ફીફાં ખાંડે

હરીશ દાસાણી
16-09-2021

વાત-વડાંઓ તળી તળીને ફીફાં ખાંડે.
વકતાઓ સહુ હળીમળીને ફીફાં ખાંડે.

ઢોલનગારા તિકડમબાજી શૂરાપૂરા
લડવૈયાઓ મળી મળીને ફીફાં ખાંડે.

ઓડીકારે શેઠજી ઊતરે તાજામાજા
ધજા ચઢાવી લળી લળીને ફીફાં ખાંડે.

કઇ સોગઠી કેવી રીતે કયારે રમવી
ખેલાડીઓ કળી કળીને ફીફાં ખાંડે.

રામ ને રાવણ ખુશ કરવાં છે બંનેને
કથાકાર તો ગળી ગળીને ફીફાં ખાંડે

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 16

Category :- Poetry / Poetry