આશ્રમના વૈશ્વિક કક્ષાના નવીનીકરણમાં વિરોધ

માર્ટિન મૅકવાન
15-09-2021

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી,

માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,

માનનીય ટ્રસ્ટીઓ,

શ્રી સાબરમતી આશ્રમના સંલગ્ન છ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,

એક દલિત કર્મશીલ પાસે ગાંધીઆશ્રમના નવીનીકરણનો વિરોધ અપેક્ષિત નથી. દલિતોનાં મન અને હૃદય, પૂના-કરાર દરમિયાન, ડૉ. આંબેડકરનાં વર્ષોના સંઘર્ષ પર, અહિંસક સાધનો દ્વારા ગાંધીએ પાણી ફેરવી વાળ્યું, તેની કડવાશના ઘા રુઝાયા નથી. ગાંધીના વર્ણવ્યવસ્થાના વિચારો રૂઢિવાદી હતા, તેની વિશેષ છણાવટ તો ડૉ. આંબેડકરે કોઈ પણ શબ્દ ચોર્યા વગર કરી છે, એટલે એમાં પડતો નથી. તો આશ્રમના વૈશ્વિક કક્ષાના નવીનીકરણમાં આ વિરોધમાં મારે જોડાવાનું કારણ? મારું નામ નોંધાવવાના મારા પક્ષે કારણો આ છેઃ

૧.  ગાંધી અને ડૉ. આંબેડકર વચ્ચે ભારે મતભેદ પ્રવર્તતા હોવા છતાં બંનેએ એકબીજાનું માન જાળવ્યું છે. પૂના-કરારની કડવાશ ભૂલી, ગાંધીજીને રૂઢિવાદી હિન્દુઓએ રાક્ષસ કહ્યા ત્યારે દુઃખી અને હતપ્રભ ગાંધીને દિલાસો આપવા તેમના કહેણને માન આપી કરારના ત્રીજા જ દિવસે જેલમાં મળવા જનાર ડૉ. આંબેડકર હતા.

૨.  સરદાર પટેલ અને કાઁગ્રેસના ભારે પ્રયત્નો હતા કે ડૉ. આંબેડકર બંધારણસભામાં ચૂંટાય જ નહીં. ડૉ. આંબેડકર, બંગાળના પ્રખર દલિતનેતા અને પાકિસ્તાનના પ્રથમ કાનૂની અને શ્રમમંત્રી જોગેન્દ્રનાથ મંડલના સહકારથી અને મુસ્લિમ લીગના ટેકાથી બંગાળમાંથી ચૂંટાયા. ભારત-પાકિસ્તાનના ભાગલા પડતાં ડૉ. આંબેડકરની બેઠક રદ્દ થઈ. તે સમયે ગાંધીના દબાણથી કાઁગ્રેસે મુંબઈની બેઠક ડૉ. આંબેડકર માટે ખાલી કરવી પડી અને આમ બાબાસાહેબ બીજી વાર બંધારણ-સભામાં ચૂંટાયા અને બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ બન્યા. ગાંધીએ સરદાર અને નેહરુને કહ્યું હતું કે ડૉ. આંબેડકરને બંધારણસભામાં આવતા રોકી એમનું તો તે કશું નહીં બગાડી શકે, પણ દેશનું ભારે નુકસાન ચોક્કસ કરશે.

૩. ગાંધીએ હજુ અમદાવાદમાં પગ માંડ્યો જ હતો અને સાબરમતી આશ્રમનું બાંધકામ સંપૂર્ણ થયું ન હતું, ત્યારે ૧૯૧૭માં ઠક્કરબાપાના પત્રના જવાબમાં ગાંધીએ પ્રથમ દલિતદંપતી દુધાભાઈ અને દાનીબહેન દાફડા અને તેમની નાની દીકરી લક્ષ્મીને આશ્રમવાસી તરીકે સ્વીકાર્યાં. પ્રત્યાઘાત ભારે પડ્યા. બાજુના ખેડૂતે પાણી આપવાની ના પાડી અને દૂધવાળાએ દૂધ આપવાનું બંધ કર્યું. દાન અટકી પડ્યું. ગાંધીનાં મોટા બહેને આશ્રમમાંથી ચાલતી પકડી અને ફરી આશ્રમમાં ક્યારે ય પગ ન મૂક્યો. મગનલાલ ચર્મકામ શીખવા મદ્રાસ જતા રહ્યા. કાકા કાલેલકર પણ ડગમગ્યા. દાનીબહેનના પગ રસોડામાં પ્રવેશતાંની સાથે જ કસ્તૂરબાએ ગાંધી આશ્રમ અને ગાંધીને છોડી પિયર જવાની ધમકી આપી. ગાંધી અડગ રહ્યા અને કસ્તૂરબાને પિયર જવા સામે વાંધો ન ઉઠાવ્યો. કસ્તૂરબા સમસમીને રહ્યાં. પણ હવે અનાજ-પાણી ખૂટી પડ્યાં. સાંજની પ્રાર્થનામાં ગાંધીએ જાહેર કર્યું કે તે આશ્રમ, સામેની સફાઈ-કામદારોની વસ્તીમાં લઈ જશે પણ દલિત દંપતીને આશ્રમમાં જ રાખશે. આ કપરા દિવસોની કોઈક સવારે એક શેઠે આશ્રમને મદદ કરવાનો ગાંધી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. ગાંધીએ તે સ્વીકાર્યો અને બીજે દિવસે એ શેઠ ગાંધીનાં ‘હાથમાં રૂ. ૧૩૦૦૦ની નોટો મૂકી ચાલતા થયાં.’

૪. થોડા દિવસ બાદ નાની લક્ષ્મીને ધૂળમાં રમતી જોઈ કસ્તૂરબાએ ઉપાડી લીધી અને છાતીએ ચાંપી. દુધાભાઈ અને દાનીબહેન મુંબઈ પાછાં ગયાં પણ ગાંધી કસ્તૂરબાના આગ્રહથી લક્ષ્મીને આશ્રમમાં મૂકતા ગયા. લક્ષ્મીને સાસરે ગાંધી-દંપતીએ જ વળાવી. આજ સમયે જ્યારે દુધાભાઈ અને દાનીબહેને ઝંઝાવાતનો સામનો કર્યો તે જ અરસામાં ડૉ. આંબેડકરને અપમાનિત થઈ ત્રણ ત્રણ વાર વડોદરા છોડવું પડ્યું. જો કે ગાંધી-આંબેડકરની પ્રથમ મુલાકાત આ ઘટનાનાં ૧૪ વર્ષ બાદ ૧૯૩૧માં જ મુંબઈના મણિ ભુવનમાં થઇ.

૫. ગાંધી સાથે કોઈ પણ પરિચય ન હોવા છતાં ડૉ. આંબેડકર ગાંધીના ‘સત્યાગ્રહ’ શબ્દથી આકર્ષાયા હતા અને એટલે જ ૧૯૨૭ના મહાડ-આંદોલનનું નામ ‘મહાડ સત્યાગ્રહ’ રખાયું અને સભાસ્થળે ગાંધીનો ફોટો પણ હતો. બંને વચ્ચે જીવનકાળ દરમિયાન આઠ જેટલી મુલાકાત થઈ હતી અને સંબંધમાં ભારે ઉતારચઢાવ આવ્યા. પુના કરાર સમયે ગાંધીના નિકટના સાથીઓએ ડૉ. આંબેડકર માટે જે શબ્દો વાપર્યા હતા, તે મહાદેવભાઈ દેસાઈની ડાયરીના વીસ ભાગમાંથી બીજા ભાગમાં જોઈ શકાય છે.

પણ મારા માટે ગાંધીનો આભડછેટ સામેનો સંઘર્ષ, પણ પોતાના જ આશ્રમમાં પ્રેરણાદાયક રહ્યો છે. ગાંધી કરતાં ય ઠક્કર બાપાનું દલિતો મધ્યે કામ અદકેરું અને ગાંધી ભારત આવ્યા તે પહેલાંનુ રહ્યું છે. પણ ડૉ. આંબેડકરે સ્વીકાર્યું તેમ ગાંધીએ આભડછેટના પ્રશ્નને ભારતના આઝાદીના આંદોલનમાં કેન્દ્રસ્થાને મૂક્યો જરૂર. ગાંધીના સમર્થનમાં આંગળીના વેઢે ગણાય તેટલા જ ગાંધીવાદીઓ હતા, આજની જેમ જ. પોતાના હાથે વણેલ ખાદીમાંથી ગાંધીએ દુધાભાઈ માટે ડગલો સિવડાવેલો. ભારતની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગરવી ગુજરાતમાં બે વસ્તુઓ સાથે ચાલી રહી છે. ૧૨૪૬ કરોડના ખર્ચવાળી વિવિધ નામોલ્લેખ હેઠળ સાબરમતી આશ્રમની વૈશ્વિક કક્ષાની આધુનિક સજાવટ અને ગરીબોની વણબદલાયેલી હાલત.

બેએક મહિના પહેલાં કોરોનાકાળના બીજા તબક્કાના અવરોહણ સમયે, ત્રીજી લહેર આવે, તો કોરોના બાળકોને ભરખી જશે, તેવી વૈજ્ઞાનિકોની દહેશતના જવાબમાં નવસર્જન અને જનવિકાસે સાથે મળી પાંચ હજાર જેટલાં કુપોષિત બાળકો માટે પોષણક્ષમ આહારની ગોઠવણ કરી. ગુજરાતમાં ૨૦૧૯માં જેટલાં કુપોષિત બાળકો હતાં, તેનાથી વધી ૨૦૨૦માં બમણાંથી વધુ બાળકો સરકારના ચોપડે નોંધાયાં છે. આ સરકારી આંકડા પણ કોરોનાના આંકડા જેટલા જ આધારભૂત છે. આણંદ જિલ્લો જ્યારે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં બીજા ક્રમે આવ્યો, ત્યારે વધુ પડતાં આંકડા બતાવી જિલ્લાને બદનામ કરવા બદલ કલેક્ટરે આરોગ્યસેવકોને તતડાવેલા તેવા અહેવાલ સરકારી કર્મચારીઓ પાસેથી જ સાંભળવા મળ્યા. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આ કર્મચારીઓએ કબૂલ કર્યું કે ઉપરથી હુકમ છે ઓછાં બાળકો નોંધવાનો.

એશિયા ખંડની સૌથી મોટી અને શ્વેતક્રાંતિની જનક અમૂલ ડેરી જ્યાં છે, તે જિલ્લામાં અને ગુજરાતમાં ચાર વાર મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો તેવા માધવસિંહભાઈ સોલંકીના પોતાના તાલુકામાં કુપોષિત બાળકોની મસમોટી સંખ્યા વિકાસ અને રાજકીય સત્તાની ગરીબો પર અસર સામે પ્રશ્નો ખડા કરે છે. આ પ્રશ્ન છેડવાનું કારણ એ છે કે સાબરમતી સંગ્રહાલય ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઈએ તાજેતરમાં અમેરિકાના વિવાદાસ્પદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની વિવાદાસ્પદ 'નમસ્તે ટ્રમ્પ’ વાળી મીટિંગમાં પ્રમુખદંપતીને સાબરમતી આશ્રમ દ્વારા આપેલ ભેટ-સોગાદનો મહિમા પત્રકારોને સમજાવતા ગાંધીનું કથન યાદ કરાવેલું. 'જ્યારે ર્નિણય લેવાના તકાજામાં મનમાં સંશય ઊભો થાય, ત્યારે સૌથી છેવાડાના ગરીબને યાદ કરી આ ર્નિણયથી તેના પર શું અસર પડશે તે અંગે વિચારવું’. તમામ પક્ષના રાજકારણીઓ જન્મથી જ છેવાડાના લોકોનો વિચાર કરતા આવ્યા છે, એટલે તેમને તો કંઈ કહેવાપણું ન હોય, પણ વિચારવાનું અને નૈતિકતાનું ભાથું તો હંમેશાં નાગરિકોને માથે જ હોય છે.

કોરોનાકાળમાં જ્યારે કુપોષિત બાળકોને સૌથી વધુ પોષણની જરૂર હતી, ત્યારે જ ગુજરાત સરકારે ભોજનની દૈનિક વહેંચણી બંધ કરી. બદલામાં મહિનામાં એકાદ વાર સુખડી આપવાનો કાર્યક્રમ થયો. આ સુખડીના સ્થળ પરના અહેવાલો અનુસાર કુપોષિત બાળકોના અતિ નબળા દાંત વચ્ચે ભાંગે તેવી સુખડી ન હતી, એટલે ઘણા ભેજાબાજો બાળકોને સુખડી લેવા લઈ જાય અને બધાના ભાગની સુખડી ભેગી કરે. બદલામાં ગલ્લેથી બાળકોને ગોળી ખવડાવે અને સુખડી ગાય અને ભેંસના દાણમાં વપરાય, તેવો ચીલો પડ્યો છે.

અમૂલ ડેરી માત્ર ભારતદેશનાં નહીં પણ અન્ય દેશનાં બાળકો માટે યુનિસેફના અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના માધ્યમથી તે દેશોનાં કુપોષિત બાળકો માટે બાળકો આહારનું ઉત્પાદન કરે છે. લગભગ ૧૫ જિલ્લાના નવસર્જન પાસે અહેવાલો છે કે જ્યાં ઉત્તમ કક્ષાનો અમૂલ દ્વારા બનતો આહાર ગાય અને ભેંસના પેટમાં જાય છે. આ આહારની શરત છે કે તેને ૩૦ ડિગ્રીથી નીચેના તાપમાનમાં સંગ્રહ કરવો, પણ આવી કોઈ વ્યવસ્થા આંગણવાડીમાં ન હોઈ બધો ખોરાક બાળકોને મળે, ત્યારે ખોરો થઈ જવાથી આંગણવાડીની બહાર ઊભેલા પશુપાલકો તેમનાં ઢોર માટે રૂપિયા દસના ભાવે તે ખોરાકનું પડીકું ખરીદી લે છે.

કોવિડની બીમારીથી ભારતમાં ગરીબોની સંખ્યા ૨૬.૫ કરોડથી વધી ૪૦ કરોડ થયાનું અનુમાન છે. દર વર્ષે દુનિયાના દેશોમાં ભૂખ્યા લોકોનું પ્રમાણ મપાય છે. ૨૦૨૦માં ભૂખ્યા લોકો ધરાવના ૧૦૭ દેશની શ્રેણીમાં ભારત ૯૪મા સ્થાને હતું. આપણા પડોશી દેશની સ્થિતિ આપણા કરતાં સારી જણાય છે. આ શ્રેણીમાં શ્રીલંકા ૬૪, નેપાળ ૭૩, બાંગ્લાદેશ ૭૫, મ્યાનમાર ર૭૮ અને પાકિસ્તાન ૮૮માં સ્થાને આવે છે.

પણ ગરીબીની આનાથી ગંભીર વાત એ છે કે ભારતમાં કેટલાં બાળકો ભૂખે મરી જાય છે?

તાજમહેલથી માત્ર સાત કિલોમીટર દૂરના ગલાવિધિચંદ ગામમાં એનાં મા-બાપ, ૪૦ વર્ષની શીલાદેવી અને ૪૫ વર્ષીય પપ્પુસિંઘ અને આઠ ભાઈબહેન સાથે રહેતી પાંચ વર્ષની સોનિયાકુમારી ૨૧ ઑગસ્ટ, ૨૦૨૦ના રોજ મરી ગઈ. સ્થળ પરના અહેવાલ અનુસાર તેના ઘરમાં છેલ્લા ચાર દિવસથી કોઈએ કશું જ ખાધું ન હતું. રાજ્ય સરકારે રાશનકાર્ડ ન હોય તો પણ કોરોનાકાળમાં લોકોને અનાજ વહેંચવું એવો નિયમ જારી કર્યો હોવા છતાં આ કુટુંબને રાહતનું અનાજ રાશનકાર્ડ ન હોવાથી ન આપવામાં આવ્યું. પપ્પુસિંહ ટી.બી.થી પીડાય છે અને કામ કરવા અસમર્થ છે. શીલા ઘરનો એક માત્ર આ આધારસ્તંભ છે અને તે કંઈ પણ કામ કરવા તત્પર હોય છે. વીજળીનું બિલ ૭,૦૦૦ રૂપિયા ચડી જવાથી છેલ્લા એક વર્ષથી ઘરમાં અજવાળું નથી અને પપ્પુ માટે દવાના પૈસા પણ નથી. આ ગામ દલિતોની બહુમતી વસ્તીવાળું છે. પાંચ હજાર કુટુંબની વસ્તીમાં ૨૦૦૦ હજાર કુટુંબ પાસે રાશનકાર્ડ નથી. સરકારી આંકડા પણ એની સાક્ષી પૂરે છે. જો કે એના આંકડા પ્રમાણે ગામમાં રહેતા ૩૬૯૮ પરિવારમાંથી માત્ર ૧૯૧૮ પરિવારને તેણે કાર્ડ વહેંચ્યાં છે. સરકારી કર્મચારીઓ પાસેથી રાશનકાર્ડ કઢાવવા આધારકાર્ડ કઢાવવું જરૂરી છે અને તે કાઢવાનો ભાવ રૂપિયા ૩૦૦ બોલાય છે. સ્થાનિક કર્મશીલની સંસ્થાના સર્વેક્ષણ મુજબ આ ગામમાં માત્ર ૧૯૧ પરિવાર પાસે આયુષ્યમાન ભારતકાર્ડ છે અને તેમાંના મોટા ભાગના ધારકો પૈસાપાત્ર અને કહેવાતા બિન-દલિત પરિવારો છે. સોનિયાના પરિવારનો ચાર દિવસ અગાઉનો ખોરાક 'પારલે જી’ બિસ્કિટ હતાં અને દરેક સભ્યના ભાગે એક બિસ્કિટ આવતું હતું. શાળામાં મધ્યાહ્નભોજન ચાલુ હતું, ત્યારે તો ઘરનાં બેચાર બાળકો ત્યાં જમતાં પણ ખરાં અને મા-બાપ માટે ખોરાક ઘરે લઈ પણ આવતાં હતાં.

આ પરિસ્થિતિ આજના ભારતની છે, જે ગરીબી ગાંધીએ બિહારના ગળીકામદારની જોઈ હતી તે જ. અને જે હિન્દુ બહુમતીની શોધમાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રીને ભારતના બંધારણનું અસ્તિત્વ સલામત ભાસે છે, તે બહુમતીનું આ સોનિયાનું પરિવાર છે. હવે ગાંધી નથી તો ગરીબોને તેમની હાલત પૂછવા કોણ જાય? સોનિયાના મરણ બાદ સ્થાનિક સંસદ-સભ્ય પોતાની ફોજ સાથે તે પરિવારનું રાશનકાર્ડ અને અનાજ લઈને આપવા ગયા, તે જાણવા છતાં કે ગામમાં આ એક જ મરવાના વાંકે જીવતો પરિવાર નથી. આવા પરિવારના દાખલા અન્ય રાજ્યોમાંથી પણ મળી રહેશે.

નવસર્જન પાસે પૈસા નથી, પણ ગમે તેમ દાન ઉઘરાવીને કોરોનાકાળમાં ૧૦૦૦ વિધવાના પરિવારને દર મહિને રાશન આપ્યું. પણ આ તો સમુદ્રમાં એક ટીપા બરાબર પણ નથી. વિધિની વક્રતા એ છે કે ગરીબ લોકોને પેટનો ખાડો પૂરવા થોડા અનાજ માત્રની જરૂર છે, પણ સરકારના કાર્યક્રમ ૧૦૦૦ કરોડથી નીચેના હોતા નથી અને ચૂંટણી નજીક આવે, ત્યારે આ આંકડા અત્યંત મોટા ગણી કે યાદ ન રાખી શકાય તેવા હોય છે.

ટ્રસ્ટનાં અધ્યક્ષ આદરણીય ઇલાબહેન ભટ્ટ છે, તેમના શ્રમશક્તિ અહેવાલનું મથાળું જ એ હતું : આપણે ગરીબ છીએ પણ આપણે ઘણાં બધાં છીએ. પણ ઇલાબહેન, સરકારને ગરીબોની બહુમતીની જરૂર નથી, એમને તો ગાંધીના મેનુબાર પણ અને ગોડસેના મેનુબાર પણ એક ચોક્કસ સંપ્રદાયની બહુમતીની જરૂર છે.

આશ્રમના નવીનીકરણમાં છ ટ્રસ્ટો સંકળાયેલાં છે. એમાંથી બે ટ્રસ્ટનાં નામ ‘સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ’ અને 'ગુજરાત હરિજન સેવક સંઘ’ એવાં છે. આપ બંને મહાનુભાવો ગુજરાતના માજી અને હાલના મુખ્ય મંત્રી છો. આપણી સરકારે 'હરિજન’ શબ્દને માન્ય ગણ્યો છે? જે ભૂમિમાં વિશ્વકક્ષાનો ગાંધીઆશ્રમ બનાવવાનાં સપનાં જોતાં ગુજરાતમાં જો તાકાત હોય અને ગાંધીની નિષ્ઠા પ્રત્યે ગુજરાતીઓને વફાદારી હોય તો પોતાની અટક 'હરિજન’ બદલીને બતાવે. ગાંધીનું ગાંડપણ એ હતું કે કાર્યક્રમની શરૂઆત પોતાથી જ કરતા, પછી એ બકરીના પ્રયોગ હોય કે આયુર્વેદિક દવાના. એમણે તો જાહેરમાં લખ્યું પણ ખરું કે તેમનો પુનર્જન્મ હોય, તો લોકોનાં મળમૂત્ર ફંફોસ્યા કરતી સ્ત્રીના પેટે અવતરવાની ઇચ્છા છે. તમારું મંત્રીમંડળ જે 'દલિત' શબ્દનો પણ કાંટો કાઢી નાંખવા માંગે છે, તે ગાંધીની વિચારધારાના અનુયાયી બની 'હરિજન’ અટક ગ્રહણ કરી બતાવવા તૈયાર છે? ગાંધી એના કામથી, એની વાતોથી અને એના કર્મથી વિશ્વકક્ષાનો હતો, એની ઇમારતોથી નહીં.

અગાઉ વહેલી સવારે હું ઘણીવાર ગાંધી આશ્રમ જતો અને હૃદયકુંજ પાસે બેસતો. જ્યાં પ્રાર્થનાસ્થળ છે, ત્યાં વપરાયેલા નિરોધની હાજરી અંગે મેં ત્યાંના ટ્રસ્ટીઓનું પણ ધ્યાન દોરેલું છે. સંસ્થાઓ તે માત્ર મકાનો અને ચમકીલા બાગબગીચા નથી. આમે ય ગાંધીનો ઓરડો વિવાદિત લોકો માટે જ પ્રવેશપાત્ર છે, સામાન્ય લોકોને તો તેમને જે ગાંધી વહાલો હતો, તેના ઓરડાના દર્શન જાળીમાંથી ડોકિયું કરીને જ કરવાના હોય છે. જે રીતે ચીન-જાપાનઅમેરિકાના મહારથીઓની મુલાકાત ટાણે આપણે સરકારી ખર્ચે દાંડીપૂલની સામેની ગરીબ વસ્તીને ગ્રીન નેટથી ઢાંકી દઈએ છીએ અને ક્યારેક દીવાલ ચણી લઈએ છીએ તેમ.

ગાંધી માટે પાઈ-પાઈની કિંમત હતી. નોઆખલીમાં ગાંધી ન આવે માટે તેમના રસ્તામાં શરાબની બૉટલો તોડીને પગદંડી પર નાંખવામાં આવેલી અને એમાંના ઘણા કાચ ગાંધીના પગમાં વાગેલા. પણ એનામાં ઝનૂન હતું દેશમાં કોમી સંવાદિતા ઊભી કરવાનું. રાત્રે આ જંગલના રસ્તે માત્ર મનુ અને આભાના સહારે જતા. ધૂળમાં લોકો વચ્ચે બેસતા અને લોકોને આઝાદીનું મહત્ત્વ સમજાવતા. એમની વાત સાંભળી ફાનસ પાસે જ લોકો પાઈપૈસો પોતાનો ફાળો નાંખતા. સભા બાદ મનુ-આભાનું કામ પૈસા ગણીને ભેગા કરવાનું અને એનો દૈનિક હિસાબ રાખવાનું. એક દિવસ મોડી રાત્રે રહેઠાણે પાછા આવી સૂતા પહેલાં ગાંધીએ બે કુમારિકાઓ પાસે દાનના પૈસાનો હિસાબ માંગ્યો અને પ્રશ્ન કર્યો કે તેઓ જે કહે છે, તેટલું જ દાન આવ્યું છે કે વધુ? છોકરીઓ રડમસ થઈ ગઈ. પોતા પર ચોરીનો આરોપ? ગાંધીએ સમજાવ્યું : ત્યાં અંધારું હતું અને ધૂળ હતી. શું ખાતરી કે એક પાઈ-પૈસો ધૂળમાં રહી નથી ગયો. ગાંધીએ બે છોકરીઓને ફાનસ લઈ એકલી જગલમાં મોકલી સાથે ધૂળ ચાળવાની ચારણી સાથે. ડરથી ફફડતી મનુ-આભા રાત્રે એકલી ગઈ અને ધૂળ ચાળીને થોડા પાઈ-પૈસા લઈ પણ આવી.

સજ્જનો, ૧૨૫૦ કરોડ રૂપિયાનો વહીવટ કરવો એ તો સરકારના ડાબા હાથનો ખેલ છે. જે ગરીબો ગાંધીનાં મન-હૃદયમાં વસતા હતા, તે ઘરની સ્ત્રીઓએ પોતાની જિંદગીભરની નાની બચત ઘરની ગોદડીમાં પોતાનાં બાળકોના ભવિષ્ય માટે દારૂડિયા પતિની કાતિલ નજરોથી દૂર સંતાડી રાખેલી અને તેને તમે 'ડીમૉનેટાઇઝેશન’ જેવા દેશની ગરીબી જેવા જ ભારે શબ્દના ખોફ વચ્ચે ધૂળધાણી કરી નાંખી એના હિસાબ આપી જાણો તો તમને સલામ. મારી મા પણ ગોદડીમાં જ પૈસા સંતાડતી હતી. એવી ચર્ચા છે કે રાજકીય પક્ષોએ પોતાના કરોડો રૂપિયાનો વહીવટ આ ખાનગી કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ કરી નાંખેલો.

ગાંધીનો આશ્રમમાં પ્રથમ સંઘર્ષ આભડછેટ સામે હતો. તે ઇતિહાસનું ચિત્રણ આશ્રમના નવીનીકરણનો જે નકશો તમે છાપાંઓમાં છાપવ્યો છે, તેમાં હું ભાળતો નથી. તમારી સરકાર તો નવસર્જનના આભડછેટના અભ્યાસથી ડરે છે. નવસર્જને જ્યારે ગુજરાતમાં પ્રથમ વાર ગુજરાતના ઇતિહાસમાં માથે મેલું ઉપાડવાના મુદ્દે વડી અદાલતમાં જાહેરહિતની અરજી ૧૯૯૭માં દાખલ કરી, ત્યારે પણ ગુજરાત સરકારે તો સોગંદનામું એવું કર્યું કે ગુજરાતમાં માથે મેલું ઉપાડવાની પ્રથા અસ્તિત્વ ધરાવતી નથી, કારણ ગુજરાતે તે પ્રથાને ત્રણ-ત્રણ વાર પ્રતિબંધિત જાહેર કરી છે.

અમારી પાસે દોઢેક હજાર ગામના ફોટા છે કે સરકારે 'સ્વચ્છભારતમાં જે હજારો શૌચાલય બાંધ્યાં છે, તેની વાસ્તવિક સ્થળ પરની હાલત કેવી છે. પણ અમારી દરેક પ્રવૃત્તિ તમને ‘રાષ્ટ્રવિરોધી’ લાગે છે, જેમ ગાંધીની પ્રવૃત્તિ અંગ્રેજોને લાગતી હતી.

ગાંધીનો શૌચાલયના મુદ્દે સંઘર્ષ ભારે હતો. ૧૯૧૧માં મુંબઈમાં સફાઈ-કામદારોની હાલતનું ગાંધીએ કરેલું વર્ણન વાંચવા જેવું છે. ઠક્કરબાપાએ એ હાલત જોઈને જ સરકારી ઇજનેરની નોકરી છોડી આ કામમાં ઝંપલાવેલું. પરીક્ષિતલાલ મજુમદાર અને મામા ફડકેનાં નામ કેમ ભુલાય? મામા તો રત્નાગીરીની જેલમાં પોતાને સંડાસ-સફાઈનું કામ મળે તે માટે ઉપવાસ પર ઊતરેલા અને અંગ્રેજ સરકારમાં રમખાણ મચેલું કે જેનું જ્ઞાતિગત કામ નથી, તેને તે કામ આપવું કઈ રીતે? આ ઉપવાસના સમાચારથી મામાના ટેકામાં ગાંધી સહિત સેંકડો લોકો જેલમાં ઉપવાસ પર ઉતરેલાં.

૧૯૩૦માં ગાંધીની ગોધરાની મુલાકાતમાં ત્યાંની દલિત વસ્તીમાં અજીબ અનુભવ થયો. સમગ્ર ગોધરા શહેરનો આ સ્વચ્છ અને સુઘડ વિસ્તાર હતો, પણ દલિત-ફળિયામાં કોઈ મનેખ ન જણાય. બધાં ય ગાંધીને અને તેના કરતાં ય વિશેષ ગાંધીના ભક્તોને પોતાના પડછાયાની આભડછેટથી બચાવવાની ચિંતામાં હતા. ગાંધીના લાખ આગ્રહ છતાં ય કોઈ નીચે ન ઊતર્યું અને અંતે ગાંધીની વાત માની એક વૃદ્ધ નીચે ઊતરી સભામાં છેવાડે દૂર બેઠા. લોકોએ ગાંધીને કહ્યું પણ ખરું કે તમે જાવ પછી એમના ભક્તો એમની બૂરી હાલત કરશે.

ગાંધીએ અહીંયા દલિત બાળકો માટે શાળા શરૂ કરી પણ શિક્ષક ન મળે. મુસ્લિમ શિક્ષક મળ્યો, પણ બાળકોને એવા ફટકારે કે નજીક કોણ આવે અને છેલ્લે આ કામ મામા ફડકેએ ઉપાડ્યું. પણ બાળકો એમાં નાનાં ભાઈ-બહેનને ઘરે કેમ કરી મૂકી શકે? મામાએ કહ્યું કે એમને લઈને આવો. આ નાનાં ભૂલકાં પેશાબ અને ઝાડા પણ શાળામાં કરે. એની સફાઈ અત્યારે ગુજરાતના ગામમાં શિક્ષકો પોતાના માટે બાળકોને માવા-મસાલા લેવા મોકલે છે તેવા ન હોઈ, મામા પોતે કરતા હતા. કાઁગ્રેસના પ્રથમ અધિવેશનમાં મંચ પરથી ઊતરી સંડાસસફાઈ માટે ગાંધીએ ઝાડુ પકડેલું. આશ્રમમાં સંડાસ કેમ બનાવવાં, એમાં રાખ કેટલી નાંખવી અને એમાં ફળનાં વૃક્ષ કેવી રીતે રોપવાં તેની વિશાળ ચર્ચા એમનાં લખાણોમાં છે.

નવસર્જને આપની સરકારને ૨૦૧૭માં ‘આભડછેટ મુક્ત-ભારત’(કાઁગ્રેસમુક્ત-ભારત કે ભા.જ.પ.મુક્ત ભારત નહીં)ના નેજા હેઠળ એક લીટીનું આવેદન આપેલું કે ૧૫મી ઑગસ્ટના રોજ ધ્વજ ફરકાવ્યા બાદ ગુજરાતના માત્ર એક ગામને આભડછેટમુક્ત જાહેર કરો. પણ આપની સરકારને આમેજ કરેલ વિકાસમાં શ્રદ્ધા ન હતી અને તમે તે એક માત્ર ગામ કે જ્યાં આભડછેટ નથી, તેનું નામ ન આપી શકયા. નવીનીકરણ ગાંધી આશ્રમનું નહીં પણ પ્રજાની વર્ણવ્યવસ્થાથી ખદબદતી દૂષિત માનસિકતાનું કરવાનું છે, પણ તે માટે તમારા અને મારા અંતરમાં ગાંધી અને આંબેડકરનું સ્થાન હોવું જોઈએ.

આજે ગુજરાતની કેટલી શાળાઓમાં પાણીનાં માટલાં એક છે? ગુજરાતની કેટલી શાળાઓમાં મધ્યાહ્‌ન ભોજન દરમિયાન બાળકો એક હરોળમાં જમે છે? આઝાદી પછી ગુજરાત સરકારે 'અસ્પૃશ્યતાનિવારણ’નાં કેટલાં કામ કર્યાં? લાંબો ઇતિહાસ યાદ ન રહે તે સ્વાભાવિક છે. એ માત્ર આપની સરકારની કામગીરી જાહેરમાં જણાવો, તો પણ ઘણું. મુખ્ય મંત્રી તરીકે દલિત કે આદિવાસી અત્યાચારની જઘન્ય ઘટનાઓમાં લોકોને દિલાસો આપવા આપ કેટલાં ગામમાં ગયા છો? એકાદ દલિતના ઘરે પહેલાથી નક્કી કરી એના ત્યાં ભોજન લેવાના કાર્યક્રમનું આયોજન કાબિલેદાદ હોય છે. પણ દલિતને પોતાના ઘરે જમવા બોલાવવાનો કાર્યક્રમ હજુ કોઈએ ગોઠવ્યો નથી. આ આભડછેટની વરવી વાસ્તવિકતાઓનું કોઈ ચિત્રણ કે ઐતિહાસિક નિરૂપણ આશ્રમના નવીનીકરણમાં ખરું?

‘હરિજન સેવક સંઘ’ની શરૂઆત પૂના કરાર બાદ દલિતોનો રોષ ઠારવા માટે થઈ. ત્યારે ડૉ. આંબેડકરે ગાંધીને સણસણતો સવાલ પૂછેલો : આ ટ્રસ્ટમાં એક પણ દલિત ટ્રસ્ટી કેમ નહીં? ગાંધીનો જવાબ હતો કે અસ્પૃશ્યતા એ અમારા બિનદલિતોનું પાપ છે, એટલું એનું પ્રાયશ્ચિત્ત છે. સાચું. હરિજન સેવકસંઘની પ્રવૃત્તિઓ કઈ? આજે ગાંધી-આશ્રમમાં સેંકડો લોકો આવે છે, તે શૌચાલયની સફાઈ કોણ કરે છે?

આઝાદી માટે પ્રશિક્ષિત કાર્યકરોની ફોજ ઊભી કરવા ગાંધીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. એમાંના એક ટ્રસ્ટી આદરણીય નારણભાઈ રાઠવા હતા. એમની વૃદ્ધ ઉંમરે તેમની સાથે કામ કરવાનો મને અનુભવ છે. એ વિદ્યાપીઠમાં સભા માટે આવે, ત્યારે ખબર પડી કે એમના માટે ભોજન રસોઇયો રાંધવાના બદલે, બહારથી મંગાવતો હતો. આંખોમાં ઝળઝળિયાં સાથે નારણભાઇ એ મુદ્દે મૌન રહ્યા. પણ હું અસ્વસ્થ થઈ ગયો હતો. આ વિદ્યાપીઠમાં દલિત વિદ્યાર્થીઓ જ્ઞાતિગત ભેદભાવના મુદ્દે અગાઉ રમખાણે ચડ્યા છે? એની જાહેર ચર્ચાઓ થાય ખરી?

ગાંધીના ગયા બાદ આ સંસ્થાઓમાંથી ગાંધીનાં મૂલ્યો પણ ગયાં. જે રહ્યું તે જમીન અને એની સંપત્તિ અને ખાદી-ચરખો-ત્રણ વાંદરાનાં રમકડાં. સંપત્તિનું નવીનીકરણ થાય તેમાં કોઈને વાંધો લેવો અઘરો છે. પણ ગાંધીઆશ્રમમાં આંતરજ્ઞાતીય લગ્નો કે ભોજન-સમારંભો ગોઠવો તો ઘણું. આશ્રમમાં જ ગાંધીએ લક્ષ્મીનાં લગ્ન કરાવેલાં. વર્ધાના આશ્રમમાં, ભારતની બંધારણસભામાં ૧૫ સ્ત્રી-સભ્યોમાં એક માત્ર દલિતસ્ત્રી, દક્ષિયાનીવેલાયુધન, જે ભારતની પ્રથમ સ્નાતક અને તે પણ વિજ્ઞાનશાખામાં ઉત્તીર્ણ થનાર દલિત સ્ત્રી, તેનાં લગ્ન ગાંધી-કસ્તૂરબાએ કરાવેલાં. ગાંધીએ દક્ષિયાનીને છૂટ આપેલી કે વર્ધાના આશ્રમમાં તે માંસાહાર કરી શકે પણ તેમની વિનંતી હતી કે રાંધવાનું કામ એની પોતાની કુટિરમાં જ થવું જોઈએ. ગુજરાતમાં અને ભારતમાં જે કોમો શાકાહારી ગણાય છે, તેમાંના ૪૫ ટકા લોકો માંસાહારી છે. ગાંધી આશ્રમમાં કે ગાંધીવાદી સંસ્થાઓમાંના રસોડાના ભોજનમાંથી વૈચારિક આતંકવાદ દૂર કરવાનું શક્ય છે ?

જિંદગીનો મોટો ભાગ ગાંધીએ કારાવાસમાં વિતાવ્યો. પૂનાની જેલમાં જ કસ્તૂરબા મરણ પામ્યાં. ગાંધીએ પણ સારું મોત ન જોયું. હવે એનું અને એના નામે કરવાનું બાકી શું છે? ગાંધીઆશ્રમમાં નચિકેતભાઈ ધરણા પર બેઠા તો બે ટ્રસ્ટીએ એમને બેસવાની વ્યવસ્થા ગાંધીઆશ્રમની બહાર ફૂટપાથ પર કરી આપી અને પાથરણું પણ આપ્યું. ક્યા ગાંધીના વૈચારિક વારસાનો આપણને ગર્વ છે?

લખવું ઘણું છે પણ અહીં જ પૂરું કરું છું. ગાંધીના ભૌતિક વાતાવરણનું નવીનીકરણ ભલે થાય. એનાથી ઓછા લોકોના પેટમાં તેલ રેડાશે કે બળતરા થશે પણ ૧૨૫૦ કરોડની માતબર રકમથી ઘણા વધારે લોકોને ગલગલિયાં થશે. મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ આઝાદીકાળમાં લખેલુંઃ 'ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાધશે’. લાગે છે તે ક્યારેક ગાંધીના ગુજરાતમાં સાચું પડશે?

૬ સપ્ટેમ્બર, ૨૦૨૧

માર્ટિન મેકવાન

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 05-08

Category :- Opinion / Opinion