ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (10)

સુમન શાહ
25-09-2021

મારા તરફથી છેલ્લી સલાહ એ કે વાર્તાકારે બધી સલાહો સાંભળી લીધા પછી પોતાની સર્જકતાને પૂછવું. સર્જકતા વ્હાલસોઇ સખી છે. એને રસકલાના બધા રસ્તાની ખબર છે.

ટૂંકીવાર્તાના લેખન માટે અપાયેલી જુદી જુદી સલાહની ચર્ચાને અહીં વિરામ આપું છું.

આજે વાત કરું, ટૂંકીવાર્તાના સટ્રક્ચરની - સંરચનાની.

મનુષ્યના કે પ્રાણીમાત્રના શરીરને ધારણ કરે છે, હાડપિંજર. બિલ્ડિન્ગ પણ સ્ટ્રક્ચર પર ઊભું હોય છે. દરેક હાડકું એક એકમ છે એમ ગણી લઈએ, તો સમજાશે કે હાડપિંજરની સંરચના એકથી વધુ એકમોનો સમવાય છે. કોઈપણ સાહિત્યકૃતિ, ટૂંકીવાર્તા પણ, એકમોનો સમવાય હોય છે. દરેક હાડકું પોતાને ભાગે આવેલું કામ કરે છે, તે જ રીતે વાર્તાનો પ્રત્યેક એકમ પણ પોતાનું કામ કરે છે, એટલે કે દરેક એકમ ફન્ક્શનલ હોય છે.

મનુષ્યદેહના હાડપિંજર પર માંસમજ્જા રક્ત ને ત્વચા ને વળી એ પર મનપસંદ પોશાક ને આભૂષણો હોય, તેમ વાર્તામાં પણ હોય - પણ શું? શબ્દો ! શબ્દો સિવાયનું કશું નહીં. વાર્તાનો દરેક શબ્દ એનો એકમ છે. શબ્દોનાં બને છે વાક્યો, વાક્યો અલંકૃત પણ હોય. અને વાક્યોના બને છે ફકરા અને ફકરાથી સરવાળે એક ભાષાદેહ ઊભો થાય છે.

જુઓ, વાર્તાનો ભાષાદેહ ઓછામાં ઓછી ૪ વસ્તુઓ જરૂર દર્શાવશે :

૧ : અમુક વ્યક્તિના કે તેના સમ્બન્ધમાં આવેલી વ્યક્તિઓના જીવનમાં કશુંક બન્યું છે, બની રહ્યું છે, બનવાનું છે, તે વસ્તુની કથાને.

૨ : તેમના દ્વારા થતી વાતોને, તેમની વચ્ચેના સંવાદોને, અને ક્રિયાઓને.

૩ : ક્રિયાઓથી સરજાયેલી ઘટનાને અને પરિસ્થિતિને.

૪ : ઘટના ઘટી હશે જે સ્થળમાં તેને અને જે સમયમાં ઘટી હશે, તેને.

સમજો કે આટલું કોઈ પણ વાર્તા માટે અનિવાર્ય છે. એને આપણે સંરચના કહીએ, તો એ પર ખડી હોય છે વાર્તા.

આ સંરચના વિના વાર્તા અસંભવ છે. સંરચના તો જોઈશે જ. કથન, આલેખન અને કથનસૂર સંરચના ઉપરાન્તનાં વાનાં છે. કશીક વ્યંજના અને કશુંક રસતત્ત્વ પણ સંરચના ઉપરાન્તની ચીજો છે.

ધારો કે વાર્તાકાર વ્યક્તિઓને ઓછી કરી નાખે, સંવાદને કમ કરી નાખે, ક્રિયાઓને નામની જ રાખે, ઘટનાને ઘટાડી નાખે, સ્થળ-સમયને લકીર જેવા કરી નાખે, ભલે; પણ એ બધું એની મરજી પર નિર્ભર રહેવાનું છે. એ એની સર્જકતાનો મામલો હશે. પણ યાદ રહે કે ઘટાડ્યા પછી પણ જે રહેશે તે ઓછામાં ઓછી પણ સંરચના જ હશે.

ઘટનાતત્ત્વના હ્રાસની વાતમાં તો ઘટના ઓછી થવા સિવાયનું કશું જ ઓછું થતું નથી. પરન્તુ, ‘છ શબ્દની વાર્તા’-ને પણ ટૂંકામાં ટૂંકી ટૂંકીવાર્તા - સિક્સ વર્ડ સ્ટોરી - કહેવા લાગ્યા છીએ ત્યારે, મારે કહેવું છે કે એ દાખલાઓમાં પણ સંરચના તેના ન્યૂનતમ રૂપમાં હોય જ છે.

આમ તો, છ શબ્દની નિર્માલ્ય રચનાઓ ફેસબુક વગેરે સોશ્યલ મીડિઆમાં ઘણી મળે છે. પણ કેટલાક નામાંકિત સાહિત્યકારોની કહેવાતી રચનાઓ ધ્યાનપાત્ર હોય છે - એવી ચાર રચનાઓ વિશે કહું :

૧ : જેમ કે, Margaret Atwood પાસેથી આ મળી છે :

Longed for him. Got him. Shit.

હું એને ગુજરાતીમાં મૂકું :

“બહુ ઝંખના કરી એની. મળ્યો. છી:”

જેને ઝંખીએ એ છી: જેવું પણ મળી આવે. અહીં જે મળ્યો તે દેખાવે તો ગોબરો હશે જ, અથવા ન પણ હોય, પણ એ માણસ જુગુપ્સક વાણી-વર્તનનો તો હશે જ હશે. ઝંખના કરનારીની વેદના તો આપણને મૉડેથી સમજાય છે. આ એટલા માટે વાર્તા લાગે છે કે અહીં વ્યક્તિવિષયક કથાવસ્તુ સૂચવાયું છે.

૨ : જેમ કે, Alistair Daniel પાસેથી આ મળી છે :

Without thinking, I made two cups.

હું એને ગુજરાતીમાં મૂકું :

“વગર વિચારે મેં બે કપ ભર્યા.”

એક જ કપ ભરવાનો હતો એ વાતનું ધ્યાન ન રહ્યું હોય પણ બે કપ તો ધ્યાનથી જ ભર્યા હશે ને ! અને, ત્યારે એ કોના ધ્યાનમાં હતો? કે હતી? આ એટલા માટે વાર્તા લાગે છે કે અહીં વ્યક્તિ વડે થયેલી ક્રિયાથી ભૂતકાળમાં બની ગયેલી કથા સૂચવાઈ છે.

૩ : જેમ કે, Joyce Carol Oates પાસેથી આ મળી છે :

Revenge is living well, without you.

હું એને ગુજરાતીમાં મૂકું :

“બરાબર જીવવું, તારા વિના - એ વૅર.”

કોઈના વિના જિવાતું હોય ત્યારે જૂના અથવા તરતના આપણા કોઈ દોષનું જાણે વૅર વસૂલાઇ રહ્યું છે એમ લાગે. પણ બરાબર જિવાતું હોય ત્યારે? ત્યારે એ વૅર ન પણ લાગે, અથવા, ઘણું વસૂલાઈ રહ્યું છે એમ પણ લાગે. રચના કથકની વેદનાને સૂચવે છે, એટલે કે ભાવ-ભાવનાને.

૪ : આપણા સમયના મહાન કથાસ્વામી Hemingway પાસેથી પણ મળી છે, વારંવાર જે ઉદ્ધૃત થતી રહી છે, એ છ શબ્દની આ ટૂંકીવાર્તા :

For sale : Baby shoes, never worn.

હું એને ગુજરાતીમાં મૂકું :

“વેચવાના છે : બેબીશૂઝ, કદી નહીં પ્હૅરાયેલા.”

બેબી છોકરી પણ હોઈ શકે, છોકરો પણ. શૂઝ ઘસાઈ ગયેલાં નથી એમ પણ સમજી શકાય. કથક કોઈ ફેરિયો હશે; બેબીનો પિતા, વાલી કે શું થતો હશે એવો આપણામાં સવાલ ઊગે છે. બને કે એ ફૂટપાથ પર પાથરણું પાથરીને શૂઝને સજાવીને બેઠો હોય. વેચવા માગે છે, વેચાઈ પણ જાય, ન પણ વેચાય. વળી, વિચારતાં સમજાશે કે બેબી વિમાસણમાં જરૂર ક્યાંક ઊભી છે, ભલે દેખાતી નથી. શૂઝ જતા રહેશે એ વાતે એ દુ:ખી હોઈ શકે છે, નવા મળશે એ વાતે એ સુખી હોઈ શકે છે. શૂઝ પણ દેખાય છે. કેવા રંગના હશે? કઈ કમ્પનીના? આપણે ધ્યાન લગાવીએ છીએ કે પ્હૅરાયેલા નથી ક્હૅ છે તે કેટલું સાચું છે. વગેરે.

‘કદી નહીં પ્હૅરાયેલાં’-થી ભૂતકાલીન ક્રિયા અને સમય બન્ને સૂચવાયાં છે. આપણને એ સવાલ પણ થાય છે કે કથકના જીવનમાં એવું શું ઘટ્યું છે કે વેચવા નીકળ્યો છે. શું તે એટલો બધો ગરીબડો હશે કે જૂતાં વેચવા નીકળ્યો? બેબી જેવી બેબી માટે એને કશી દયા નહીં હોય? કથક અને બેબીનાં ભાવ-ભાવનાની ઠીક ઠીક ઝાંખી થાય છે.

Picture courtesy : SlidePlayer

સવાલ એ પણ થવાનો કે હૅમિન્ગ્વેએ આ શું કામ લખી હશે. જો કે, એમણે જ લખી છે એમ પુરવાર નથી થયું.

આ છે એટલી સારી રચનાઓ હમેશાં ઘણું સૂચવતી હોય છે. એટલે ‘છ શબ્દની વાર્તા’-ને હું ધ્વનિની કલા કહું છું. છ શબ્દ તો જોડી કાઢી શકાય પણ એને કલાકૃતિ રૂપે અવતારનારું સર્જનકર્મ બહુ કઠિન છે. સહેલું સમજીને ધસી જનારા ગબડી પડે છે, કદી બેઠા થઈ શકતા નથી.

યાદ રહે કે સંરચનાનો કોઈપણ એકમ જો બરાબર નહીં હોય, લંગડાતો હશે કે ખોડખાંપણવાળો હશે, તો વાર્તા બનશે જ નહીં.

આ વાતો સ્ટક્ચર રૂપે કે સંરચના રૂપે સામે આવે છે ત્યારે ચૉંકાવે છે, બાકી, સંરચના એક પાયાનું લેખનમૂલ્ય છે. વાર્તાકારો જાણ્યે-અજાણ્યે એને જ અનુસર્યા હોય છે. જો કે કેટલાકો ચૂકી ગયા હોય છે. સવાલ વાર્તાની સંરચનાને વિશેની સભાનતાનો છે, સાવધતાનો છે.

= = =

(September 25, 2021: USA)

Category :- Opinion / Literature