માનહાનિના કેસ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને રુંધે છે ?

ચંદુ મહેરિયા
13-10-2021

ભારતની અદાલતોમાં માનહાનિ કે બદનક્ષીના કેસોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. રાજનેતાઓ, પત્રકારો, ફિલ્મી સિતારાઓ, ઉદ્યોગકારો અને કર્મશીલો પર બદનક્ષીના દાવા મંડાયેલા છે. પૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડાને તાજેતરમાં કર્ણાટકની એક અદાલતે માનહાનિ કેસમાં બે કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. આટલો આકરો દંડ ન્યાયતંત્રના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે.

નરેન્દ્ર મોદી મંત્રી મંડળના વિદેશ રાજ્ય મંત્રી અને વરિષ્ઠ પત્રકાર એમ.જે. અકબરને ભૂતકાળનાં સાથી મહિલા પત્રકાર પ્રિયા રમાનીના યૌન શોષણના આરોપોથી મંત્રી પદ છોડવું પડ્યું હતુ. એટલે તેમણે અપરાધિક માનહાનિનો કેસ કર્યો હતો. પણ ત્રણેક મહિના પહેલાં દિલ્હીની અદાલતે પ્રિયા રમાની સામેની અકબરની બદનક્ષીની ફરિયાદ રદ્દ કરી દીધી છે. કાઁગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ઉમેદવારી પત્ર સાથેના સોગંદનામામાં તેમની સામેના જે પાંચ પડતર કોર્ટ કેસોની માહિતી આપી હતી તે બધા માનહાનિના જ હતા. અમદાવાદ અને સુરતની અદાલતોમાં પણ રાહુલ ગાંધી સામે માનહાનિના કેસો ચાલે છે. દેશમાં સૌથી વધુ માનહાનિના કેસોનો સામનો દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. આ હકીકતો માનહાનિના કેસોની વ્યાપકતા, અદાલતોનું વલણ અને અસરો દર્શાવે છે

બંધારણના અનુચ્છેદ ૨૧માં ભારતના નાગરિકોનાં જીવન જીવવાના અધિકારમાં માન અને પ્રતિષ્ઠા સાથેના જીવનનો અધિકાર સામેલ છે. વ્યક્તિનાં માન, સન્માન અને ખ્યાતિ પણ અધિકાર મનાય છે. પ્રતિષ્ઠાને ધન-સંપત્તિ બરાબર ગણવામાં આવી છે. એટલે માન, સન્માન, પ્રતિષ્ઠા કે ખ્યાતિને થતી હાનિ, માનહાનિ કે બદનક્ષી છે. વ્યક્તિ, વેપાર, ઉત્પાદન, ધર્મ, સરકાર, સમૂહ કે રાષ્ટ્રની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતું નિરાધાર અને જુઠ્ઠું, લેખિત કે મૌખિક કથન કે સંકેત માનહાનિ છે. બંધારણમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અધિકાર ખરો પણ તેનો અમર્યાદિત ઉપયોગ ન થઈ શકે. કોઈ એલફેલ, આધારહીન કે ખોટા આરોપો અને ટીકાઓ ન થાય તે જરૂરી છે. જાહેરમાં અપમાનજનક શબ્દ કે ભાષણ વાંચી-સાંભળીને તે જેના વિશે કહેવાયા-બોલાયા-લખાયા હોય તે વ્યક્તિ વિશે અપમાન, નફરત અને ઘૃણા જન્મે તો માનહાનિનો ગુનો બને છે.

માનહાનિ માટે દીવાની (સિવિલ) અને ફોજદારી (ક્રિમિનલ) ફરિયાદ થઈ શકે છે. દીવાની ફરિયાદ સામાન્ય કાયદા મુજબ અને ફોજદારી ફરિયાદ ભારતીય ફોજદારી કાયદાની કલમ ૪૯૯ હેઠળ થઈ શકે છે. ઇન્ડિયન પિનલ કોડની ધારા ૫૦૦ અને અન્યમાં બદનક્ષીની અપરાધિક ફરિયાદ માટે સજાની જોગવાઈ છે. તે મુજબ બે વરસની કેદ અને દંડની સજા થઈ શકે છે. માનહાનિની દીવાની અને ફોજદારી એમ બંને કે બે પૈકીની કોઈ એક ફરિયાદ થઈ શકે છે. દીવાની ફરિયાદમાં માનહાનિનું આર્થિક વળતર માંગવામાં આવે છે. પરંતુ ફરિયાદી જેટલી રકમનું વળતર માંગે તેના દસ ટકા કોર્ટ ફી તેણે ચુકવવાની હોય છે. જો કોઈ ૧૦ લાખનો માનહાનિનો દાવો માંડે તો દસ ટકા લેખે એક લાખ અગાઉથી જ કોર્ટ ફી ચુકવવી પડે છે. કોર્ટ ફી પરત ચુકવવાની હોતી નથી તથા તેને ફરિયાદીની હારજીત સાથે કોઈ સંબંધ હોતો નથી.

દસ ટકા કોર્ટ ફી ચુકવીને પણ કરોડોના માનહાનિના દાવા થાય છે. ૨૦૦૮માં ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ તેમના ઉદ્યોગપતિ ભાઈ મુકેશ અંબાણી પર ૧૦ હજાર કરોડનો દાવો કર્યો હતો. રાફેલ વિમાન સોદા અંગેના લેખ બાબતે અનિલ અંબાણીએ અંગ્રેજી અખબાર ‘નેશનલ હેરાલ્ડ’ પર ૫,૦૦૦ કરોડનો દાવો કર્યો હતો. કોરોનાની એલોપથી સારવાર વિરુદ્ધના યોગગુરુ બાબા રામદેવના વિધાનો વિરુદ્ધમાં ‘ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન’ની ઉત્તરાખંડ શાખાએ બાબા રામદેવને રૂ. ૧ હજાર કરોડ માનહાનિ પેટે ચુકવવા કાનૂની નોટિસ આપી છે.

માનહાનિના મોટા ભાગના કેસોમાં કાં તો સમાધાન થાય છે, કેસો પાછા ખેંચાય છે કે આરોપી માફી માંગી લે છે. અનિલ અંબાણીએ મૂકેશ અંબાણી વિરુદ્ધનો દાવો બે વરસ પછી પાછો ખેંચી લીધો હતો. અરવિંદ કેજરીવાલે તેમની સામેના અડધા ઉપરાંતના બદનક્ષીના કેસોમાં માફી માંગી લીધી છે. જો કે અદાલતની પ્રક્રિયા, તેના સમય શક્તિ, કોર્ટ અને વકીલની ફીના પ્રશ્નો રહે છે. કોર્ટોમાં લાખો કેસો પડતર હોય છે ત્યારે માનહાનિના કેસોનો તુરત નિકાલ થતો નથી. દેવગૌડા સામેના કેસનો નીચલી અદાલતનો ચુકાદો દસ વરસે આવ્યો છે. દિલ્હી ક્રિકેટ બોર્ડ અને તેના પ્રમુખ અરુણ જેટલી સામેના આરોપો અંગે કેજરીવાલે માફી માંગી લીધી હતી પણ તેમના વકીલ રામ જેઠમલાણીને બે કરોડની ફી ચુકવી હતી. કૈલાસ સત્યાર્થીએ તેમની બદનક્ષી બદલ તેમની સંસ્થા ‘બચપન બચાવો આંદોલન’ દ્વારા દાવો કર્યો હતો. તેમની માનહાનિની ફરિયાદ પડતર હતી તે દરમિયાન જ તેઓ વિશ્વના સૌથી મોટા શાંતિના નોબેલથી પુરસ્કૃત થયા હતા. જો  નોબેલ સમિતિ માટે તેમની માનહાનિનો કોઈ અર્થ નહોતો તો પછી આવા દાવાઓ કેટલા મહત્ત્વના ગણાય તે સવાલ છે.

ત્રણ ભિન્ન રાજકીય પક્ષોના નેતાઓ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને સુબ્રમણ્યમ સ્વામીએ  સર્વોચ્ચ અદાલતમાં અપરાધિક માનહાનિની જોગવાઈ ધરાવતી આઈ.પી.સી.ની કલમો રદ્દ કરવા કે ગેરબંધારણીય  ઠેરવવા અલગ અલગ પિટિશનો મારફતે દાદ માંગી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તે બાબત નકારી કાઢી હતી.

માનહાનિની ફોજદારી ફરિયાદો અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે આડખીલી રૂપ છે. માનહાનિના કેસો કરીને કેન્દ્ર અને રાજ્યોના સત્તા પક્ષો પત્રકારો, મીડિયા અને વિરોધ પક્ષોને વિરોધ કરતાં અટકાવે છે. સરકાર વિરોધી લોકહિતના તથ્યાત્મક અહેવાલો પણ પ્રગટતા અટકે છે. પ્રતિષ્ઠાની આડમાં સત્યનું ગળું દબાવવામાં આવે છે. પ્રેસની આઝાદીના આંકમાં આપણે આમે ય પાછળ છીએ ત્યારે માનહાનિનો ડારો દઈને પત્રકારો અને કર્મશીલોને ચૂપ કરાવીને અભિવ્યક્તિની સ્વતંત્રતાને ક્ષીણ કરી દેવાય છે.

મૂળે અંગ્રેજોની દેણ એવી માનહાનિની આ જોગવાઈ ભ્રષ્ટાચારને અટકાવવાના પ્રયાસો પર લગામ લગાવે છે. રીઢા રાજકારણીઓ અને ભ્રષ્ટ સરકારો બદનક્ષીના કાયદાનો ઉપયોગ કરીને ટીકાઓથી મુક્તિ મેળવી લે છે. બંગાળના તૃણમૂલ સાંસદે કેન્દ્રના ગૃહ મંત્રી સામે બદનક્ષીની ફરિયાદ કરી છે એટલે જ્યાં જે પક્ષ સત્તામાં હોય ત્યાં તે આ કાયદાનો ઉપયોગ વિરોધી પક્ષ સામેના હથિયાર તરીકે કરે છે. સરકાર વિરોધી ઘણી ન્યૂઝ વેબસાઈટ્સના પત્રકારો માનહાનિના કેસોનો સામનો કરી રહ્યા છે. અગાઉ સાંસદ તથાગત સત્પતિએ લોકસભામાં માનહાનિને લગતી અપરાધિક જોગવાઈ રદ્દ કરવા બિનસરકારી વિધેયક રજૂ કર્યું હતું. બોમ્બે યુનિયન ઓફ જર્નાલિસ્ટે પણ આ મુદ્દે ઝુંબેશ ચલાવી હતી. માનહાનિના કાયદાનો વિરોધને ડામવાના હથિયાર તરીકેના ઉપયોગને ખાળવા વધુ મક્કમ પ્રયાસોની જરૂર છે.

e.mail : [email protected]

Category :- Opinion / Opinion