મૈત્રીથી પ્રેમ તરફ -

રવીન્દ્ર પારેખ
17-10-2021

કુદરતે સ્ત્રી અને પુરુષમાં એકબીજા તરફનું આકર્ષણ એવું મૂક્યું છે કે તે ખતમ થતું જ નથી. સ્ત્રી કે પુરુષ એકબીજા તરફ ભારોભાર નફરત ધરાવે તો પણ એ બંનેએ આજ સુધી તો એકબીજા પર ચોકડી મારી નથી. એ ખરું કે સ્ત્રી- સ્ત્રી વચ્ચે કે પુરુષ-પુરુષ વચ્ચે પણ પ્રેમ થવાના બનાવો વધ્યા છે, પણ તે સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમના અભાવમાં અકુદરતી રીતે વિકસ્યા હોવાનું વધારે લાગે છે. એ સંબંધ જ્યાં હોય ને એમાં સંડોવાનારને કોઈ પ્રશ્નો ન હોય, તો ભલે એનો આનંદ મેળવાતો, પણ આ સંબંધો ફળદાયી નથી. સ્ત્રી-પુરુષના પ્રેમની પરિણતિરૂપ બાળકની પ્રાપ્તિ એ સ્ત્રી-સ્ત્રી કે પુરુષ-પુરુષ વચ્ચેના સંબંધમાં અત્યાર સુધી તો શક્ય નથી બની. એ સંદર્ભે પણ સ્ત્રી-પુરુષનો સંબંધ વધારે કુદરતી છે, એવું નહીં?

એક સમય હતો જ્યારે સ્ત્રી-પુરુષ વચ્ચેનો સંબંધ લગ્નથી પ્રમાણિત થતો હતો. મતલબ કે સમાજ પતિ-પત્નીના સંબંધને જ માન્યતા આપતો હતો. એનો અર્થ એવો નહીં કે લગ્ન બાહ્ય સંબંધો બંધાતા જ ન હતા. એ બધું ત્યારે પણ હતું, જેમ આજે છે. આજે એનું પ્રમાણ વધારે લાગે છે તેનું કારણ છે. જે સમાજમાં એકથી વધુ પતિ કે પત્નીની છૂટ છે ત્યાં એનું પ્રમાણ ઓછું છે, કારણ એવા સંબંધો લગ્નમાં ફેરવી દેવાય છે. એકથી વધુ પત્ની કે પતિની એક સમયે છૂટ હતી, આમ તો બહુપત્નીત્વ જ મુખ્યત્વે અમલમાં હતું એટલે લગ્નેતર સંબંધોનું પ્રમાણ ઓછું હતું. એ પછી એક પતિ-પત્નીત્વનો કાયદો આવ્યો એટલે વધુ પત્ની કે પતિ ન રાખી શકાય એ વાત અમલમાં આવી, એટલે એવા સંબંધો લગ્નેતર સંબંધના ખાનામાં જઈને પડ્યા ને આજની સ્થિતિ તો એવી છે કે લગ્નેતર સંબંધો કે લિવ ઇન સંબંધોનું પ્રમાણ ઘણું છે. એવા સંબંધોનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે પરિણીતોમાં વધારે છે. બે અપરિણીત વ્યક્તિ હોય તો એ તો પરણી શકે, પણ પ્રશ્નો, બેમાંથી એક પરિણીત હોય અથવા એ બે પતિ-પત્ની ન હોય, એવાં પરિણીતો હોય ત્યારે વધારે હોય છે ને આજે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે એમાં આવા સંબંધો પણ ભાગ ભજવે છે તે નોંધવું ઘટે. 

પણ સવાલોનો સવાલ એ છે કે વિજાતીય આકર્ષણનું પ્રમાણ આજે પણ અકબંધ કેમ છે? એક સમય હતો, જ્યારે સ્ત્રીઓમાં શિક્ષણનું અને નોકરીનું પ્રમાણ ઓછું હતું. સ્ત્રીઓ બહુ બહાર નીકળી શકતી ન હતી. બાળકીઓ ખાસ ભણતી જ નહીં, એટલે કન્યા કેળવણી ઓછી ને મોડી શરૂ થઈ. એ બધું છતાં જાત પાત જોયા વગર પણ પ્રેમ થતો જ અને પ્રેમીઓને એક ન થવા દેવા સમાજ તેનું પૂરું જોર લગાવતો પણ ખરો. મોટે ભાગે તો માબાપ નક્કી કરે ત્યાં જ છોકરા-છોકરી પરણી જતાં ને ન ગમતી વ્યક્તિ જોડે જ ઘણુંખરું જીવન કાઢી નાખવાનું થતું. શરીરની માંગને વશ વર્તીને કજોડાં, માબાપ થઈ જતાં ને એમ ગાડી ઘરેડમાં પડી જતી. એમાં હવે ઘણો ફેર પડ્યો છે. હવે તો એવું છે કે છોકરી પણ છોકરાને લગ્નની ના પાડી શકે છે. પહેલાં ન ગમતી છોકરીને, છોકરો ના પાડી દેતો. એ હક છોકરીને ન હતો. હવે એટલું થયું છે કે છોકરા-છોકરી પસંદગીનાં લગ્ન કરે છે. એ વાત જુદી છે કે એવાં લગ્નો પણ નિષ્ફળ જાય છે ને એવું બને છે કે એરેંજ્ડ મેરેજ સફળ પણ જાય છે.

આજના જમાનાની તાસીર એવી છે કે મૈત્રીનો મહિમા વધારે છે. જો કે, મિત્રો આગલા જમાનામાં પણ હતા જ. હા, વિજાતીય મૈત્રીનો મહિમા આજનું વરદાન છે. કે.જી.,નર્સરીથી જ કદાચ છોકરા-છોકરીઓ મૈત્રી કરતાં થઈ જાય છે. પછી ઉંમર વધે તેમ તેમ મૈત્રીના પ્રકારો પણ વધે છે. કોઈ બોયફ્રેંડ હોય છે, તો કોઈ ગર્લફ્રેંડ હોય છે. ફ્રેન્ડ કરતાં આ ફ્રેન્ડ જરા જુદા હોય છે. એમાં મૈત્રીની ઔપચારિકતાઓ ઉપરાંત, કદાચ લાગણી ને અધિકાર વિશેષ હોય છે. આ મૈત્રીમાં ક્યાંક ને ક્યારેક શરીર પણ ઉમેરાય છે. આ ઉમેરણ ખાનગી હોવાની સંભાવનાઓ વધારે હોય છે. મૈત્રી માબાપ જાણતાં હોય છે. જોકે, શરીર સંબંધથી માબાપને અજાણ રાખવામા આવે છે. આ સંબંધમાં ઉંમરની પુખ્તતા પણ ઘણુંખરું હોતી નથી. આ કાચી ઉંમરનો સંબંધ છે. એમાં સમજ કરતાં ઉતાવળ વધારે છે. મોટે ભાગે આ મૈત્રી નિષ્ફળ જવા જ સર્જાયેલી હોય છે. ઘણુંખરું તો શિક્ષણ પૂરું થાય કે નોકરી દૂર ક્યાંક લાગે તો સમજીને આ મિત્રો છૂટા પડી જાય છે અથવા તો ખરેખર પ્રેમ હોય તો લગ્નની શરણાઈ વાગે પણ છે.

પણ અહીં મૈત્રીની જટિલતા જાણવા જેવી છે. છોકરા-છોકરી નાની ઉંમરે પરિચયમાં આવે છે તો એવાં તમામ સંબંધોમાં, શરૂઆતમાં તો વિશુદ્ધ મૈત્રી જ હોય છે. એ જુદી વાત છે કે વિજાતીય મૈત્રીની પરિણતિ અંતે તો શરીર સંબંધ જ હોય છે. એ પણ સાચું કે કેટલાક મિત્રો મૈત્રીની મર્યાદામાં લાંબો સમય રહે છે. મોટે ભાગના તો તેથી આગળ નથી પણ વધતાં, પણ વાત આગળ ન જ વધે એવું પણ નથી. તો, પ્રશ્ન એ થાય કે કહેવાતી સાદી મૈત્રીમાં એવું શું થાય છે કે તે મૈત્રી ન રહેતાં, પ્રેમમાં પરિણમે છે? ઘણી વાર તો આ પ્રેમ ઓળખાતો જ નથી ને દોસ્તી, છે ! દોસ્તી, છે-નું રટણ ચાલ્યા કરે છે. એ સાથે મીઠું જુઠાણું પ્રેમને ન કબૂલવાનું પણ ચાલે છે. સામેનું પાત્ર જે સાંભળવા તલસી રહ્યું હોય એ પ્રેમનો એકરાર ઘણી વાર તો મૃત્યુ આવી જાય તો પણ નથી થતો. શરીર સંબંધ થઈ જાય, પણ પ્રેમ ન થાય એવું પણ બને છે. પ્રેમ એટલો સરળ છે કે એના જેટલું જટિલ બીજું કૈં નથી. એક જ વાક્ય કહેવાનું હોય કે હું તને ચાહું છું - પણ એટલું નથી કહેવાતું ને બીજું ફાલતું એટલું કહેવાતું હોય છે જેની સીમા નથી.

એવું પણ થાય છે કે મૈત્રીના પ્રકારોમાં અટવાયેલાં પાત્રો પ્રેમને ઓળખી શકતાં નથી. પ્રેમ કોઈના એકરારની રાહ નથી જોતો, એ તો કૈં પણ બોલ્યા વગર થઈ જાય છે. મૈત્રી જાહેર થતી હોય છે ને પ્રેમ છૂપો રહી જાય છે. અહી સંકોચ ભાગ ભજવે છે. સાચું તો એ છે કે અપમાનિત થવાની તૈયારી રાખીને, જેને માટે લાગણી હોય તેની સામે તે પ્રગટ કરી જ દેવી જોઈએ. પ્રેમ ન કહી શકવાનું દુ:ખ એટલું ઘૂંટાતું ને ગુણાતું રહે છે કે છેવટે અફસોસ જ સિલકમાં રહે છે. પ્રેમ શરૂ થવાની કોઈ ચોક્કસ રીત કે રીતો નથી. ઘણા મિત્રો હોય છે. એ બધા સાથે પ્રેમ થતો નથી, પણ કોઈ એક પર નજર પડતી થઈ જાય છે. એ એક કોણ તે પણ નક્કી નથી થઈ શકતું. એવું જ સામે પક્ષે પણ હોઈ શકે છે. કોઈ એકની સાથે વધારે વાત કરવાનું મન આપોઆપ જ બને છે. એની સાથે વાતો થતી જ રહે ને પૂરી જ ન થાય એવું પણ મનમાં થાય છે. એ પાત્ર સામે ન હોય તો પણ તેના જ વિચારોનું રંગીન જાળું ગૂંથાતું રહે છે. મિત્રો મળવાના હોય એમાં એ પાત્ર આવે તો સારું એવી ઇચ્છા થતી રહે છે. પહેલાં મિત્રો માટે તૈયાર થવાનું હતું, હવે કોઈ એક માટે જ તૈયાર થવાનું ગમે છે. એને શું ગમે છે, એની પસંદગી કેવી છે, એના વિચારો કેવા છે એ બધાંમાં અજાણતાં રસ પડવા માંડે છે ને એને ગમતું બધું કરવાનું ગમે છે. એ સાથે જ એવી અપેક્ષા પણ રહે છે કે સામેનું પાત્ર પણ પોતાનામાં રસ લે, એની કાળજી લે.

આમ તો આ બધું મળવામાંથી શરૂ થાય છે ને પછી ન મળવાના પ્રસંગો પડે છે. નથી મળાતું તો નથી ગમતું ને મળાય છે તો હરખનો પાર નથી રહેતો. એ પાત્ર માટે હૈયામાં આંસુ ને હર્ષ બનવાના શરૂ થાય છે. દૂરથી જોતાં જ એને ભેટી પડવાનું મન થાય છે. મિત્રોને ભેટવાનું કેઝ્યુઅલ હોય છે, પણ આ ભેટવાનું જુદું હોય છે. સાવ જુદાં જ સંવેદનો ફૂટે છે. પ્રિય પાત્ર બહારગામથી આવતું હોય તો સ્ટેશને એની રાહ જોવાનું ગમે છે. સ્ટેશને પહોંચવાનું બને એ પહેલાં મન અનેક વાર સ્ટેશનને ખૂણે ખૂણે ફરી વળે છે ને શરીર ખરેખર તો મોડું પડતું લાગે છે. પ્રેમમાં શરીર કરતાં મન હંમેશાં મોડું પહોંચતું હોય છે. ઘણી રાહ જોવડાવીને એ પાત્ર આવે છે તો આથમ્યો હોય તો ય ભીતરે સૂર્યોદય થાય છે ને એ પાત્ર નથી આવતું તો પ્રભાતે પણ અનેક સૂર્યો ડૂબી જતાં અનુભવાય છે. ટ્રેન આવી જાય છે ને નક્કી કરેલા બુકસ્ટોલ પાસે પાત્ર આવતું નથી તો જે ઉતાવળે નજર ભીડમાંથી પ્રિયને શોધે છે એની કોઈ સેલ્ફી શક્ય નથી. કદાચ ઉપરના બુક સ્ટોલ પર તો નહીં રાહ જોવાતી હોય એમ માનીને ઉપર જોઈ આવવાનું મન થાય છે ને તરત જ એમ થાય છે કે એટલામાં પેલું પાત્ર અહીં આવી ચડ્યું તો? પોતાને ન જોતાં ચાલી તો નહીં જાય ને ! ને એવી ફાળ પડે છે કે બુકસ્ટોલ પર જ થાંભલાની જેમ ખોડાઈ જવાય છે. એવે વખતે થાય છે કે માણસને ચાર પાંચ શરીર હોવાં જોઈએ. એક બુક સ્ટોલ પર રાહ જુએ. એક પ્લેટફોર્મ પર બધાં ડબ્બા તપાસી આવે, એક પ્રિયને જ તેના ઘરેથી બુકસ્ટોલ સુધી લઈ આવે ને અહીં કાગ ડોળે રાહ જોઈ રહેલ પાત્રને સોંપે ... પણ શરીર બધું મળીને એક જ હોય છે ને એમાં જે પોતે છે તે પેલાં પાત્રને સમગ્રતામાં જીવ રેડીને ચાહે છે.

આટલું મૈત્રીમાં થાય? ના, એ પ્રેમમાં જ શક્ય છે ... 

000

e.mail : [email protected]

Category :- Opinion / Opinion