બળાપો

રવીન્દ્ર પારેખ
20-06-2021

ભઠ્ઠી દિવસ રાત સળગતી
એટલે
ઋતુઓ બારોબાર જ નીકળી જતી
ક્યારેક અંદર ડોકિયું કરતી તો
તમારા ખુલ્લાં શરીરેથી
તો રેલા જ ઊતરતા રહેતા
ખબર ન પડતી કે 
મૂસમાં સોનું પીગળે છે કે જાત?
સોનું ટીપતા તમારા હાથ
કોઈ વાર અમને પણ ટીપી નાખતા
પછી મોડી રાતના
થાકીને પથારીમાં પડતા
તો લાગતું કે
ઢાળકી હાંફતી પડી છે
સોનું તો કાળું ન પડે
પણ તમે કોલસાની હરીફાઈમાં હતા
તમારો હાથ કોઈ વાર 
માથે કાળી ટોપી ચડાવતો
ત્યારે લાગતું કે
અધૂરો પોસ્ટકાર્ડ આવ્યો છે
એ ઓટલેથી જ ફાડી નંખાતો 
ને એક સગું ઓછું થઈ જતું
પછી આંખો લૂંછતાં લૂંછતાં
આખું ઘર નહાઈ લેતું
રડવા પર પાણી રેડતાં રેડતાં
પાણી ખૂટી જતું પણ આંસુ ...
કોઈ વાર અમારી આંગળી પકડીને અમને
બજારે લઈ જતા
ને આવતી વખતે
નાના નાના તહેવારો ખરીદી લાવતા
આજે હું મારા બાળકને લઈને
બજારે જાઉં છું
તો બાળકની આંગળી 
મારો હાથ વળોટીને
તમારી આંગળી પકડી લે છે
જો કે, મને તમારી આંગળીઓ નથી પકડાતી
કારણ મારી આંગળીઓ કેવી રીતે ભૂલે કે
એણે જ તો તમને
ભઠ્ઠીમાં મૂક્યા હતા
જેમ તમે મૂકતા હતા
સોનું ભઠ્ઠીમાં ...

000

e.mail : [email protected]

Category :- Poetry