ગાંધીજીના કસ્તૂરબાને લખાયેલા લવલેટર્સ !

તેજસ વૈદ્ય
14-02-2014

વેલેન્ટાઈન્સ ડે વિશેષ

ગાંધીજી વળી કસ્તૂરબાને પ્રેમપત્ર લખે! આવો સવાલ જો થતો હોય તો બાએ બાપુને લખેલા કોઈ પણ પત્રને ઉઠાવીને સહેજ બારીકાઈથી વાંચજો. એ દરેક પત્ર પરિપક્વ પ્રેમનો દસ્તાવેજ છે. કસ્તૂરબા અને ગાંધીજીનું જીવન આપણે સામાજિક કે રાજકીય રીતે જ જોયું છે. પાઠયપુસ્તકોથી લઈને ઇતિહાસ ગ્રંથોમાં તેમનું એ રીતે જ આકલન થયું છે. પણ ... બા અને બાપુના જીવનના તાણાવાણામાં સુંદર લવસ્ટોરી પણ હતી. ગાંધીજીએ કસ્તૂરબાને લખેલા પત્રો, બંને વચ્ચેના પ્રસંગો, ચણભણમાં પ્રેમપદાર્થ પ્રગટ સૂક્ષ્મ સ્વરૂપે સમાયેલો છે

ગાંધીજીના જે કાંઈ સિદ્ધાંત કે સત્યાગ્રહ હતા તે ગાંધીજીના હતા, કસ્તૂરબાના નહોતા. કસ્તૂરબાને તો એક સાદું ગૃહસ્થ જીવન જીવવું હતું. કસ્તૂરબાને ક્યારે ય મહાન બનવાની કે દેશને આઝાદ કરવાની ધખના નહોતી. તે છતાં ય તેમણે બાંસઠ વર્ષ સુધી ગાંધી ચીંધ્યા જીવતરે કસોટીભર્યું જીવન ગાળ્યું. તેમની સહજવૃત્તિ બાપુને અનુકૂળ થવાની હતી. એને આપણે પ્રેમ નહીં તો બીજં શું કહીશું?

"બા, આ સાથે અકોલાથી આવેલ કાગળ છે. તું મજામાં હશે. કાલે બંને છોકરીઓના વિવાહ છે. તારી ગેરહાજરી સઉને સાલે છે. કન્યાદાન મારે દેવાનું છે અને તે તારી ગેરહાજરીમાં." (૦૬.૦૨.૨૯)

"બા, તેં મને બરાબર ચિંતામાં નાખી દીધો. તારી તબિયત વિશે આ વખતે મેં ચિંતા ભોગવી એવી કદી નથી ભોગવી. આજે દેવદાસનો તાર આવ્યો એટલે નિરાંત વળી. મારી ચિંતાનું કારણ તો તને મેં દુઃખી છોડી હતી એ હતું. હું સારું કરવા ગયો ને તને દુઃખ થયું પછી તો તું ભૂલી. પણ હું કેમ ભૂલું? માંદી તો હતી જ. ઈશ્વરે કૃપા કરી લાગે છે." (૧૨.૧૦.૩૮)

"બા, તારે વિશે ખબર મળ્યા કરે છે. દેવદાસ તારી રાવ પણ ખાય છે કે તું ખૂબ નબળી થઈ ગઈ છે છતાં ઊઠબેસ કર્યા કરે છે. દાક્તર કહે તે માનવું જોઈએ. ઝટ સાજી થઈ જાય તો સહુ ચિંતામુક્ત થઈએ." (૧૩.૧૦.૩૮)

"બા, તું મારા કાગળ ન હોવાની ફરિયાદ કરે છે. આજ તારી ટપાલ નથી. એ કેમ? અહીં તો બધું ઠીક જ ચાલે છે. ફિકર કરવાનું કંઇ કારણ નથી."(૨૩.૦૨.૩૯)

ઉપર જે ટુકડા વર્ણવ્યા છે તે ગાંધીજીએ કસ્તૂરબાને લખેલા પત્ર છે. લવલેટર્સ વિશે આપણા મનમાં એક ચોક્કસ ફ્રેમ હોય છે. આછા ગુલાબી રંગના રોમેન્ટિક કાગળ હોય. એના પર અક્ષર મંડાયેલા હોય. એને પાછું એવા જ રોમેન્ટિક પરબીડિયામાં બીડેલું હોય. ટપાલી પણ પોસ્ટ કરવા જાય ત્યારે તેના મનમાં વિચાર ઝબકે કે છોકરા કે છોકરીનું ઠેકાણે પડી ગયું છે અને આ તો નક્કી પ્રેમપત્ર જ છે. સામેનું પ્રિય પાત્ર જ્યારે પરબીડિયું ખોલે ત્યારે અંદરથી કાગળની સાથે સુકાયેલા ગુલાબની પાંદડીઓ પણ નીકળે. કેટલાંક ઉત્સાહી તો વળી પ્રેમ પરબીડિયું મોકલે ત્યારે લેટરની અંદર પરફ્યૂમ પણ છાંટે!

ટૂંકમાં, લવલેટર તો આવા જ હોય એવી એક પ્રચલિત ફ્રેમ આપણા મનમાં છે. અલબત્ત, આમાં કંઈ ખોટું નથી. આ એક અદ્દભુત ઘટના છે. વર્ષો પછી જ્યારે બંને પાત્ર ફરી એ પત્રો ઉઘાડે ત્યારે એમાં ગુલાબની પાંખડીઓ સાવ કરચલી થઈ ગઈ હોય ને સ્પ્રેની સુગંધ ભલે ઊડી ગઈ હોય પણ એની અસર તો બંને માટે આજીવન તાજી જ હોય છે.હવે મુદ્દાની વાત. પ્રેમપત્રના આ પ્રચલિત કોચલા અને વ્યાખ્યાની બહાર પણ પતિ-પત્ની વચ્ચે એકબીજાંની કાળજી અને ઝીણું ઝીણું જતન લેતા જે પત્રો લખાય એ પણ પ્રેમપત્ર જ છે. એ રીતે ગાંધીજીએ કસ્તૂરબાને લખેલા તમામ પત્ર પ્રેમપત્ર છે. એ દરેક પત્રમાં ઝીણું ઝીણું જતન ઝળકે છે. બાપુ દેશભરમાં રખડતા હોય તો ય બાને પત્ર લખવાનું ચૂકતા નથી. અરે, રસપ્રદ વાત તો એ છે કે ગાંધીજીએ મોડી રાત્રે તેમ જ મળસ્કે પત્રો લખ્યા છે. જુઓ, કેટલાક નમૂના. "બા, સવારના ૩.૩૦ થયા છે ગુરુવાર છે.(૨૯.૦૩.૩૪)", "બા, આજે શુક્રવાર છે. તારો કાગળ હજુ નથી મળ્યો. સવારના ૩ વાગવાનો વખત છે."(૦૬.૦૪.૩૪), "બા, સવારના ૪ થવા આવ્યા છે. આંખમાં ઊંઘ છે."(૨૭.૦૪.૩૪)

તમામ પત્રોમાં બા પ્રત્યે ખૂબ વહાલ ઝળકે છે. ક્યારેક તો એમ લાગે કે બાપુ પોતે બા પાસે હાજર નથી અને હાજરી પુરાવવા પત્ર લખે છે. દરેક પત્ર બાપુની બા પ્રત્યેની કાળજી દર્શાવે છે. કાળજી એ પ્રેમનું વ્યક્ત સ્વરૂપ નથી તો શું છે? 'કાળજી' શબ્દ કદાચ 'કાળજા' પરથી તો નહીં આવ્યો હોય ને!

સંબંધની ખરી મજા હોય ત્યાં ઔપચારિકતાની આચારસંહિતા નથી પાળવી પડતી. ઉપરના તમામ પત્રોમાં તમે જો નોંધ્યું હશે તો બાપુએ ક્યારે ય બાના નામ આગળ કોઈ સંબોધનનું છોગું મૂક્યું નથી. ક્યાંય 'પ્રિય બા' નથી લખ્યું. ફક્ત એક વખત જ બાપુએ કસ્તૂરબા માટે 'વ્હાલી કસ્તૂર' એવા સંબોધન સાથે પત્ર લખ્યો છે. એ વખતે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં જેલમાં હતા અને કસ્તૂરબાની તબિયત અત્યંત ગંભીર હતી. મરવાને આરે હતા. પ્રીટોરિયાથી 09.11.1908ના રોજ ગાંધીજીએ એ પત્ર લખ્યો હતો. એમાં બાપુએ લખ્યું હતું કે "મારું હૈયું કોતરાય છે, પણ તારી ચાકરી કરવા આવી શકું એવી સ્થિતિ નથી. સત્યાગ્રહની લડતમાં મેં બધું અર્પણ કર્યું છે. મારાથી તો અવાય જ નહીં. છતાં મારે નસીબેથી તું જશે જ એમ હશે તો હું તને એટલું જ લખું છું કે તું વિયોગમાં પણ મારી હયાતીમાં જ ચાલી જાય તેમાં ખોટું નથી. મારું હેત તારા ઉપર એટલું છે કે તું મરશે છતાં મારે મન જીવશે." પત્ર ટૂંકાવીને મૂક્યો છે.

જો કે, બા તો એ પછી બીજાં ૩૪ વર્ષ જીવ્યાં હતાં. અહીં જે પત્ર વર્ણવેલા છે એ દક્ષિણ આફ્રિકાના ફિનિક્સના ઈન્ટરનેશનલ પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા છપાયા હતા. એ પુસ્તિકાની પ્રસ્તાવનામાં પ્રકાશકે લખ્યું હતું કે "બાપુ સાથે વાત કરતાં એક વાર અમે પૂછયું : "બાપુ, આપ એકલવાયા લાગો છો." બાપુએ જવાબ આપ્યો : "મારા જીવનમાં બા તાણાવાણા પેઠે ભળી ગઈ હતી. તે જતાં હું ખાલી થઈ ગયો છું."

મહાન કોણ? બા કે બાપુ?

આજના મેટ્રો સમાજના એન્ગલથી નિહાળીએ તો બાપુ 'હસબન્ડ મટીરિયલ' હતા જ નહીં. રોજે રોજ હાલતાં ચાલતાં સમસ્યાઓનું ઉંબાડિયું પકડીને એની સામે સત્યાગ્રહ માંડવાનો જેનો મિજાજ હોય એ માણસ ન પરણે તો સારું જ કહેવાય ને! ગાંધીજી કઠોર હતા પણ લાગણીથી લદોલદ હતા. મહાનતાની વાત આવે તો કસ્તૂરબા બાપુ કરતાં વધુ મહાન હતા. ગાંધીજી કહેતાં કે સત્યાગ્રહ મને બાએ શીખવ્યો છે. ગાંધીજીના જે કાંઈ સિદ્ધાંત કે સત્યાગ્રહ હતા તે ગાંધીજીના હતા, કસ્તૂરબાના નહોતા. કસ્તૂરબાને તો એક સાદું ગૃહસ્થ જીવન જીવવું હતું. કસ્તૂરબાને ક્યારે ય મહાન બનવાની કે દેશને આઝાદ કરવાની ધખના નહોતી. તે છતાં ય તેમણે બાંસઠ વર્ષ સુધી ગાંધી ચીંધ્યા જીવતરે કસોટીભર્યું જીવન ગાળ્યું. તેમની સહજવૃત્તિ બાપુને અનુકૂળ થવાની હતી. એને આપણે પ્રેમ નહીં તો બીજં શું કહીશું?

જતું કરવું, સહન કરી જવું, થોડું ઘણું સમાધાન કરી લેવું કે નભાવી લેવું એને લોકો પ્રેમની પરિધિમાં હવે જોતાં નથી. ખરેખર તો એમાં પારસમણિની જેમ પ્રેમ છુપાયેલો હોય છે. પ્રેમનું એક નામ સમર્પણ પણ છે. કસ્તૂરબા ગાંધીજીમાં સમાઈ ગયાં હતાં. બે પ્રસંગ જોઈએ.

એક પ્રસંગ વનમાળા પરીખે 'અમારાં બા' નામના પુસ્તકમાં લખ્યો છે. જે રાવજીભાઈ મણિભાઈ પટેલે તેમને લખી મોકલ્યો હતો. રાવજીભાઈ બા-બાપુ સાથે આફ્રિકામાં રહેતા હતા. તેમણે લખ્યું હતું,"ફિનિક્સ આશ્રમની વાત છે. સને ૧૯૧૩માં એક સવારે જમી રહ્યા પછી ૧૧ વાગ્યાના અરસામાં ખાણાના ટેબલ પાસે હું બેઠો હતો. બાપુજી સૌને જમાડયા પછી હંમેશાં જમે. તેઓ જમતા હતા અને પાસે બાપુના કુટુંબના એક મુરબ્બી કાળિદાસ ગાંધી બેઠા હતા. તે ટોંગાટ નામના ગામમાં રહેતા ત્યાંથી થોડા દિવસ માટે આવ્યા હતા. કાળિદાસભાઈ કંઈક જૂના વિચારના હતા.

"દક્ષિણ આફ્રિકામાં એક સામાન્ય વેપારીને ત્યાં પણ રસોડાનું તથા બીજું સાફસૂફીનું કામ કરવા માટે નોકર હોય. બાને અહીં બધાં કામ હાથે કરતાં જોઈ કાળિદાસભાઈ બાપુને સંબોધીને બોલ્યા : "ભાઈ, તમે તો જીવનમાં બહુ ફેરફાર કર્યો. સાવ સાદાઈ દાખલ કરી દીધી. આ કસ્તૂરબાઈએ પણ કાંઈ વૈભવ ન માણી જાણ્યો."

"મેં ક્યાં એને વૈભવ માણવાની ના પાડી છે?" બાપુએ ખાતાં ખાતાં જવાબ આપ્યો.

"ત્યારે તમારા ઘરમાં વૈભવ શો ભોગવ્યો છે?" બાએ હસતાં હસતાં ટોણો માર્યો.

"બાપુજીએ એ જ ઢબે હસતાં હસતાં કહ્યું : "મેં તને જણસો પહેરતાં કે સારી રેશમી સાડીઓ પહેરતાં ક્યારે રોકી છે? અને તારી ઇચ્છા થઈ ત્યારે સોનાની બંગડીઓ પણ કરાવી લાવ્યો હતો ને?"

"તમે તો બધુંયે લાવી આપ્યું પણ મેં ક્યારે તે વાપર્યું છે? જોઈ લીધું કે તમારો રસ્તો જુદો છે. તમારે તો સાધુ સંન્યાસી થવું છે. તો પછી મારે મોજશોખ માણીને શું કરવું હતું? તમારું મન જાણી લીધા પછી આપણે તો આપણું મન વાળી લીધું." બા કંઈક ગંભીર ભાવે બોલ્યાં."

હવે પ્રસંગ નંબર બે જુઓ. બાપુ ખૂબ ભણેલાં અને બા અભણ. બાપુ જેવા ધ્યેયવાદીને અનુસરવામાં તો પગલે ને પગલે પરીક્ષા રહેવાની જ. તેથી કેટલાંક લોકોને એવું લાગતું પણ ખરું કે બાને ખૂબ દુઃખ રહેતું હશે. લીલાવતી નામનાં એક બહેને તો બાની દયા ખાતો કાગળ લખ્યો હતો. ત્યાર બાદ એ બહેનને બાએ જે જવાબી પત્ર લખ્યો હતો એમાં બાના જીવનસાફલ્યનાં અજવાળાં નજરે પડે છે. બા લખે છે.

અ.સૌ. લીલાવતી,

તમારો પત્ર મને બહુ ખૂંચ્યા કરે છે. તમારે ને મારે તો કોઈ દિવસ વાતચીત કરવાનો વખત બહુ નથી આવ્યો. તો તમે કેમ જાણ્યું કે મને ગાંધીજી બહુ દુઃખ આપે છે? મારો ચહેરો ઊતર્યો હોય છે, મને ખાવા વિશે પણ દુઃખ આપે છે, તે તમે જોવા આવ્યાં હતાં? મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં પણ નહીં હોય. સત્યથી આખા જગતમાં પૂજાય છે. હજારો તેની સલાહ લેવા આવે છે. હજારોને સલાહ આપે છે. કોઈ દિવસ મારી ભૂલ વગર મારો વાંક નથી કાઢયો. મારામાં લાંબા વિચાર ન આવે, ટૂંકી દૃષ્ટિ હોય તો કહે. તે તો આખા જગતમાં ચાલતું આવ્યું છે. મારા પતિને લીધે તો હું આખા જગતમાં પૂજાઉં છું. મારાં સગાંવહાલાંમાં ખૂબ પ્રેમ છે. મિત્રોમાં મારું ઘણું માન છે. તમે મારા ઉપર ખોટું આળ ચઢાવો છો તે કોઈ માનવાનું નથી. હા, હું તમારા જેવી, આજકાલના જમાના જેવી નથી. ખૂબ છૂટ લેવી, પતિ તમારા તાબામાં રહે તો સારું, નહીં તો તારો અને મારો રસ્તો નોખો છે. પણ સનાતની હિંદુને તે ન છાજે.

પાર્વતીજીને એવું પણ હતું કે, જનમોજનમ શંકર મારા પતિ છે.

લિ.
કસ્તૂર ગાંધી

કસ્તૂરબાના આ બંને પ્રસંગો ભારતીય ગૃહિણીની સ્વાભાવિક ખાસિયત દર્શાવે છે. આ પ્રસંગોમાં કસ્તૂરબા અને ગાંધીજીની લવસ્ટોરીનો તાગ છે. ગાંધીજીનું ખાંડાની ધાર જેવું જીવન એક હદ બાદ બા માટે સહજ થઈ ગયું હતું. તેમને એ વ્યાવહારિક કઠોરતા, કઠોરતા લાગતી જ નહોતી. ગાંધીજી સાથે પનારો પડયો એટલે કસ્તૂરબાનું જીવન પણ સત્યના પ્રયોગો જ બની ગયું હતું. બાને મનમાં તેનો થોડો કચવાટ પણ હતો. પણ એ કચવાટ કરતાં ય તેને એ વાતનો ગર્વ અને રાજીપો હતો કે તેનો વર ગાંધી છે, જેને જગત પૂજે છે. તેથી જ બાપુએ કહ્યું હતું કે, "બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કાંઈ મારી ખેંચથી નહોતું બન્યું. પણ બામાં જ એ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો. હું નહોતો જાણતો કે આ ગુણ બામાં છુપાયેલો હતો. મારા પ્રથમ કાળના અનુભવ પ્રમાણે બા ખૂબ હઠીલી હતી. હું દબાણ કરું તો ય તે પોતાનું ધાર્યું કરતી. તેથી અમારી વચ્ચે ક્ષણિક કે લાંબી કડવાશે ય રહેતી. પણ મારું જાહેરજીવન જેમ ઉજ્જવળ થતું ગયું તેમ બા ખીલતી ગઈ અને પુખ્ત વિચારે મારામાં એટલે મારા કામમાં સમાતી ગઈ. દિવસ જતાં એમ થયું કે મારામાં અને મારા કામમાં - સેવામાં ભેદ ન રહ્યો, તેમ તેમ બા તેમાં તદાકાર થવા લાગી. આ ગુણ હિંદુસ્તાનની ભૂમિને કદાચ વધુમાં વધુ ભાવે છે."

ગાંધીજી આના માટે બંનેનું બ્રહ્મચર્ય પણ કારણભૂત ગણાવે છે. જેની સાથે સહમત થવું અઘરું છે.

કહે તો સે સજના, યે તોહરી સજનિયા ...

શિયાળો શરૂ થવાનો હોય એના કેટલાંક મહિના અગાઉ કેટલીક પત્નીઓના હાથમાં ઊનનો દડો અને ચોપસ્ટિક્સ જેવા સોયા હાથમાં આવી જાય છે. તેમના પતિ માટે સ્વેટર વણવાનું શરૂ કરે છે. જેવો શિયાળો બેસે કે સ્વેટર તૈયાર થઈ જાય છે. ફિલ્મ 'મૈને પ્યાર કિયા'માં ભાગ્યશ્રી સલમાન ખાન માટે સ્વેટર ગૂંથે છે. પત્ની કે પ્રિયતમા ભરથાર કે ભાવિ ભરથાર માટે સ્વેટર ગૂંથે એ ઘટનામાં ઊન કરતાં ય પ્રેમ વધુ વણાયેલો હોય છે. પુરુષ જ્યારે એ સ્વેટર પહેરે ત્યારે એમાં સવાઈ હૂંફ અનુભવે છે. ગાંધીજી અને કસ્તૂરબાના કિસ્સામાં પણ આવી ઘટના વણાયેલી છે, પણ થોડી નોખી રીતે. કસ્તૂરબાની સાડી મોટે ભાગે ગાંધીજીએ કાંતેલા સૂતરમાંથી જ તૈયાર થતી હતી. બા જ્યારે ચિતા પર ચઢયાં ત્યારે પણ બાપુએ કાંતેલા સૂતરની સાડી જ પહેરીને.

કસ્તૂરબા ગુજરી ગયાં એ રાત્રે ખાટલામાં સૂતાં સૂતાં ગાંધીજી કહેવા લાગ્યા : "બા વિહોણા જીવનની હું કલ્પના જ નથી કરી શકતો. હું ઇચ્છતો હતો ખરો કે બા મારા હાથમાં જ ચાલી જાય, જેથી મને ચિંતા ન રહે કે મારા પછી એનું શું થશે, પરંતુ એ મારા જીવનનું અવિભાજ્ય અંગ હતી. એના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે તે કદી ભરાઈ શકવાનું નથી."

બાના અંતિમ દિવસોમાં તેમની તબિયત ખૂબ કથળેલી રહેતી હતી. તેમના માટે એક નાનું ટેબલ બનાવવામાં આવ્યું હતું. જેના પર માથું ટેકવી બા સૂઈ જતાં હતાં. બાના મૃત્યુ પછી બાપુએ એ ટેબલ પોતાની પાસે રાખ્યું હતું. બાપુ જ્યાં જતાં ત્યાં એ ટેબલ સાથે રાખતા હતા.

પ્રેમનું પ્રતીક મુમતાઝ - શાહજહાંની કબર એટલે કે તાજમહાલ છે, પણ ક્યારેક પૂના જવાનું થાય તો આગાખાન મહેલ ખાસ જજો. ત્યાં કસ્તૂરબાની સમાધિ છે. એ પણ પ્રેમનું જ પ્રતીક છે. માન્યું કે એ ભવ્ય નથી, પણ સાદગીમાં પ્રેમ નથી વણાયેલો એવું તો તાજમહાલની દીવાલ પર પણ નથી લખ્યું.

કસ્તૂરબાને થયું કે હવે આ જન્મે મળ્યા કે ન મળ્યા, બાપુની માફી માગી લઉં!

ગાંધીજીના પડછાયા એટલે કે મહાદેવભાઈ દેસાઈની ડાયરીમાં કેટલાક પ્રસંગ સરસ રીતે ઝીલાયા છે. એક પ્રસંગ એવો છે કે બાપુ જેલમાં જાય છે ત્યારે કસ્તૂરબા તેમની માફી માંગે છે. બાપુ જેલમાં રમૂજી રીતે એ પ્રસંગ વાગોળે છે. વાંચો એ રમૂજ - મધુર પ્રસંગ.

રવિવારે બાપુ ત્રણ વાગ્યે મૌન લે છે. એટલા માટે કે કોઈ અમલદારને મળવું કરવું હોય તો રવિ અને સોમ બંને દિવસે અમુક સમય તો દિવસના વાત કરવાનો રહે જ. આજે ત્રણમાં બેચાર મિનિટ રહી હતી. એટલે વલ્લભભાઈ કહે : "હવે પાંચ મિનિટ રહી છે. તમારે જે સોંપણ, નોંધણ કરવી હોય તે કરી નાખો." મેં કહ્યું : "તમે તો જાણે વિલ કરવાને કહેતાં હોય તેમ બોલો છો." બાપુ કહે : "લો ત્યારે કહી દઉં, કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો." એમ કહીને ખડખડાટ હસ્યા. એ પોતે કરેલા વિનોદ ઉપર નહોતા હસ્યા, પણ એ તો એમને એક મધુરું સ્મરણ હસાવતું હતું. એ પોતે જ કહી બતાવ્યું : બા બિચારી કહે,"ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.' " વલ્લભભાઈને ખબર નહોતી એટલે પૂછયું : "ક્યારે"? "અરે, મને પકડવા આવ્યા ત્યારે જ તો. આંખમાંથી આંસુ પડે અને કહે : "ભૂલચૂક માફ કરજો." એને તો બિચારીને થઈ ગયું કે હવે આ જન્મે મળ્યાં કે ન મળ્યાં, અને માફી માગ્યા વિના મરી ગયાં તો શું થશે?" સૌ ખડખડાટ હસ્યા.

મહાદેવભાઈ દેસાઈની ડાયરી(પુસ્તક પહેલું) તારીખ ૧૦.૦૪.૩૨(પાના નંબર ૮૯)

e.mail : [email protected]

સૌજન્ય : લેખકની ‘છપ્પવખારી’ કટાર, http://www.sandesh.com/article.aspx?newsid=2909337

Category :- Gandhiana