શોર્ટ કટ

વલ્લભ નાંઢા
03-09-2021

ડિસ્કોની ધમધમાટી અને કાન ફાડતું મ્યુઝિક, જુવાન છોકરાઓ સાથે કમર નચાવી યૌવનનો રસ પીતી પોતાની ઉંમરની છોકરીઓની કિકિયારી ... રાકેશે લંબાવેલા હાથમાં વીંટળાઈને નીતા તરફડીને નાચવા લાગી. ધમ ધમ ધમ! પાછા ફરવાનો સમય થઈ રહ્યો હતો પણ પાર્ટીનો નશો તેના કાનમાં ઢોલ વગાડતો હતો. નાચ, નાચ, નાચ! રાકેશ, પછી દિલીપ, પછી રોશન, પછી કરન, જોગિન્દર, પછી અહમદ … લાંબા વાળવાળા, કાને બુટિયાંવાળા, મૂછાળા ને ભૂંગળી જેવા વાળવાળા બ્લ્યુ જિન્સ પહેરેલા જુવાન મજબૂત પગવાળા છોકરા નીતાની નસોમાં શરાબ રેડતા હતા. દરેક છોકરો તેના કાનમાં છાનું છાનું કશું કહેતો હતો. કામુક કશું બોલતો … ચાલ, મારી કારમાં મારા ઘેર; અથવા ચાલ મારી સાથે કાર્ડિફ્ની મારી કૉટેજમાં. નીતાને જીવનમાં પહેલીવાર પોતાના બદનના જાદુનો અહેસાસ થયો. કઠોર પિતાની ચેતવણી, સમયપાલનના આગ્રહો વગેરે દૂર દૂર જવા લાગ્યું. તેને થયું કે કિશોરાવસ્થામાંથી તેણે જુવાનીમાં ભૂસકો માર્યો છે. આ ડિસ્કો પાર્ટી, તેમાં પિવાતી શરાબ, અને મારીજુઅનાનો ઘૂંટ તે પોતાની જિંદગીનો આસવ પીવા માટેનો શોર્ટ કટ છે. બહેનપણીઓની નજર ચુકાવી જોગિન્દરની સાથે તે ઓરડાની બહારની બાલ્કનીમાં આવી. નીચે આખું શહેર તેની જુવાનીને વધાવતું હતું - શાબાશ. જાણે તેના જવાબમાં તેણે જોગિન્દરની પાઘડી ખેંચીને તેના કાનમાં કહ્યું, "યુ મેઈક મી હેપી." તેના કથનના જવાબમાં ઓરડામાં સંતરીની જેમ ઊભેલા ગ્રાન્ડફાધર ક્લોકમાં ડંકા પડ્યા. એક બે ત્રણ .. ત્રણ વાગ્યા!

નીતાએ ચોંકીને પોતાની રિસ્ટવૉચ તરફ નજર નાખી. જાણે આટલું મોડું કરાવ્યાનો વાંક પોતાના કાંડા ઘડિયાળનો હોય.

***

વિશ્રામસિંહ રજપૂતે ચોંકીને આંખ ચોળી. રાતના ત્રણ વાગ્યા હતા. પુત્રીની રાહ જોતાં જોતાં તે દીવાનખાનાના સોફામાં ઊંઘી ગયા હતા. નીતા અઢાર વરસની થઈ ગઈ હતી. તેને મોટા થવાની ઉતાવળ હતી. વિશ્રામસિંહજીએ કઠોર હાથે તેને શિસ્તમાં ઉછેરી હતી. સંતોષબા દીકરીનું ઉપરાણું લેવા આવે ત્યારે વિક્રમસિંહની આંખ જોઈને પાછાં પગલે ચાલ્યાં જતાં. મા-દીકરી છાનું છાનું રડી લેતાં, પરંતુ વિક્રમસિંહ મચક ન આપતા .. મોડું થાય તો તેની સજા ભોગવવાની હોય. નીતાના મનમાં છવાઈ જવું જોઇએ કે ડેડી સમયપાલનના આગ્રહી છે. જરા ય વહેલુંમોડું સાંખી લેશે નહિ! એમના આ ફોજદારી હુકમનું ઘરના દરેક સભ્યે ચુસ્તપણે પાલન કરવાનું છે. સવારે ઊઠવાનો સમય, ચા- નાસ્તાનો સમય, બપોરે ભોજનનો સમય, બપોરે ચાનો સમય, સાંજે વાળુનો સમય ને રાત્રે સૂવાનો સમય બધું ડેડીએ નિયત કરેલું. તેમની આજ્ઞાનું ઉલંઘન કરનારને ડેડી ધોઈ સૂકવી નાખતા. અને તો ય આજે નીતા રાતના ત્રણ વાગ્યા સુધી બહાર હતી. વિશ્રામસિંહને અંદરથી કોઈ કહી રહ્યું હતું કે, દીકરી ઉપરથી તેમનો કાબૂ ઓછો થતો જાય છે. નીતા આવશે તો કોઈની સાથે આવશે કે ટેક્સીમાં? તેની પાસે પૈસા હશે કે પોતાને આપવાના થશે? શું નીતા મોડી આવ્યા છતાં પિતાને જગાડીને ટેક્સીના પૈસા માગવા જેટલી ઉદ્ધત થઈ ગઈ છે? કે લપાતીછુપાતી આવીને પોતાના રૂમમાં જઈને સૂઈ જશે? આ પરિસ્થિતિ વિશ્રામસિંહ ચલાવી શકે નહિ. તેમણે કશુંક નિર્ણાયક પગલું લેવાનું નક્કી કર્યું અને સોફામાંથી ઊભા થયા.

***

જોગિન્દરે કહ્યું કે ચાલ મારી સાથે, નોટિંગહિલ પાસે મારો ફ્લેટ છે. કાલે સવારે તારા ઘરે મૂકી જઈશ, આજની રાત આપણે આનંદ કરીએ. કોઈ બીજો દિવસ હોત તો નીતાએ આવું સાંભળતાંવેંત કહેનારને તમાચો મારી દીધો હોત, કે મુઠ્ઠી વાળીને ભાગી ગઈ હોત, કે ચીસો પાડી હોત. પણ આજની રાતના બાર વાગ્યા પછી તેણે અઢારમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજથી તે પોતાના ડેડી, મમ્મીની ગભરુ બેબી નથી, નીતા નીતા છે! ખબરદાર! હવે કોઈએ તેને કહેવાનું નથી કે ક્યારે ઊઠવું ને ક્યારે સૂવું ને કોની સાથે સૂવું! હો હો હો … નીતાનું માથું ચક્કર ચક્કર ફરવા લાગ્યું. તેણે જોગિન્દરના ગળે બે હાથ મૂકી દીધા. તેની બહેનપણીઓ કાયમ તેની મશ્કરી કરતી : હજી તારે કોઈ બોયફ્રેન્ડ નથી, હજી તું વર્જિન છો, હજી તું બા-બાપુજીના કહ્યામાં રહે છે ….. હો હો હો … હવે તે બધું સમાપ્ત. નીતા નીતા છે.

બાલ્કનીની ઠંડી હવામાં નીતાને ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે પોતે નીતા છે. તેમ જ તેને એક ઘર છે, જેના દીવાનખાનામાં તેના ડેડી હાથમાં સોટી લઈને સોફામાં બેઠા છે. આજ ને આજ તો નીતા ઘરમાંથી બહાર રહેવા જઈ શકે નહીં. આજની રાત તો તેને ઘરે જવાનું છે. પિતાનો ક્રોધ જીરવવાનો છે. અને કાલથી તે જોગિન્દરની સાથે રહેવા ચાલી જશે. ડેડીને જે કરવું હોય તે કરી લે. નીતા પોલીસમાં જઈને કહી આવશે કે તેના પિતા તેને હેરેસ કરે છે. કેમ કે હવે નીતા નીતા છે.

જોગિન્દર પોતાનો ગ્લાસ ભારવા અંદર ગયો, અને નીતા તેની પાછળ પાછળ ફરી રૂમમાં પ્રવેશી. આ એક ગ્લાસ જોગિન્દર પી લે, એટલે નીતા તેને કહેશે કે હું કાલે તારે ત્યાં રહેવા આવું છું. આજે મને મૂકી જા. મારા પિતા કંઈ કહે તો મારું રક્ષણ કરજે. જોગિન્દર હોંશે હોંશે હા પાડશે કારણ કે નીતાની પાછળ એ ગાંડો છે. કૉલેજના બધા છોકરા ગાંડા છે. નીતાએ કોઈને હાથ લગાડવા દીધો નથી. જે નીતાને જીતે તે કોલેજનો શૂરવીર ગણાશે. જોગિન્દર કહેશે કે નીતા ઈઝ માઈ ગર્લ! અને કોલેજમાં એ બેની જોડી બધાની ઇર્ષાને પાત્ર બનશે. આહ, લાઈફ ઈઝ સો સ્વીટ!

જોગિન્દર રાકેશને કાંઈક કહેતો હતો. નીતા તે સાંભળવા પાસે ગઈ. રાકેશ અને જોગિન્દર બીજા બે છોકરાઓની પાસે ગયા. મોહન અને એહમદ ચાર છોકરાઓ અને ચાર છોકરીઓ : નીતા, રીટા, નિક્કુ  અને લલિતા. બધાંએ અત્યારે જોગિન્દરના ફ્લેટ પર જવું અને જલસા કરવા.

નીતાના કાનમાં ભમરા ફરી ગયા : એકીસાથે ચાર-ચાર છોકરાઓની સંગત એક જ રાતમાં? તેના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. તેણે રીટા અને નિક્કુને પાસે ખેંચીને પર્સ લઈને બહાર ભાગવા કહ્યું. ત્રણે છોકરીઓ શું શું કહેતી, પોતપોતાના ઓવરકોટ પહેરીને બહાર નીકળે તે પહેલાં નીતાએ ચીસ પાડીને ટેક્સી – સ્ટેન્ડ પર ઊભેલી ટેક્સીને હાથ કર્યો. જાણે તેની ઉંમર ફરી પાછલા પગે જતી હતી. પુખ્ત યુવતીમાંથી ફરી બાળકી, ડેડી-મમ્મીની બેબીડૉલ બની ગઈ હતી.

અને અત્યારે આટલું મોડું થઈ ગયું હતું. નીતા ગભરાટ અનુભવી રહી હતી …. ફરી ડેડીની સોટીનો ડર લાગી રહ્યો હતો …. ટેક્સીમાં તેણે બહેનપણીઓને છોકરાઓના કાવતરાની વાત કરી : ચારેયનું કાવતરું હતું કે ચારે છોકરીઓને દારૂ પાઈ નશો કરાવી ફ્લેટમાં લઈ જવી. દરેક છોકરી સાથે દરેક છોકરો મજા કરી લે તે પછી સવારે કાઢી મૂકવી, અને બીજા દિવસે કૉલેજમાં તેનો ઢંઢેરો પીટીને છોકરીઓને વધુ હ્યુમિલિયેટ કરવી. તેનો વિચાર આવતાં નીતાને ડેડીની સોટીઓ વધુ હૂંફ આપતી હતી. ઘરે જઈને પિતાને પગે પડીને કહેશે કે સોરી, હવે આવું નહીં કરું.

ટેક્સીમાં બેઠાં પછી પણ નીતાને આ જ વિચારો સતાવી રહ્યા હતા. ડેડીને સામે ચાલીને કહેવું ને ક્ષમા માગવી કે દબાતે પગલે ચૂપચાપ દાદરો ચડી જવો અને લપાતાછુપાતા પોતાના બેડરૂમમાં સરકી જવું! મમ્મીની વાત જુદી છે. એ નીતાને સારી રીતે સમજી શકે છે …. જરા લિબરલ છે …. નીતા તરફ થોડો સમભાવ પણ રાખે છે, પણ ડેડીના મનમાં તો કોઈ પણ હિસાબમાં નહિ. એ જે કરે, એ જે કહે તે જ સાચું! ડેડી ગુસ્સે થયા હોય ત્યારે મમ્મી તેનું ઉપરાણું લેવા દોડી આવતી અને વારવાની કોશિશે લાગી જતી. એટલે આજે પણ મમ્મી તેનો બચાવ કરવા દોડી આવશે તેવી ધરપત હોવા છતાં ડેડીનો કડક ચહેરો યાદ આવી જતાં ફફડી ઊઠી.

મોડું થયાની દોષભાવના નીતાના મનમાંથી હટતી નહોતી. વળી પાર્ટીમાં મોડું થયું તેમાં દોષ તેની એકલીનો ન હતો. એ તો અગિયાર વાગ્યાથી ઘરે પહોંચવા તલપાપડ બની હતી પણ રીટા અને નિક્કુએ ફોર્સ કરીને ડિસ્કો પૂરો થાય ત્યાં સુધી તેને રોકી રાખી હતી. અને નીતા બન્ને બહેનપણીઓના આગ્રહને ઠેલી શકી નહોતી … વધુમાં છોકરાઓની ચાલબાજીમાં તે આવી ગઈ હતી. આમ ત્રણ ક્યાં વાગી ગયા તેની નીતાને ખબર પણ નહોતી રહી! પણ અત્યારે રિસ્ટવૉચના ડાયલ પર નજર નાંખતાં તેને ગભરામણ છૂટી પડી હતી.

અચાનક રીટાની નજર પાછળ આવતી બે હેડલાઈટો તરફ ગઈ : તેણે ચીસ પાડી; અરે! રાકેશની ગાડી પીછો કરે છે!  નીતાએ ટેક્સીવાળાને ઝડપ વધારવા બૂમાબૂમ કરી મૂકી. છોકરાઓ તેમની પાછળ પડ્યા હતા. હવે જાન બચાવી ભાગવાનું હતું. નીતાને ઊબકા આવવા લાગ્યા. કોને ખબર કાલ સુધી એ જીવતી હશે કે કેમ?

એકાએક પિતાના મારનો ભય ભુલાઈ ગયો. નશામાં ગાંડાતૂર બનેલા ચાર-ચાર છોકરાઓ તેને અને તેની બહેનપણીઓને ફાડી ખાશે, અને રસ્તે ફેંકી ચાલ્યા જશે તો? ટેક્સીવાળાને વાત સમજાવી નીતાએ ભૂલભુલામણા રસ્તે નીકળીને રીટાને કિલબર્ન ઉતારી. પાછળ નજર ફેંકીને ખાતરી કરી લીધી કે કોઈ પીછો કરતું તો નથી ને! ફિંચલી રોડ ઉપર નિક્કુને ઊતરવાનું હતું. તેને ડ્રોપ કર્યા પછી નીતાને સહેજ નિરાંત થઈ; પાછળ કોઈ નથી; ડેડી ઊંઘી ગયા હશે, અને પોતે ટેક્સીમાંથી ઊતરીને ચૂપચાપ પોતાના રૂમમાં પેસી જશે. બીજા દિવસે માફી માગશે. માર સહી લેશે, કે સજા કરશે તે સ્વીકારી લેશે. સહીસલામત ઘેર પહોંચી જાઉં તો ભગવાનનો ઉપકાર ...

અને ત્યાં બીજો વિચાર આવ્યો : તેની પાસે પૈસા રેગ્યુલર ભાડા જેટલા જ હતા. પાછળ આવતી રાકેશની ગાડીને ગોટે ચડાવવા તેણે ભૂલભુલામણીનો લાંબો રસ્તો લેવા ડ્રાઈવરને કહેલું. તેથી ટેક્સીભાડું વધી જશે તો? ડેડીને ઉઠાડવા પડશે? ફરી નીતાને પરસેવો થયો. અને ત્યાં આંખો મિચકારતી હોય તેમ પાછળથી બે હેડલાઈટોનાં આંખમિચામણાં થયાં! બાપ રે! પેલા લુચ્ચા કુત્તાઓ લપાતાછુપાતા પાછળ આવે છે ... હજી તેને એકલી પાડવા સંતાતા સંતાતા આવતા હતા? બધી છોકરીઓ ઊતરી જાય તેની રાહ જોતા હતા. અને હવે ટેક્સીમાં એ એકલી હતી.

ટેક્સીના માઈલોમિટરનો કાંટો બિનધાસ્ત સ્ટૉપવૉચની માફક આગળ ધપી રહ્યો હતો. મીટરમાં આંકડા ચડતા જતા હતા. નીતાના શરીરમાં પાછી ગભરામણ છૂટી. આ ઘડિયાળ ભાડા પેટે આપી દઉં? ટેક્સીવાળો તે સ્વીકારશે? આ ઘડિયાળની કિંમત કરતાં તો તેની બેટરી મોંઘી છે. ટેક્સીરાઈડના બદલામાં આ તુચ્છ વસ્તુ એ થોડો સ્વીકારવાનો હતો? અને છોકરાઓ કશુંક કરે તો ટેક્સીવાળો તેને બચાવવાનો હતો? તેણે ટેક્સીડ્રાઈવરને કહ્યું કે તારા મોબાઈલ ફોનથી તારી ઑફિસે ખબર કર કે એક મોરિસ કાર તેનો પીછો કરે છે. એક છોકરી પૅસેન્જર છે. પોલીસ મોકલો! ટેક્સીવાળાએ કહ્યું કે તે એવી કોઈ માથાકૂટમાં પડવા માગતો નથી. પાછળવાળી કાર કદાચ તેના દોસ્તની હોય અને જુવાન છોકરા-છોકરી ગમ્મત કરતાં હોય તો નાહક તેણે માલિકનો ઠપકો સાંભળવો પડે.

પણ ટેક્સી હવે પોતાના લત્તામાં આવી ચૂકી હતી.

નીતા ઝડપથી વિચારવા લાગી પોતાના લત્તાની ભૂગોળથી એ માહિતગાર હતી.  કઈ ગલી, કઈ ઍલી, કયું મકાન ખાલી છે, અને કોના બૅકયાર્ડમાંથી ઠેકીને ક્યાં નીકળાય અને શોર્ટકટ થાય - બધું જાણતી હતી. પોતાના ડેડી સાથે તે નાની હતી ત્યારે આ જગ્યાઓમાં 'હાઈડ એન્ડ સીક'ની આવી રમતો રમી હતી. તેણે અચાનક ટેક્સીડ્રાઈવરને ટેક્સી રોકવા કહ્યું. પાછળની કાર પણ થોડા ફીટ દૂર ઊભી રહી.

નીતાએ ક્રોસ હિલ લેન અને લિંક્સ એવેન્યુના ખાંચા નજીક ટેક્સી ઊભી રખાવી હતી. તેણે પર્સ ફંફોસ્યું. નસીબજોગે ટેક્સીભાડા કરતાં બેચાર વધુ પેન્સ પર્સમાં હતાં. નીતાએ બધું ચેન્જ ટેક્સીડ્રાઈવરને આપી દીધું. અને નીતાને શાંત, ધુમ્મસિયા, નિર્જન અને અંધકારભર્યા રોડ પર ઉતારી ટેક્સી ધુમ્મસથી વીંટળાયેલા એ લાંબાચોડા રસ્તામાં અદૃશ્ય થઈ ગઈ. પાછળની કારે હેડલાઈટ મિચકારી હોર્ન માર્યું.

રસ્તા પરની શીતળતાએ તેનાં રૂંવાડાં ખડાં કરી દીધાં. તેને લાગ્યું કે, જગત આખું અને જગતના લોકો પણ આ જડ શીતળતાને લીધે થીજી ગયાં છે. કેવળ તેના સેન્ડલનો ટપટપાટ નિ:શબ્દતાના આવરણને ખલેલ પહોંચાડી રહ્યો છે.

પાછળવાળી ગાડી ધીમે ધીમે સરકતી સરકતી તેની નજીક આવીને ઊભી રહી. અંદરથી  એક હાથ બહાર આવ્યો અને વળતી ક્ષણે જ નીતા જંગલી હરણાંની ઝડપે છલાંગ મારી પાસેની ફૅન્સ કૂદી ગઈ અને દોડવા લાગી … જોગિન્ન્દર, રાકેશ, દિલીપ, રોશન, કરન ... બધાના ઓશિયાળા ચહેરા તેના ચક્ષુદર્પણમાં  એક પછી એક ડોકું કાઢી ગયા. પણ તેને ધરપત હતી :  તેનો પીછો કરી રહેલી કાર હવે તેની પાછળ આવી શકે તેમ નહોતી. અને તેમાં બેઠેલા છોકરાઓ આવે તો તેમને કેમ ભૂલા પાડવા તેની નીતાને બરાબર ખબર હતી.

તેણે ફરી કાંડાઘડિયાળ તરફ જોયું. ઓહ, માય ગોડ! સવારના ચાર વાગી ગયા!. તેનો ફફડાટ વધ્યો. સામે એક ગલી હતી, તેનો ઉપયોગ કરે તો વીસેક મિનિટનો ફેર પડે. એ શોર્ટ કટ હતો.

પણ એ સાંકડી – અંધારી ગલીમાંથી અને આ ભેંકાર સન્નાટામાં પસાર થવું જોખમવાળું હતું. વળી તેનાં સૅન્ડલ્સનો ટપટપાટ પેલા લફંગાઓનું ધ્યાન ખેંચ્યા વગર રહેશે? તે સિવાય પણ લોકલ ગુંડાઓ અને ખૂનીઓના આવી સૂમસામ જગ્યાઓમાં જ અડ્ડા હોય છે અને કોઈ છોકરીને અહીં એકલી જોતાં તેનાં શા હાલ કરે! એ વિચાર આવતાં તેના શરીરમાં કંપારી પ્રસરી ગઈ!

તેનો ડર અકારણ ન હતો. કદાચ તેનું ખૂન થઈ જાય તો સવારે બધાં કહેવા લાગશે : જૂઈના ફૂલ જેવી છોકરીનું કોઈએ મર્ડર કરી નાખ્યું! અને ક્યારે ય હત્યારાનો પત્તો નહીં લાગે! થોડો વખત કાગા-રોળ કરીને લોકો અને પાડોશીઓ પણ શાંત પડી જશે અને કદી કોઈને તેના મૃત્યુનું રહસ્ય જાણવા સુધ્ધાં નહીં મળે!

એ વીફરેલી વાઘણની જેમ છલાંગો ભરતી ઝપાટાબંધ ચાલવા લાગી. થોડું ચાલ્યા પછી તેણે જોયું તો ગલીની સામેની બાજુ તરફથી એક ઊંચો, તગડો પુરુષાકાર તેની તરફ આવી રહ્યો હતો. નીતા છળી પડી. એ ભ્રાંતિ હતી કે સાચે જ કોઈ આવી રહ્યું હતું? તે નક્કી કરી શકી નહિ. તેને પાછા વળી જવાનો વિચાર આવ્યો, પણ પાછળની દિશામાંથી પેલા ચાર કુત્તા તેને ફાડી ખાવા આવી રહ્યા હોય તો? તેના હૃદયના ધબકારાનો અવાજ જાણે તેના સેન્ડલના ટપટપાટથી પણ તેજ બન્યો. આગળ વધવામાં જીવનું જોખમ હતું .. .તો ય અંદરથી તેનું મન તેને ટપારતું હતું : આગળ વધ … આગળ વધ …. તને કંઈ નહીં થાય ...

એટલી વારમાં પેલો પુરુષ આકાર લેમ્પપોસ્ટની લગોલગ આવી ચૂક્યો હતો. નીતા બીજી તરફ જોવા લાગી. તે પોતાની જાતને કહી રહી હતી : "હું કોઈથી ડરતી નથી! હું બૂમો પાડીને શેરી ગજાવીશ … પોલીસ બોલાવીશ ..." પણ અંદરથી ડર હતો : છોકરાઓ તેનું મોઢું દબાવી દે તો?  તેને બેહોશ કરી નાંખે તો? તેને પીંખીચૂંથી રસ્તે લોહીલુહાણ મૂકી દે તો?

લેમ્પપોસ્ટ વટાવ્યા પછી એ તગડો આકાર જરાક વાર અંધકારમાં ગારદ થઈ જતો હોય એમ લાગ્યું. પણ બીજી એકાદ બે મિનિટમાં ફરી તે તેના તરફ આવતો જણાયો. હવે તે બહુ નજીક આવી ગયો હતો. બે ચાર ફૂટનું જ અંતર રહ્યું હતું! તે ગલી એટલી બધી સાંકડી હતી કે આમને-સામનેથી બે વ્યક્તિ પણ પસાર ન થઈ શકે … બન્ને વચ્ચે થોડાં જ પગલાંનું અંતર રહ્યું હતું .... એ ડરની મારી થીજી ગઈ હતી ...

સામે જાણે કાળ આવીને ઊભો રહી ગયો હતો અને આસપાસ ચોમેર સ્મશાનવત્ સન્નાટો છવાયેલો હતો. નીતા ચીસ પાડી તેને કહેવા માગતી હતી : "ગેટ આઉટ ઓફ માઈ વે …. લેટ મી ગો .." પણ ચીસ તેના ગળા સુધી આવીને ગળામાં જ અટકી પડી.

તેણે આંખો મીંચી લીધી. 

પેલો પુરુષાકાર હજી પણ સામે ઊભો હતો. શું એ આ રીતે નીતાની સામે ઊભીને તેને ડરાવાવા માગતો હતો? પોતાનો જમણો હાથ લાંબો કરી નીતાનો ખભો પકડવા જતાં એ બરાડ્યો : 'અત્યારે કેટલા વાગ્યા છે તેનું તને ભાન છે? ઘરે આવવાનો આ વખત છે?"

નીતાએ આંખો ખોલી સામે જોયું. એ આકારનો ચહેરો જોતાં જ તેનાં મોંમાંથી આનંદની ચિચિયારી સરી પડી : “ડેડી ..." કહેતાં એ - એના ડેડી વિક્રમસિંહ રજપૂતને ચોંટી પડી.

"તમને કેમ ખબર પડી કે હું અહીંયા હોઇશ?" નીતા મીઠું હસતાં પૂછવા લાગી.

"આ રસ્તા તને કોણે બતાવ્યા છે, ગાંડી? મને ખબર ન હોય કે આપણા ઘરનો શોર્ટકટ કયો છે?"

કહી વિક્રમસિંહ રજપૂત લાગણીભીના હાથે ચૂપચાપ નીતાનો ખભો પસવારવા લાગ્યા અને નીતા ડેડીને ગળે હાથ વીંટાળી એમની સોડમાં સંતાઈ ગઈ.

સમાપ્ત

e.mail : [email protected]

પ્રગટ : “નવનીત સમર્પણ”, સપ્ટેમ્બર 2021; પૃ. 73-80

Category :- Opinion / Short Stories