ગાંધીજી સાહિત્યકાર ખરા? હા.

સુમન શાહ
02-10-2021

આજે ગાંધીજયન્તી છે.

ગાંધીજીના સાર્ધ શતાબ્દીવર્ષમાં અનેક મિત્રોએ મને પૂછેલું : ગુજરાતી સાહિત્યમાં ‘ગાંધીયુગ’ શરૂ થયો એ તો બરાબર, પણ તમે ગાંધીજીને સાહિત્યકાર ગણો છો ખરા? : મારો જવાબ ‘હા’ હતો. આજે પણ ‘હા’ જ છે.

ત્યારે લખેલા લેખના કેટલાક અંશ અહીં ફરીથી રજૂ કરું છું :

(૧)

ગાંધીજીએ કવિતા વાર્તા કે નાટક નથી લખ્યાં. તેઓ એવા સર્જક સાહિત્યકાર નથી. પણ સર્જન સિવાયનું બીજું એમણે જે અઢળક લખ્યું છે તે એક તેજસ્વી દર્શન છે. એમણે જે કંઈ સાહિત્ય લખ્યું છે તેમાંનું કેટલું ય, સાહિત્યિક ગુણોથી સમૃદ્ધ છે.

જેમ કે --

‘સત્યના પ્રયોગો’ આત્મકથાના સાહિત્યપ્રકારનું બેજોડ દૃષ્ટાન્ત છે.

કારકિર્દી દરમ્યાન એમણે અસંખ્ય વ્યક્તિઓને પત્રો લખેલા. એ પત્રોમાંના કેટલાક તો પત્રલેખનનો આશય, તેની ભાષા અને શૈલીના ઉત્તમ નમૂના છે.

ગુજરાતી સાહિત્યકારો સામે પૂરી નિસબતથી તાતાં તીર જેવી ફરિયાદો કરી છે. પોતાની દૃષ્ટિમતિ અનુસારના સાહિત્યની ફાંકડી વકીલાત કરી છે. એ નિસબત અને એ ફરિયાદોથી સ્થિર થયેલો એમનો સાહિત્ય સાથેનો લગાવ જરા પણ ન-ગણ્ય નથી.

જેનાથી પ્રભાવિત થયા હોય એવાં કેટલાંક પુસ્તકોના એમણે અનુવાદ કર્યા છે, અને તેને ‘તરજૂમો’ કહેવાની નમ્રતા દાખવી છે.

એમના ગદ્યમાં બેઢંગ વાક્યરચનાઓ નથી એમ નથી પણ ક્યાંક ક્યાંક એમાં અલંકારોની ઉપકારક દ્યુતિ પણ છે.

પરન્તુ –

એમની સાદી સરળ અને પ્રભાવક વાણી જેવું જ એમનું લેખન છે. જેમ એમનો દેખાવ શુષ્ક છતાં મોહક ભાસે છે તેમ એમનું લેખન પણ છે.

ગાંધી-શબ્દનો ઉત્તમોત્તમ વિશેષ છે, આત્માની સચ્ચાઈથી પ્રોજ્જવળ વિચારસૃષ્ટિ, જેમાં ‘સત્ય’ અને ‘અહિંસા’-ના અર્થસંકેતોને અ-પૂર્વ ઊંચાઈ મળી છે. એ બન્ને શબ્દો શબ્દ નથી રહ્યા, વ્યક્તિ અને પ્રજા બન્ને માટે જીવનમન્ત્ર રૂપે વિશ્વ આખામાં પ્રસર્યા છે.

ટૂંકમાં, એમનો સાહિત્ય સાથેનો સમ્બન્ધ નિ:સામાન્ય નથી. તાત્પર્ય, એમને સાહિત્યકાર ગણવામાં કશી તકલીફ ન પડવી જોઈએ.

(૨)

વિચાર-સંવેદન શબ્દોમાં લખાય પણ લેખનને વાચનનાં ખાતરપાણીની હમેશાં જરૂર પડે છે. સાહિત્યકારની કારકિર્દીમાં વાચનની મહત્તા એના લેખનથી જરા ય ઓછી નથી હોતી.

ગાંધીજીએ જેલનિવાસ દરમ્યાન અને અન્યત્ર ખૂબ વાંચ્યું છે..

એમણે પોતે ‘સત્યના પ્રયોગો’-માં અવારનવાર પોતે શું વાંચ્યું, પોતાને તે કેવું લાગ્યું, તેના નિર્દેશો કર્યા છે. ભણતા’તા એ ગાળામાં, ‘શ્રવણપિતૃભક્તિ’ ‘હરિશ્ચન્દ્ર આખ્યાન’ ‘નિબંધોનાં નાનાં ચોપાનિયાં’ અને ‘લીલા પૂંઠાવાળી કહેવતમાળા’ પણ વાંચેલાં.

વિલાયતમાં એમણે ‘ભગવદ્ગીતા’-નો ઍડવિન આર્નોલ્ડે કરેલો અંગ્રેજી અનુવાદ વાંચેલો.

(૩)

પોતાના વાચન-અનુભવોને હમેશાં ખુલ્લા મને વ્યક્ત કરતા. ‘ગીતા’ વિશેનો એમનો ભર્યોભર્યો ઉમળકો તો જુઓ, કહ્યું : ‘મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ‘ગીતા’-માતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ‘ગીતા’નો ભક્ત બને છે, તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી …’ :

એટલે સ્તો, એમણે કાકા કાલેલકરની સમ્પાદકીય સહાયથી ‘અનાસક્તિયોગ’ શીર્ષકથી ગીતાનો તરજૂમો કરેલો. રસ્કિનના ‘અનટુ ધિસ લાસ્ટ’-નો ‘સર્વોદય’ નામે તરજૂમો કર્યો ત્યારે પણ કહ્યું કે ‘જેણે મારી જિન્દગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ પુસ્તક જ કહેવાય.’

‘રામચરિતમાનસ’ ‘ઈશોપનિષદ’ ‘કુરાન’ ટાગોરકૃત ‘મુક્તધારા’, ‘પાતંજલ યોગદર્શન’, મણિલાલ નભુભાઈ દ્વિવેદી-લિખિત ‘રાજયોગ’, નર્મદ-લિખિત ‘ધર્મવિચાર’, વગેરે એમણે વાંચ્યાં છે.

અનેક મહામનાઓનાં જીવનચરિત્ર વાંચ્યાં છે : ઈસુ, વિવેકાનંદ, કેશવચન્દ્ર સેન, ગેરીબાલ્ડી, વગેરે.

અનેકોનાં લેખનોમાંથી પસાર થયા છે : સૉક્રેટિસ, તૉલ્સતોય, થોરો, એમર્સન, બૅકન, હક્સલી, વગેરે. મારો લેખ પૂરો થઈ જાય પણ આ યાદી પૂરી ન થાય એટલી દીર્ઘ છે.

(૪)

સાહિત્ય વિશેની એમની સમજ નિજી હતી પણ ચૉક્કસ હતી એ કારણે પણ એમને સાહિત્યકાર ગણવા જોઈશે. સાહિત્યકારો પાસે એમણે કોશિયાને સમજાય એવું સરળ સાહિત્ય તો માગ્યું જ પણ બીજું ય ઘણું માગ્યું. એમનાં એ વચનોને કશા ટિપ્પણ વગર રજૂ કરું છું કેમ કે એ સાવ સ્પષ્ટ છે :

૧ : ‘આપણાં ધર્મપુસ્તકો આપણને જેટલો રસ આપે છે તે અત્યારનું સાહિત્ય આપણને નથી આપતું …તુલસીદાસ જેવું, કબીર જેવું, આપણને કોણે આપ્યું છે? … અખાના જમાનામાં આપણને જે કાંઇ મળ્યું છે એ હવે ક્યાં છે?’ :

૨ : ‘હું બાણ ભટ્ટની ‘કાદંબરી’ નથી માગતો પરંતુ તુલસીદાસનું ‘રામાયણ’ માગું છું :

૩ : ‘નવલકથા વાંચવી એ રોગ છે, જગતમાં ઘેર ઘેર એ ફેલાઈ ગઈ છે … એમાં કલ્પનાના ઘોડા સિવાય શું છે?… નવલકથાનું સાહિત્ય ગુજરાતીમાં ન હોય તો ગુજરાતી રાંડીરાંડ નહીં રહે.’ : (‘ગુજરાતી’ પછીનો શબ્દ આ મહાત્મા કોઈ બીજો વાપરી શક્યા હોત ! - સુ૦ )

૪ : ‘સાહિત્યની કલમ ઉઠાવો તો એ જ વિચારથી ઉઠાવજો કે સ્ત્રી એ મારી જનની છે… તમે ચીતરો તો તેને વિકારી ન ચીતરો.’

૫ : 'જીવન, સૌ કળાથી અદકું છે… કળા જીવનની દાસી છે, અને તેની સેવા કરવાનું જ તેનું કાર્ય છે.’ :

૬ : ‘મારું ધ્યેય હમેશાં કલ્યાણનું છે, કળા કલ્યાણકારી હોય ત્યાં સુધી જ તે મને સ્વીકાર્ય છે.’ :

૭ : 'ભાઈ, સત્ય એ જ મૂળ વસ્તુ. પણ તે સત્ય ‘શિવ’ હોય, ‘સુંદર’ હોય. સત્ય મેળવ્યા પછી જ તમને કલ્યાણ અને સૌન્દર્ય બંને મળી રહે :

૮ : ‘તે જ કાવ્ય અને સાહિત્ય ચિરંજીવ રહેશે જે લોકોનું હશે, જેને લોકો મેળવી શકે, સહેજે ઝીલી શકે.’

(૫)

લોકભોગ્યતા, નીતિ-સદાચારનો ઉપદેશ, જનકલ્યાણ, ભાષિક સરળતા, વગેરે સાહિત્ય-ગુણોની એમણે સાગ્રહ હિમાયત કરી એ બરાબર, પણ એમના ધ્યાનમાં એ સત્ય નથી આવ્યું કે એ જ ગુણો સમ્યક્ સાહિત્યમાં કલાની રીતેભાતે આપોઆપ પરિણમતા હોય છે. પણ એવું જુદું સાહિત્ય એમના વાંચવામાં આવ્યું નથી.

ટૂંકમાં, એમનું લિટરરી ઍક્સ્પોઝર સીમિત હતું - મતલબ, સાહિત્યપદાર્થ વિશે તેઓ પૂરા ઉઘડ્યા ન્હૉતા. એટલે, સાહિત્ય પ્રત્યેની એમની દૃષ્ટિમતિ કુણ્ઠિત રહી ગયેલી.

પરન્તુ યાદ રાખવું જરૂરી છે કે દેશને ગુલામીમાંથી મુક્ત કરવો અને અન્ધશ્રદ્ધાગ્રસ્ત પ્રજા અને અબુધ લોકડિયાંને એ માટે બેઠાં કરવાં એ ગાંધી-જીવનનો અગ્રિમ કાર્યક્રમ હતો. સમજાય એવું છે કે એમને અમુક સાહિત્ય ન જ પાલવે ને અમુક જોઇએ જ જોઈએ.

(૬)

ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે પણ્ડિત-યુગથી માંડીને આધુનિક યુગ લગી જે કંઈ ઝુંબેશો ચાલી તેનો એક સાર ગાંધીજી છે અને બીજો સાર સુરેશ જોષી છે.

પહેલામાં, સાહિત્ય ‘કેવું અને કોને માટે’ હોવું જોઇએ તેની અને બીજામાં, સાહિત્ય ‘કેવી રીતે’ લખાવું જોઇએ તેની વિચારણા વિકસી હતી.

પહેલામાં, પ્રજાજીવનનું કલ્યાણ કરે એવા સાહિત્યનો અને બીજામાં, જીવન સમગ્રનો ભરપૂર સાક્ષાત્કાર કરાવે એવી સાહિત્યસાધનાનો આગ્રહ ઘુંટાયો હતો.

એ બન્ને નામો એ વિભિન્ન વિચારધારાનાં પ્રતીક છે. સમકાલીનોએ બન્ને વિચારધારાઓનું મન્થન કરીને સાહિત્યકલાનાં પરમ સત્યો સારવવાનું બાકી છે.

= = =

(October 2, 2021 : USA)

Category :- Opinion / Literature