કોલસાની કટોકટીઃ બહેતર ભવિષ્ય માટે વૈકલ્પિક ઉર્જાના સ્રોતો ભણી ઝડપ કરી રહી

ચિરંતના ભટ્ટ
17-10-2021

કોલસાની દલાલીમાં હાથ કાળા થાય એ સાચું પણ આ કોલસાની અછતને કારણે ઘોર અંધારું આખા દેશને લપેટામાં લઇ શકે તેવા સંજોગો ખડા થયા છે

આપણને ગમે કે ન ગમે આપણી હાલત એક રાષ્ટ્ર તરીકે કોઇક વાર એવી લાગે કે એક સાંધો ત્યાં તેર તૂટશે. છેલ્લા એક અઠવાડિયાથી આપણે એક રાષ્ટ્ર તરીકે અંધારપટમાં લપેટાઇ જવાની ધારે આવી ગયા હોવાના વાવડ સતત સાંભળ્યા છે. આપણા આખા દેશની બે તૃતિયાંશ જેટલી ઇલેક્ટ્રિસિટી – વીજળી કોલસાથી ચાલતા થર્મલ સ્ટેશન્સમાંથી આવે છે. આપણા દેશનો ઇલેક્ટ્રિક ઉજાસ ૧૩૫ જેટલા થર્મલ સ્ટેશન્સ પર આધાર રાખે છે અને આમાંથી મોટા ભાગનાનો જથ્થો સાવ તળિયા ઝાટક થઇ જવાને આરે છે. આમ તો ત્રીસ દિવસનો એડવાન્સ જથ્થો રખાતો હોય છે પણ આ સંગ્રહ કરેલા પુરવઠામાં એવો ઘટાડો થયો કે ઇંધણ ન હોવાને કારણે અમુક થર્મલ સ્ટેશન્સ તો બંધ જ કરી દેવા પડ્યા. માંડ ચાર દિવસ ઊર્જા પૂરી પાડી શકે એટલો જ કોલસો આ થર્મલ સ્ટેશન્સમાં બચ્યો હોવાની વાત ઊર્જા મંત્રાલયે કરી. જુદાં જુદાં રાજ્યોમાં પાવર-કટના પ્લાનિંગ થવા માંડ્યા જેમ કે રાજસ્થાનમાં અમુક જિલ્લાઓમાં કેટલા કલાક વીજળી બંધ રાખી શકાય તેના પ્લાનિંગ થયા તો દિલ્હીમાં મુખ્ય મંત્રીએ વડા પ્રધાન પાસે મદદ માગી. આર્થિક પાટનગર ગણાતા મુંબઇની હાલત તો દોઢ દિવસમાં તખ્તો સાવ પલટાઇ જાય એવી સ્થિતિમાં આવી કે ત્યાં વીજળી વિભાગે કહ્યું કે ૭૩૦ બિલિયન રૂપિયા નહીં મળે તો આખા રાજ્યમાં અંધારપટમાં આવી જશે. જોવાનું એ છે કે આ ત્રણેય રાજ્યોમાં ભા.જ.પા.ની સરકાર નથી અને કેન્દ્ર સરકારના કોલસા મંત્રીએ તો સાફ કહી દીધું કે વીજળીનાં પુરવઠાને મામલે કોઇ ગરબડ થાય તેવું શક્ય છે જ નહીં, પરિસ્થિતિ કાબૂમાં છે. કોલસાનો સંગ્રહ ખૂટી રહ્યો છે એ જેટલી દૂરની વાત લાગે છે એટલી છે નહીં, કલ્પના કરો કે એશિયામાં ત્રીજા ક્રમાંકે આવતા અધધધ મોટા અર્થતંત્રને અંધારપટ ઘેરી વળે તો શું થાય? એક તરફ ભારત કોલસાના સ્રોત તરીકે વિશ્વમાં પાંચમા સ્થાને છે અને ધારે તો એક સદી સુધી દર વર્ષે પડતી કોલસાની જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ. કોલસાની ઇંધણ તરીકેની માંગ ઑક્ટોબરમાં સૌથી વધુ પડે છે. આટલો બધો સંગ્રહ હોવા છતાં આપણને શું નડ્યું?

વાઇરસના વંટોળિયામાં સપડાયેલા આપણા અર્થતંત્રની ગાડી માંડ પાટે ચઢી એમાં પછી ડેલ્ટા વેરિયન્ટે ખેલ કર્યા. હવે વાઇરસ જરા મંદ પડ્યો છે ત્યાં અત્યાર સુધી ન ખડી થયેલી માંગ બમણા જોરથી ખડી થઇ રહી છે. કોલસાનો ઇંધણ તરીકેનો વપરાશ ગયા વર્ષના ઑગસ્ટની સરખામણીએ આ વર્ષે ૧૬ ટકા વધ્યો છે. કોલ ઇન્ડિયાને આની કલ્પના નહોતી અને હવે તકલીફ થઇ છે. વળી મોડા અને વધુ પ્રમાણમાં પડેલા વરસાદને કારણે કોલસાની ખાણોમાં પાણી ભરાયાં અને ટ્રાન્સપોર્ટમાં સમસ્યાઓ થઇ. એમાં પાછું ચીનના શાન્શીમમાં વરસાદ પડ્યો અને ચીનમાં કોલસાની અછત થઇ જેની ડોમિનો ઇફેક્ટ એ થઇ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસાનો ભાવ આકાશે આંબ્યો. ભારતમાં કોલસાનો મોટા ભાગનો પુરવઠો ડોમેસ્ટિક છે પણ દરિયા કાંઠે આવેલા પ્લાન્ટ્સમાં વિદેશી કોલસો જોઇએ જે વીજ કંપનીને હાલના સંજોગો ખરીદવો પોસાય તેમ નથી.

સમયાંતરે ભારતની કોલસાગત ઇંધણની ક્ષમતા વધી છે અને વિશ્વમાં આપણી કોલસાની પાઇપલાઇન બીજા ક્રમાંકે છે. પાવર સેક્ટરમાં ઉદારમતવાદી વલણ અપનાવાયું જેથી પુરવઠાની સમસ્યા ન થાય જેને કારણે મોટા ઉદ્યોગતંત્રોએ કોલસામાં મોટા રોકાણો કર્યા, ત્યારે હજી રિન્યુએબલ ઊર્જાના ક્ષેત્રે કોઇ ટેકો હતો નહીં. આમ કરી ઉદ્યોગ તંત્રોએ વીજળીનો પુરવઠો લાંબો સમય મળતો રહે તેની વ્યવસ્થા કરી લીધી. પૂર્વિય ભારતમાં કોલસાને કારણે મળતી રોજગારી વગેરે પર એટલો વધારે આધાર રખાય છે કે અસામાજિક તત્ત્વોનું વર્ચસ્વ પણ આ ક્ષેત્રે ફેલાયેલું છે જે કારણે કોલસા સિવાયના ક્ષેત્રો પર આ પ્રદેશોમાં કોઇ વિકાસ નથી થતો. કોલસાના ઉપયોગથી થતા પ્રદૂષણને લઇને ગમે તેટલા નિયમો લાગુ કરાય પણ જે મોટાં માથાઓએ કોલસામાં રોકાણ કર્યું છે તેને કારણે તેનો ઉપયોગ પર કોઇ મર્યાદાઓ લાગુ થવાની નથી.

અત્યારે આપણે કોલસાના મુદ્દે જે કટોકટીમાંથી પસાર થઇ રહ્યા છે તેમાં વિશેષજ્ઞો કોલસાથી ચાલતા પ્લાન્ટ્સમાં ઓછું રોકાણ થઇ રહ્યું છે તે નોંધવા તો કહે છે જ પણ સાથે સરકાર કોલસાનું ઉત્પાદન વધારવાની યોજના અંગે શું કરે છે તેની પર પણ સવાલ કરે છે. ઊર્જાના રેશનિંગને મામલે આપણે જોખમની લાલ બત્તી જોઇ લેવી જોઇએ.

ક્લાઇમેટ ચેન્જ અને આકરી મોસમ આપણી જિંદગીઓની વાસ્તવિકતા બની ચૂક્યાં છે ત્યારે ઇંધણ અને ઊર્જાના સ્રોતના વિકલ્પો ખડાં થાય તે જરૂરી છે. એક તરફ ભારત આ દાયકાને અંતે 450GW રિન્યુએબલ એનર્જી પૂરી પાડે તે દિશામાં આગળ વધે છે તો બીજી તરફ કોલસાના ઉત્પાદનની ક્ષમતા પણ આપણે નથી ઘટાડી રહ્યા. વડા પ્રધાનને કોલસાનું સ્થાનિક ઉત્પાદન દર વર્ષે ૧ બિલિયન ટન થાય તેવી ઇચ્છા છે પણ આ કારણે સ્થાનિક લોકોની જિંદગીઓ પર ઘેરી અસર પડે તેમ છે. આપણે હજી યુ.એન.માં સુધારા કરેલો ૨૦૩૦ ક્લાઇમેટ પ્લાન આપ્યો નથી, અને ઊર્જાની કટોકટીના સંજોગો આ યોજનામાં ક્યાં ફિટ થાય છે એની કોઇ સ્પષ્ટતા નથી. પર્યાવરણને ક્યાં ય પણ અગ્રિમતા નથી અપાઇ રહી. આપણને કોલસાની ખાણ નહીં પણ વૈકલ્પિક ઊર્જાના સ્રોતની જરૂર છે. સરકારની કોલસાનું ઉત્પાદન વધારવાની ચાહને રોકાણકારો તરફથી મોળો પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે પર્યાવરણમાં આવેલા ફેરફારને કારણે રોકાણ કરવા માટે નાણાં એકઠાં કરવા પણ આસાન નહીં હોય. ગયા વર્ષે મોદી સરકારે કોલસાના ઉત્પાદન માટે ખાનગી રોકાણો ખોલ્યાં છતાં એક પણ વિદેશી કંપનીઓએ રસ નથી બતાડ્યો. બેટરી સ્ટોરેજ અને વૈકલ્પિક ઊર્જાના સ્રોતની માંગને પહોંચી વળવું હોય તો સરકારે કોલસા ઉત્પાદનની વિસ્તરણ યોજનાનો વિંટો વાળી દેવો પડશે.

બાય ધી વેઃ

દુનિયા આખી વૈકલ્પિક ઉર્જાની દિશામાં વળી રહી છે પણ રોગચાળાને કારણે તે ગતિ મંદ પડી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે પણ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે વિકાસ નોંધ્યો છે. રિલાયન્સની ન્યૂ એનર્જી સોલાર લિમિટેડ એ રિલાયન્સની પેટા કંપની છે જે મોટા પાયે રિન્યુએબલ એનર્જીની ટૅક્નોલૉજીઝ માટે નેક્સવેફ જેવા ભાગીદારો સાથે કામ કરશે આ તાજી જાહેરાત એ વાતનો પુરાવો છે કે મૂકેશ અંબાણી દીર્ઘ દૃષ્ટા છે. સરકારની એક આંખ વૈકલ્પિક ઊર્જા પર છે અને બીજી કોલસાના ઉત્પાદનનું વિસ્તરણ કરવા પર, આ વિઝનમાં કોઇ સંતુલન નથી વર્તાતું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  17 ઑક્ટોબર 2021

Category :- Opinion / Opinion