હાન્સ ક્રિશ્ચન એન્ડરસન ૨૦૨૧

પ્રકાશ ન. શાહ
11-06-2021

પ્રમુખીય

વરસોનાં વહાણાં વાયાં એ વાતને. એક હતો રાજા. એને દિવસરાત એક જ હોંશ ને એક જ ધખના. નવાં કપડાં. નિત નવાં નવાં કપડાં. રાજની તિજોરી છે શેને વાસ્તે, મારા ભૈ ! ન એને લાવલશ્કરની ફિકર, ન કશાની કાળજી. કપડાં. નવાં કપડાં. કલાકે કલાકે વાઘા બદલે. બદલે અને મહાલે. હાસ્તો ભૈ, રાજ જેનું નામ એ તો એમ જ ચાલે ને! આમ તો, રાજા ક્યાં એવું પુછાય તો સત્તાવાર જાણે કે મંત્રાલયમાં કહેવાય. પણ ખરેખાત ક્યાં, તો કહે વસ્ત્રાલયમાં.

એક દિવસની વાત. ગામમાં બે ધુતારા આવ્યા ને કહે કે અમે સાળવી ને વળી વાણવી છીએ; ને મજાના પોષાકે પાછા બનાવીએ છીએ. એમાં પણ જાદુઈ વસ્ત્રમાં તો અમારો કોઈ જોટો નથી. તમે એ પહેરો તો માત્ર એમને જ દેખાય જે પોતાનાં કામને ને પાયરીને લાયક હોય, બાકીનાને નહીં.

વસ્ત્રવરણાગી રાજાજીને થયું, કમાલની વાત ! હું પણ જાદુઈ વસ્ત્રોમાં ઢબૂરાઉં તો જે એને ન જોઈ શકે તે બધાં ઉઘાડાં પડી જાય કે એ ધકેલપંચા દોઢસો છે. હવે હું રોક્યો રોકાઉં શાનો. મારે તો આ વસ્ત્રો જોઈએ જ, તુરતોતુરત. આજે ને અબઘડી. બેઉ ભાઈઓને મસમોટો દલ્લો ને દરમાયો દઈ કીધું કે અબીહાલ મચી પડો.

તરત બેઉ કળાકેસરીઓએ સરખું સ્થાનક શોધી બબ્બે સાળ ખોડી દીધી. લગારે નવરા ન હોય એમ મચી પણ પડ્યા પાછા. ભલે સાળ ખાલી દેખાતી હોય પણ એ બેઉ તો મોડી રાત લગી મંડી પડેલા તે મંડી પડેલા જ માલૂમ પડે.

થોડે દા’ડે રાજાને થયું, કેટલે પહોંચ્યું હશે જાદુઈ પોષાકનું. લાવ, મારી પડખેના માણસોમાંથી એક શાણા જણને રૂબરૂ મોકલું. જે એને સૂઝશે તે બીજાને નહીં સૂઝે. રાજાએ બરક્યા એક શાણા બુઝુર્ગ, આપણે એમને ડાહ્યાભાઈ પહેલા કહીશું, પુગ્યા સાળવીઓની સૃષ્ટિમાં ... ને રહી ગયા દંગ. વસ્ત્ર વણાતું દેખાતું નહોતું, પણ બેઉ ભાઈઓ હતા બરાબરના મંડી પડેલા, મચી પડેલા.

પેલા બેઉએ કહ્યું, જરી ઓરા આવો, મોટા. વણાટ તો જુઓ ધ્યાનથી, ને વળી રંગ ને ભાત પણ ! કેવાં રૂડાં સોહે છે. બુઝુર્ગ, ડાહ્યાભાઈ પહેલા સ્તો, જોયા કરે, જોયા જ કરે, પણ કશું દેખાય નહીં (કેમ કે હતું જ નહીં). ‘હાય રામ !’ એમણે વિચાર્યું, મનોમન - હું કૈં મૂરખ થોડો છું કે વસ્ત્રો ન દેખાયાંનું કહી ગેરલાયક ખપું, એમને’મ શાણા કહેવાતા હોઈશું ?

‘વારુ, સાહેબ !’ સાળ જોડે સજડબમ મચી પડેલા એક વણકરે પૂછ્યું : ‘બોલતા કેમ નથી ? આપને ગમ્યું કે નહીં ?’

‘અરે વાહ, બડું સોજ્જું ભાળું ને !’ ડાહ્યાભાઈ પહેલા નાક પર ચશ્મો સરખો કરી, આંખો લગરીક ઝીણી કરી બોલ્યા : ‘મજેના રંગ ને રઢિયાળી ભાત. આંગણેચીતરી ઓકળી જાણે વસ્ત્રે ચઢી. ઝટ જાઉં, રાજાજી કને ને કહું કે આહા ...’

‘પાડ તમારો’, બેઉ વસ્ત્રવીરોએ બુઝુર્ગને કહ્યું ને ઉમેર્યું કે કયા કયા રંગ વાપર્યા છે ને કેવી ભાત પાડી છે. ડાહ્યાભાઈ પહેલાએ કાન માંડીને સાંભળ્યું ને મનોમન મુખપાઠે કીધું જેથી રાજાજીને તંતોતંત નિવેદિત કરી શકાય. પેલા બેઉ કળાકેસરીઓએ એમની પાસેથી ઓર ચીનાંશુક ને સોનાદોર માગી લીધાં ને પોતાની પીઠ પરના થેલામાં ઠુંસ્યા … અને વળી ખાલી ખાલી સાળ પર કામની ધૂમ મચાવી.

આટલું સાંભળ્યે ધરવ ન થયો તે રાજાએ બીજું શાણું જણ મોકલી આપ્યું. ડાહ્યાભાઈ બીજા જોડે ય આપણા વસ્ત્રવીરો વણાટના વાગ્વ્યાપાર સાથે મંડી પડ્યા ને પૂછવા લાગ્યા : ‘કેમ પેલા વડીલને ગમ્યું’તું તેમ તમને પણ અમારું કામ ગમ્યું ને.’ ડાહ્યાભાઈ બીજા પણ મૂળે ડાહ્યા એટલે એમને થયું કે હું શાનો મૂરખમાં ખપું : ‘વાહ રે, મારા વસ્ત્રવીરો, આવું વસ્ત્ર થયું નથી ને થાવું નથી.’

નહીં દેખાતું દેખીને, બાવનબહારના તાનમાં, એ ય પુગ્યા રાજાજી રૂબરૂ. વસ્ત્રપટ વણાતું જોઈ આવ્યો છું. અતુલ ને અનન્ય.

છેવટે રાજોજી પંડે પધાર્યા, ડાહ્યાભાઈ પહેલાબીજા સહિત સૌ દરબારીઓ સાથે. એમને આવતા જાણી બેઉ વણાટબહાદુરો નકોનકો તાણે ચડી સાળકામમાં પ્રોવાઈ ગયા, નિજમાં નિમગ્ન ! અહા, શું એમના હાથનાં ઊંચકનીચક ને વળી પગની થીરક.

‘જુઓ, કામ કેવું આલા દરજ્જાનું છે ને !’ બેઉ ડાહ્યાભાઈઓએ ઠાવકાઈથી રાજાજીને કહ્યું, ‘વખાણને વળોટી જતા રંગો ને બેનમૂન ભાત !’ વાત કરતે કરતે લળી લળી સાળ ભણી આંગળી ચીંધીને બતાવે - જેમ અમને તેમ બાકીનાને પણ દેખાતું હશે એવી ખાતરીથી - છે ને સુંદર, અતિસુંદર ...

‘ભારે કહેવાય માળું !’ રાજાજીને મનોમન થયું, ‘મને કશું દેખાતું નથી ... શું હું મૂરખ છું ? રાજપદને લાયક નથી? ના, ના, એવું કદાપિ ન હોય.’ પદગૌરવને શોભીતો ખોંખારો ખાઈ મોંના ઘેરાની બહાર નીકળી જતા સ્મિતભેર બોલ્યા : ‘આવું સુંદર વસ્ત્રપટ, શું કહું એને વિશે ? અનન્યસુંદર ને અદૃષ્ટપૂર્વ !’ સૌ દરબારીઓ આ સાંભળીને ઉત્સાહી પ્રતિસાદ આપવા લાગ્યા, ગળું ને નજર બેઉ તાણીતાણીને ... અહાહા, કળા તારો શો ચમત્કાર, જે ન દીઠું તે દીઠું કીધું!

રાજાએ તત્કાળ વણનારાઓને ઇલકાબની નવાજેશ કરી ને કીધું કે હવે રાજસવારીનો દિવસ તરતમાં આવશે ત્યારે મને આ વસ્ત્રપટનો પોષાક તૈયાર જોઈએ. સવારીની આગલી રાતે તો બેઉ વીરલા જે મંડ્યા છે જે મંડ્યા છે. સોળ સોળ મોટા દીવા ગોઠવ્યા છે. નાજુક ટાંકાભરત સારુ રાતે ઉજાસ તો જોઈએ ને. કલાકે કલાકે રાજનોકર વારાફરતી આવે ને જુએ તો એક પા સાળ પરથી અદૃશ્ય વસ્ત્રપટ ઉતરે તો બીજી પા હવામાં કાતર ચાલે ને ટાંકા લેવાય, ટેભા લાગતા જાય ...

સવાર પડ્યે શુભ ચોઘડિયે દરબારીઓ સાથે રાજાજી સાળમુકામે પ્રગટ્યા તો એક વણાટવીરે નહીં દેખાતો પોષાક હાથમાં સાહી કહ્યું - જુઓ, આપસાહેબ સારુ આ અનેરી ઇજાર. બીજાએ પૂર્તિ કરી, અને આ રહ્યાં ખેસ, ઝભ્ભો વ. - ને હા, ઝુલ જોઈ ને. હાથમાં ઝાલી જુઓ. છે ને બિલકુલ હળવાં ફૂલ, જાણે છે જ નહીં એવાં હળવાં.

‘બિલકુલ !’ દરબારીઓએ એકી અવાજે જાદુઈ વસ્ત્રોને વધાવી લીધાં ! જો કે એમને એ દેખાતાં નહોતાં પણ આ વસ્ત્રો જાદુઈ હોઈ નહીં દેખાય એ વિશે હવે એમના મનમાં લગીરે શંકા નહોતી એટલે ઉત્સાહ અપરંપાર હતો.

સેવકોએ રાજાએ પહેરેલાં વસ્ત્રો ઉતારવા માંડ્યાં અને પેલા બેઉ કળાકારો એમને નવાં પહેરાવવા લાગ્યાં. બીજી પાસ, સેવકોએ એમને સવારીમાં શોભે એવા અલંકારો પણ પહેરાવવા માંડ્યા. જરા નવાઈ લાગે એવો ઘાટ તો હતો કે અલંકારો ઝળહળે અને વસ્ત્ર દીઠાં ન જડે. પણ હવે સર્વત્ર વાયક ફરી વળ્યું હતું કે વસ્ત્રો જાદુઈ હોઈ નરી આંખે એમનાં દર્શન થવાનાં નથી. વસ્ત્રો ન દેખાવાનું કારણ આપણી ગેરલાયકાત છે એ પૂર્વમાહિતીનું હવે કોઈ મહત્ત્વ જ નહોતું રહ્યું. જે પણ મહિમા ને જે પણ મહત્ત્વ તે સઘળું વસ્ત્રોના જાદુઈપણા વિશે જામી ગયેલું હતું જે.

ને એઈ સવારી જે નીકળી છે ! રસ્તાની બેઉ બાજુએ ને મહાલયોના ઝરુખે હકડેઠઠ સૌ રાજાજીને ફૂલડે વધાવતાં માંહોમાંહે વાત કરે છે, કહેવું પડે ... કેવો અનોખો પોષાક. આપણા જેવા સામાન્ય માણસનું તો શું બીજા રાજાઓનુંયે આવું નસીબ ક્યાંથી ! જાદુઈ વસ્ત્રોનો જયજયકાર એ એક જ વાત જાણે કે આ છેડેથી પેલે છેડે ચાલતી હતી.

એવામાં એક બાળક બચાડું, એને દુનિયાદારીનું ભાન નહીં ને વસ્ત્રોની જાદુઈ અનવસ્થાનો અહેસાસ નહીં, તે નહીં રહેવાયેથી બોલી ઊઠ્યું : ‘પણ રાજાજીના અંગ પર તો કશું નથી...’ ને વળી કહેવા લાગ્યું, ‘રાજા નાગો !’ ભરી ભીડમાં આ છેડેથી પેલે છેડે લાકડિયો તાર પુગી ગયો : ‘રાજા નાગો !’

પલટાતા માહોલ વચ્ચે રાજસવારી પળવાર અટકી ગઈ. રાજાને ય સહેજસાજ ખટકો થયો કેમ કે એ જાણતો’તો કે બાળક સાચો છે. જો કે ખટકો થયો ન થયો અને એને સમજાઈ રહ્યું કે હવે તો સવારી આગળ ચાલે એમાં જ સાર છે, કેમ કે વસ્ત્રો જાદુઈ હોવાની વાત તો પહેલી પળથી જ સર્વસ્વીકૃત બનેલી છે. સવારી આગળ વધી, રાજાના સેવકો નીચા લળી લળી નકો નકો લેબાસની નકો નકો ઝુલને ભોંય પરથી ઊચકવા લાગ્યા ને જાદુઈ વસ્ત્રોનો જયજયકાર થઈ રહ્યો ...

* * *

હવે દસવીસ વરસ, અને હાન્સ ક્રિશ્ચન એન્ડરસને આ પરીકથા લખ્યાને બસો વરસ થશે. જો કે એનાં મૂળિયાં તો સૈકાઓ પુરાણાં છે, પણ વિશ્વવિશ્રુત તો હાન્સે લખી તે જ છે. આ દિવસોમાં તે સંભારવાનું કારણ અલબત્ત રાજાની જે વિશિષ્ટ વસ્ત્રાવસ્થા એમાં નિરૂપાઈ છે એ છે. નિર્દોષ બાળક, કેમ કે તે આ લખનાર અને આપ વાંચનાર પેઠે ડિગ્રીફુલવેલ ખાસું ભણેલ ને વળી ઊંચી પાયરીએ બેઠેલ નથી એથી વિશિષ્ટ વસ્ત્રાવસ્થાને સરળતાથી બોલી બતાવે છે.

તો થઈ વાર્તા કે પરીકથા પૂરી, તમે પૂછશો. ના, ભાઈ, છેક ૧૮૩૭થી એટલે કે આ પરીકથા પ્રગટ થઈ તે દી’થી દેશ દેશના સુજ્ઞ વિવેચકો કહેતા આવ્યા છે કે એ પૂરી થાય છે ત્યાંથી જ ખરેખર શરૂ થાય છે. કારણ, એ કોઈ રસમી પરીકથા નથી. રૂપાળી રાજકુંવરી, એની ખોવાયેલી સોનેરી મોજડી, વનવગડેથી તે શોધતો ને વળી ખાબકતો સાહસસોહામણો રાજકુમાર, અને મહીં ડખો કરતી વંતરી, એવા એવા જાથુકી પરીકથાલાયક પ્રોપ્સ કરતાં અહીં કાંક જુદું જરૂર છે.

અલબત્ત, પૂરી થાય છે ત્યાંથી જ શરૂ થાય છે એ તો કહેવાની એક રીત છે. વાતનો માયનો એટલો જ છે કે એમાંથી કશુંક વિશેષ વંચાય છે અગર વાંચવાપણું છે. અહીં આપવો જ હોય તો જ્યોર્જ ઓરવેલનો હવાલો આપી શકાય કે એણે ‘એનિમલ ફાર્મ’ લખી ત્યારે શરૂશરૂમાં જોડેલું ઉપશીર્ષક ‘અ ફેરી ટેઇલ’ (‘એક પરીકથા’) એવું હતું. ‘એનિમલ ફાર્મ’ કહેતાં પશુરાજ્ય કે જનાવરવાડીની આખી દાસ્તાંમાં હું અહીં નથી જતો. પણ પશુઓ એકત્ર મળીને રાજકીય સંરચના નિપજાવવા જાય છે અને તેમ કરતાં એક ભુંડ સર્વેસર્વા બની જાય છે એવી વાત એમાં છે. રૂસી ક્રાન્તિ સ્તાલિનશાહીમાં પરિણમી એની એ ઓરવેલઝીલી ભારઝલ્લી છબી છે. પોતે એને ક્યારેક પરીકથા કહેવાની ચેષ્ટા કરી હશે, પણ ઓરવેલની સાહેદી છે કે રાજકીય ને કળાકીય બેઉ હેતુ જેમાં એકીકૃત પેશ આવે એવી વાર્તા લખવાની મારી કોશિશ હતી.

રાજાનાં નવાં (જાદુઈ) વસ્ત્રો અને ‘એનિમલ ફાર્મ’ (‘અ ફેરી ટેઇલ’) બેઉ અનાયાસ એક સાથે સંભારવાનું બન્યું એટલે એટલું તો સહજ સમજાય છે કે આપણે ઓરવેલની પેઠે એન્ડરસનની રાજકીય સભાનતા બાબતે ભલે જાણતા ન હોઈએ પણ જેમ ‘એનિમલ ફાર્મ’માં તેમ આ પરીકથામાં પણ રાજ્યકર્તાઓ, રાજ્યતંત્ર અને નાગરિકો વિશે ચોક્કસ ટિપ્પણી વાંચવાને અવકાશ છે.

આ ટિપ્પણી વાંચવામાં ઉપયોગી થાય એવી એક વિગત એન્ડરસનની જીવનરેખામાંથી ટાંકું ? નાનપણમાં એણે રાજા વિશે ખાસું સાંભળેલું. પણ એક દિવસ રાજાની સવારી જોવાનું બન્યું ત્યારે કોઈ એવી મોટી છાપ ના પડી. ‘ઓય મા’, એને થયું : ‘આ તો માણસ જેવો જ માણસ છે !’ રાજા તે જાણે અધ્ધરથી આવેલ કોઈ દેવદીકરો એવું જે ચિત્ર ત્યારે ભુંસાઈ ગયું તે આ પરીકથામાં ઝિલાયેલું છે. જેનાથી તમારે દબાયેલા ચંપાયેલા, આંખમીંચેલા જીવનભર હીંડવાનું છે એવી કોઈ મહાઘટના એ નથી. રાજાના નકો નકો વસ્ત્રની જે કથા પુખ્ત એન્ડરસને માંડી એમાં બાલ્યકાળની આ કેમ જાણે સાક્ષાત્કારક પ્રતીતિ પડેલી હશે.

તરણા ઓથે રહેલો ડુંગર સહસા પ્રત્યક્ષ થવાની, કહો કે મોહભંગની આ કથા છે. પ્રશાસનને બદલે પરિધાનમાં રત ને રમમાણ રાજાને જાદુઈ વસ્ત્રોનું વાસ્તવ સમજાય છે તે પછી પણ રાખવાપણું લાગે છે. લોક ને દરબારીઓ પણ એ જ લોલે લોલમાં સામેલ થઈ જાય છે. રાજ ચાલુ રહે છે, પેલા બે વસ્ત્રવીરો કળાનું ધુપ્પલ ચલાવી તગડા બની શકે છે, દરબારીઓ ને પદવીધારીઓ જેમના તેમ, બિલકુલ રાબેતો ! બાળક સાચું બોલ્યો તો બોલ્યો, સરકાર જેમની તેમ જારી છે. આખી આ જે અનવસ્થા, એ બીજી રીતે મૂકીએ તો કેવી છે ? રાજાના અંગ પર વસ્ત્રો છે કે કેમ તે બાબતે સૌ અજ્ઞાન છે, પણ સૌ પાછું માને છે કે મને ભલે ખબર નથી પડતી, પણ બાકી સૌ અજ્ઞાન નથી.

વિશ્વસંદર્ભમાં છેલ્લા ગાળામાં અહીં થતું સ્મરણ પર્યાવરણસિપાહી, સોળ વરસની ગ્રેટા થુનબર્ગનું છે જેણે રાજકારણીઓને અને રાજકારભારીઓને સરાજાહેર કહ્યું હતું કે તમે વિજ્ઞાન અને વિજ્ઞાનીઓને સાંભળતા નથી કેમ કે તમને તો જાણે કશું બન્યું નથી એ રીતે તમારો ધંધોધાપો જેમનો તેમ ચાલુ રહે એવા ગોઠવી રાખેલા જવાબોમાં જ રસ છે.

આપણે ન્યૂ નૉર્મલ કહીશું આને ? ગમે તેમ પણ, હાન્સદાદાની સાખે આ થોડા સ્ફુટ વિચાર, રાજાની વિશિષ્ટ વસ્ત્રાવસ્થા અંગે વિશ્વવાઇરલ પદ્ય નિમિત્તે.

* *

પ્રગટ : ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું મુખપત્ર - “પરબ”, જૂન 2021; પૃ. 07-11

સહૃદય આભાર : કેતન રુપેરા - યુનિકોડ ફોન્ટમાં ફેરવવાની સહાય 

Category :- Opinion / Opinion