મુશ્કેલ સમયમાં (61)

સુમન શાહ
11-09-2021

કોરોના કોરોના મૃત્યુ મૃત્યુ વૅક્સીન વૅક્સીન, એ સિવાયનું કશું જાણે આ સંસારમાં છે જ નહીં !

કોરોનાને કારણે કે અન્ય કારણે થયેલાં સ્વજનસમ મિત્રના, સગાંના અને અનેક પરજનોનાં મૃત્યુ દુખદ નીવડે છે. એ મુશ્કેલ સમયમાં મને હમેશાં સાહિત્ય પાસે જવાનું ગમ્યું છે.

દરેક મૃત્યુની આગળપાછળના બનાવોની કોઈ વાર્તા માંડે તો કેવી હોય, એની કલ્પના કરવા જેવી છે. એ વાર્તા, મા કહે કે કોઈ બીજું સ્વજન કે પ્રિયજન, તો કેવી હોય … અચાનક થાય તો કેવું હોય … પહેલેથી ખબર હોય કે થવાનું છે તો કેવી હોય … વગેરે.

આજે વાત કરવી છે, એ જ મારા પ્રિય નવલકથાકાર ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝની ઓછી જાણીતી પરન્તુ હત્યાથી થયેલા મૃત્યુની સુન્દર વાર્તા પીરસતી લઘુનવલ, ‘ક્રૉનિકલ ઑફ અ ડેથ ફોરટોલ્ડ’-ની.

આ કૃતિનો મેં અનુવાદ શરૂ કરેલો અને ઠીક ઠીક ભાગ પૂરો કરેલો, પણ કૉપિરાઇટના કાયદાને કારણે પરવાનગી ન મળી. એ વાતનો અફસોસ છે પણ એ નવલની આમ વાત કરતાં તો મને કોણ રોકવાનું છે? અરે, માર્ક્વેઝ પણ મને જોતા રહી જાય !

મેં અનુવાદમાં શીર્ષક રાખ્યું છે, ‘પૂર્વકથિત મૃત્યુનું વૃત્તાન્ત’.

વાત તો આટલી જ છે કે કોઇની હત્યા થઇ છે ને કથક એનું શ્રોતા આગળ વૃત્તાન્ત માંડે છે.

પણ હત્યા પૂર્વકથિત હતી. તો સવાલ એ કે પૂર્વકથિત કેમ હતી. કથકને અને માર્ક્વેઝને એનો ઉત્તર વાળવાની પડી નથી કે ઉતાવળ પણ નથી. શીખવા જેવી છે, માર્ક્વેઝની કથનકળા.

કથનકળાનો મને દેખાયેલો પહેલો વિશેષ : મુખ્ય બનાવના તોડીફોડીને ટુકડે ટુકડા કરી દીધા છે. બે ટુકડા વચ્ચે જાતભાતનાં કથનની સરવાણીઓ વહે છે.

એ પ્રકારે સ્થળ અને સમયને પણ શકલ શકલમાં વેરવિખેર કરી દીધાં છે. બે શકલ વચ્ચે કથનની સરવાણીઓ એકમેકને મળતી ને વળી છૂટી પડતી સંચરે છે.

ભૂતકાળનો એક શકલ થોડો વહેતો થાય ત્યાં કથક એવા વર્તમાનમાં ચાલી જાય, જે તરત પાછો પેલા ભૂતકાળમાં ભળી જવાનો હોય.

નવલનો પ્રારમ્ભ આ રીતે થાય છે. એનો કેટલોક અંશ આપું :

સાન્ત્યાગો નાસરની એ લોકો હત્યા કરવાના’તા તે દિવસે એ સવારના સાડા-પાંચે ઊઠી ગયેલો કેમ કે બોટમાં બિશપ આવવાના’તા. એના સપનામાં એ ટિમ્બર-વૃક્ષોનાં વનમાં થઇને જઇ રહ્યો’તો. મૃદુ શીકર વરસતી’તી. એને સારું લાગેલું પણ જાગ્યો ત્યારે એને થયું, પોતે પક્ષીની અઘારથી પૂરેપૂરો છંટકાઇ ગયો છે.

“કાયમ એ વૃક્ષોનાં સપનાં સેવતો” - મને ૨૭ વર્ષ પછી સાન્ત્યાગોની મા પ્લાસિદા લિનેરોએ કહેલું. પ્લાસિદા એ દુ:ખદાયી સોમવારની વીગતો વાગોળતી’તી. કહે, “અઠવાડિયા પહેલાં એને સપનું આવેલું - ટિનની ફૉઇલના ઍરોપ્લેનમાં પોતે એકલો છે ને બદામનાં વૃક્ષોનાં વનમાં થઇને ઊડી રહ્યો છે - કશે ય અથડાયા વગર”.

પ્લાસિદાને બીજાંઓનાં સપનાંનાં અર્થો કરતાં સરસ આવડે. જો કે, સપનું એને, એ જમવા બેસે એ પહેલાં કહેવું પડે. દીકરાનાં એ બન્ને સપનાંમાં એને કશા વરવા શુકન કે અપશુકન નહીં વરતાયેલા. દીકરાએ મૃત્યુ અગાઉની સવારોએ કહેલાં વૃક્ષોનાં સપનાંમાં ય એને એવું કશું નહીં વરતાયેલું.

સાન્ત્યાગો નાસરને પણ એવું કશું નહીં વરતાયેલું. કપડાં બદલીને નહીં પણ પ્હેરેલે કપડે સૂતેલો તે ઊંઘ આછીપાછી આવેલી. જાગ્યો ત્યારે માથું દુખતું’તું ને તાળવા પર તાંબાના પૅડલ પરની છિ: હતી ! એનો અર્થ એણે એમ કરેલો કે એ તો લગનની મધરાતે મૉડે લગી ચાલેલી મોજમસ્તીભરી ધમાચકડીને લીધે.

એ પછી : ઘરેથી છ-ને પાંચે નીકળીને લોકોને એ હડીઓ કાઢી વટાવી ગયેલો તેના કલાક બાદ એક ડુક્કરની જેમ એને વધેરી નંખાયેલો.

એને એમ કે પોતે જો કે ઘૅનમાં છે પણ મૂડ સારો છે અને બોલેલો પણ એમ જ કે દિવસ આજનો કેવો સરસ છે. બધાંને એમ લાગેલું કે રોજિન્દા હવામાન વિશે કહે છે. ઘણાંને એમ લાગેલું કે કેળ-વનમાં થઇ આવતા દરિયાઇ પવનોભરી ખુલ્લી સવાર વિશે કહે છે - ફાઇન ફેબ્રુઆરીના દિવસોમાં તો એમ જ હોય ને ! પણ ઘણાંને એમ થયેલું કે હવામાન મુડદાલ છે - વાદળિયું નીચું આકાશ, સ્થિર રહી ગયેલાં પાણી, એની બોજિલ ગન્ધ, બધું શોકગ્રસ્ત. ઘણાંને એમ થયેલું કે એણે સપનામાં જોયેલી એવી જ પાતળી શીકર એ કમનસીબ ઘડીએ ખરેખર વરસતી’તી.

લગન વખતની ધમાચકડી પછી મારિયા ઍલ્યાન્દ્રિના સર્વાન્તેસના ઉપદેશાત્મક ખૉળામાં હું તો જપી ગયેલો ને માત્ર અલાર્મ બેલ્સના ઘંટારવથી જાગી ગયેલો. મને થાય, એ લોકોએ બિશપના માનમાં બધા ઘંટ વાગતારમતા મેલી દીધા છે કે શું …

સાન્ત્યાગો નાસરે શર્ટ અને વ્હાઇટ લિનનનું પાટલૂન પ્હૅરેલાં. બન્ને કપડાં લગનને આગલે દિવસે પ્હેરેલાં એવાં જ - કાંજી વગરનાં. એ એનો ખાસ પ્રસંગો માટેનો પોશાક. કેમ કે બિશપ આવવાના’તા. નહિતર તો સોમવારે સોમવારે ‘ધ ડિવાઇન ફેસ’ જતાં ચડાવતો એ જ એનાં ખાખી ને ઘોડેસવારી વખતના રાઇડિન્ગ બૂટ જ ચડાવ્યા હોત.

‘ધ ડિવાઇન ફેસ’ ઢોરાંને પાળવા-પોષવાનું વિશાળ ફાર્મ. બાપુના વારસામાં મળેલું. પૂરી ચોક્ક્સાઇ ને ગણતરીથી વિકસાવેલું પણ નસીબે યારી નહીં આપેલી …

ગામડે તો એ બેલ્ટમાં મૅગ્નમ.375 ખોસે ને બુલેટોનું પોતાનું બખ્તરબંધ પણ પ્હૅરે. એના કહેવા પ્રમાણે, ઘોડાનાં વચમાંથી ઝટ બે ફાડચાં કરી પાડે ! પાર્ટ્રિચ (બાજ જેવાં પક્ષી) પક્ષીઓની મૉસમ હોય ત્યારે જોડે બાજબાજીનો સરંજામ પણ રાખે. કબાટમાં એ મારિચર શ્યુનવા 30.06 રાઇફલ રાખે, એક હોલાન્ડ મૅગ્નમ 300 રાઇફલ, એક ડબલ-સ્ટ્રૅન્થ ટેલિસ્કોપિક સાઇટવાળી હરનેત.22 અને એક વિન્ચેસ્ટર રીપીટર.

કાયમથી એ બાપુ સૂતા એ જ રીતે સૂતો - ઉશિકા નીચે હથિયાર છુપાવી રાખવાનું. પણ તે દિવસે ઘરેથી નીકળતાં પહેલાં બુલેટ્સ એને કાઢી નાખેલી ને નાઇટ-લૅમ્પના ડ્રૉઅરમાં મૂકી દીધેલી. “કદ્દી પણ એ એને લોડેડ રાખે નહીં”, મને પ્લાસિદાએ કહેલું.

ખબર પડેલી મને ને એ ય ખબર પડેલી કે બંદૂકો એ એક જગ્યાએ સંતાડે છે ને દારૂગોળો ખાસ્સા દૂરની જગ્યાએ - જેથી ઘરમાં કોઈને અમસ્તાં ય લોડ કરવાની લાલચ ન થાય. આમ તો એ બાપુએ પાડેલો ડહાપણભર્યો રિવાજ.

કેમ કે એક વાર બનેલું એવું કે ઉશિકું કાઢવા નોકર છોકરીએ કેસ એવું તો હચમચાવેલું કે પિસ્તોલ બહાર પડી ગયેલી - નીચે ફ્લોર પર - ને ગોળી છૂટેલી તે રૂમનું કબાટ ભાંગીને લિવિન્ગ રૂમની દીવાલમાં થઈ સીધી ડાઇનિન્ગ રૂમની બાજુના બારણે અથડાયેલી - મોટ્ટો ધડાકો, જાણે ખૂંખાર લડાઇ થવાની.

ચૉકની સામેના ચર્ચના પૂજાપ્રાર્થનાના પ્રમુખ ટેબલ પરથી લાઇફ-સાઇઝના સન્ત ઊથલી પડેલા - પ્લાસ્ટર ભાંગીને ભૂકો. સાન્ત્યાગો ત્યારે કિશોર, પણ આ દુર્ઘટનાથી એને અવિસ્મરણીય બોધપાઠ મળી ગયેલો, કદ્દી ભૂલેલો નહીં.

બેડરૂમમાંથી આંખના પલકારામાં એ જે રીતે નીકળી ગયેલો - એ એની એક માત્ર છેલ્લી છબિ મા-ને યાદ હતી. એ પહેલાં સાન્ત્યાગોએ એને જગાડેલી, ઍસ્પિરિન માટે બાથરૂમના કબાટમાં ફાંફાં મારતો’તો, પ્લાસિદાએ લાઇટ કરેલી, હાથમાં પાણીના ગ્લાસ સાથે જોયેલો એને, ડોરવે-માં. મા માટે એ એક જ દૃશ્ય અવિસ્મરણીય બની ગયેલું. પછી સાન્ત્યાગોએ પોતાનું સપનું કહી બતાવેલું. જો કે ત્યારે પ્લાસિદાએ વૃક્ષોને ખાસ કંઈ ધ્યાનમાં નહીં લીધેલાં.

કહેલું, “પક્ષીઓનું સપનું આવે તો સમજવું સ્વાસ્થ્ય સારું છે.”

આ વિસ્મૃત ગામમાં હું ત્યારે પાછો ફરેલો. વેરવિખેર ઘણા બધા ટુકડા ભેગા કરીને સ્મૃતિના તૂટેલા દર્પણને જોડવા કરતો’તો. ત્યારે પ્લાસિદાને મેં એ જ હૅમકમાં - જાળીદાર ઝૂલામાં - ઘરડાપાથી ઝાંખાંપાંખાં દીસતાં સાષ્ટાન્ગે સૂતેલી જોયેલી - જે હૅમકમાં, જે રીતે, એણે સાન્ત્યાગોને જોયેલો.

એનાથી અજવાળું સ્હૅવાતું ન્હૉતું. બેડરૂમમાંથી દીકરો જે પ્રકારે ચાલી ગયો તેથી કે શું, માથાનો દુખાવો એનો સનાતન હશે, તે ઇલાજ રૂપે, ગાલ પર એણે કશાં ઔષધ-પર્ણો ચૉંટાડી રાખેલાં. હૅમકના છેડેની દોરીઓ પકડીને એ બેઠી થવા મથેલી ત્યારે અરધા પડેલા પડછાયાઓમાં બાપ્ટિસ્ટ્રિની - ચર્ચના બાપ્તિસ્મા માટેના સ્નાનકુણ્ડની - કશી સુગન્ધે મને હત્યાની એ સવારે ચૉંકાવી દીધેલો.

જેવો મેં ઊંબરે પગ મૂક્યો કે તરત એણે સાન્ત્યાગો નાસરનાં સ્મરણોથી મને મૂંઝવી માર્યો. “એ ત્યાં ઊભેલો”, એ બોલેલી, “સાદા પાણીથી ધોયેલા સફેદ લિનનમાં હતો, કેમ કે, એની ત્વચા એટલી તો કોમળ કે કાંજીના કડ કડ અવાજ એનાથી કદી સ્હૅવાય નહીં”.

ઘણા વખત લગી એ હૅમકમાં બેસી રહેલી, મરીયાં જેવાં તીખાં કશાંનાં બી ચગળતી રહેલી, ભ્રમણામાં, કે ગયેલો દીકરો જાણે પાછો આવી ગયો છે. પછી નિસાસાથી બોલેલી : “મારી જિન્દગીમાં એ તો હતો મરદનો બચ્ચો."

બીજા અંશ, અનુકૂળતાએ …

= = =

(September 10, 2021: USA)

Category :- Opinion / Literature