પ્રણય-બીજ વાવીએ!

મૂકેશ પરીખ
23-06-2021

સહુ ઘૃણા કરનારાઓને લજાવીએ,
આવ એવાં પ્રણય-બીજ વાવીએ!

સુખની તો સદાય સાધના કરીએ પરંતુ,
આવ દુ:ખને પણ હસીને જ વધાવીએ.

ભલે જાકારો મળતો બધા દરવાજેથી તો ય,
આવ ઘરે આવનારાને સ્નેહથી આવકારીએ.

ફૂટશે આપમેળે જ પ્રીત કેરી કુંપળો પણ,
આવ નફરતને ઊગતા વેંત જ દફનાવીએ.

ક્યારે વિખૂટા પડીશું, એ અટકળ નથી,
આવ મિત્રો સંગ મસ્ત મહેફિલ સજાવીએ.

તારીખિયામાં તહેવારો શોધવા નથી હવે,
આવ આજને જ ઉત્સવ સમજીને મનાવીએ.

વીસારી દઈએ એ સઘળી બરછટ યાદોને,
આવ મીઠાં સ્મરણોને વારંવાર મમળાવીએ.

બુદ્ધિ સદા નેવે મૂકો સેવા કરતી વેળા ‘મૂકેશ’
આવ શબરી જેમ ભાવથી એંઠા બોર ધરાવીએ.

ન્યુ જર્સી, યુ.એસ.એ.

e.mail : [email protected]

Category :- Poetry