ગંતવ્ય

રૂપાલી બર્ક
10-06-2021

ઊબડખાબડ વાંકાંચૂકાં
લાંબાટૂંકા રસ્તે
નાઝરૅથથી
બૅથલૅહૅમ ભણી
અપાર આકાશ
અફાટ ભૂમિ
પિતાની મજબૂરી
માતાની લાચારી
ને માના પેટમાં રહી
ગધેડાની તમારી સવારી.
ફરમાન વસ્તી ગણતરીનું
ને ટાણું તમારું જનમનું
હજારો હાંફળાફાંફળા
રોકાવવા ઠેકાણું શોધે.
આજે અહીં  કોવિડ ટાણે
સારવાર માટે
એક દવાખાનાથી
બીજા દવાખાને
દિલમાં લઈ આશા
દર્દીનાં સગાં
ખટખટાવે દરવાજા :
“જગા નથી, બીજે જાવ …”
ત્યારે ત્યાં એવો જ ઘાટ હતો ને?
નહીં તો શું કામ લેવો પડ્યો હોત
ગમાણમાં જન્મ તમારે?

e.mail : [email protected]

Category :- Poetry