અહિંસા એ ચડિયાતું હથિયાર છે

આચાર્ય જીવતરામ ભ. કૃપાલાણી
23-09-2021

“બે શબ્દો જેઓ પોતાને ઉદ્દામવાદીઓ કહેવડાવે છે તેમને ઉદ્દેશીને. કાઁગ્રેસના રાજકારણમાં એ શબ્દનો શો અર્થ થાય છે એની મને ખબર નથી. શબ્દોની જાળમાં ફસાવું કદી સારું નથી હોતું. જો એનો અર્થ એવો થતો હોય કે જેઓ અહિંસાની હિમાયત પૂરા દિલથી ન કરતા હોય તેઓ ઉદ્દામવાદી તો મારે કહેવું જોઈએ કે એ શબ્દનું એ ખોટું અર્થઘટન છે. અહિંસામાં માનનાર પણ હિંસામાં માનનારના જેવો જ ક્રાંતિકારી હોઈ શકે છે. આપણે શબ્દોની પાર જવું જોઈએ. હું અહિંસા ગાંધીજી પાસે શીખ્યો છું. એક વખતે હું હિંસામાં માનતો હતો અને આજે મારે કહેતાં અચકાવું ન જોઈએ કે હું 1906-1907ના ક્રાન્તિકારીઓના જૂથમાં ભળેલો હતો. પણ મેં ગાંધીજી પાસેથી અહિંસાનો સિદ્ધાન્ત સ્વીકાર્યો પછી મેં જે નિર્ભયતા, હિંમત અને બળનો અનુભવ કર્યો છે તેવો કદી કર્યો નહોતો. અને હું ફાંસીને માંચડે ચડતાં ખંચકાયો ન હોત; પણ મારે તમને કહેવું જોઈએ કે એ દિવસોમાં, હું જ્યાં પણ જતો − પછી તે ગાડીમાં હોય કે રસ્તા ઉપર હોય − મારી નજર પાછળ રહેતી − એ જોવા કે કોઈ પોલીસ કે છૂપી પોલીસ મારી પાછળ આવતો તો નથી ને ! હું કોઈ મિત્ર સાથે વાત કરતો ત્યારે મનમાં વિચારતો કે એ સાચે જ મિત્ર છે કે દુશ્મન. હું દરેક માણસ ઉપર વહેમ રાખતો અને એટલે તેનાથી ડરતો. પણ મેં અહિંસાનો સ્વીકાર કર્યો ત્યારથી મારી આગળ કે પાછળ કોણ જાય છે કે આવે છે તેની મેં પરવા કરી નથી. મેં અહિંસા સ્વીકારી ત્યારથી હું જેની સાથે વાત કરતો તે મિત્ર છે કે દુશ્મન, પોલીસ છે કે છૂપી પોલીસ, એની મેં કદી પરવા કરી નથી. જો હું બહાદુર હતો તો હવે નિર્ભય થયો છું. એને જોરે જ, નોઆખલીમાં શું બન્યું હતું અથવા મારું કે મારાં પત્નીનું ત્યાં શું થશે, એની પરવા કર્યા વગર, હું ત્યાં જઈ શક્યો હતો. જ્યારે હું ક્રાન્તિકારી ચળવળમાં હતો ત્યારે મને મારી પોતાની પણ બીક લાગતી, કે રખેને કોઈ અસાવધ ક્ષણે, પોલીસના જુલમને લીધે હું કોઈ ગુપ્ત વાત જાહેર કરી દઉં અને કોઈ મિત્રનું નામ દઈ દઉં. હવે જ્યારે હું અહિંસક છું ત્યારે પોલીસ મારા ઉપર ત્રાસ ગુજારી શકે છે,  પણ તેથી તેમને મળશે શું ? મારે છુપાવવાનું કંઈ છે જ નહીં. હું સાચું કહી દઉં છું તો એમાં કોઈનો દ્રોહ કરતો નથી. આ મારી જાતનો ભય પણ અહિંસાને કારણે રહ્યો નથી. હિંસામાં બહાદુરી હશે પણ એવી બહાદુરી હંમેશાં અહિંસાની બહાદુરી કરતાં ઊણી ઊતરે છે. અહિંસા કદી કોઈ ઉપર વહેમ લાવતી નથી. અહિંસા કદી પાછળ જોતી નથી. અહિંસા માટે કોઈ પોલીસ છે જ નહીં. અહિંસા માટે દુનિયામાં કોઈ દુશ્મન છે જ નહીં. અહિંસક સૈનિક સીધો ટટ્ટાર ઊભો રહે છે, તેને મૃત્યુનો ભય નથી. હિંસક સૈનિકને પણ મૃત્યુનો ભય ન હોય એમ બને, પણ હિંસક સૈનિકની બહાદુરીમાં હંમેશાં ભયનો થોડો પાસ હોય જ છે.

“અહીં (આ સભામાં) લોકોએ વારંવાર હિંસાની વાત કરી છે, અને તેમને તાળીથી વધાવી લેવામાં આવ્યા છે. પણ હું કહેવાની રજા લઉં છું કે જો આ દેશ ઉન્નત અને સમૃદ્ધ થવાનો હશે તો તે કેવળ અહિંસા દ્વારા જ થઈ શકશે. એ સિવાય આપણે માટે બીજો માર્ગ જ નથી. આપણે એટલાં બધાં ભૌગોલિક, રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક જૂથોમાં વહેંચાઈ ગયેલા છીએ, કે આપણે જો વિદેશી શત્રુ સામે હિંસા વાપરીએ તો આપણે એકબીજાની વિરુદ્ધ પણ જરૂર હિંસા વાપરીશું. જેઓ તલવારથી જીવે છે તેઓ તલવારથી જ નાશ પામશે. આપણી આસપાસની દુનિયામાં જે બની રહ્યું છે, તે તમે જુઓ છો. આજે (દુનિયામાં) આપણે કાલ્પનિક ઝઘડાઓ પતાવવા માટે અણુબૉમ્બ દાખલ કર્યો છે, પણ દુનિયા પોતે આજ સુધી શું કરતી આવી છે એનું સરવૈયું ન કાઢે તો કશુંક આથી પણ ભયંકર બનશે. લોકો સારા કામ માટે હિંસા વાપરે એની હું નિંદા નથી કરતો. અહિંસા એ નવી વસ્તુ છે, પણ હું એ તમારી આગળ રજૂ કરવા માગું છું, કારણ, મેં હિંસા અને અહિંસા બંનેને અજમાવી જોઈ છે અને મારા અંગત અનુભવ ઉપરથી તમને કહી શકું છું કે મને માલૂમ પડ્યું છે કે અન્યાયના નિવારણ માટેનું અહિંસા એ ચડિયાતું હથિયાર છે. દુનિયાને પણ એક દિવસ એ ચડિયાતું હથિયાર માલૂમ પડશે.

“મારા ઘણા ઉદ્દામ મિત્રો ગાંધીયુગના નથી. હું ગાંધીયુગનો માણસ છું. 1920માં, જ્યારે ગાંધીજીએ હિંદના રાજકારણમાં સત્યાગ્રહને દાખલ કર્યો, ત્યારે હું જુવાન હતો. મેં જોયું કે કેવી રીતે અહિંસાથી જનતામાં પ્રાણ આવ્યો, તેઓ કેવા બહાદુર અને નિર્ભય બન્યા; પહેલાં જેઓ પેટે ચાલ્યા હતા તેઓએ કેવી હિંમતથી લાઠી અને ગોળીઓનો પણ સામનો કર્યો; આજે, કોમી રમખાણોને કારણે અને ક્ષિતિજ અંધકારમય છે માટે આપણે ગૂંચવાડામાં પડી જઈએ છીએ અને ગૂંચવાડામાં આપણામાંના સારામાં સારા માણસો અહિંસામાં શ્રદ્ધા ગુમાવી બેસે છે. આપણે માનીએ છીએ કે અહિંસાથી કંઈ નહીં વળે. પણ મને એમ લાગે છે કે દીવો પ્રગટાવવામાં આવ્યો છે, અને તે આપણને માર્ગ બતાવશે. એ કદાચ આજે કે આવતી કાલે નહીં બને. પયગંબરો જીવીને મૃત્યુ પામે છે, પણ તેમના સિદ્ધાન્તને ઘણી વાર તેમના મૃત્યુ પછી ફળ આવે છે. બુદ્ધનું મૃત્યુ થયું ત્યારે તેમને કેટલા શિષ્યો હતા ? મહંમદને કેટલા હતા ? જ્યારે ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા ત્યારે તેમને માત્ર બાર શિષ્યો હતા અને તે બારેયે તેમને નાકબૂલ કર્યા હતા, જેમ આજે આપણે ગાંધીજીને નાકબૂલ કરીએ છીએ. તેમ છતાં, ખ્રિસ્તી ધર્મ જીવે છે, ખ્રિસ્ત જીવે છે; તેમનો ધર્મગ્રંથ એ વિશ્વનો ધર્મગ્રંથ છે. તેમણે બુદ્ધની પેઠે જગત ઉપર જીત મેળવી છે. અમારા તરફ ન જોશો. અમે તો કદાચ તેમને ત્રણ વાર નહીં પણ ત્રીસ વાર નાકબૂલ કરીશું, પણ એ ગુરુ અને એમનો સિદ્ધાન્ત જીવશે. એ સિદ્ધાન્ત સનાતન સત્ય ઉપર મંડાયેલો છે. અહિંસા વગર જીવન અશક્ય છે. જો આપણે આપણા પ્રશ્નોને જૂઠથી અને કુટિલ રાજનીતિથી ઉકેલવા જઈશું તો, હું કહું છું કે, આપણા પ્રશ્નો ઊકલશે નહીં. દુનિયાના પ્રશ્નો નહીં ઊકલે.

“હવે હું એક શબ્દમાં સમાજવાદ અને ગાંધીવાદ વચ્ચેનો ભેદ કહેવાની રજા લઉં છું. એ ભેદ એ છે કે ગાંધીજી એમ માને છે કે આપણું ધ્યેય જેમ ઉન્નત હોય તેમ આપણાં સાધનો પણ શુદ્ધ હોવાં જોઈએ; ઉન્નત ધ્યેય હલકાં અને કુટિલ સાધનો વડે સિદ્ધ થઈ શકતાં નથી. ટૂંકમાં કહીએ તો, પશ્ચિમના સમાજવાદમાં અને અહિંસા અને સત્યના પાયા ઉપર રચાયેલા ગાંધીજીના સમાજવાદમાં આ ભેદ છે, આ સિદ્ધાન્ત સ્વીકારાયા વગર દુનિયા યુદ્ધ, ઝઘડા, ખૂનરેજીથી મુક્ત ન થઈ શકે. પછી એ સ્વીકાર આજે થાય કે સૈકા પછી થાય. જો એ સ્વીકાર સૈકા પછી થાય તો એ સૈકો માનવજાત માટે ભારે મુશ્કેલી અને કષ્ટભર્યો થઈ પડશે. એ શાંતિમય સૈકો નહીં હોય. તેથી, હું જેમ મારા ઉદ્દામ મિત્રોને હંમેશાં અપીલ કરતો આવ્યો છું તેમ આપને અપીલ કરું છું કે ગાંધીજીની ફિલસૂફીમાં શું રહેલું છે તે સમજવાનો પ્રયત્ન કરો. મારા પ્રમુખ તરીકેના ભાષણમાં મેં એનો થોડો ખ્યાલ આપ્યો છે. ગાંધીજી લોકશાહીની તરફેણ કરે છે; તેઓ આર્થિક અને સામાજિક સમાનતાની તરફેણ કરે છે; તેઓ આંતરરાષ્ટૃીય શાંતિની તરફેણ કરે છે. એવો કોઈ સમાજવાદી છે, જેને આ ત્રણ વસ્તુ ન જોઈતી હોય? હિંદુસ્તાનના સમાજવાદીઓ વ્યવહારમાં તો રાજ્યનું નિયંત્રણ જ બની જાય એવા સમાજના સંપૂર્ણ નિયંત્રણનો પ્રશ્ન વચમાં લાવી પોતાની ફિલસૂફીને અક્કડ, બિલકુલ લવચીકતા વગરની શા માટે બનાવી દે છે? મને ચોક્કસ લાગે છે કે કોઈક જાતની આર્થિક સ્વતંત્રતા એ વ્યક્તિત્વનું સારસત્ત્વ છે. જો તમે માણસનું આર્થિક સ્વાતંત્ર્ય લઈ લો તો એના વ્યક્તિત્વનો ઘણો મોટો ભાગ તમે લઈ લેશો અને વ્યક્તિના સ્વીકાર વિના તો લોકશાહી સંભવે જ નહીં.

“હું આશા રાખું છું અને પ્રાર્થું છું કે તમે આ સભાખંડમાંથી તમારી કલ્પના પ્રમાણે જે સાચું હોય તે જ કરવાનો નિશ્ચય કરીને જશો. તમે મારા વિચારો સ્વીકારો કે ફગાવી દો, એ ગૌણ બાબત છે. પણ તમે વિચાર કરો એમ હું ઇચ્છું છું. ગાંધીજી જે છવ્વીસ વર્ષમાં નથી કરી શક્યા તે હું વીસ મિનિટમાં કરવાની અપેક્ષા ન રાખી શકું. પણ મેં મારું હૃદય તમારી આગળ ઠાલવ્યું છે. કારણ કે તમે મને તમને સલાહ આપવાનું ભારે અને જવાબદારીભર્યું કામ સોંપ્યું છે. વંદે માતરમ્‌.”

મેં હિંસા અને અહિંસક અસહકાર અથવા સત્યાગ્રહ વચ્ચે જે ભેદ કરી બતાવ્યો તે ઘણાને ખૂબ ગમ્યો હતો. કારણ, હું અંગત અનુભવ અને માહિતીને આધારે બોલતો હતો. જવાહરલાલ એ ભાષણથી એટલા બધા હલબલી ગયા હતા કે, તે પૂરું થયું ત્યારે તેઓ પોતાની જગ્યાએથી ઊઠીને મંચ ઉપર આવ્યા અને મારી સાથે હસ્તધૂનન કરી મને ભાષણ માટે અભિનંદન આપ્યાં. સરોજિની તો હર્ષવિભોર થઈ ગયાં હતાં અને તેમણે પાછળથી મારા ભાષણની એક નકલ માઉન્ટબૅટનને અને તેમના બ્રિટિશ અધિકારી મિત્રોને બતાવી હતી.

પટ્ટાભિ સીતારામય્યાએ પોતાના પુસ્તક ‘હિસ્ટરી ઑફ ધ કાઁગ્રેસ’માં મારાં બે ભાષણોને પોતાની શૈલીમાં આ રીતે વર્ણવ્યાં હતાં :

“પ્રમુખ કૃપાલાનીએ પોતાનું ભાષણ તેમની હંમેશની અનાયાસ રીતે હિંદુસ્તાનીમાં આપ્યું અને કદાચ વધારે સ્વસ્થતાથી, કારણ, એમના બે દાયકાના રચનાત્મક પરિશ્રમના સ્થળ મેરઠમાં તેમને કાઁગ્રેસના પ્રમુખનું ગૌરવપ્રદ સ્થાન મળ્યું હતું. રાજેન્દ્રબાબુ મુંબઈના અધિવેશનના પ્રમુખ થયા ત્યારથી કોઈ કટ્ટર ગાંધીવાદીએ કાઁગ્રેસની ગાદી શોભાવી નહોતી અને આચાર્ય કૃપાલાનીએ એ ખોટ યોગ્ય રીતે પૂરી કરી એથી લોકોને આનંદ થયો હતો. તેમણે વિષયવિચારિણી સમિતિમાં તેમ જ પૂરા અધિવેશનમાં કાઁગ્રેસના કામકાજનું સંચાલન ભારે સામર્થ્ય અને સફળતાપૂર્વક કર્યું હતું. સુધારાઓ પાછા ખેંચાવવાની બાબતમાં તેમ જ ભાષણો ટૂંકાવવા સમજાવવાની બાબતમાં તેમણે ભારે કુનેહ અને વિવેક બતાવ્યાં હતાં, જેથી તેમના મિત્રોને અણધાર્યો આનંદ થયો હતો. અને શ્રોતાવર્ગે મુક્તમને તેની પ્રશંસા કરી હતી. અત્યારે હવે કહેવામાં વાંધો નથી કે શરૂઆતમાં આચાર્ય કૃપાલાની પ્રત્યે કાઁગ્રેસીના એક જૂથમાં તેમ જ નેતાઓમાં પણ ઝાઝો સદ્દભાવ કે કદર નહોતાં, પણ તેઓ એ બંને એટલા મોટા પ્રમાણમાં મેળવી શક્યા કે અધિવેશનને પાર ઉતારવા માટે તે પૂરતાં હતાં, એટલું જ નહીં, તેમની મુદ્દત પૂરી થાય ત્યાં સુધી તે ચાલે એમ છે. એમનું છેવટનું દોષ વગરના અંગ્રેજીમાં આપેલું ભાષણ વકતૃત્વનો અદ્દભુત નમૂનો હતો, જેમાં એમણે અહિંસાની અને તેને મળવી જોઈતી સફળતાના પ્રમાણમાં તેને મળેલી સફળતા(કે નિષ્ફળતા)ની આવેશપૂર્ણ ચર્ચા કરી હતી. તેમનાં મેઘગર્જના કરતાં, અનેક ઉપવાક્યોવાળાં લાંબાં લાંબાં વાક્યો, ઝપાટાભેર, વણથંભ્યાં વહ્યે જતાં હતાં અને તેમના શ્રોતાઓનાં હૃદયને ત્યાં સુધીમાં કદી હલમલ્યાં ન હોય એટલાં હલમલાવી મૂકતાં હતાં. એ સાંભળતાં પૂરા અડધા કલાક સુધી શ્રોતૃવર્ગ મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ખરેખર અહિંસાનો પુનર્જન્મ થયો હતો અને તેમાં કાઁગ્રેસના પ્રમુખે ફરી એક વાર સહાય કરી હતી.”

(અનુવાદક : નગીનદાસ પારેખ)

[‘કાઁગ્રેસ પ્રમુખપદે’ નામક પ્રકરણ; “આચાર્ય કૃપાલાનીની આત્મકથા’; પૃ. 621-625]

Category :- Gandhiana