેઓ નાસિકમાં રહ્યા અને પછી ભારતની બહાર એક એક ભૂમિ એમની રાહ જોતી હતી જ્યાં એમના થકી આમૂલ પરિવર્તન આવવાનું હતું. આમ તો એ અંગ્રેજની ભૂમિ હતી અને એમાં માત્ર રોજગારી સાથેની મૂડી તો મેળવવાની જ હતી પરંતુ સાથે ભારતનો નકશો અંકિત કરવાની એમની એક જીદ હતી.

નાસિકમાં રસોઈકલા શીખનાર રમેશભાઈએ પત્ની ઉષાબહેનના સહકારથી લંડનની ધરતી પર “મંદિર" ઊભું કર્યું. પહેલીવાર લંડનમાં શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટની શરૂઆત રમેશભાઈએ કરી, જેનું નામ મંદિર. ક્લબ, બાર, ડાન્સ અને ડાઈનની સંસ્કૃતિમાં લંડનના હાર્દ સમા વિસ્તારમાં આ ગુજરાતી ભડવીરે ભલભલાને થેપલાં અને ઢોકળાં ખાતાં કરી દીધા. સ્ત્રીઓ માટે કહેવાય છે ને કે તમારે જો પતિના કે શ્વસુર પક્ષના દરેક સભ્યોના હૃદયમાં જગ્યા કરવી હોય, તો સ્વાદિષ્ટ વ્યંજન થકી, એમની હોજરીમાં પહેલા કરજો. રમેશભાઈ માટે આ વિચાર સાચો પડ્યો. અતિથિને જમાડવાની સાથે રમેશ ભાઈએ વિચારોને પણ પીરસ્યા, કદાચ એનું જ પરિણામ લંડનના પ્રખ્યાત આલ્બર્ટ હોલમાં મેળવવાનું હતું.

"મંદિર" એક રેસ્ટોરન્ટ હોત તો એમાં મેનુકાર્ડમાં વાનગીની વધ ઘટ કે સામે લખેલ એના કિંમતમાં સરવાળા થાત, પરંતુ રમેશ પટેલના મંદિરમાં પંડિત રવિશંકર હોલ નામનો એક ખન્ડ બન્યો. આજે દેશ- વિદેશમાં બૉલીવુડ સેલિબ્રિટી ને મનોરંજન માટે આમંત્રણ મળે છે આ તો 1960થી 1990ના ત્રણ દસકાની વાત હતી. ઉસ્તાદ અલી અકબર ખાન હોય, પંડિત રવિશંકર, હરિપ્રસાદ ચોરસિયા, અનુપ જલોટા, બિરજુ મહારાજ, આશિત દેસાઈ, વગેરે કલા સાધકોને નિમંત્રણ આપ્યું અને તે સાથે લંડનમાં એક વાતાવરણ સૂરીલું કર્યું.

ભારતના શાસ્ત્રીય સંગીત અને નૃત્યના કોઈ પણ કલાકાર લંડન જાય ત્યારે મંદિર અને રમેશભાઈ એમનું કાયમી સરનામું રહેતા. નાના-મોટા સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજન કરી આ જિદ્દી માણસે ખરા અર્થમાં એક પારકી ભૂમિમાં ભારતનો નકશો અંક્તિ કર્યો. લંડનના અને વિશ્વના અતિ પ્રસિદ્ધ આલ્બર્ટ હોલમાં શાસ્ત્રીય સંગીતની મોટી કોન્સર્ટના આયોજનથી માંડીને ગુજરાતની સિગ્નેચર જેવા રાસ નૃત્યને મંચ સુધી લઇ ગયા. હજારો પ્રેક્ષકોની સામે રમેશભાઈએ ખુદ ગરબા રાસ કર્યા અને એ સિલસિલો એમના જીવનમાં પૂરા પંચ્યાસી વર્ષ ચાલ્યો. નૃત્ય અને ગરબાને બેસ્ટ સાયકોથેરાપિ ગણતા રમેશભાઈએ એમની માતાના સ્મરણમાં શરદપૂનમની રાત્રે કાયમ ગરબા રાસનું આયોજન કર્યું.

આ રમેશ પટેલ નામક વ્યક્તિની અલગ અલગ ઓળખ પ્રમાણે લોકો એમને ઓળખતા. ગજરાતી ભાષાના વાચક એમને એક ભક્ત કવિ તરીકે પણ ઓળખતા. આ એવા ગુજરાતી જે સ્કૂલ કે કોલેજમાં ક્યારે ય ગુજરાતી વિષય ભણ્યા નથી. શિખરિણી કે મંદાક્રાંતા એમના સિલેબસમાં ક્યારે ય ન હતા. તે છતાં કવિતા એમની માટે સાહજિક હતી. એમનું ‘હૃદયગંગા’ પુસ્તક નવ ભાષામાં અનુવાદ તો થયું પરંતુ એ પુસ્તક માત્ર વાંચવા જેવું નથી, પરંતુ જોવા જેવું પણ છે. આ પુસ્તકમાં કુલ 51 રચનાઓનો સમાવેશ છે આ દરેક રચનામાં પ્રેમ અને પ્રકૃતિ છે.

અહીં એક અંગત અનુભવ ટાંકુ છું. મોબાઈલના સ્ક્રીન પર ટ્યુન સાથે ઝબકારો થાય અને સામે "રમેશ અંકલ" નામ ચમકે, ફોનમાં રણકા સાથે અવાજ સંભળાય "જય સચ્ચિદાનંદ બેટા, ક્યાં છે તું ?તારો બાપ હજી જીવે છે, હવે સાંભળ સાવ અચાનક કૈક અવતર્યું છે .. પ્રાણાયામ પછી આંખ બંધ કરીને બેઠો હતો, કૃષ્ણનું નામ તો કદાચ મનમાંથી સર્યું હશે, ત્યાં તો ગોપીઓ ગીત લઈને આવી ગઈ ..” આવું કૈક કહીને સાવ તાજી જન્મેલી કવિતા એ ફોન પર સંભળાવતા. બે ત્રણ કવિતા પછી કહેતા કે, હવે આવ, મારે ઘણું કામ કરવાનું છે હજુ. "એંશી વર્ષ ક્રોસ કર્યા પછી ક્યાં ય થાક, નાસીપાસ થવું કે રોદણાં રડવા જેવું એમનામાં દેખાતું નહિ. કારણ કે એમની ભાષામાં કહું તો એમની પાસે કવિતાદેવી હતી.

લંડનથી શરૂ કરેલી કલાયાત્રા વડોદરામાં વિસ્તરી અને વડોદરામાં પણ નિવાસ સ્થાને કાલા મંડપની અદ્દભુત બંધાણી કરીને સાંસ્કૃતિક સંવર્ધનનું કામ કર્યા બાદ, માદરે વતન એવી કરમસદની ભૂમિ પર સ્થાયી થયા. અદ્દલોઅદ્દલ વડોદરા જેવો જ સભાગૃહ એમણે કરમસદમાં બનાવ્યો. દર મહિનાના પહેલા રવિવારે અલગ અલગ કલાકારોને આમંત્રણ આપીને નવકલા સંસ્થાના નેજા હેઠળ કાર્યક્રમનું આયોજન કર્યું. ચરોતર વિસ્તારના તાલીમ લેતા અને ઊગતા કલાકારોને મંચ આપ્યું, સિદ્ધહસ્ત કલાકાર રમેશભાઈને સામેથી કાર્યક્રમના આયોજન માટે ફોન કરતા. આ કાર્યક્રમમાં આ પટેલની કલાગીરી (થોડી ઘણી દાદાગીરી) પણ વિશેષ અને નવીન રહેતી. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પહેરવેશ, ભાષા, તાળી પાડવાની રીત, વડીલના આશીર્વાદ લેવાની રીત, સમય પાલન, વગેરે ઝીણી ઝીણી બાબતો એ કહેતા અને એક આખી પેઢીને આકાર આપવામાં સફળ રહ્યા. લંડનમાં ઓર્ગેનિક સ્ટોર અને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ શરૂ કરનાર રમેશભાઈએ યોગ, વૈદિક અને પ્રાકૃતિક ચિકિત્સામાં પણ ઘણું કામ કર્યું. કવિ વિભૂષિત, વિશ્વ હિન્દી સન્માન એવોર્ડ, શાંતિનિકેતનમાં "પ્રેમોર્મિ"નું સન્માન, જેમ ઓફ ઇન્ડિયા એવોર્ડ જેવા ઘણાં સન્માન એમને એનાયત થયાં.

જે હવા થકી ન ઊડી શકે ના અગ્નિથીયે બળી શકે
ના જલ કદી ભીંજવી શકે … એ આત્મા છું

જે અખંડિત, ના વિભાજીત આનંદનો સ્થિર મર્મ
જે સત્ત - ચિત્ત બનીને વિચરે … એ આત્મા છું

નાદબ્રહ્મનું હું સ્વરૂપ ને બ્રહ્મ થઇ બ્રહ્માંડ જે
સમયના બંધન કશામાં .. એ આત્મા છું

જ્યોતિ સ્વરૂપનું રૂપ હું ને, દૃશ્ય થઇ અદૃશ્ય સઘળે
અંત:સ્તલે હું પ્રગટું છું ને …. એ આત્મા છું

હું અહીં ને નજીક દૂરમાં .. તદ્દદૂરે અન્તીકે જે
આનંદ પથ પર વિસ્તરું … એ આત્મા છું

આ કાવ્યના રચયિતા કવિશ્રી રમેશ પટેલ ઉર્ફે પ્રેમોર્મિ હવે આત્મા સ્વરૂપે છે. રમેશ પટેલ મૂળ કરમસદના છે એમ કહેવાય, પરંતુ એ વિશ્વમાનવી હતા. રમેશ પટેલ ખરા અર્થમાં પ્રેમોર્મિ હતા.

નોંધ : રમેશ પટેલ એક વિશાળ વ્યક્તિત્વ અને અર્થપૂર્ણ જીવન હતા. અહીં એમની સાથે થયેલ અઢળક વાતોની સ્મૃતિમાંથી થોડાં અંશ મૂક્યાં છે.

‘મનોગ્રામ’, ૨૦/૧૦/૨૦૨૧

સૌજન્ય : ‘લેખિકાની ફેઇસબૂક દિવાલેથી સાદર

Category :- Diaspora / Features