ઉત્તર

ફ્રૅડરિક બ્રાઉન
14-06-2021

ડ્વાર (Dwar) ઍવે છેલ્લો સાંધો સોનાથી સોલ્ડર કર્યો. ડઝનબંધ ટૅલિવિઝન કૅમૅરાની આંખો એને જોઈ રહી હતી અને સબએથર મારફતે આખા બ્રહ્માંડમાં એના કાર્યના ડઝનબંધ ફોટા પ્રસરી ગયા. ટ્ટટાર થઈને એણે ડ્વાર રેન સામે માથું ધુણાવ્યું. પછી સ્વીચની નજીક ગોઠવાયો જેથી સ્વીચ પાડીને સંપર્ક પૂર્ણ કરી શકાય. આ સ્વીચ દ્વારા એકીસાથે બ્રહ્માંડના તમામ વસ્તી ધરાવતા ૯૬ બિલિયન ગ્રહોના રાક્ષસી કમ્પ્યુટિંગ મશીનોને સુપર સર્કિટમાં સાંકળી એક સુપર કૅલ્ક્યુલેટર સાથે, એક સાઈબરનૅટિક્સ મશીન સાથે જોડવાનું આયોજન હતું જેથી તમામ આકાશ ગંગાઓનાં જ્ઞાનને સાંકળી શકાય.

ડ્વાર રેને ટ્રિલિયન શ્રોતાઓ સાથે ટૂંકો સંવાદ કર્યો. એક ક્ષણના મૌન પછી એ બોલ્યો, “હો જાય, ડ્વાર ઍવ.”

ડ્વાર ઍવે સ્વીચ પાડી. ૯૬ બિલિયન ગ્રહોમાંથી વિદ્યુતના પ્રવાહને લીધે જબરદસ્ત હમિંગ સંભળાયું. માઈલો લાંબી પૅનલ પર લાઈટો ઝબૂકી ને બંધ થઈ.

ડ્વાર ઍવે એક ડગ પાછળ ખસીને લાંબો શ્વાસ ખેંચ્યો. “પ્રથમ પ્રશ્ન પૂછવાનું સૌભાગ્ય તારું છે, ડ્વાર રેન.”

“થેંક યુ,” ડ્વાર રેન બોલ્યો. “એવો પ્રશ્ન છે કે એકેય સાઈબરનૅટિક્સ મશીન એનો ઉત્તર આપી નથી શક્યું.”

એણે મશીન સામે જોઈને પૂછ્યું, “ઈશ્વર છે?”

શક્તિશાળી અવાજે અચકાયા કે એક પણ રીલેના ક્લિક વિના ઉત્તર આપ્યો, “હા, હવે ઈશ્વર છે.”

ડ્વવાર ઍવના ચહેરા પર એકાએક ભય વ્યાપી ગયો. એ સ્વીચ ભણી ઊછળ્યો. વાદળ વગરના આકાશમાંથી વીજળી એના પર ત્રાટકી અને સ્વીચનો ફ્યુઝ ઉડાડી દીધો.

~

નોંધ :

ફ્રૅડરિક બ્રાઉન (૧૯૦૬-૧૯૭૨) અમૅરિકી લેખક હતા અને ‘શોર્ટ શોર્ટ સ્ટોરી’ (આજે જેને માઇક્રો ફિક્શન કહીએ છીએ) માટે જાણીતા હતા. એમણે સાયન્સ ફિક્શન, ફૅન્ટસી કથાઓ, રહસ્ય કથાઓમાં ખૂબ ખેડાણ કર્યું. ૧૯૫૪માં પ્રકાશિત થયેલી ઉપરની એક પાનાની કથામાં એમણે આર્ટિફિશ્યલ ઇન્ટૅલિજન્સના ભયાવહ પરિણામની કલ્પના કરેલી છે. સાંપ્રત સમયમાં વિજ્ઞાનના આડેધડ થતા પ્રયોગો અંગે આપણને વિચારતા કરી દે એવી આ વાત છે.

અનુવાદ : રૂપાલી બર્ક

e.mail : [email protected]

Category :- Opinion / Short Stories