ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (8)

સુમન શાહ
13-09-2021

સલાહ રૂપે કહેવાયું છે કે ટૂંકીવાર્તામાં ‘સિન્ગલ ઇફૅક્ટ’ હોવી જોઇએ.

આજે, એ અંગેનું મારું મન્તવ્ય રજૂ કરું :

મને યાદ આવે છે કે ટૂંકીવાર્તાના સાહિત્યપ્રકાર વિશે મેં પહેલો લેખ લખેલો, ‘સ્વાધ્યાય’-માં. એ સામયિક પ્રાચ્ય વિદ્યામન્દિર, મ.સ. યુનિવર્સિટી, વડોદરાથી પ્રકાશિત થતું હતું. લેખનું શીર્ષક હતું : ‘સાહિત્યપ્રકાર અને વિભાવના - ટૂંકીવાર્તાના સંદર્ભમાં’. લેખ પ્રકાશિત થયેલો, ૧૯૭૫માં.

ત્યારથી માંડીને આજ સુધી ટૂંકીવાર્તાએ મારો કેડો નથી મૂક્યો. કેટલીયે વાર્તાઓ લખી, કેટલીયે પાઇપલાઇનમાં છે. કેટલા ય લેખો કર્યા, કેટલાયે લખાશે. ૬ વાર્તાસંગ્રહમાં વાર્તાઓ સંઘરાઈ છે અને ‘કથાપદ’ તેમ જ ‘કથાસિદ્ધાન્ત’-માં લેખો સંઘરાયા છે. ૪૬ વર્ષ થઈ ગયાં …

એ પહેલા લેખમાં મેં ટૂંકીવાર્તા અંગેના ઍડ્ગર ઍલન પોના બે સિદ્ધાન્તની વાત જોડી છે - પ્રોઝ ટેલ - સિન્ગલ ઇફૅક્ટ. પહેલો સિદ્ધાન્ત વાર્તાના ગદ્ય વિશે છે, બીજો, વાર્તામાં હોવી જોઈતી એકમેવ અસર વિશે છે.

વાર્તાના ગદ્ય વિશે બીજી કોઈ વાર, પણ અત્યારે એકમેવ અસર વિશે કહું :

પો એમ કહે છે કે વાચક પર એકમેવ અસર, એટલે કે એક જ અસર, મૂકી જનારી ટૂંકીવાર્તાને જ સારી વાર્તા કહી શકીએ. એમનું તાત્પર્ય મારા શબ્દોમાં કહું તો એ હતું કે વાર્તાની વાચક પર પડનારી અસર કે સમગ્ર પ્રભાવ દ્વિધ, બહુવિધ કે વિવિધ હોય તે ન ચાલે - ટૂંકીવાર્તાની કલાને ઘાતક નીવડે.

Edgar Allan Poe

Picture courtesy : Wikipedia

જુઓ, ટૂંકીવાર્તામાં લાઘવ હશે. તે ટૂંકમાં જ ઘણું સૂચવી દેતું હશે. પણ એને કારણે બધું સુગ્રથિત થતું હશે, કશું પણ આઘુંપાછું બચશે નહીં, એક પણ વાનું કારણ વગરનું હશે નહીં. કથક આમતેમની વાતો કરતો હશે પણ મૂળ વાતને વીસરશે નહીં, જે ગાણું ગાતો હશે એ જ ગાશે. ટૂંકીવાર્તા તીરવેગે જાય છે કહેનારા કહેવા તો એ જ કરે છે કે નૅરેટિવ ઍરો વાંકોચૂંકો ભલે જાય પણ પોતાના ધ્યેયભણી જ જશે.

પછી છે ને … પછી છે ને … કરીને પિતાજી પણ વાર્તાના મૂળ તાંતણાને પકડી લેતા’તા, બગાસું આવતું હોય તો પણ …

આ બધાંને કારણે અને પ્રતાપે વાચકનું ધ્યાન પણ એકત્ર થઈ જશે ને જે અસર પડશે તે પણ એક જ હશે. નવલ કે નાટકમાં વાર્તા અનેક દિશાએ જાય, જવી પણ જોઈએ, ને અવનવી વાતો મૂળમાં ઉમેરાય, ઉમેરાવી પણ જોઇએ. પરન્તુ ટૂંકીવાર્તાને એવો વિલાસ પરવડતો નથી કેમ કે એમાં એટલી જગ્યા જ નથી. વાર્તાકાર જગ્યા કરવા જશે, તો રચના લાંબી કે પ્હૉળી થઈ જશે, ઢીલી પડી જશે, એમાં વરવા ઝોલ પડશે. પરિણામે, વાચક અરધેથી ભાગી જશે.

જેમ કે, મારા આ ચાલુ લેખમાં હું શું કરી રહ્યો છું? મારા વાચકને પકડીને એકમેવ અસરની એ જ એક-ની-એક વાત કરી રહ્યો છું. જાતભાતની વીગતો આપીને, મૂળ દલીલને આમથી તેમ ફેરવીને, મારે કરવું છે એટલું જ કે મારો વાચક એકમેવ અસરના મુદ્દાને ચિત્તસાત્ કરી લે, આત્મસાત્ કરી લે. સમજી જાય કે ટૂંકીવાર્તાની કલાના કલાકારે આ કરી બતાવવું અનિવાર્ય છે ને એમાં એની સર્જકતાની કસોટી છે. જો હું બીજીત્રીજી વાતો કરું તો વાચકનું ધ્યાન હરતુંફરતું થઈ જાય ને સરવાળે એ કશું જ લાભે કે પામે નહીં, ભાગી જાય. બને કે હું પણ મારા એવા યદ્વાતદ્વાના દબાણે કરીને ગપાટે ચડી ગયો હોઉં.

શિકાગોમાં અશરફ ડબાવાલાને ત્યાં એક વાર મેં ટૂંકીવાર્તા વિશે મારી વાર્તાઓને સંડોવીને વ્યાખ્યાન આપેલું. ત્યારે કહેલું કે માણસનું જીવન અપાર અને અતાગ છે. સતત ગૂંચવાતું અને ચારેય દિશામાં ફેલાતું રહેતું છે. ટૂંકીવાર્તાનો કલાકાર એનો તાગ લેવા માગે છે. એ માટે જીવનને કોઇ એક ઘટનામાં કેન્દ્રિત કરે છે, પોતાને સૂઝેલા કોઇ એક વિશિષ્ટ ઢાળામાં ઢાળે છે. એવી રીતે કે એ આખ્ખા કમઠાણનો આપણા પર એક સુગઠિત પ્રભાવ પડે.

મેં કહેલું કે સારી ટૂંકીવાર્તામાં કથકે માંડેલી વાત એક અને એક રહે છે, એમ જ રહેવી જોઈશે. કથક અને એનો જનક વાર્તાકાર સમજે છે કે ટૂંકીવાર્તાની અસર ચોતરફ દોડતી ફેલાતી વસ્તુ નથી, એ તો ચોતરફથી રસિત થતો આવતો એક સંઘાત છે. સમજે છે કે પોતે એવી અસર આપશે, એવો પ્રભાવ પાડશે, કે રચના ગમે એટલી ટૂંકી કે દીર્ઘ પણ લાગતી હોય, વાચક એને છોડશે નહીં.

મેં કહેલું કે ટૂંકીવાર્તાનું ટૂંકાપણું ટૂંકમાં પતાવી દેવા માટેનો ખેલ નથી. જે કરવાનું છે તે ટૂંકાપણાને વશ રહીને કરવાનું છે. એટલે, સમજુ વાર્તાકાર પથારો નથી કરતો, ઊંડાણને તાકે છે, ઉતરાય એટલો ઊંડે ઊતરે છે. કામ, લાગે છે સરળ, પણ છે અઘરું. ચોમેર ઢણકવાનું, પણ ખીલે બંધાયેલા રહીને !

Charles Pierre Baudelaire

Picture courtesy : CNRSnews

નીચે જે કહ્યું છે એને ‘એકમેવ અસર’-ના મારા મન્તવ્ય સાથે કશી લેવાદેવા નથી.

ટૂંકીવાર્તાના પ્રારમ્ભકાલીન પ્રણેતાઓમાં ઍડગર ઍલન પો પણ છે. ટૂંકીવાર્તાને વિશેની એમણે કરેલી બીજી વાતો હવે કાલગ્રસ્ત છે. પણ જગવિખ્યાત ફ્રૅન્ચ કવિ બૉદ્લેર આ પો સાથે કેટલુંક વૈચારિક સામ્ય અનુભવવા લાગેલા. એમણે ૧૫ વર્ષના ગાળામાં પો-ની સાહિત્ય સૃષ્ટિમાંથી નવલ નિબન્ધ વગેરે અનેક કૃતિઓનો ફ્રૅન્ચમાં અનુવાદ કરેલો. એમાં સૌથી વધુ હતી પો-ની વાર્તાઓ, ત્રણ ગ્રન્થમાં : ઍક્સ્ટ્રાઑર્ડિનરી સ્ટોરીઝ, ન્યૂ ઍક્સ્ટ્રાઑર્ડિનરી સ્ટોરીઝ. ગ્રોટેક્સ ઍન્ડ સીરિયસ સ્ટોરીઝ. કહે છે, આ મનગમતા કામે બૉદ્લેરને ઠીક ઠીક કમાણી કરી આપેલી - તંગીના દિવસો હતા, કવિને જરૂર હતી.

= = =

(September 12, 2021: USA)

Category :- Opinion / Literature