વતનની માટી

આશા વીરેન્દ્ર
18-09-2021

દિવાળીના તહેવાર નજીકમાં જ હતા. અહીં પરદેશની ભૂમિ પર હું સાવ એકલો હતો; ઘર–પરિવાર, સ્નેહીજનોથી દૂર. જિન્દગીની કદાચ આ પહેલી જ દિવાળી હતી જ્યારે હું મારા કુટુમ્બની સાથે નહોતો. કમ્પનીના કામે એકાદ મહિના પહેલાં લંડન આવ્યો અને હજી ચાર–પાંચ મહિના સુધી રોકાવું પડે એમ હતું.

અહીં બનેલા નવા મિત્રો, સહકર્મચારીઓ સૌને દિવાળી નિમિત્તે કંઈ ને કંઈ ભેટ આપવી જોઈએ એમ વિચારીને હું ખરીદી કરવા નીકળેલો. ‘ઇન્ડિયન સ્પાઈસ શૉપ’ નામના સ્ટોરમાં દરેકેદરેક પ્રકારની ભારતીય ચીજ–વસ્તુ મળી જાય. હું દીવા, મીણબત્તી, રંગોળી માટેના રંગોના કાઉન્ટર પર બધું જોવામાં મશગૂલ હતો ત્યાં કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો :

‘એક્સક્યુઝ મી, આપ ઇન્ડિયાથી આવો છો ?’

કફની–લેંઘો અને પગમાં જયપુરી મોજડી પહેરેલો મારો દેખાવ જ એવો હતો કે જેની પર ભારતીયતાની છાપ હતી. લગભગ પચાસેક વર્ષની લાગતી એ સ્ત્રીને મેં ધારીને જોઈ. સુંદર, નમણા ચહેરા પર ભાવવાહી આંખો. પણ એ આંખોમાંથી ઉદાસી ડોકિયાં કરતી હતી. આધુનિક પહેરવેશ; છતાં એનાં મૂળિયાં ભારતીય ભૂમિમાં હતાં એવું મને એને જોતાંની સાથે લાગ્યું. મેં જવાબ આપ્યો, ‘હા, મૅમ, હું હૈદરાબાદથી આવું છું.’

એની આખોમાં એક અજબ પ્રકારની ચમક આવી ગઈ. તેણે કહ્યું, ‘કેટલું સારું ! તમને ભારતમાં રહેવા મળે છે. લંડનમાં વધુ રોકાવાના છો કે ભારત પાછા જવાના ?’

‘હું મારી કમ્પનીના કામે આવ્યો છું. હજી ચારપાંચ મહિના તો રોકાવું પડશે. ત્યાર પછી ભારત પાછો જઈશ.’

‘મારાં લગ્ન થયાં તે પહેલાં હું મુમ્બઈ રહેતી હતી. હવે તો પચીસ વરસથી અહીં છું. લંડન આવ્યા પછી એક્કે વાર ભારત ગઈ નથી ..’ કહીને એણે કદાચ નિસાસો નાખ્યો અથવા મને એવું લાગ્યું. પણ તરત જ ચહેરા પર પરાણે હાસ્ય લાવતાં એ બોલી, ‘હું માનું છું કે જે કોઈ ભારત જઈ શકે તે નસીબદાર છે.’

અમારી વાત ચાલતી હતી ત્યાં એક યુવાન આવ્યો અને કહેવા લાગ્યો, ‘મૉમ, બહુ મોડું થઈ ગયું, નીકળવું છે ને ?’ અને એ જલદી જલદી મને ‘બા …. ય’ કહીને જતી રહી. તે દિવસે હું ક્યાં ય સુધી એને વિશે વિચારતો રહ્યો. પચ્ચીસ પચ્ચીસ વર્ષ સુધી લંડનની ઝાકઝમાળભરી જિન્દગી જીવ્યા પછી પણ એને ભારતનું આટલું આકર્ષણ કેમ હશે ?

જાણે આ મારા સવાલનો જવાબ આપવા માટે જ હોય એમ પંદરેક દિવસ પછી મને એક મૉલમાં તે મળી ગઈ. એણે હસીને મને ‘કેમ છો ?’ પૂછ્યું.

મેં કહ્યું, ‘મઝામાં. પણ આપણી તે દિવસની મુલાકાત બહુ ટૂંકી રહી. મારે તમારી સાથે થોડી વાતો કરવી છે. તમને વાંધો ન હોય તો રેસ્ટોરંટમાં બેસીએ ?’ આજે એને બિલકુલ ઉતાવળ નહોતી એટલે કૉફીની ચૂસ્કી લેતાં લેતાં અમે બન્ને વાતે વળગ્યાં. એણે કોઈ ઔપચારિકતા વિના મારા સવાલોના જવાબ આપ્યા.

‘મારાં બે સંતાનો. એક દીકરો. જેને તમે તે દિવસે જોયો. એ અહીંની જ છોકરી સાથે પરણ્યો છે. અમે ઇન્ડિયા હતાં ત્યારે એનો જન્મ થયેલો. એનું નામ સમીર પાડેલું; પણ હવે એ ‘સેમ’ના નામે ઓળખાય છે.’

‘અને બીજું સંતાન ?’

‘સેમથી નાની દીકરીનું નામ છે ‘સારા’. એનો જન્મ અમે અહીં  લંડન આવ્યાં પછી થયો.’

‘તમારા પતિ શું કરે છે ?’

પતિ વિશે વાત કરવાનો ઝાઝો ઉમળકો ન હોય એવા ભાવ સાથે એ બોલી, ‘ટી.વી.માં આર્ટ ડાયરેક્ટર છે. લગ્ન પહેલાં હું મુમ્બઈ હતી ત્યારે રેડિયોમાં એનાઉન્સરની નોકરી કરતી.  ત્યાં જ મારી અને દીપેન્દ્રની ઓળખાણ થઈ અને ધીમેધીમે પરિચય પ્રેમમાં પલટાયો. અમે મરાઠી અને એ પંજાબી. મારા ઘરમાં સખત વિરોધ હતો.’

‘તો પછી તમે લગ્ન કેવી રીતે કર્યાં ?’ મને એની વાતમાં રસ પડતો જતો હતો ..

‘ભાગીને. પણ મારાં પિયરિયાંઓએ એ પછી મારી સાથેનો સમ્બન્ધ તોડી નાખ્યો. સમીરનો જન્મ થયાના સમાચાર મોકલ્યા, તોયે કોઈ જોવા ન આવ્યું; મા પણ નહીં.’ બોલતાં બોલતાં એની આંખોમાં આંસુ છલકાયાં એ એણે ટીસ્યુ–પેપરથી લુછ્યાં ..

‘દીપેન્દ્રનું લંડન રેડિયો માટે સિલેક્શન થયું ને અમે ભારત છોડી લંડન આવી ગયાં. શરૂઆતમાં અહીંની જીવનપદ્ધતિમાં ગોઠવાવું મારે માટે બહુ મુશ્કેલ હતું. વખત જતાં એમાં તો હું ગોઠવાઈ ગઈ; પણ આજ સુધી હું મનથી અહીં ગોઠવાઈ શકી નથી.

‘દીકરાએ એની મનપસંદ છોકરી સાથે લગ્ન કર્યાં ને ખુશ છે. દીકરી એના મિત્ર સાથે લગ્ન વિના પણ રાતોની રાતો ગાળે છે. પતિ કોઈ અચકાટ વિના મારા દેખતાં જ એની સ્ત્રીમિત્રને ગળે વળગાડે છે. જો દીકરાને આ વિશે કંઈ પણ કહેવા જાઉં તો કહે છે :

‘મૉમ, તારા વિચારો આવા જૂનવાણી કેમ છે ? આટલા મોટા લંડનમાંથી તું પણ એકાદ ફ્રેન્ડ શોધી કાઢ ને તારી રીતે મઝા કર. – આ છે અહીંની સંસ્કૃતિ ! જેમાં દીકરો માને શીખામણ આપે છે કે, તું પણ મિત્ર શોધી કાઢ ! મારા ભર્યા–પૂર્યા સંસાર વચ્ચે હું એકલી છું, સાવ એકલી !’ કહેતાં કહેતાં તે એ રડી પડી.

મેં કહ્યું, ‘તમે ભારતીય સંસ્કૃતિ અને ભારત માટે આટલું ઝૂરો છો તો એકાદ વખત તો મારે ત્યાં આવો ! મારું તમને આગોતરું આમંત્રણ છે.’

‘આવીશ. જરૂર આવીશ. જ્યારે અહીંની એકલતા મારાથી સહન નહીં જ થાય ત્યારે અથવા તો મારાં દીકરા–દીકરીનાં સંતાનોને લઈને હું ભારત આવીશ અને બતાવીશ કે જુઓ, આ છે મારી માતૃભૂમિ. પણ અત્યારે મારું એક કામ કરશો ? ભારતના એરપોર્ટ પર ઊતરો ત્યારે ત્યાંની ધૂળ માથે ચડાવીને મને યાદ કરજો. આટલું કરશો ને ?’

પછી મારો જવાબ સાંભળ્યા વિના જ એ ઊઠીને ચાલી ગઈ.

(મીના ખોંડની મરાઠી વાર્તાને આધારે)

તા. 01/12/2012ના ‘ભૂમિપુત્ર’ પાક્ષીકના છેલ્લે પાનેથી સાભાર ...

સર્જક–સમ્પર્ક : બી–401, દેવદર્શન, હાલર, વલસાડ –  396 001

ઈ–મેઈલ : [email protected]

‘હરીશ્ચન્દ્ર’ બહેનોના દેહાવસાન પછી, વર્ષોથી ‘ભૂમિપુત્ર’ને છેલ્લે પાને આવતી વાર્તા આપવાનું કામ બહેન આશા વીરેન્દ્રે સંભાળ્યું છે. એમની પાસેથી આપણને ગુજરાતી સિવાયની અન્ય ભાષાઓમાં રચાયેલી નાનકડી જીવનલક્ષી વાર્તાઓ નિયમિત મળતી રહેશે ..

♦●♦

સૌજન્ય : ’સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ આઠમું – અંકઃ 267 – April 07, 2013

મૂળ ‘ઉંઝાજોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર - [email protected]

Category :- Opinion / Short Stories