ગુજરાતના નવા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર ...

રવીન્દ્ર પારેખ
20-09-2021

 

courtesy : "The Indian Express"

માનનીય મુખ્ય મંત્રીશ્રી પટેલ સાહેબ,

નમસ્કાર.

સૌ પ્રથમ તો તમને અણધારી રીતે મુખ્ય મંત્રી બનવા બદલ હૃદયપૂર્વક અભિનંદનો અને શુભેચ્છાઓ. મુખ્ય મંત્રીપદ તમારે માટે અણધાર્યું હતું એટલું જ ગુજરાતની પ્રજા માટે પણ આંચકો આપનારું હતું. એથી વધારે આંચકો તો આખું મંત્રીમંડળ ધરમૂળથી બદલાયું ત્યારે લાગ્યો. અસંતોષ ઊકળે એવું લાગતું હતું, પણ ઘીનાં ઠામમાં ઘી પડી રહ્યું તેનો આનંદ છે. આ પરિવર્તનને અનુકૂળ થવાનું તમારે આવ્યું છે, પણ તમે પહોંચી વળો તો નવાઈ નહીં લાગે. સાધારણ રીતે ગુજરાતનાં મુખ્ય મંત્રી ઉપરથી આવતા આદેશોનું પાલન કરવા ટેવાયેલા હોય છે. ટેવાયેલા તો એવા હોય છે કે એમને પોતાની વિચારસરણી પણ હોય એ વાત જ ભુલાઈ જાય છે અથવા તો ભુલાવી દેવાય છે. આમ તો રાજ્યના માઇબાપ મુખ્ય મંત્રી ગણાય, પણ એમના માઇબાપ પણ દિલ્હીથી દોરી સંચાર કરતાં રહે છે એટલે પ્રજાને માથે દાદાની દાદાગીરી પણ લખાયેલી જ હોય છે. દાદાનું બીજા રાજ્યમાં ચાલે તે કરતાં ગુજરાતમાં વધારે ચાલે છે, કારણ ગુજરાત મોડેલના જનક, દાદા જ છે એટલે એમનું અહીં ઉપજે એમાં નવાઈ નથી.

એ જે હોય તે, પણ તમે પટેલોના મત માટે મૂકાયા છો, તે એટલે પણ કે તમે પાટીદારોની સંસ્થાના મુખિયા તરીકે અગાઉથી જ નામ કમાઈ ચૂક્યા છો. તમે પાટીદારો પાસે પાટી ભરાવશો એમ લાગે છે, પણ સાહેબ, ગુજરાતમાં પાટીદારો છે એમ બીજા ‘માટી’દારો પણ છે, એમના મત પણ 150+નો ટાર્ગેટ પૂરો કરવા જોઈશે જ તે ભૂલવા જેવું નથી. જો કે, નવું મંત્રીમંડળ રચાયું છે તેમાં જ્ઞાતિ-જાતિનો ખ્યાલ રખાયો જ છે એટલે જ્ઞાતિ જાતિનાં ઢોલનગારાં 2022ની ચૂંટણીમાં વાગશે જ એમાં શંકા નથી. એટલું છે કે સમાન જાતિ-જ્ઞાતિની બંધારણીય વાતનાં મૂળ સમીકરણો જ બદલાઈ ગયાં છે એટલે જે રસ્તે જીત મળતી હોય એ જ સત્ય છે ને તે સિવાયનું જગત મિથ્યા છે એ હવે બધાં સમજે છે.

મને ખબર નથી કે દિલ્હી દાદાએ કહ્યું છે કે એ તમારો અંગત વિચાર છે, પણ તમે ગુજરાતીમાં જ ચેનલો જોડે બોલવાનો આગ્રહ રાખ્યો તે ગમ્યું. ચેનલે એનું હિન્દી કરવું હોય તો ભલે કરે, પણ તમે તો ગુજરાતીમાં જ બોલશો એ વાત બીજાઓ કરતાં અલગ પડી. આમ તો ગુજરાતનાં મંત્રીઓ ગુજરાતીમાં જ બોલતા હોય છે, પણ ગુજરાતીમાં બોલવાની હઠ પકડતા નથી, તમે એ પકડી છે. હવે પકડી જ છે તો ગુજરાતની માતૃભાષા અંગ્રેજી થવા જઈ રહી છે એ તરફ પણ નજર નાખવા વિનંતી છે. અત્યાર સુધી આપણે શિક્ષણમાં અન્ય રાજ્યોને આગળ જવા દીધાં છે, પણ આગળ મોકલવા કોઈ પાછળ રહે તે પણ જોવું પડશે ને ! સાચું તો એ છે કે ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થતી જાય છે અને અંગ્રેજી માધ્યમની સ્કૂલો ઊઘડતી જ જાય છે. આ એટલે બન્યું છે, કારણ ખુદ મંત્રીઓ ઇચ્છે છે કે ગુજરાતી, માતૃભાષા તરીકે ઉપેક્ષિત રહે. તમે અને શિક્ષણ મંત્રીશ્રી આ બાબતે ગંભીરતાથી વિચારો તે અપેક્ષિત છે.

ત્રણેક મંત્રીઓ અગાઉની સરકારમાં સક્રિય હતા, એટલું બાદ કરતાં તમારી આખી ટીમ નવી છે. એક રીતે એ સારું પણ છે કે આગલા અક્ષરો ભૂંસવા નહીં પડે. નવા અક્ષર પાડવાનું સહેલું થશે, સાથે એ પણ જોવાનું રહેશે કે પાટી કોરી ન રહી જાય. નવા મંત્રીઓ માટે એ પણ સંકોચની બાબત બને કે આજ સુધી એ ધારાસભ્ય તરીકે પીઢ મંત્રીઓને પ્રશ્નો પૂછતા હતા, હવે પૂર્વ મંત્રીઓ પ્રશ્નો પૂછે ને એનો સામનો નવા મંત્રીઓએ કરવાનો આવે. એમાં એમની કસોટી છે.

જો કે, તમે ને દિલ્હી દાદાએ પણ સૌને કામે લાગી જવાનું કહ્યું છે એ સારી વાત છે. એ પણ સારું થયું કે મંત્રીઓનો ક્લાસ લેવાની વ્યવસ્થા થઈ છે ને મંત્રીઓને ગાંધીનગર ન છોડવાનું કહેવાયું છે. એમ થશે તો કમ સે કમ હારતોરા ને સન્માનો અટકશે. આ તો મંત્રી થયા નથી કે રેલી, રેલાઓ નીકળવા માંડે છે ને કામ, કામને ઠેકાણે રહે છે. ફોટાબોટા ભલે છપાય, પણ સાથે નાનાંમોટાં કામ પણ થાય તો ફોટા, ખોટા ન લાગે. શું છે કે પ્રજા બેવકૂફ છે ને તે તો જે પણ ગાદીએ આવે છે તેની પાસેથી આશા રાખે જ છે. એવી જ આશા તમારી ને તમારી ટીમ પાસેથી પણ છે જ, જોઈએ પ્રજા શું પામે છે તે !

દિલ્હી દરબારેથી મંત્રીઓ પર થોડાં ફરમાનો પણ છૂટયાં છે. જેમ કે, સાચાં કામો અટકાવશો નહીં ને ખોટું થવા ન દેશો. આમ તો ઘણુંખરું થાય છે આનાથી ઊલટું, પણ કશુંક સારું થવાની આશા બધાં પાસેથી રખાય, એમ જ તમારી પાસેથી એટલે રહે છે, કારણ અગાઉ ન બનેલી એવી એક વાત એ બની છે કે જે તે વિભાગમાં ખાઈબદેલા અધિકારીઓને બદલવાનો ઉપક્રમ પણ તમારા સમયમાં જ શરૂ થયો છે. બદલીઓ અગાઉ થઈ નથી એવું નથી, પણ બધાંની બદલીની વાત બદલાયેલાં મંત્રીમંડળની સાથે જ આવી છે એ વાત નવી છે. એવું બન્યું છે કે મંત્રીઓનો અંગત સ્ટાફ ભ્રષ્ટ હોય ને જવાબદારી મંત્રીની થઈ હોય. એ સંદર્ભે જો મંત્રીઓ બદલી શકાતા હોય તો અધિકારીઓ શું કામ ન બદલાય? એમ પણ બન્યું છે કે આવા અધિકારીઓએ સાંસદો કે ધારાસભ્યોને અપમાનિત કર્યા હોય કે મંત્રી સુધી પહોંચવા જ ન દીધા હોય. કૉન્ગ્રેસમાંથી આવેલા ભા.જ.પી. મંત્રીઓની બાબતમાં અધિકારીઓનું વલણ એવું રહ્યું છે કે મહત્ત્વ કૉન્ગ્રેસને વધારે અપાયું હોય અને ભા.જ.પ.ની ઉપેક્ષા થઈ હોય. એવું જ વર્તન ભા.જ.પ.ના બની બેઠેલા મંત્રીઓનું પણ રહ્યું હોય એમ બને. એ બધાની બાદબાકી થાય એમાં કશું ખોટું નથી. એવું  બન્યું છે કે વાત મંત્રી સુધી પહોંચે જ નહીં ને વચેટ અધિકારી જ એની ભૂમિકા ભજવી કાઢે ને કામ ન થતાં બદનામ, મંત્રી બને. આવે તબક્કે મંત્રીઓએ પણ સંબંધિત અધિકારીના સંપર્કમાં રહીને શક્ય તે પ્રયત્નો સમસ્યાઓ ઉકેલવા કરવા ઘટે. હવેની કેબિનેટના મંત્રીઓ અધિકારીઓ સાથે બેઠક કરે ને કામગીરી જાણે ને અધિકારીઓ પણ મંત્રીઓને યોગ્ય તે સાચી માહિતી આપી તેમને મદદરૂપ થાય તે જરૂરી છે. મંત્રીઓને સાફ કહેવાયું છે કે સરકારી કામો સિવાય પ્રવાસો ટાળવા ને અગાઉની સરકારના બજેટના પેન્ડિંગ કામો પૂરાં કરવાં તથા સરકાર અને સંગઠન વચ્ચે સેતુ બની રહેવું. આ જવાબદારીઓ દેખાય છે એટલી સહેલી નથી, તમારી ટીમે પ્રમાણિકતાથી કામગીરી બજાવવાની આવે એ નિર્વિવાદ છે.

સાહેબ, એક બાબતે ધ્યાન દોરવાનું ઉચિત લાગે છે ને તે એ કે ગઈ કેબિનેટમાં બધાં જ મંત્રીઓ ભ્રષ્ટ ન હતા. જો કે, એમ કહેવાયું છે ખરું કે ગઈ કેબિનેટમાં બધાં મંત્રીઓ ભ્રષ્ટ હતા એટલે બદલી કાઢ્યા છે એવું નથી, એવું ન હોય તો સારું, પણ અધિકારીઓ બદલવા સંદર્ભે એ વાત આગળ કરાઇ છે કે તેઓ ભ્રષ્ટ હતા ને આમ પણ અધિકારીઓ નાછૂટકે જ રિપીટ કરવા એવી તાકીદ કરવામાં આવી છે. જો અધિકારીઓ સંદર્ભે આ વાત સાચી હોય તો મંત્રીઓ સંદર્ભે ન જ હોય એવું કઈ રીતે માનવું? મુદ્દો એ છે કે સારું, નબળું દરેક સમયમાં હોય છે, યુધિષ્ઠિર અને દુર્યોધનના કાળ જુદા નથી, રામના સમયમાં જ રાવણ પણ હતો જ ! એટલે જૂનામાં બધું ખરાબ ને નવામાં બધું સારું, એવા જુદા જુદા સમયખંડો નથી. ઉત્તમ સ્થિતિ તો એ હોય કે દરેક સમયનું સારું આગળ લઈ આવવું ને નબળું નકારવું.

ગુજરાતનો ખ્યાલ કરીએ તો 2022ની ચૂંટણી વહેલી આવે તો હાલના મંત્રીઓને પૂરતો સમય મળી રહે એવું ઓછું જ બનવાનું. એમાં ઇચ્છા છતાં કોઈ મંત્રી સમય ઓછો મળવાને કારણે પોતાને પુરવાર નહીં કરી શકે કે ઇવન, ખુદ મુખ્ય મંત્રી માટે પણ એ જ જો સાચું ઠરે તો મંત્રીઓ વગોવાશે અને પ્રજા તેમને મત નહીં આપે તો સરવાળે નુકસાન કોને જશે એ કહેવાની જરૂર નથી. એવું બને કે પૂરતી તાલીમ અને નિષ્ઠા છતાં કોઈ મંત્રી ઓછો સફળ રહે, પણ પ્રજા એ નહીં જુએ. એ તો એમ જ માનશે કે મંત્રી નિષ્ફળ છે. એ રીતે નો રિપીટ થિયરી જોખમી પુરવાર થઈ શકે ને એ તો ખરું ને કે પૂરી ટર્મ જેટલો સમય આ 14 મહિનાનો તો નથી જ ! મંત્રીને પૂરતો સમય ન અપાય ને એ નિષ્ફળ જાય તો તેનો ઉપાય દિલ્હી દરબારે સૂચવવાનો રહે. આ જ મોવડીઓ એને બદલી કાઢશે ને એ વાત પણ જવા દઈએ, પ્રજા જ તેને જાકારો દે એમ પણ બને.

આદરણીય સાહેબ, અદના આદમી તરીકે અહીં થોડી પેટછૂટી વાત કરી છે. બધી ન ગમે એ સમજી શકાય એવું છે, છતાં કોઈ વાત ન ગમે તો દરગુજર કરવા વિનંતી છે. મૂળ હેતુ તો પ્રજાનું કશુંક સારું થાય તે ઇચ્છવાનો છે.

કુશળ રહો તેવી પ્રાર્થના સાથે વીરમું. આભાર સહ -

000

e.mail : [email protected]

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 સપ્ટેમ્બર 2021

Category :- Samantar Gujarat / Samantar