પોઢ્યા

દિનેશ પરમાર
16-06-2021

સમી રે, સાંજના ઘોડા હણહણ્યા, જવું, અઘોર ઘનઘોર,
ઘડીએક સંઘડો રોકજો, વીરા ! આરોગવા મોહનથાળ.
રોગીને શું? આરોગવું, મારાં ખૂટ્યાં અન્નજળ!
હલેકે અંધારા ઉલેચિયા, પલમાં જોડ્યા રથ દ્વાર,
અંધારું ઓઢીને વીરા ! ઉડિયા, ઉડ્યા ગગનને પાર,
સીમ-શેઢા, વીરા ! ભૂલિયા ભૂલ્યા, ખેતર પાદર,
ભેંસો ભાંભરે, તમને ના સાંભરે? રસહીન થયા રસધાર,
મનરેગાનાં કામ રઝળ્યાં, રઝળ્યાં, વિલાપતાં ઘરબાર
જનની જોડ તૂટી રે વીરા ! તમે નહીં કસૂરવાર !
કિસાન સભાને ઝાઝેરા જુહાર, સલામ લાલ મોજાર,
ગબીમાનો જાયો ! રત્નો ભઈ, પોઢ્યા પાયાવાર

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 10

Category :- Poetry