કૃષ્ણ કહે છે ...

રવીન્દ્ર પારેખ
30-08-2021

તું છે મારી વાંસળી, હું છું તારો સૂર,
તો ય જગત એવું ખરું કરે અમસ્તા દૂર ...

હું છું છુટ્ટી ગંધ ને રખડું છું દિન રાત,
કેદ કરી લે તું મને, થૈ ને પારિજાત !
તો ય અલગ કરશે સખી, દૂર ઊભા અક્રુર ...!

હું છું ટીપું એકલું, મારે છે બસ પાંખ,
આંસુ બનવા હું હવે શોધું કેવળ આંખ,
તું જો રોકે ના મને, તો થઉં જમુના પૂર ...

મેળામાં ભૂલી પડી, તું ઈચ્છા નોધાર,
હું પણ ખાલી છું હૃદય, પીડા અપરંપાર, 
તું રાધા, હું કૃષ્ણ હઉં, થૈશું એક જરૂર ...

000

e.mail : [email protected]

Category :- Poetry / Poetry