કોલસા, હાથ તો ઠીક, મોં કાળું ના કરે તેમ ઇચ્છીએ ...

રવીન્દ્ર પારેખ
15-10-2021

એમ લાગે છે કે બધું ઠીક ચાલતું હોય ત્યાં કોઈ ડિંગલી કરતું રહે છે. તહેવારો આવે છે કે મીડિયા માર્કેટને ભાન કરાવે છે કે તેલ, શાકભાજી, કઠોળ મોંઘાં કરવાનું ચુકાય નહીં. ભાલો મારો તો પણ અસર ન થાય એવી જાડી ચામડી લોકોની થઈ ગઈ છે. પેટ્રોલ, ડિઝલ રોજ મોંઘાં થાય છે, પણ લોકોને એ કોઠે પડી ગયું છે. બધે જ મોંઘવારીનો માર પડે છે, પણ લોકો હરામની કમાણી ઘણી હોય તેમ ચૂપ છે. એ પણ ખોટું છે કે લોકોની આવક ઘટી છે ને ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. એવું ખરેખર હોય તો લોકો લાશ કરતાં પણ વધારે શાંત કેવી રીતે રહે?

જે પાકિસ્તાન આતંકી ઉપદ્રવ ને સરહદી અટકચાળા કરવામાંથી વાજ ન આવતું હોય ને એની ખો ભુલાવી દેવાની હોય, તેને બદલે દેશના જવાનો વધેરાતા જતા હોય ને સામે બે પાંચ આતંકવાદીઓને ઠાર મારીને સરકાર રાજી રહેતી હોય તો એ વાત પણ આપણું લોહી ઠંડું પડી રહ્યું હોવાની ચાડી ખાય છે. બીજી તરફ ઉપરાષ્ટ્રપતિ અરુણાચલની મુલાકાત લે ને ચીનને તેલ રેડાતું હોય એ પણ વાજબી નથી. ચીન અને પાકિસ્તાન, ભારતને કપાળે ચોંટેલું કારમું કલંક છે, પણ કોઈ અગમ્ય કારણોસર ભારત ભાઈબાપા કરીને દિવસો કાઢે છે. આપણી ઉપદ્રવી સરહદો, રોજ સર્જિકલ સ્ટ્રાઈક માંગે છે, પણ સરકારનું મૌન તૂટતું નથી. એ સાચું કે યુદ્ધ કદી નોતરવું નહીં, પણ આતંકી પ્રવૃત્તિ નિર્દોષોનાં લોહી રેડતી જતી હોય ત્યાં ભારતીય સંયમ, શત્રુને નબળાઈ લાગવાનું પૂરું જોખમ છે.

એમ પણ લાગે છે કે પ્રજા જેનાથી અવગત નથી, એનાથી મીડિયા અવગત કરાવવા તત્પર રહે છે. મોટે ભાગની પ્રજા એના બે છેડા મેળવવાની ફિકરમાં રહે છે ને એકાએક ફણગો ફૂટે છે કે ભારત કોલસાની તીવ્ર અછતથી પીડાઈ રહ્યું છે. ઓચિંતો જ ફણગો ફૂટે છે ને કોલસાની અછત દેશભરમાં ગૂંજી ઊઠે છે. કોલસાની અછત ચીન પણ અનુભવે છે, એવી વાતો પણ વહેતી થઈ જાય છે. હવે આ વાત કૈં લોકોએ શરૂ કરી નથી, એ ક્યાંકથી શરૂ થાય છે ને એવો વહેમ પડે છે કે લોકોનું ભેજું ચકરાવે ચડાવવા કોઈએ ગોળો ગબડાવ્યો છે. એવું એટલે લાગે છે કારણ, સરકાર બચાવમાં આવી જાય છે ને કહેવા લાગે છે કે કોલસાની ક્યાં ય કોઈ તંગી નથી. લોકોએ તો કૈં કહ્યું નથી કે કોલસાની તંગી છે, પણ સરકાર વકીલાત કરવા લાગે છે કે કોલસાની તંગી નથી. ખરેખર તો તંગીની વાત ફેલાવનાર તત્ત્વોને સરકારે પડકારવા જોઈએ પણ એવું થતું નથી ને કેન્દ્રીય ઊર્જા મંત્રી કહેવા લાગે છે કે 11 લાખ ટન દૈનિક જરૂરતની સામે સરકાર 20 લાખ ટન કોલસો રોજ પૂરો પાડે છે. આમાં વિપક્ષને તો ક્યાંક લાવવો પડે એટલે કહી દેવાય છે કે કાઁગ્રેસ કોલસાની કટોકટી અંગે બિનજરૂરી હાઇપ ઊભો કરવા માંગે છે. કાઁગ્રેસે એટલી સગવડ તો કરી આપી છે કે કૈં પણ નબળું તેને માથે નાખી શકાય. ટ્રેન ઊપડે એટલે સ્ટેશન આવે જ એમ સરકારની વાતોમાં કાઁગ્રેસ આવતી રહે છે, જ્યારે સાચું તો એ છે કે કોલસાની કટોકટીની વાત કાઁગ્રેસે શરૂ કરી હોવાનું પ્રમાણ નથી. તે સમસ્યા ઊભી થાય તો માથું મારે છે, પણ શરૂઆત ભાગ્યે જ તેણે કરી હોય છે. બાકી હતું તે નાણા મંત્રીએ પણ સરકારના બચાવમાં સાફ કહ્યું છે કે કોલસાની કટોકટીની વાત જ પાયા વિહોણી છે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે ભારત વીજ સરપ્લસ દેશ છે. જો કોલસાની તંગીની વાત પાયા વિહોણી જ છે તો એ વાત ચલાવી કોણે, એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. બીજું, એ કે જો ભારત વીજ સરપ્લસ દેશ છે તો સરકારે એવું કબૂલ કેમ કર્યું કે કોલસાની નીચી ઇન્વેંટરીને લીધે 5 ગીગા વોટનું ઉત્પાદન પૂર્વવત કર્યું છે. પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશેને જણાવ્યું છે કે કોલસાના ઓછા સ્ટોકને કારણે 6 તારીખનું 11 ગીગા વોટનું વીજ ઉત્પાદન 13 ઓકટોબરે 6 ગીગા વોટ થઈ ગયું હતું જે હવે પૂર્વવત થઈ ગયું છે. આ રજૂઆત પણ સરકાર તરફથી છે ને એમાં કોલસાનો ઓછો સ્ટોક હોવાની કબૂલાત છે. જો આ સાચું હોય તો વીજ કટોકટીની વાત પાયા વિહોણી છે એવું સરકાર કયા આધારે કહે છે? સરકાર જો ખરેખર કહેતી હોય કે વીજ કટોકટી નથી, તો કોલસાનો સ્ટોક ઓછો હોવાનું કેમ કહે છે? સરકારમાં અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી, પણ જો કટોકટી ક્યાંક, કોઈ સ્તરે હોય તો એ વાતને ગંભીરતાથી લેવાની જરૂર છે. માંડ આર્થિક સ્થિતિ સુધરવા પર હોય, ત્યાં કોલસાની કટોકટી નવો અંધારપટ સર્જે એવું ન થવું જોઈએ.

બીજી કોઈ પણ ગમ્મત કરતાં પહેલાં સરકારે એ ન ભૂલવું જોઈએ કે આજે પણ 70 ટકાથી વધુ વીજમથકો કોલસા પર ચાલે છે. એ વાત પણ મીડિયાએ જ ફેલાવી છે કે દેશનાં બે તૃતિયાંશ વીજમથકો પાસે અઠવાડિયું પણ માંડ ચાલે એટલો કોલસો છે. 27 વીજમથકો પાસે એક દિવસ ચાલે એટલો કોલસો પણ નથી. ઉત્તર પ્રદેશ અને હરિયાણા પાસે ત્રણ અને મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં બે એકમો એવાં છે જેની પાસે રિઝર્વ્ડ કોલસાનો કોટા નથી. આ વિગતો કેન્દ્રીય વીજ ઓથોરિટીએ જાહેર કરેલી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડું જેવાં વીજ એકમોની તો એવી સ્થિતિ છે કે વધુ એક દિવસ કોલસાનો પુરવઠો ન મળે તો વીજ ઉત્પાદન અટકી પડે. આ વીજ એકમો પાસે વીસ દિવસ ચાલે એટલો કોલસાનો સ્ટોક રાખી શકાય છે, તેને બદલે એક દિવસનો સ્ટોક પણ ન રહે તો સ્થિતિ કેવી હશે તે કલ્પી શકાય એમ છે. રાજસ્થાન, કેરળ જેવાં રાજ્યો વીજકાપની સ્થિતિમાં આવી ગયાં છે ને કેન્દ્ર કહે છે કે વીજ પુરવઠો પૂરતો છે ને એ અંગે શંકા સેવવાને કોઈ કારણ નથી.

- તો, આ સ્થિતિ છે. એકાએક કોલસાની તંગી જાહેર થઈ ને જુદાં જુદાં રાજ્યો વીજ કટોકટીનો સામનો કરી રહ્યાં છે ને આ વિગતો સરકારની સાઇટ પર જાહેર થાય છે. એ સાથે જ ઊર્જા મંત્રી અને નાણા મંત્રી જાહેર કરે છે કે વીજ કટોકટી જેવુ કૈં છે જ નહીં. એવું પણ જાહેર થાય છે કે એક તબક્કે 5 ગીગા બાઇટ જેટલી ઘટ પડી હતી, પણ સ્થિતિ પૂર્વવત કરી દેવાઈ છે. સ્થિતિ પૂર્વવત કરી દેવાઈ છે એનો અર્થ એવો પણ થાય કે સ્થિતિ બરાબર ન હતી.

મીડિયા એક સવારે કોલસા કટોકટીની આલબેલ પોકારે છે ને સરકાર પણ જાહેર કરે છે કે કોલસાની કટોકટી નથી. મીડિયા કહે છે કોલસા કટોકટી છે ને સરકાર કહે છે, નથી. આમાં સાચું શું? સાચું બંને. તો ખોટું શું? ખોટું પણ બંને. પ્રજા ખરેખર સાચું ન પામી શકે એ રીતે વાતો ચગાવવામાં આવે છે. એ કૈં ગંભીરતાથી વિચારે તે પહેલાં તો નવી ઘટના એવી સામે આવે છે કે પેલી વાત જ ભુલાઈ જાય ને લોકો એની ખરાઈમાં પડે છે. બહુ સ્પષ્ટ કહેવું હોય તો એમ કહી શકાય કે કોઈ એક વાત પ્રજાની સામે એવી રીતે લાવવામાં આવે છે કે તે ગભરાય ને આઘાત પામે. વીજળી ન મળે એવો હાઉ પેદા કરવામાં આવે છે ને પછી સરકાર બચાવમાં આવે છે કે કોઈ સમસ્યા જ નથી. જો નથી તો એ સમસ્યા ઉપસાવી કોણે? એ પ્રજાનાં ભેજાંની પેદાશ છે? એવું તો નથી. એમ લાગે છે કે કોઈ મુદ્દો કોઈ એકાએક ચગાવે છે ને એની બંને બાજુ એવી રીતે મૂકવામાં આવે છે કે પ્રજા કોઈ નિર્ણય પર આવી જ ન શકે ને કદાચ આવે તો તે પહેલાં બીજો મુદ્દો, સામે લાવવામાં આવે છે. લોકોને મૂરખ બનાવીને, કોઈ સમસ્યા સમજી ન શકે કે તેના પર તે વાત જ ન કરી શકે એવો વેપલો થાય છે.

જો કોલસા કટોકટી ખરેખર હોય તો સરકારે ગંભીરતાથી તેને ઉકેલવાની દિશામાં પગલાં લેવાં જોઈએ ને સરકારે પોતે ને પ્રજાએ પણ એમાંથી બહાર આવવા એડીચોટીનું જોર લગાવવું જોઈએ. ખરું કે નહીં?

000

e.mail : [email protected]

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ઑક્ટોબર 2021

Category :- Opinion / Opinion