નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આવા શિક્ષકોને કારણે ઊજળી છે ...

રવીન્દ્ર પારેખ
18-06-2021

15 જૂન, 2021ના “ધબકાર”માં બીજે પાને એક ફોટો છપાયો છે. એની નીચે શેરીમાં ત્રણ શિક્ષકો બાળકોને શાળાપ્રવેશ માટે વાલીઓને સમજાવી રહ્યા છે - એવું લખાણ છે. એ વાંચીને સવાલ એ થયો કે શિક્ષકોએ આ કામ કઈ ખુશીમાં કર્યું? તપાસ કરતાં ખબર પડી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી દામોદર હરિ ચાફેકર શાળા નંબર 222ના મુખ્ય શિક્ષક ચંદ્રશેખર નિકમનું એ સાહસ હતું. ચંદ્રશેખર નિકમ ચીકુવાડી વિસ્તારમાં રહે છે અને એમની શાળા પાંડેસરા વિસ્તારમાં છે. સ્કૂલનું નવું સત્ર શરૂ થયું એ ગાળામાં 11 જૂનથી ચંદ્રશેખર નિકમ સવારે 8 વાગે ચંદ્રકાંત જાધવ અને સંજય સાવંતને લઈને ક્રિષ્ના નગર, અંબિકા નગર, આવિર્ભાવ સોસાયટી જેવા વિસ્તારોમાં નીકળી પડે છે. 8 વાગે એટલા માટે કે મોડું થાય તો વાલીઓ કામ પર નીકળી જાય ને સંપર્ક મુશ્કેલ બને. વાલીઓને તેમનાં સંતાનો મરાઠી માધ્યમની શાળામાં પ્રવેશ મેળવે તે માટે સમજાવાય છે. એને માટે શિક્ષકોની ટીમ ઘરે ઘરે પેમ્ફલેટ વહેંચે છે ને માઈકમાં પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવાથી કયા લાભ છે તે કહે છે, એ સાથે જ નાગસેન નગર અને તેની આસપાસના વિસ્તારમાં 222 અને 255 નંબરની શાળા આવેલી છે તેનો ખ્યાલ પણ અપાય છે ને સૂચવાય છે કે આ શાળામાં તો વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે જ, પણ બીજા વિસ્તારોમાં રહેતા હોય તેઓ પણ તેમની નજીકની સ્કૂલોમાં પ્રવેશ મેળવે, પણ શિક્ષણથી વંચિત ન રહે.

વિદ્યાર્થી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે તો તેણે ફી તો ભરવાની નથી જ, ઉપરથી વર્ષે તેને 1,100 રૂપિયા સ્કોલરશિપ મળે તે નફામાં. સ્કૂલોમાં અત્યારે મધ્યાહ્ન ભોજનને વિકલ્પે ઘઉં ને ચોખા ચોક્કસ સમય ગાળામાં આપવામાં આવે છે તે બીજો લાભ ... આવી ઘણી માહિતી આચાર્ય નિકમ અને તેમનાં સાથી શિક્ષકો આપતા રહે છે. નિકમ સાહેબનો ઉદ્દેશ વધારે વિદ્યાર્થીઓ એમની શાળામાં પ્રવેશ મેળવે અને શિક્ષણથી વંચિત ન રહે એ છે. વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વાલીઓને સમજાવવાના પ્રયત્નો સાહેબે અગાઉ પણ કર્યા જ છે, એટલું જ નહીં, કોરોના નિમિત્તે લોકોને રસી લેવા સમજાવવાનું ને ફંડ ઊભું કરીને અનાજ, તેલ જેવી સામગ્રી ઘરે ઘરે પહોંચાડવાનું કામ પણ કર્યું છે. આ ઉપરાંત વર્ગ શિક્ષણ કે ઓનલાઈન શિક્ષણને વધુ સજીવ બનાવવાના પ્રયત્નો પણ નિકમ તેમની સ્કૂલમાં કરતાં રહે છે. એક તરફ શિક્ષકો, વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં પ્રવેશ લે તે માટે પ્રયત્નો કરે છે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા નં. 334 અને પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા નં. 346માં 1,600 જગ્યાઓ માટે 3,500 અરજીઓ આવી છે. ત્રણ વર્ષથી અહીં પ્રવેશ માટે ધસારો થાય છે. આમ થવાનું કારણ અહીં અપાતું શિક્ષણ છે. સવારની પાળીના આચાર્યા રમા પદ્માણીએ કહ્યું કે પહેલું વર્ષ હતું ત્યારે વિદ્યાર્થીઓને શોધવા જવું પડતું હતું, પણ હવે પ્રવેશ માટે એટલો ધસારો છે કે ડ્રો કરીને પ્રવેશ આપવો પડે છે. આમ થવાનું કારણ આપતા ચેતન હીરપરા કહે છે કે અહીનું શિક્ષણ સારું હોવા ઉપરાંત મોટું ગ્રાઉન્ડ, લાઈબ્રેરી, રમત-ગમતનાં સાધનો જેવી ઉત્તમ સુવિધાઓ પણ છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 15 સભ્યોની સમિતિની ચૂંટણી આવી રહી છે એમાં શાસક પક્ષ વધારે સીટો કેવી રીતે કબજે કરાય એના દાખલા ગણવામાં પડ્યો છે, વિપક્ષ પણ ફાળે આવેલી બે સીટો પર નજર માંડીને બેઠો છે. એ બધાં ચૂંટણી જીતશે ને સમિતિ ચમત્કારો કરશે એવું લોકો તો ખાસ માનતા નથી. એ બધાં જાણે છે કે સરકારમાં કે સંસ્થાઓમાં સમિતિઓ કામ ન કરવા જ બનતી હોય છે અને કદાચ કોઈ કામ થાય પણ, તો તે ન થયા બરાબર જ હોય છે. આમ પણ સમિતિ ને પ્રાથમિક શિક્ષણ વગોવાઈ ચૂક્યાં છે ત્યારે સમિતિની સ્કૂલોમાં શિક્ષણ સુધરે અને ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવવાનો મોહ છોડીને સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એ માટે નિકમ જેવા આચાર્ય ને તેમનાં શિક્ષકો ગલીએ ગલીએ ફરે એ સુખદ આશ્ચર્ય જ છે. આ મામલામાં સમિતિ પોતે તો નિષ્ક્રિય છે ને તેણે આ બધું કરવાનો શિક્ષકોને આદેશ આપ્યો છે એવું પણ નથી, તો કેમ આ શિક્ષકો ઘરે બેસીને પગાર ગણવાને બદલે સ્વેચ્છાએ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લે એને માટે મથે છે?

જે સ્કૂલમાં ગરીબ વાલી પણ પોતાનાં બાળકને મૂકવા રાજી નથી, એ સ્કૂલમાં ખાનગી શાળામાંથી ઉઠાડીને વાલીઓ બાળકને પ્રવેશ અપાવવા લાઇન લગાવે તો તેવી શાળાઓ માટે માન થવું સહજ છે.

એક તબક્કે સરકારે ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપીને અને પ્રાથમિક સ્કૂલોને બંધ કરતાં જઈને એવું ચિત્ર ઊભું કર્યું કે વાલીઓને થઈ ગયું છે કે સારું શિક્ષણ તો ખાનગી સ્કૂલોમાં જ અપાય છે. આવામાં પ્રાથમિક સ્કૂલો બંધ ન થાય તો શું થાય? સરકારની દાનત પણ અંદરથી એવી રહી છે કે પ્રાથમિક સ્કૂલો બંધ થાય તો એના શિક્ષકોનો ને વિદ્યાર્થીઓનો બોજો ઉપાડવો મટે. રૂપિયો ફી લેવાની નહીં ને ઉપરથી શિક્ષકોનો પગાર ને સ્કૂલોના ખર્ચા કાઢવાના. એમાં સરકારને બહુ રસ ન હોય એ સમજી શકાય એવું છે. આમ તો આ બધું સરકાર લોકોના પૈસામાંથી જ કરતી હોય છે, પણ આવી ઊઠવેઠ કરવાનું જીવ પર આવે તે પણ ખરું, પણ મફત શિક્ષણની ભૂંગળો વાગી ચૂકેલી એટલે થાય શું? ના છૂટકે બધું ચલાવવું જ પડે એમ હતું. પણ, બધાં કામગરા નથી હોતા, એમ જ બધાં કામચોર પણ નથી હોતા, એ હિસાબે કેટલીક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ખાનગી શિક્ષણની સ્કૂલો સામે ટક્કર લઈને એવી મોડેલ સ્કૂલો ઊભી કરી જે આધુનિક સગવડોથી સુસજ્જ હોય. જો કે છાપ એટલી બગડી ચૂકી હતી કે પ્રાથમિક સ્કૂલોમાં ભણાવવા વાલીઓ રાજી ન હતા. ઘણા વાલીઓ તો ઉધાર-ઉછીનું કરીને ખાનગી સ્કૂલોની મોંઘીદાટ ફી ચૂકવતા હતા, તે એવી છાપને કારણે કે શિક્ષણ તો ખાનગી સ્કૂલોમાં જ થાય છે, પણ વાસ્તવિકતા જુદી હતી. ખાનગી સ્કૂલોએ સુવિધાઓ તો ઊભી કરી ને એની બાહ્ય ટાપટીપથી વાલીઓ અંજાયા પણ ખરા, પણ એમને ખબર ન હતી કે આ દેખાડો એમના જ પૈસાથી થઈ રહ્યો છે.

જેમ કેટલીક પ્રાઇમરી સ્કૂલો સારી છે એમ જ કેટલીક ખાનગી સ્કૂલો પણ ઉત્તમ છે, પણ મોટે ભાગના સંચાલકો માટે શાળા એ કમાણીનું સાધન બની ગઈ છે. ફી વધુ ને પગાર ઓછો - એ ખાનગી સ્કૂલની ઓળખ છે. તાલીમી શિક્ષકોને પૂરો પગાર આપવો પડે ને એ આપે તો નફો ઘટે એટલે ખાનગીના સંચાલકોએ સાધારણ ગ્રેજ્યુએટોને ઓછો પગાર આપીને નોકરીએ રાખ્યા. આવા ગ્રેજ્યુએટોને આવક જ ન હતી એટલે એમની પાસે ઓછા પગારની નોકરી સિવાય બીજો વિકલ્પ ન હતો. એનું પરિણામ એ આવ્યું કે શિક્ષણ કથળ્યું. જે સારાં પરિણામો દેખાયાં તે બીજે વધારે ફી ચૂકવીને ખાનગી ટ્યૂશન લીધું તેથી.

આમાં સાધારણ વાલીઓની હાલત કફોડી હતી. સ્કૂલો ફી વધારતી જતી હતી ને ઉપરથી મોંઘી ટ્યૂશન ફી પણ કાઢવાની હતી. એમાં પણ એકાદ બાળક હોય તો સમજ્યા, પણ એક જ ઘરમાં એકથી વધુ બાળકોનું શિક્ષણ વાલીઓને ભારે પડવા માંડ્યું. એમાં કોરોના આવ્યો ને તેણે જગતભરનાં સમીકરણો બદલી કાઢ્યાં. શિક્ષણ ઓનલાઈન થયું. તેણે મોબાઈલ, નેટ, લેપટોપના ખર્ચા વધાર્યા. ઘરમાં બે જણનું ઓનલાઈન ભણવાનું હોય તો એક નેટથી ચાલે, પણ એક મોબાઇલથી ચાલે એમ ન હતું. ટૂંકમાં, ખર્ચા વધ્યા હતા ને લોકડાઉનને કારણે નોકરી-ધંધા અટકી પડ્યાં હતાં. ઉપરથી ખાનગી સ્કૂલો ફી કે અન્ય ખર્ચા ઘટાડવા બહુ તૈયાર ન હતી. આવામાં બે જ વિકલ્પો વાલીઓ પાસે હતા, બાળકને ઉઠાડી લે અથવા પ્રાથમિક શાળામાં મૂકે.

આ સ્થિતિનો ખ્યાલ ચંદ્રશેખર નિકમ જેવા આચાર્યને આવી ગયો હતો એટલે એમણે સાથી શિક્ષકોને લઈને વાલીઓને એ સમજાવવાની કોશિશો કરી કે ખાનગી સ્કૂલ મોંઘી પડતી હોય તો તેમની શાળા 222 કે 255માં બાળકને મૂકે. અહીં ફી કે ચોપડાની કિંમત ચૂકવવાની ન હતી ને ઓનલાઈન શિક્ષણ અહીં પણ શક્ય હતું. ખરેખર તો આ વાલીઓ પ્રાથમિક શિક્ષણ વિશેના ખોટા ખ્યાલોથી ખાનગી સ્કૂલો તરફ ખેંચાયા હતા, બાકી તેમની સ્થિતિ એવી હતી જ નહીં કે ખાનગી સ્કૂલોને આર્થિક રીતે પહોંચી વળે. એમને નિકમ સાહેબની વાતો પહોંચી ને તેની અસર એ પડી કે પ્રાઇમરીમાં પ્રવેશની સંખ્યા વધી. ઉત્રાણ જેવામાં ખાનગી સ્કૂલોથી એટલા વાલીઓ ત્રાસ્યા છે કે ત્યાં પ્રવેશ માટે ધસારો થયો. આ સારું લક્ષણ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજનીતિ ભલે કરે, પણ થોડું અસરકારક શિક્ષણ આપવા અંગે ગંભીરતાથી વિચારે તો ઘણા વાલીઓ ખાનગી સ્કૂલો તરફ, સ્થિતિ ન હોવા છતાં ખેંચાય છે, એમને રાહત થશે ને શિક્ષણનું ધોરણ સુધરશે તો એ સમજ વધશે કે મફત પણ કિંમતી હોય છે. આશા છે સરકાર અને શિક્ષણ સમિતિ પ્રાથમિક શિક્ષણને પોતાનું સમજીને તેનો જીર્ણોદ્ધાર કરશે ...

000

e.mail : [email protected]

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 જૂન 2021

Category :- Samantar Gujarat / Samantar